વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લવ જેહાદ

એક તરફ પ્રેમ છે અને બીજી તરફ વિવાદ છે.હિંદુ મુસ્લિમ ભાઈ ભાઈના ચુંટણીમાં નારા વાગે છે હરહંમેશ પછી જ્યારે કોઈ મુસ્લિમ હિન્દુ વ્યક્તિના પ્રેમમાં પડી તેની સાથે લગ્ન કરે તો એ લવ મેરેજ નહિ પણ લવ જેહાદ કેમ છે?


ભારતનો રંગ માત્ર ભગવો જ ક્યારેય ન બની શકે કારણકે ભારત તો રંગબેરંગી છે. ભારત કોઈ એક ધર્મની જાગીર ન બની શકે કારણકે ભારત જુદા જુદા ધર્મોથી રચાયેલો એક દેશ છે. એજ તેની ભિન્નતા છે. ભારતમાં ધર્મનું રાજ્ય નહિ ઇશ્વરનું રાજ્ય આવવું જોઈએ. જ્યાં સુધી ભારતમાં ધર્મનું રાજ્ય છે ત્યાં સુધી ભારતભૂમિ લહુ લુહાણ થતી જ રહેશે. પરંતુ જ્યાં ઈશ્વર કેન્દ્રસ્થાને હશે, જ્યાં ઇશ્વરનું રાજ્ય હશે ત્યાં માનવતા ખીલી મ્હેકી ઉઠશે.


જેહાદ શબ્દનો અર્થ થાય છે, ઝુંબેશ, ધર્મયુદ્ધ, ધર્મયુદ્ધમાં ભાગ લેવો, ઝુંબેશ ચલાવવી, સ્વીકૃત અનિષ્ટ સામેનાં ચળવળ કે આંદોલન.


જેહાદનો ઈસ્લામિક દ્રષ્ટિકોણથી અર્થ થાય છે,

એક ધાર્મિક ફરજ તરીકે ઇસ્લામ વતી લડવામાં આવેલ એક પવિત્ર યુદ્ધ, કોઈ સિદ્ધાંત અથવા માન્યતા માટે ક્રૂસેડ.


પરંતુ આજકાલ ધર્મના નામે આ જેહાદ કોણ ફેલાવી રહ્યું છે? આદિત્ય યોગીનાથને કે કોઈ બીજા નેતાઓને ઓકસીજન વગર મરતા દેશને કે આર્થિક રીતે પાયમાલ થયેલી પ્રજાને જોઇને કોઇ દુઃખ નથી થતું. પરંતુ કોઈ મુસ્લિમ વ્યક્તિ કોઈ હિન્દુ યુવતીને પરણે તે વાત સાંભળીને જ તેમને ધર્મનો આઘાત લાગી જાય છે.


આવા ધાર્મિક આંધળા નેતાઓને પોતાના જ રાજ્યમાં મેડિકલ ફેસિલિટી, ઓકસીજન, વેન્ટિલેટર, દવાઓ અને ઈન્જેકશનની અછતની કે કોરોના વખતે બીજી કોઈ જ સમસ્યા દેખાતી નહોતી. પરંતુ કોઈ હિન્દુ મુસ્લિમ એકબીજાના પ્રેમમાં પડી લગ્ન કરે તો એ તેમના માટે સૌથી મોટી રાષ્ટ્રીય સમસ્યા બની જાય છે. અત્યારે પણ આદિત્ય યોગિનાથ માટે જો દેશની સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો એ સમસ્યા લવ જેહાદની છે. કોરોનામાં મેડિકલ ફેસિલિટી વગર માણસ ભલે મરી જાય પણ હિન્દુ મુસ્લિમ એક ન થવા જોઈએ.


આ લવ જેહાદની આંધળી ધાર્મિક ચળવળ કે ઝુંબેશ શરૂ કરીને શું યોગીજી પોતે પણ જેહાદી નથી બની ગયા! લોકો મરી રહ્યા હતા ત્યાં ભર કોરોનામાં યોગીજીએ પોતાનો અંગત ધાર્મિક જેહાદ શરૂ કરી દીધો. યોગીજી જેવા ઘણાં નેતાઓ માટે પોતાના ધર્મનો ઝંડો લહેરાવવો એજ સમસ્યા છે બાકી પ્રજા ભૂખે મરે તેમાં તેમને કોઈ દુઃખ કે શોક થતો નથી.


સિક્કાની બીજી બાજુ જોઈએ તો પ્રેમના ઓથા હેઠળ કોઈનો જબરદસ્તી કે ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવી શકાય પણ તેનું મન પરિવર્તન અશક્ય છે! જ્યાં સાચે જ પ્રેમ છે ત્યાં સ્વતંત્રતા છે, ત્યાં કોઈ બંધન નથી. કોઈપણ પ્રકારના ધાર્મિક અંધ જેહાદમાં પ્રેમ હોતો જ નથી.


જ્યાં લવ નથી ત્યાંજ જેહાદ છે, પ્રેમના નામે ધર્મનો આ આંધળો પ્રકાર છે!


ઘણાં ધર્મ ઝનૂનીનીઓ પ્રેમના નામે ધર્મ પરિવર્તન કરાવે છે જે સંદતર ખોટું છે. બે જુદાં જુદાં ધર્મની વ્યક્તિઓ એકબીજાના પ્રેમમાં પડી લગ્ન કરી શકે છે અને પોતાની મરજીથી તે બીજા વ્યક્તિનો ધર્મ સ્વીકારી પણ શકે છે. ભારતનું બંધારણ દરેકને તે અધિકાર આપે છે.


પરંતુ ધર્મ અને કટ્ટરતાના નામે ખોટા આશયથી કોઈપણ વ્યક્તિની ફોસલાવી અને લલચાવી લગ્ન બાદ તેનો બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાવવો તે અયોગ્ય છે. આવી બાબતો રોકવા માટે કાયદો હોય તેમાં કશું ખોટું નથી પરંતુ આ કાયદાનો દુરુપયોગ કરી જુદા જુદા ધર્મમાંથી આવેલા બે પ્રેમીઓને અથવા લગ્ન કરી લીધાં હોય તેવા બંને જુદા જુદા ધર્મની વ્યક્તિઓને છુટા પાડી શકાય નહિ. જે આજકાલ ઉતરપ્રદેશના અને બીજા અન્ય રાજ્યોમાં પણ થઈ રહ્યું છે. કાયદાની આડમાં કેટલાંક જુદા જુદા ધર્મના વિવાહિત જોડાઓને ધાર્મિક સંગઠનો ધર્મના નામે જુદા કરી રહ્યા છે.


કેટલાંક મુસ્લિમ યુવકોને લવ જેહાદના ખોટા કેસમાં ફસાવી તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે. કેટલાંક મુસ્લિમ યુવકો પર હિન્દુ યુવતીને પ્રેમના નામે ફોસલાવી તેનો બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાવવો અને તે યુવતીને વૈષ્યા વૃત્તિમાં ધકેલવાના, તેના પર બળાત્કાર કરાયાના જુઠ્ઠા આરોપ લગાવી તેમને જેલમાં પૂરવામાં આવ્યા છે. તમે લવ જેહાદના નામે ન્યુઝ સર્ચ કરો તો તમને આવા કેટલાય કેસ જોવા મળશે.


ભારતના ગર્ભમાં ધર્મ અને ધર્મના નામે કટ્ટરતાનો ગૂંચવાડો અને આક્રમકતા ખૂબ મોટા સ્વરૂપમાં છે. આજે ભારતની આખી જ સિયાસત ધર્મ પર નભી રહે છે. તેમાં કેટલાંક ધાર્મિક કટ્ટર રાજકારણીઓની ભારતને હિન્દ્દુ રાષ્ટ્ર બનાવવાની ઘેલછાએ ગંદી કૂટનીતિ, ફૂટનીતી અને રાજકારણે ફરી આ લવ જેહાદનો ફણગો સળગાવ્યો છે.


ભારતની ધાર્મિક ભૂમિ પર આજકાલ ફરી ફૂંફાડા મારતો આ ફણગો હવે રોજબરોજ અખબારો અને ન્યુઝ ચેનલો પર ચર્ચા અને વિવાદનો મુદ્દો બની રહ્યો છે.


લવ જેહાદના નામે તનીશ્કની જાહેરાતનું અકાળે મૃત્યુ પામવું અને માફી માંગવી પણ યાદ જ હશે.


આજકાલ એકદમ જ જાણે એક પછી એક અખબારોમાં લવ જેહાદના કિસ્સાઓ પ્રગટ થવાં લાગ્યાં છે જે અત્યાર સુધી નિરાંતે સૂતાં હતાં. પંરતુ આદિત્ય યોગીનાથે જેવો આ મધપૂડો છંછેડયો કે તરત જ ચારેબાજુ લવ જેહાદની ચર્ચાઓ શરૂ થઈ ગઈ.


ભારતમાં કેટલાંક નેતાઓ અને હિંદુ સંગઠનો હિન્દુત્વના નામે બેફામ થઈ ગયા છે. જુદાં જુદાં ધર્મમાંથી લગ્ન કરી એક થયેલા જોડાઓ આવા સંગઠનોથી ભયભીત થઈ લપાતા છુપાતાં ફરે છે.  ભારત ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે એવું કહેવામાં આવે છે.પણ હકીકતમાં એવું છે ખરું?


ભારતના કણ કણમાં હવે તો જાણે ધર્મ વસેલો છે. ધર્મ, નાતજાત, ઊંચનીચ, રંગભેદ, લિંગભેદ, અસમાનતા તે ભારતની સૌથી મોટી અને ઊંડી જડ ઘાલેલી સમસ્યાઓ છે. વ્યકિત ગમે તેટલો વિકસિત કે વિચારશીલ હોય કે એજ્યુકેટેડ હોય પરંતુ જ્યાં જ્ઞાતિ નાતી કે ધર્મની વાત આવે ત્યાં વ્યક્તિ ઠેરનો ઠેર જ છે.


માણસની ગળથૂથીમાં જ આ ઊંચનીચ અને ધર્મ વણાઈ ગયો છે. ધર્મનું નામ આવે ત્યાં ભાઈ ભાઈનો નથી, ના મિત્ર મિત્રનો. બહુ ઓછાં લોકો બીજા વ્યક્તિને તેની પોતાની માન્યતા, ધર્મ કે જ્ઞાતિ સાથે સહજતાથી સ્વીકારી લેય છે. કદાચ મિત્ર તરીકે વ્યક્તિ કોઈ પણ બીજા ધર્મ કે જ્ઞાતિના વ્યક્તિને સ્વીકારી પણ લેય પરંતુ જ્યારે વાત લગ્નની આવે ત્યારે કોઈ પોતાની દીકરી કે દીકરો વિધર્મી કે જે જ્ઞાતિને પોતે નીચે સમજતા હોય ત્યાં નથી આપતો. જ્ઞાતિ,ઊંચનીચ તથા ધર્મના નામે ઓનર કિલિંગમાં કેટલાય પ્રેમીઓને પોતાના ઘરમાં અને જાહેરમાં પણ રહેંસી નાખવામાં આવ્યા છે. ઊંચનીચ, જાતિ, ગોળ, પરગણાના નામે વિરોધ પેઢીઓથી ચાલતો આવ્યો છે.


ભારતના મૂળમાં casteism છે. લવ જેહાદનો ઝંડો લઈ ફરતાં હિન્દુ સંગઠનોએ પોતાના જ ધર્મમાં ઝાંખીને પહેલાં જોવું જોઈએ. પોતાની આંખો પરથી ધાર્મિકતાનો આંધળો પાટો ખોલી પહેલા પોતાના જ ઘરનું સત્ય જોઈ લેવું જોઈએ. હિન્દુ ધર્મમાં જ જાતપાત અને ઊંચનીચના ઘણાં મોટા ડુંગરો છે. હિન્દુ ધર્મમાં હજુ પણ નર્યા ભેદભાવ છે. દલિતોની હાલત હજુ ભારતના કેટલાય રાજ્યોમાં દયનીય છે. દલિતો પર થતાં અત્યાચાર અને ભેદભાવ એકવીસમી સદીના સો કોલ્ડ વિકાસશીલ ભારતમાં હજુપણ યથાવત છે. હજુ પણ ગામડાઓમાં ઉચ્ચ જ્ઞાતિના લોકો પોતાના મંદિરમાં દલિતોને પ્રવેશવા દેતા નથી. ઉચ્ચ જ્ઞાતિ લોકો હજુ દલિતોને પોતાના ખાટલે બેસવા તો શું પણ આંગણે પણ પ્રવેશવા નથી દેતા. દલિતો વાજતે ગાજતે જાન કાઢી નથી શકતાં. દલિત યુવક હજુ પણ કેટલાય રાજ્યોમાં ઘોડા પર બેસી જાન કાઢી ગામમાંથી જઈ શકતો નથી. શું આ સમાચારો રોજ બરોજ અખબારોમાં નથી ચમકતાં?


જે હિન્દુ સંગઠનો અને સરકાર લવ જેહાદના નામે આટલી સજ્જડ રીતે જાગી છે તે વર્ષોથી દલિતો પર થતાં નિર્દયી અત્યાચાર પર ચૂપ કેમ છે?


રંગભેદ નીતિનો કડવો ઘૂંટ ગાંધીજીએ પણ પીધો હતો. બાબા સાહેબ આંબેડકરનું સમગ્ર જીવન આ જાતપાત, ઊંચનીચના સંઘર્ષથી વણાયેલું અને હોમાયેલું  છે.તેઓ જીવ્યા ત્યાં સુધી નીચલી જાતિ અને સ્ત્રીઓના અધિકાર માટે લડ્યા અને બંધારણ ઘડીને તેમણે સમાનતાના હકો અપાવ્યા. પણ આજે કહેવાતા લોકતંત્રમાં બંધારણમાં પણ આડેધડ સુધારા થઈ રહ્યા છે.


આજે ભારતમાં લોકશાહી છે તેવું પણ પૂરા વિશ્વાસ અને દ્રઢતાથી કહી શકાય એમ નથી.તમે સરકાર વિરુદ્ધ અને હિન્દુ ધર્મ વિરુદ્ધ કંઈ પણ વિરોધ કરો તો તરતજ તમારી બોલતી બંધ કરી દેવામાં આવશે. કેટલાંય પત્રકારોને પોતાના નિષ્પક્ષ રિપોર્ટિંગ અને સરકારી નીતિ વિરુદ્ધ સવાલો પૂછવાના લીધે જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે. હજુય કેટલાય જેલમાં સડી રહ્યા છે ત્યાં સુધી કે યુવતીઓ અને સ્ત્રીઓને પણ બક્ષવામાં નથી આવી.


વાત લવ જેહાદની હોય કે Citizenship Amendment Act(CAA) ની હોય કે The National Register of Citizens Bill( NRC) હોય તેના મૂળમાં મુખ્ય મુદ્દો હંમેશા ધર્મ બની જાય છે! અને ધર્મના નામે હુલ્લડો, દંગા, અત્યાચાર અને ઝનુનીયત થયા જ કરે છે.


જાત પાત અને ધર્મના નામે અહીં ભાગલા પડાય છે. અહીં મુદ્દો કોઈ પણ હોય પરંતુ આખરે તેને ધર્મ તરફ વાળી દેવાય છે. આ ગંદી રાજનીતિ છે કે, એવું કહી શકાય કે ભારત એક ધર્મ ઝનૂની દેશ બનવા તરફ જઈ રહ્યો છે કે પછી ભારત ધર્મ ઝનૂની દેશ છે જ!


અહીં દરેક પ્રશ્ને અને વાતે ધર્મ વચ્ચે આવી જાય છે. અહી માત્ર શું એક જ સંપ્રદાય જેહાદના નામે ઝનૂની છે? શું હિંદુત્વ ખતરામાં છે તે સ્લોગનની આડાશમાં બીજા કેટલાંય જેહાદ દેશમાં સળગ્યા નથી?


આજે લવ જેહાદ તો આવતી કાલે બીજો કોઈ મુદ્દો હશે. પણ તેના મૂળમાં ધર્મ જ મુખ્ય હશે. જ્યાં કોઈ જ પ્રશ્ન ના હોય ત્યાં ધર્મ પ્રશ્નો ઉભા કરશે. બંને તરફ આગ સરખી જ છે. ધર્મના નામે જેહાદ અહીં હંમેશા લાજમી છે. અને આવા જેહાદનો હિસ્સો આપણે ના બનવું જોઈએ.


આજે મોંઘવારી આભે અડી ગઈ છે. પેટ્રોલ, ડીઝલ, તેલ, ગેસ સિલિન્ડર, અનાજ , શાકભાજી ,ફળ કે દૂધ હોય. દરેક વસ્તુના ભાવ ઊંચા છે. કોરોના બાદ દરેક વ્યક્તિ આર્થિક સંકડામણમાં જીવે છે. જ્યાં ખાવાના અને જીવવાના અત્યારે ફાંફાં છે. ત્યાં સુધી કે કોરોનામાં મરણ થયેલા પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર કરવાના પણ કેટલાય પાસે પૈસા નહોતા. ત્યાં આપણે ભાજપ, કોંગ્રેસ અને આપમાં ડીવાઈડ થઈ ગયાં છીએ. આ ભાજપ, કોંગ્રેસ કે આપ હોય, આમાંથી કોણ આપણું ઘર ચલાવે છે?


શા માટે આપણે પણ સોશિયલ મીડિયા પર ધાર્મિક અંધ એવા નેતાઓની રાજનીતિનો હિસ્સો બની જેહાદી બની રહ્યા છીએ?શું આપણે પણ પક્ષાપક્ષી, હિન્દુ મુસ્લિમના ભાગલામાં ભાગ ભજવી, કેટલાંક નેતાઓની અંધ ભક્તિ કરી, ખુદ જ તેમને ધાર્મિક હુલ્લડો કે લવ જેહાદ જેવી આંધળી ઝુંબેશો ચલાવવાનો અને આપણા ખુદ પર જ અત્યાચાર કરવાનો રસ્તો નથી કરી આપતાં?


જ્યાં આજે દરેક માણસ પરેશાન છે ,બેહાલ અને બધી જ રીતે બદહાલ છે ત્યાં આવા ધર્મના નામે દેશનું પતન કરતાં લોકોને આપણે શા માટે સપોર્ટ  કરવો જોઈએ?


ભારતની પ્રજાએ હવે ખરેખર આવા અંધ જેહાદ અને જેહાદીઓથી જાગી જવું જોઈએ. રોજબરોજ સામાન્ય માણસોનું જીવન કપરું અને વધુ કપરું બનતું જાય છે. કોરોનાની પહેલી લહેરથી કશું જ ન શીખેલી સરકાર અને પ્રજા બન્નેએ કોરોનાની બીજી લહેરનું ઘાતક અને આઘાતોથી ભરેલું રૂપ જોઈ લીધું છે. આમ જનતાની કમર અને હ્રદય બંને તૂટી ગયેલાં છે. ત્યાં આવા ધાર્મિક મુદ્દાઓ સળગાવતા નેતાઓથી ચેતવું જોઈએ અને પરસ્પર લડી મરવું જોઈએ નહિ. સોશિયલ મીડિયા પર એકબીજાને ધાર્મિક મુદ્દાઓ પર કમેન્ટ કરતાં પહેલાં વિચારવું જોઈએ. આંખે પાટા બાંધી કોઈ પણ પક્ષની અંધ ભક્તિ કરવાથી આપણું શું ભલું થાય છે તે પહેલાં વિચારવું જોઈએ.


ઈશ્વર ના કરે ને જો કોરોનાની ત્રીજી વધુ ઘાતક લહેર ભારતમાં આવી જેની આગાહી વારંવાર અપાઈ રહી છે, તો તે ભોગવવાનો વારો આમ જનતાને જ આવશે. જો ઈશ્વર ન કરે ને કોરોનાની ત્રીજી લહેર જો ભારતમાં આવી તો આપણી શું દશા થશે તે વિચારવું જોઈએ. સરકારના ધર્મના ચોંચલાને એકતરફ ફેંકી સવાલ કરવા જોઈએ કે ત્રીજી લહેર અને વધતી જતી મોંઘવારી માટે શું ઉપાયો છે સરકાર પાસે. 


ખરેખર તો આપણે હવે જાગી જવાની જરૂર છે. એકબીજાથી વિભાજિત થયાં વગર એકબીજાની પડખે ઊભા રહી જે તે સરકાર અને નેતાઓની સામે પડવાની જરૂર છે. ખોટી નીતિઓ સામે વિરોધ નોંધાવવાની જરૂર છે, નહિ કે ધર્મની વાત આવતા એકબીજા સામે જ લડવાની!


સાચો પ્રેમ જીવન ભર ટકી રહેશે પણ ધર્મના ઢોંગ  લાંબો સમય ટકી શકતો નથી.


એક જેહાદ, એક ચળવળ ,એક ઝુંબેશ એવી પણ થાય કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ખરેખર એકબીજાના ભાઈ અને પાડોશી થાય! ભારત દેશની પ્રતિજ્ઞા ખાલી ખાલી બોલાય જ નહિ પણ અસલ જિંદગીમાં જીવાય પણ ખરી. બંધુતા, સમાનતા અને એક્યતા વાતોમાં જ નહિ એકબીજા માટે એકબીજાના હ્રદયમાં પણ હોય!





   


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ