વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઈન્દ્રનું વજ્ર

(આ વાર્તા તદ્દન કાલ્પનિક છે. આ વાર્તા માટે અમુક ઘટનાઓ બની ગયેલી છે અને વિકીપિડિયા પર આધારિત છે એનો સહારો લીધો છે. તદ્દન કાલ્પનિક હોવાથી આ વાર્તા નો ઉદ્દેશ કોઈની ધાર્મિક , રાજકીય કે ઐતિહાસિક લાગણી કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો બિલકુલ નથી. સંદર્ભ પરથી કલ્પનાવિશ્વ સર્જી મેં ફક્ત લેખકધર્મ નિભાવ્યો છે. )



મારી આંખોમાં આંસુ હતાં. મારાં મનમાં પીડા વ્યાપેલી હતી. 'બા કુટિ'નો એ સાધારણ ઓરડો મને પોરબંદરનાં ઘરનો મારો ઓરડો અને મારી એ ઉંમર પાસે ખેંચી ગયો હતો.


હું પણ એ દિવસે આમ જ રડી પડી હતી. પણ મને સાંભળનાર કોઈ નહોતું ત્યાં.

મન પ્હો ફાટ્યો તંયથી આમ જીવ ગભરાતો'તો. સમજાતું નહોતું કે આટલો ઉચાટ શીદ ને? મુ 'બા કુટિ' ના ઈ મારા ઓરડામાં આમથી તેમ બસ... આંટા મારી રહી હતી. આજ રાધા ખૂબ ભાભરતી'તી. ઈને હજુ તો કેટલીય વાર હતી સુવાવડને. આખરે મારાથી નો ખમાણુ. મુ 'બા કુટિ'માંથી નીકળી બાજુમાં આવેલી નાની ગલીમાં થઈ મારા ઓરડાની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં પહોંચી. ન્યા લગણ મી કેટલીયવાર નિમુડીને સાદ દીધો. કોણ જાણે ક્યાં મરી ગઈ હતી. આમ ની આમ હાલશે તો મુ આગાખાન પેલેસ જાવા નીકળે તંય આ રાધાડીની કાળજી કુણ કર? મેં ફરી હાકોટો કયરો.


"આવી નિમુડી, આ છોડી ક્યાં મરી ગઈ સ?"


"આઈ બા... " એક બાર વરહની છોડી ઘાઘરા ચોળીમાં  ઉછળતી બા'ર આઈ.


"હું કરતી'તી? આખો દા'ડો ઉછળ્યા જ કર સ? નરી અક્કલમઠી છો."  મારી અકળામણ મારી પિચોતેર વરહની આંખો અને શબ્દોથી બા'ર આઈ રહી'તી.


અમે બેવ પગદંડી પરથી ગમાણમાં જઈ  રહ્યા હતા. અને હું બબડાટ કરી રહી હતી.


"બા, રાધાને કંઈ નહીં થાય." ઈ છોડી ગજબની મીઠડી હતી. મારા ટાંટિયા ઢીલા થઈ ગયા. મુ ન્યા જ ખોડાઈ ગઈ. મુ એની હામુ ભાળી રહી. મી એક અછડતુ સ્મિત આલ્યુ ને ફરી પગ ઉપાડ્યા.


"બા, ઈક વાત પૂછું?" એણે જરાક ડરતાં ડરતાં મને પૂછ્યું.


"હા તે એક હું બે પૂછ..! પૂછવામાં હું લૂંટાઈ જાવાનું છે? પણ મુ જવાબ તો જ દઈસ જો મને ઠીક લાગસ. " મને કોઈ છોડીને જવાબ આપવામાં મજા આવતી. નાનકડું ભૂલકુ... કેટલાં પ્રસ્ન ઊઠતાં હોય નંઈ મનમાં? મુનેય ઊઠતાં. પણ જેવો મારો પ્રસ્ન આવે એટલે મારી બા.... વ્રજકુંવરબાનું મોં લાલ થાય અને ઈ કે'

'બળ્યા તારા સવાલ.. મંઈ હજુ તેટલા ભયરા સ? હાહરે જઈ માડીને આમ નો પૂછતી... નકર કાન આમળસ. હવે દેવતા મેલ સવાલમાં અને હાથ હલાવ..'


ઈ યે હુ કર? ઈનાય કેટલાય સવાલ સવાલ જ તો રઈ ગ્યેલા.


"બા તમ તો મન કે'તા તા કે લગન થાય પછે છોરું આવ. તો આ રાધાડીના લગ્ન ક્યારે થ્યા? અન ઈનો વર ક્યાં ગુડાણો સ?"


મારાથી હસવું ખાળી ન શકાયું. મી કીધું,


"ઈ જાનવર સ. ઈના લગન નો થાય. ઈ ને તો કાળા આખર ભેંસ બરાબર."


"લ્યે... ઈ તો મારી બા ય નો'તી ભણી.. આ તો મને આય બાપુ પાંહે મેલી તે તમ મને ભણાવો સો.  નકર મારાય લગન થઇ જાત ને? અન બે વરહમા તો મુનેય છોરું...."


"લવરી બંધ કર.. નીકર દઉં છું હમણાં એક ઉંધા હાથની.. હાલ હવ ઝટ કરો.." મેં કહ્યું. મને સવાલ  અજુગતો નો'તો લાયગો પણ અતારે મને રાધાની ચિંતા ખાતી'તી. અહીં આવનાર દરેકને એ સવાલ ક્યારેક તો ઉઠતો જ.


અમે રાધા પાસે પોચ્યા. રાધાની આંખમાં શ્રાવણ ભાદરવો સમાયા હતાં. એનાં આંસુ એની પીડાની ચાડી ખાતા'તા. ઈને આ હાલમાં જોઈ મારું હ્રદય બેહી ગ્યું.


"ગૌરી... ગૌરીને આય લઈ આવો." દૂર ઊભેલી ગૌરીની આંખમાં આંસું જોઈ મારાથી બોલાઈ ગયું.


સાઠ વરહ પે'લા મારી બા ય આમ રોતી'તી એક ખૂણામાં ઊભી ઊભી. ઈ દિ' ઈ મારી પાંહે મન મૂકી બેહી ય નો'તી હકી. મારાથી ડૂસકું મેલાઈ ગ્યું. મેં આજુબાજુ જોયું. નિમુડી રાધાની પાંહે ઊભી ઊભી એની પીઠ પસવારતી હતી. આમ તો આખો દા'ડો 'આય ગમાણમાં વાસ આવે છે' કહીને આવવું પડે તોય નાકનું ટીચકું ચડાવતી. પણ આજે ઈ યે સ્ત્રી બની રાધાની પીડા ઓછી કરવાની કોશિશ કરતી હતી.


મીય નો'તી કરી? નાત બા'ર મેલ્યાં તો યે માડીના  કે'ણ પર નો'તા મોકલ્યા ઈમને વિલાયત? મારાથી ફરી એક ડૂસકું મૂકાઈ ગયું.


રાધા ફરી ભાભરી. ગૌરી બેચેન બની. ઈ યે ભાભરી. મા ગમે તેટલું હમજે પણ હું કરી હકે? અન આ તો જનાવર... મારી બા તો માણહ હતી તોય કંઈ નો'તી કરી હકી.


ન્યા એક છોરો દોડતો આયવો.


"બા, બાપુ કેય છે કે કલાકમાં નીકળીએ. નહીં તો મોડું થઈ જાહે."


મારે ઈમની હારે આગાખાન પેલેસ જાવાનું હતું. દેશનેય મારી જરૂર છે અને રાધાનેય. રાધા ફરી ભાભરી.


"મારે નથ આવવું. કૈ દે ઈમને." મુ બોલી પણ જાણે કોયનાય કાને નો પડ્યા મારાં બોલ.. આમેય ક્યારે પડતા? લગ્ન કયરા ત્યારે મુ ચૌદ વરહની હતી. મી તો ચૌદમાં વરહે હમજેલુ કે નવાં કપડાં ને મિઠાઈઓ મળસ.. પણ ... મારે તો મારા મા-બાપને છોડીન નવા ઘેર જાવાનું હતું. કેટલી ના પાડેલી મી ભણવાની? કોઈ નય બોલે મારી હારે. મોટાભાભી ય નય કે માડી ય નય. પણ ઈ યે ક્યા હાભળેલું?


રાધાની આંખમાં વેદના હતી. એને વીતતું હતું. છોરું આકાર તો પેટમાં લે પણ એની આત્મા તો મા‌ હારે દિલથી બંધાય. એનું છોરું અંદર બૂમો પાડતું હસ. 'મા મુને બચાય.. બચાય મા..'


મારી આંખમાંથી એક આંસુ ખરી પડ્યું. ગૌરી રડતી'તી. ગૌરીનો પગ ભારે થ્યો ત્યારે મી હરખનાં માર્યા પેંડા વે'ચેલા.. ઈની વાછડી રાધા મુને મારી છોરી લાગતી'તી. કદાચ મારી ય પે'લી છોરી જ હસ.. ઈ છોરીની પીડા કઈ  માથી સહાય....?


અચાનક રાધા પીડાથી આળોટતી ગમાણની ભોંય પર બેહી પડી. એ કણસી રહી. ઈને પાણી પડવા માંયડુ... લોહી અને પાણી સાથે એનાં આંસુડાંય મળી ગ્યા. ગૌરી બેચેન બની એની પૂંછડી ઊંચી કરી આમથી તેમ ભણી રહી હતી ઈ એક બાજુ ઊભી રહી ગઈ. ઈની આશા ય ઠગારી નીવડી..


રાધા એક નજર મારી ભણી અને એક ગૌરી ભણી નાંખી રડી રહી હતી. જાણે કાલાવાલા નો કરતી હોય કે

"બા, મુને ભલે ગમે તે થાય... મારું છોરું... ના... વાછડુ બતાય લ્યો."


મને એની આંખોના આ મૂંગા શબ્દો હમજાતા'તા. મુ આઈ ત્યારની ઈના માથે હાથ પસારતી'તી. પણ ઈના સિવાય મુ કાર કરી હકુ ઈમ નો'તી .


મી ફરી ડૂસકું મેલ્યું. મુ ભગવાન નો'તી. મુ તો બાય માણહ... આમેય કાય કરી હકવાની નો'તી... મારું પોતીકું નો'તી બચાવી હકી.. ભગવાન તો બાપુ ગણાય ને? ઈ યે નો'તા કરી હકવાના કાય.. વૈષ્ણવજન ગાઈ પોતાને હરિનો જન કે'નાર એ ડોસો મારું છોરું ય નો'તો બચાવી હક્યો... અરે જે છે ઈને ય ક્યાં હાચવી કહ્યો છે.


અચાનક મને ગભરામણ વધી ગઈ. મારી છાતી પર મણ જેટલું વજન મેક્યુ હોય ઈમ અચાનક બોજ વધી ગયો. બસ ઈ જ ટાણે રાધાનોય બાંધ તૂટી ગ્યો. એનું અધૂરું વિકસેલ વાછડુ બા'ર તો આયુ પણ હલ્યુ નય.


મન ચક્કર આયવા. આંખ આગળ અંધારું છવાઈ ગ્યું. થોડીવારમાં પાછી સ્વસ્થતા કેળવી મી જોયું. નિમુડી ચોધાર આંસુડે રડતી હતી. ગૌરી રાધાજી દૂર એક ખૂણામાં બેસી રડતી હતી.  રાધા ઊભી થવા મથતી હતી. આખું સરીર ભાંગી ગ્યુ'તુ. હારે મન પણ. છતાંય એકવાર એનું છોરું જોઈ લેવાય ઈના માટ... ઈ વલખતી'તી.....


ગૌસેવક ઈ વાછડાને દાટવા તૈયારી કરી રીયો'તો.


"ઈને આજની રાત ઈની મા પાંહે રે'વા દો. " મી કીધું.

અને રાધાની આંખમાં જોઈ મારી મજબૂરી બતાવવા કોસિસ કરી. પણ ઊલટું ઈ તો મારો આભાર માનતી'તી.  વાછડાને રાધા આગળ મેલી હૌ પોતપોતાના કામે લાયગા... એક પળમાં બધાં માટે રાધા ફરી એક જનાવર બની ગઈ.


નિમુડી ય ઈની ઓરડીમાં હાલી ગઈ. મી યે મારી ઓરડીમાં જાવા પગ ઉઠાયવા.


મુ તૈયાર થઈ. પણ મારા રુદિયામાં હજુય પીડા થાતી'તી. મારો સીધો હાથ કળતો'તો. બાપુનો સાથ પડ્યો..


"કસ્તુર.... હાલો હવે.." મુ ભારે પગલે ગાડીમાં ગોઠવાણી...


"શું થયું કસ્તુર? આર યુ ઓલરાઈટ? ઠીક છે ને બધું?" ઈમણે મારી આંખોમાં વેદના જોઈ કે આંસુ ઈ નો હમજાણું. પણ મુને થતી શ્વાસ લેવાની તકલીફ કદાચ ઈમની ચંત્યાનો વિષય બની.


ગાડી આગાખાન મહેલ પોચી.


"કસ્તુર... નીચે આવી જા.." ઈમણે કહ્યું.


"તમે કોઈ દિ' નામ મેળવવા સિવાય કાય નહીં કરી હકો? મને ને મારા છોકરાંવને ન્યાય કુણ દેસે? આ તમારો દેસ?" મી કીધું.


"કસ્તુર....!!???" બાપુના મોંઢે મેં ઈ શબ્દો હાભળ્યા. ..


' ઈ ગૌરી ચેવી કરગરતી હોય ઈમ દયામણી નજરે મુને જોઈ રહેલી?  મુ ય હું કરું? આમાં મારું ચો હાલવાનું હતું? મી કેટલો હરખ કરેલો જ્યારે એનાં સારા સમાચાર આયેલા... અન ઈ... મુને જ જોયે જાતી હતી... ઈની મા ય મુ ને જ જોતી તી... પણ મુ ચમનુ ઈમને કહેતે કે મીય મારું કુમળું ફૂલ આમ જ ખોયેલુ... તેં હેં ઠાકોરજી અમારી જેવી બચારીઓની તન દયા નથ આવતી? તું ય એકવાર મા થઈ જો ... આમ કંઠી પહેરવાનાં.. માથે ઓઢવાના.. નહીં ભણવાના ... નાની ઉંમરમાં મા બનવાના...  પોતાની મરજી વગર બીજાના રાજીપા હાટુ આમ રોજ જીવતે જગતિયુ કરવાનાં નિયમો તું ઘડીભર નહીં સહી શકે... તન હું ખબર પડે કે જે મા પોતાનાં પેટમાં રોપાયેલા કુમળા ગરભને અનુભવતી હોય ઈની પાંહે થી ઈ ઝૂંટવી લેવાનું પાપ હું કે'વાય... પણ ગૌરીના નેહાકા લઈ તું ય ક્યાંથી હખ પામે?' અચાનક હું બોલતાં અટકી...

ગાડીથી  આગાખાન મહેલનો રસ્તો આખી ઢૂંકડો હોવાં છતાં ભવ જેટલો લાયગો. અન જ્યાં મી અંદર પગ મેયલો મારો માંહ્યલો પોકાર્યો.


આ હું કઈરુ મી? ભગવાનને સરાપ આયલો? હાય... હાય... ! અને ફરી મારી આંખ આગળ અંધારું છવાઈ ગયું. ઈન્દરનું વજ્ર જાણે જોરદાર ત્રાટક્યું. મેં મારી છાતી પર હાથ મૂક્યો. મારાં મોંમાંથી હોંકારોય નો નીકળ્યો. મી બાપુના વૈષ્ણવ જનનાં આદર્શને બદલે ભગવાનને જ સરાપ દય દીધો...


અરરરર....! અને મુ કદાચ ન્યા જ દરવાજા પાંહે ઢળી પડી.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ