વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અનોખી બચત

છઠ્ઠા ધોરણમાં ભણતી પાખી આજે  શાળાએથી ઘરે આવી ત્યારથી કોઈ વિચારમાં ખોવાયેલી હતી. મમ્મીએ પૂછતાં જણાવ્યું,  "આજે અમને શાળામાં વિજ્ઞાન શિક્ષકે જળચક્ર અને વરસાદી પાણીનાં સંગ્રહ વિશે સમજાવ્યું. આપણી સોસાયટીમાં જળસંચય વ્યવસ્થા થઈ શકે?" આ સાંભળી  મમ્મીને વિચારમગ્ન જોઈ,  તે બોલી,  "મમ્મી, તારું નામ નૈસર્ગી અને કામ પણ પર્યાવરણ ઈજનેરનું, તો તને આ વિચાર ક્યારેય ન આવ્યો?"


મમ્મીએ તેને વહાલ કરતાં જણાવ્યું, "બેટા પાંચેક વર્ષ પહેલાં મેં આ વિચાર સોસાયટીનાં સભ્યો ને જણાવ્યો હતો, પરંતુ સૌને તે પૈસાનો વ્યય લાગ્યો. એ સમયે ચેરમેને કહ્યું કે સોસાયટીમાં કોઈ એક જણ પણ તમારાં સહકારમાં હશે, ત્યારે આ વિશે કંઈક નક્કર પગલાં લઈશું."


બીજા દિવસે ચેરમેન દ્વારા તાબડતોબ બોલાવેલ મીટિંગમાં પાખી અને તેનાં સોસાયટીનાં મિત્રોએ  વરસાદી જળસંચય વિશે પ્રેઝન્ટેશન કરી અસરકારક સમજૂતી આપી. અંતમાં પાખીએ કહ્યું, "વરસાદી જળસંચય વર્ષો જૂની પધ્ધતિ છે. જૂના સમયમાં પોળનાં ઘરોમાં તેનાં માટે મોટાં ટાંકા બનાવતાં અને એ જ પાણી વાપરતાં. અત્યારે કાયદા પ્રમાણે નવાં બાંધકામોમાં વરસાદી જળસંચય માટે પર્કોલેશન વેલ ફરજિયાત છે. બધાંને ખબર છે ને કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે જ હશે.  વરસાદી પાણી ગટરમાં જાય એનાં કરતાં જળસંચય થાય એ સારું કે નહીં?"


પાખીની વાત સાંભળી સભ્યોએ ભવિષ્યની પેઢી માટે આ અનોખી બચતનાં નિર્ણયને વધાવ્યો અને નૈસર્ગીની આંખો છલકાઈ ઊઠી.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ