વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રક્તધરા

રક્તધરા

----------

જાણે કે હથેળીએથી રક્ત નીતર્યું.

બારી બહાર જરા સરખો હાથ લંબાવ્યો

ત્યાં હથેળીએથી રક્ત નીતર્યું.

 

એ વરસતો રહ્યો

મુશળધાર, અનરાધાર.

વરસતું હતું એ પ્રવાહી હતું, પાણી નહિ.

ઘટ્ટ, રાતું પ્રવાહી.

 

જોયું તો, શું જોયું?

 

હથેળી લાલ

રક્તગંધ પ્રસરાવતો સમીર લાલ

રક્તભર્યા ગુબ્બારા જેવાં વાદળાં લાલ

સમગ્ર આસમાન લાલ

જાણે કે રક્તની રેલમછેલ

 

મડદાં ઝીલીને અપવિત્રા બનેલી ગંગા લાલ

રક્તધારા વહેવડાવતાં ઝરણાં લાલ

જોગીઓ જેવા જિદ્દી ખડકો લાલ

રક્તરંગી નીર પીતાં હરણાંની આંખ લાલ

વિરુદ્ધ દિશામાં ઉડતાં પારેવાંની પાંખ લાલ

ઘાસ લાલ, વનસ્પતિ લાલ, સમગ્ર ધરા લાલ

કોણે વિખેર્યા સર્વત્ર આ રંગ લાલ?

કોણે પૂર્યો ધરતી પર આ રંગ લાલ?

 

સરહદે કેટલું રક્ત રેડાયું!

કોમી રમખાણોએ શું પાણી વહાવ્યું?

ક્યાં ગયું એ રક્ત?

જમીન સોંસરવું ઉતર્યું; પાતાળજળમાં ભળ્યું.

 

આક્રોશ-અદેખાઈનો થયો વિસ્ફોટ

ને થયું રક્તજળ બાષ્પ.

લાલ વરાળ આકાશે ઉડી,

ક્રોધ-લાલસાનો જુવાળ ફાટ્યો,

જાણે કે રક્તવાદળ ફાટ્યું.

એ વરસ્યો ધોધમાર

ને નીતર્યું રક્ત ધરા પર.

 

બની મારા હૃદયની હરિત

વસુંધરા રક્તધરા.

 

શું હતાશાએ એટલી તને ઘેરી હતી કે

જતી રહી તું ખુદની જ નાડ કાપીને?

એ રક્ત હજીયે છે મારી હથેળીએ...

--*--*--*--

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ