વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરસાદની કવિતા

 

વેરાન નિર્જન ધરતી,
બળતી સૂર્યતાપે, ધોમ ધખતી,
ઉડતી ધૂળની આંધી,
દોડતો પવન,
કોરું ભાશે નીલ ગગન.

ત્યાં અચાનક અનાયાસે
આવી કો ઠંડી લહેર,
ડોકાયો ક્ષિતિજે શામેલ મેઘ,
દોડ્યા અશ્વના ટોળાં,
ધડક ધડક ધબકતું હ્ર્દય,
ઉત્કંઠ ધ્રુજતું વદન.

ઘટાટોપ કેશકલાપ,
વિખરાયેલા વાળનો છાંયો,
શ્યામલ થયું નીલ ગગન.

ઉતરી આસમાનથી ચૂમવા, વાદળી તે,
સીત્કાર થયો, વીજળી ચમકી,
મેઘ ધરા નું મધુર મિલન,
પ્રેમ સીંચેલી ભૂમિ પર
ખીલી ઉઠ્યું લીલું ઉપવન.

જોઈ સજળ નેત્ર પ્રિયાને
ઊડી જતો મેઘ બોલે
"જરા જો તો પ્રિયે,
વીંટળાઈ વળ્યો છે સ્નેહ મારો,
થઇ ને લીલુડી જાજમ,
ઉગ્યું, નાના ખાબોચીયે, મારી યાદો નું કમળ
આલિંગન આપશે તને,
નહિ બળવા દે સૂર્ય તાપે.

અને પ્રિયે,
ફરી જો લાગે તરસ,
કહેજે ટહુકવા મોરને,
પહોંચી આવીશ,
સ્નેહ જળ સિંચી
સજીવન કરવા તને, સનમ.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ