વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પુસ્તક સમીક્ષા : ગુલમગૅ ઍસ્ટેટ

પુસ્તક સમીક્ષા: ગુલમર્ગ ઍસ્ટેટ


લેખક : મયૂર પટેલ


પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની


  ઘણા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો એ પુસ્તક ‘ગુલમર્ગ ઍસ્ટેટ’ વાંચીને જ્યારે એનો રિવ્યૂ લખવા બેઠો છું ત્યારે અંદરખાને એક રોમાંચ અનુભવાય છે. ગઈકાલે બપોરે મારા હાથમાં પુસ્તક આવ્યું, મેં વાંચવાનું શરૂ કર્યું. પહેલાં તો એમ થયું કે ૨૬૦ પાનાનું છે એટલે બે દિવસમાં નિરાંતે પૂરું કરીશ, પરંતુ જેમજેમ વાંચતો ગયો તેમતેમ આગળ વાંચવાની મારી જિજ્ઞાસા સતત વધતી જ રહી. એક પ્રકરણ, બીજું પ્રકરણ, ત્રીજું, ચોથું, પાંચમું... એમ ત્રીસ પ્રકરણો એકબેઠકે વાંચી ગયો. સાંજે પૂરું થયું ત્યારે આ નવલકથાથી એટલો બધો અભિભૂત થઈ ગયેલો કે મોઢામાંથી માત્ર ‘વા…ઉ!’ એટલું જ નીકળ્યું.


     માત્ર વખાણોથી તમારું પેટ ન ભરતા મૂળ વિષય ઉપર આવું છું. નવલકથાની શરૂઆતથી અડધે સુધી એવું લાગે કે કોઈ મર્ડર મિસ્ટ્રી વાંચી રહ્યા છીએ, પરંતુ જેવો બીજો ભાગ શરૂ થાય કે આપણી તમામ ધારણાઓ એકાએક ખોટી પડવા માંડે, અચાનક આખી બાજી પલટાઈ જાય અને શરૂ થાય અસલી ખેલ. સામે આવે એક જબરદસ્ત ટ્વિસ્ટ. અહીં લેખકે જે રીતે પ્લૉટને વળાંક આપ્યો છે એ માટે એમને વિશેષ દાદ આપવી રહી. અત્યાર સુધી જે વિષય ગુજરાતી સાહિત્યમાં સાવ વણખેડાયેલો જ રહ્યો છે તેના ઉપર લેખકે અત્યંત જવાબદારીપૂર્વક કામ કરી બતાવ્યું છે.


       નવલકથા રહસ્ય અને રોમાંચથી ભરપૂર છે. ઉપરથી સ્થળો અને ઘટનાઓનું તાદૃશ વર્ણન, સરસ પાત્રાલેખન, કલ્પનાશક્તિ, અદ્ભુત લેખનશૈલી અને સહજતાથી લખાયેલાં સંવાદો નવલકથામાં ચાર ચાંદ લગાવી દે છે. બોલીપ્રયોગ પણ સફળ રહ્યો છે. બધા જ પાત્રો મનને સ્પર્શી જાય એ રીતે ઘડાયા છે. અલબત્ત, મારી વાત કરું તો સુપરહોટ અલ્વિરા, જોરાવર અને અર્જુનનું પાત્ર મને સૌથી વધારે ગમ્યું (નવલકથાનો પ્લોટ એટલો બધો ભુલભલામણો છે કે દરેક પાત્રોનાં નામની પાછળ પણ એક ગજબનું રહસ્ય છૂપાયેલું છે!) નવલકથામાં બિનજરૂરી લાગે એવું કંઈ પણ નથી, અને જે છે એ સઘળું વાચકને અંત સુધી જકડી રાખે છે. લેખકે ખોટો ફિલ્મી ડ્રામા ટાળ્યો છે. કોઈ પૂછે કે આમાં વળી એવી તો શું નવીનતા છે કે આ પુસ્તક ખાસ વાંચવું જ પડે? તો એનો પણ જવાબ આપી દઉં કે નવલકથા સાઇકોલોજિકલ થ્રિલર છે (અગાઉ ગુજરાતી સાહિત્યમાં સાઇકોલોજિકલ થ્રિલર લખાઈ હોય એવું હજુ સુધી તો મારા ધ્યાનમાં નથી આવ્યું!) લેખક ખૂબ જ ઊંડાણપૂર્વક રિસર્ચ કરીને માણસની મનોદશાને લગતો સાવ અલગ-અનોખો વિષય લઈને પ્રસ્તુત થયા છે. કથાવસ્તુ વિશે વધારે નથી કહેતો વરના રાઝ ખુલ જાયેગા..!


      આ નવલકથા વાંચીને જો તમારા મોઢામાંથી પણ મારી જેમ ‘વા…ઉ!’ ના સરે તો કહેજો! પૂરા પૈસા વસૂલ છે. જે લેખકો આ જોન્રમાં કંઈક લખવા માંગે છે તેના માટે અને અભ્યાસીઓ માટે પણ ‘ગુલમર્ગ ઍસ્ટેટ’ એક ઉત્કૃષ્ટ કૃતિ સાબિત થશે એમાં બે મત નથી. નવલકથામાં એક સામાજિક સંદેશોય છૂપાયેલો છે, જેને વાચક વાંચ્યા બાદ જાતે જ પામશે.


     ગુજરાતી વાચકોમાં ચર્ચિત રહેલા આટલા પ્રશ્નોનાં જવાબ ‘ગુલમર્ગ ઍસ્ટેટ’ થકી મળી જતા હોય એવું લાગે છે.


૧. વાચકોને જકડી રાખે એવી રસપ્રદ નવલકથાઓ લખવામાં અશ્વિની ભટ્ટ અને હરકિસન મહેતા પછી ત્રીજું કોણ?


૨. શું ગુજરાતી સાહિત્યમાં પણ સિડની શેલ્ડન જેવા રહસ્યકથાઓનાં બેતાજ બાદશાહ પાકે ખરા?


૩. વર્તમાન સમયમાં લખાયેલી એવી કોઈ દમદાર થ્રિલર નવલકથા કે જેને વાંચીને ઉત્તમ સાહિત્ય વાંચવાનો આનંદ પ્રાપ્ત થાય?


     વાચકમિત્રો, અગાઉ ‘વિવેક એન્ડ આઈ’ અને ‘સ્કાર્લેટ નાઇટ્સ’ જેવી બે અંગ્રેજી નવલકથાઓ તેમજ ‘અનુભવment’ જેવી અફલાતૂન પ્રવાસ નવલકથા આપી ચૂકેલા લેખક મયૂર પટેલની આ નવલકથા પણ તમને બિલકુલ નિરાશ નહિ કરે, નહિ કરે અને નહિ જ કરે! હું તો ત્યાં સુધી કહું છું કે આ નવલકથા પરથી નજીકના ભવિષ્યમાં એક સરસ મજાની વેબસીરિઝ કે ફિલ્મ પણ અવશ્ય જોવા મળશે. તો રાહ કોની જુઓ છો, તૈયાર થઈ જાઓ આ ભવ્ય ઍસ્ટેટની મુલાકાત લેવા માટે. અંતે ‘ગુલમર્ગ ઍસ્ટેટ’ અનેક ભાષાઓમાં અનુવાદ પામે, વધારે ને વધારે વાચકો એને માણી શકે અને મયૂર પટેલ આપણને આગળ પણ આવી જ રહસ્યમય દુનિયાની સફર કરાવતા રહે, એવી આશા સહ લેખકને અઢળક અભિનંદન!


    પણ હા, નવલકથા વાંચતી વખતે એટલું જરૂરથી યાદ રાખજો કે, ‘જે દેખાય છે તે હંમેશાં સત્ય નથી હોતું...’





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ