વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પોલીએના

પુસ્તક : પોલીએના

લેખક : એલીનોર પોટૅર

અનુવાદક : નિતિન ભટ્ટ

ગુજરાતીના પ્રકાશક : આર.આર.શેઠ




       હમણાં જ પોલીએના પુસ્તક વાંચીને ઊભો થયો. પુસ્તક વિશ્વભરમાં એટલું બધું પ્રખ્યાત છે કે લગભગ મોટાભાગના લોકો 'પોલીએના' નામની આ આનંદી કિશોરીથી વાકેફ જ હશે. પરંતુ મને આ નવલકથા એટલી હદે સ્પર્શી ગઈ કે હું તેનો રિવ્યૂ લખ્યા વગર રહી શક્યો નહિ. આહા...! કેવું સુંદર પાત્ર સજૅર્યું છે મહાન લેખિકા એલીનોર પોટૅરે!

     આખી નવલકથા પોલીએના નામની એક પંદરેક વરસની માસૂમ, સતત અભાવો વચ્ચે જીવતી એક દૂબળીપાતળી છોકરીને કેન્દ્રમાં રાખીને લખવામાં આવી છે. પોલીએના એક બોલકી છોકરી છે. માતાના મૃત્યુ બાદ મહિલા સહાયક મંડળની મદદથી પિતા સાથે રહેતી પોલીએના માટે વધારે સમસ્યાઓ તો ત્યારે સર્જાય છે જ્યારે એના પિતાનું પણ એક દિવસ અકાળે મૃત્યુ નીપજે છે. કથાની શરૂઆત અહીંથી થાય છે. માતાપિતાના મૃત્યુ બાદ પોલીએનાનું આ દુનિયામાં પોતાનું કહી શકાય એવું કોઈ બચતું નથી, સિવાય કે એક અતડી, ગુસ્સાળુ સ્વભાવની અને દરેક કાયૅને પોતાના ફરજના ભાગરૂપે પૂણૅ કરતી પોલી આન્ટી.

     પોલી તેની ભાણેજ પોલીએનાને પણ 'મારી ફરજ છે!' એમ વિચારીને જ પોતાના આલીશાન, ટેકરીઓની ઉપર આવેલાં મસમોટા ઘરમાં રાખવા માટે તૈયાર થાય છે. કોઈ સામાન્ય બાળક હોત તો પોલી માસીના ઘરે વધારે દિવસ ટક્યું ના હોત, પણ પોલીએનામાં કંઈક અલગપણું હતું. કંઈક એવી ખૂબી હતી કે જેનાથી તે ગમેતેવી વિષમ પરિસ્થિતિમાં પણ પોતાની જાતને ટકાવી રાખતી. અને આ પાછળ જવાબદાર હતી એક રમત - એક અનોખી અને વિચિત્ર રમત - રાજી થવાની રમત. હા, આ રમત તેને એના પિતા કે જેઓ પાદરી હતા તેણે શીખડાવેલી.

      આ રમત જ વાચકને અંતિમ પાના સુધી જકડી રાખે છે. પોલીએના જેવી કિશોરી પણ કેટલી સમજદારીપૂવૅક જીવન જીવે છે, દરેક પરિસ્થિતિને હૃદયપૂવૅક આવકારે છે અને તેમાંથી ગમેતેમ કરીને રાજી થવાનું કારણ શોધી કાઢે છે એ વાત નગરજનોને આશ્રયૅ પમાડે છે. ભયંકર નિરાશામાં સપડાઈ ગયેલાં લોકોને પણ પોલીએના આ રમત શીખવીને ફરીથી જીવતા કરે છે. પોલીએના વારંવાર કહે છે : તમને ડોલની જગ્યાએ ટેકણલાકડી મળે તો એમાં પણ ખુશ થવાનું કારણ છૂપાયેલું છે.

      નવલકથામાં એવું કોઈ રહસ્ય નથી, બહુ વળાંકો પણ નથી, છતાંય એનું કથાનક એટલું મજબૂત ને રસપ્રદ છે કે વાચક એના પ્રવાહમાં સતત વહેતો રહે છે. દરેક પાત્રનું સજૅન સબલ છે. સંવાદો ભરપૂર છે, પણ જાણે આપણે જ બોલતા હોઈએ એવું લાગે! લેખિકાની વણૅનશક્તિ ને કલ્પનાશક્તિય પ્રશંસનીય છે. નવલકથામાં સંતાયેલો સામાજિક સંદેશો એનું જમાપાસું. લેખિકાએ કરુણરસને વાર્તામાં બખૂબી નિચોવ્યો છે.

     એક સદી કરતાંય વધારે સમય પહેલાં (૧૯૧૩માં) પ્રકાશિત થયેલી આ નવલકથા આજેય એટલી જ ફ્રેશ જણાય છે. સતત અમાનવીય પ્રવૃત્તિઓમાં વિશ્વ જ્યારે મૂળ ઉદ્દેશ ખોઈ બેઠું છે ત્યારે આ નવલકથા આજે પણ લોકોને સાવ અલગ જ દ્રષ્ટિકોણથી વિચારતા ને જિંદગી જીવતા શીખડાવશે એવી આશા મનમાં બંધાઈ છે. પૉલો કોએલોના ઍલ્કેમિસ્ટની હરોળમાં મૂકી શકાય એવું પ્રેરણાત્મક પુસ્તક.

    આ પુસ્તક વાંચવાનું બાકી હોય તો જલદીથી વાંચજો. પૈસા, સમય અને ઊર્જાનો પૂરો સદુપયોગ થશે અહીં. ઉપરથી નિજાનંદ મળે એ તો લટકાનો. નિતિન ભટ્ટે ખૂબ જ સરસ અનુવાદ કર્યો છે એટલે એનેય પુષ્પોથી વધાવવા રહ્યા. પ્રકાશક આર.આર. શેઠે  હંમેશની માફક ઉત્તમ સાહિત્ય પસંદ કર્યું છે.


(મારા માટે એક આશ્રયૅની વાત : આ નવલકથા જ્યારે ૧૯૧૩માં પહેલીવાર પ્રકાશિત થયેલી ત્યારે એ સમયે એની ૧૦ લાખ નકલો વેંચાયેલી!!!)


(પૂણૅ)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ