વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગીરની ગોદમાં

૨૦ જુલાઈ ૨૦૨૧, મંગળવાર

ગીરના પશ્ચિમ ભાગમાં અરણ્યોની વચ્ચેથી કાળમીંઢ પથ્થરોને ચીરીને હિરણ નદી ખળખળ વહેતી હતી. અમે સાસણથી આ નદી વટાવીને લગભગ ત્રણેક કિલોમીટરની દૂરી પર આવેલા 'નેસ વિસ્તાર' સુધી પહોંચ્યા. 

ગીરના જંગલોની વચ્ચે આવેલા આ નેસડાઓને જોઈને હું અંદરથી રોમાંચિત થઈ ઊઠ્યો! લગભગ પચાચેક જેટલા નેસ નજર ફેલવતા દૂર સુધી પથરાયેલા જણાતા હતા. અમુક નેસમાં પાંચ ખોરડા, અમુકમાં દસ ખોરડા, અમુકમાં બારેક ખોરડા તો અમુકમાં વીસેક ખોરડા... નેસને બારીકાઈથી નિહાળવાની લાલચે મેં મારા પગની ગતિ થોડી વધારી; નેસની દિશા ભણી જવા આતુર બન્યો. 

જેવી મારી ચાલમાં ઝડપ આવી કે તરત જ મારા કાને એક જાણીતો સ્વર અથડાયો, "યાર પારિતોષ આપણે કોઈ ફેમસ ફાઈવ સ્ટાર હોટેલ પર નથી આવ્યા કે તું એને નજીકથી જોવા માટે આટલો ઉત્સુક બને!" 

મેં આનંદિત સ્વરે મારા મિત્ર પાર્થને કહ્યું, "યસ, આ શહેરની કોઈ ફાઈવ સ્ટાર હોટેલ નથી મેરે યારા." 

આ ગીર છે ગીર. તું જો સામે નેસમાં વસતા લોકો, એમની ગીર ગાયો, ભેંસ અન્ય ઢોર... અને સૌથી મહત્વનું એના નેસ જો તું પાર્થ. સિમેન્ટ-કોન્ક્રિટના બાંધકામ વગર બનાવેલા એમના રહેઠાણ. ઘાસથી બનાવેલી છતો, ગારના લિંપણનું ભોંયતળિયું અને વાંસ કે અન્ય લાકડા અને ટેકા માટે થોડા પથ્થરના મિશ્રણથી તૈયાર થયેલી દિવાલો એટલે નેસનું મકાન. આહા! કેવી ગજબ કારીગરી હોય છે અહીંના લોકોની. 

બસ યાર પરિતોષ, મને તો આ બધું બોરિંગ લાગે છે. તને પણ શું યાર આ 'ગીરની સંસ્કૃતિ' પર પ્રોજેક્ટ કરવાનું જ સૂઝ્યું! ભારતમાં બીજા સ્થળો નાશ પામ્યા છે તે તારે અહીં જ આવવું પડ્યું. 

"અરે, ગીરથી પ્રેમ છે મને પ્રેમ. ગીર જેવું બીજું કશું નહીં." કોઈ પ્રેમી એની પ્રેમિકાના વખાણ કરતો હોય એ અદામાં મેં પાર્થને વળતો જવાબ આપ્યો. 
નાનપણથી જ મારું સપનું રહ્યું છે કે ગીરની ગોદમાં રહીને એની સંસ્કૃતિને મનભરીને માણવી. અને તે પેલું સાંભળ્યું નથી? 'મહર્ષિ પાણિનિ લખી ગયા છે કે વેદકાલીન સંસ્કૃતિના છેલ્લા પુરાવા જોવા હોય તો સૌરાષ્ટ્ર જાવ. ગીર સૌરાષ્ટ્રનું હૃદય છે. ગીરની સંસ્કૃતિ આથમશે તો સૌરાષ્ટ્રની સંસ્કૃતિ મરશે.' તો દરેકે એકવાર તો ગીરમાં આવવું જ રહ્યું સમજ્યો? 

પાર્થ મારી ગીર વિશેની વાતો અટકાવતા બોલ્યો, 'હવે તું ગીર ઉપર ભાષણ શરૂ ન કરતો. તું સફર ચાલુ રાખ દોસ્ત, તું મજા કર અને હું બોર થાઉં.'

ગીરના જંગલમાં આવીને તું કહે બોર? અહીં બોર થવા જેવું શું છે! લોકેશન તો જો અહીંનું યાર. મને તો બસ અત્યારે એક પંક્તિ યાદ આવે છે...

'હરિયાળી ગીર છે રૂડી પવિતર પ્રેમ ઘેલુડી,
વાયુ ઝપાટે ઝાડવા ઝૂલે હાલતા હીંચક લઈ.'

"ઓ... મેરે ગીરપ્રેમી બસ કરો અબ. રાત થવા આવી છે યાર. ચાલ જલ્દી નેસ તરફ જઈએ. ખબર નહીં હજુ અહીં રહેવાની કોઈ વ્યવસ્થા થશે કે નહીં. અને ઉપરથી આ વિસ્તારમાં સિંહ અને દીપડાઓ જેવા પ્રાણીઓ ફરતા રહે છે એ કોઈ આફતથી ઓછું નથી."

"કોઈ આફત નહીં નડે પાર્થ. 'તું શેર સે કમ હે ક્યાં?' અને જેમ આપણે ઘરમાં રહીએ છીએ એમ સિંહ અને અન્ય પ્રાણીઓનું ઘર આ જંગલ જ છે. તો એ અહીં જ રહેવાના ને!"

"હા, પણ એ પાલતુપ્રાણી નથી કે આપણે એનાથી ડરીએ નહીં. અહીં એનાથી સાવધાન રહેવા માટે વીજળીની વ્યવસ્થા પણ નથી એ ઓછામાં પૂરું!" પાર્થે મારી સામે મોં મચકોડતા કહ્યું.

તું કોઈપણ પ્રકારની ચિંતા ન કર અને ચાલ મારી પંક્તિઓ સાંભળીને મોજ કર. 

'જેમ જાદવા હારે જાણે ગોપીયુ ઘૂમી રહી,
ડુંગરા ટૂંકે દીપતી કેવી સંધ્યા રૂડી સાંજ'.

પંક્તિઓનો લલકાર કરતો હું મારા મિત્ર સાથે નેસ તરફ આગળ વધ્યો. 

અમે જેમ જેમ આગળ ગયા તેમ તેમ લોકોનો કોલાહલ કાને પડતો થયો. દાધિયા નેસ, અમૃતવેલ નેસ, લીલા પાણી નેસ જેવા અનેક નેસ ગીરની ધરા પર શોભી રહ્યા હતા. 

અચાનક કોઈ શહેરીજનોને એમના નેસ તરફ આવતા જોઈને ત્યાં આજુબાજુમાં રમતા નાના -નાના પોયરાઓ શરમાઈને નિર્દોષભાવે અમારી સામે જોવા લાગ્યા. એટલામાં અમૃતવેલ નેસમાંથી એક વડીલ બહાર આવ્યા. 

એ વડીલે અમારી સામે નમસ્કાર મુદ્રામાં હાથ જોડીને કહ્યું, 'આવો ભાયા આવો' શે'રથી આઈવા સો? 

મેં એમની સામે જોઇને હકારમાં માથું હલાવ્યું. 

"હારું તય. વયાવો મારી વાંહે વાંહે. અટાણે રાત મંડરાવાની તૈયારીયું સે, કશે આઘાપાસા ન થાતા. રાત્ય આયા જ રોકાઈ રે'જો." એ વડીલ જાણે અમારી ચિંતા કરતા હોય એવા સ્વરમાં બોલ્યા. 

મેં અને પાર્થ એ વડીલની પાછળ પાછળ ચાલવાનું શરૂ કર્યું. એ વડીલે ચાલતા ચાલતા પાછળ ફરીને કહ્યું, "તમે ગીરના મે'માન કેવાવ. જો તમને કંઈ થાહે તો અમારું ગીર લાજસે." મળસકું થયે તાજી વીયાયેલી ભેંહના દૂધનો સા પીને પસી મોજથી રખડજો અમારા ગીરમાં.' 

વગર મદદ માંગ્યે આ વડીલની આવી મહેમાનગતિ જોઈને મને અહીં ગીરની સંસ્કૃતિના દર્શન થયા. મેં પાર્થ કોણી મારીને કહ્યું, "જોયું આ છે ગીર. કેટલા વિશાળ ને ઉદાર દિલના માણસો."

"હા યાર, મને તો એ જ ચિંતા હતી કે રાત ક્યાં વિતાવીશું. પણ હવે કોઈ ટેંશન નથી. ખરેખર ગીરમાં કશુંક તો છે!" આ વડીલને મળ્યા બાદ મારા મિત્ર પાર્થને પણ ગીરમાં રસ પડવાની શરૂઆત થઈ ચૂકી હતી. 

અમે ત્રણેય જણ નેસ પાસે પહોંચ્યા. નેસની આગળ એની છત સાથે ઉપરથી નીચે તરફ લોખંડના સળિયા સાથેનું કંડીલ લટકતું હતું. કંડીલમાંનો સળગતો દીવો ચારેબાજુ આછેરો પ્રકાશ પાથરતો હતો. 

એ વડીલે અમને જમવા માટેનો આગ્રહ કર્યો. પરંતુ સાસણથી અહીં આવ્યા એ પહેલા રિસોર્ટમાં ભરપેટ નાસ્તો કર્યો હોવાથી અમને ભૂખ લાગી ન હતી તેથી અમે જમવાની ના કહી. 

"લો ભાયા આ ઢોલિયામાં પડી રઇને રાત્યું કાઢવી જોહે. શે'રની જેમ આઈ તો પલંગ ની. એ વડીલે અમારા માટે સૂવાની વ્યવસ્થા કરતા કહ્યું. 

પાર્થ થાકી ગયો હોવાથી લાકડાના ઢોલિયામાં સૂઈ ગયો. હું નેસના આગળના ભાગમાં ગયો, કંડીલના અજવાસમાં બેસીને મારા પ્રોજેક્ટ અર્થે ગીરની સંસ્કૃતિનું પ્રથમ ચરણ નેસ વિશે વાતો આલેખવાનું શરૂ કર્યું. 

ઘેઘૂર વનથી ઘેરાયેલ નેસમાં, સિંહ અને દીપડા જેવા ખૂંખાર પ્રાણીના ભયના ઑથાર હેઠળ રાત ક્યારે વીતી ગઈ એ જાણ પણ ન થઈ. 

વહેલી સવારે ઊઠીને જોયું ત્યારે નેસની બહાર લોકોની ખાસ્સી એવી ચહલપહલ હતી. માલધારીઓની પત્નીઓ પોતાની ગાયો-ભેંસો દોહવામાં મશગૂલ હતી, અમુક સ્ત્રીઓ છાસ વલોવીને માખણ બનાવવામાં તલ્લીન હતી. અમુક માલધારીઓ પોતાના ઢોરને ડુંગરાળ વિસ્તાર તરફ ચરાવવા માટે દોરી જતા હતા. અમુક યુવતીઓ પોતાના પાલતું ઢોરનું વાહીદું કરતી નજરે પડતી હતી. સવારનું આ અલહાદક દ્રશ્ય જોઈને મન પ્રફુલ્લિત થઈ ઊઠ્યું. 

એ વડીલે અમને તાજા દૂધનો ચા પીવડાવી ત્યાંથી વિદાય આપી અને કહ્યું, ભાયા જરૂર પડે તો હંભારજો આ ગીરના માણહને. હાંજ પસી આઘાપાસા રખડવું ની. એવું લાગે તો અમારા નેહમાં આવતું રે'વું. 

૨૩ જુલાઈ ૨૦૨૧, શુક્રવાર

એ વડીલનો આભાર માની હું ને પાર્થ ગીરના જંગલો અને અન્ય વિસ્તારોમાં ફરવા માટે નીકળી પડ્યા. દિવસની શરૂઆતમાં અમે મધ્ય ગીરમાં આવેલું કનકાઈ મંદિરની મુલાકાત લીધી અને દુહા, ત્યાંની લોકબોલીથી લઈને લોકોની ધાર્મિક માન્યતાઓ વેગેરે જેવી વિગતો એકઠી કરી. સૂરજ જ્યારે બરાબર માથા પર આવ્યો ત્યારબાદ અમે જૂનાગઢના રામપરા ગામની મુલાકાત લીધી અને ગીરના ગામડાની ગરિમા જાણવાની કોશિશ કરી. 

ત્રણ -ચાર દિવસો સુધી ગીરના આજુબાજુના ગામડાઓમાં ફરીને એ પ્રદેશની અલગ ને અનેરી સંસ્કૃતિ, ત્યાંના સ્થાનિક પ્રાણીઓ, પંખીઓ, વનસ્પતિઓ વેગેરે જેવી બાબતોની અમુક જાણકારીઓ એકઠી કરી. ગીરના નેસડા વિશે વધુ જાણકારી મેળવવા બદલ મેં પાર્થને લઈને નેસ વિસ્તાર તરફ પરત ફરવાનું નક્કી કર્યું.

૨૬ જુલાઈ ૨૦૨૧, સોમવાર

સાંજના સમયે હું ને પાર્થ નેસ તરફ પરત જતા હતા ત્યારે પાછળની દિશામાંથી થોડે દૂરથી આવતા ઝાંઝરના ઝમકારા કાનમાં ગૂંજ્યા. અમે પાછળ ફરીને દૂર નજર કરી તો, સામેથી ઘણી યુવતીઓ કરગઠિયાં વીણીને આવતી નજરે પડી. કોઈ યુવતીઓ વાયરા ઝડપે વાતો કરતી હતી તો કોઈ વળી ગીતની પંક્તિઓ ગાતી ગાતી મલકતી હતી.
"હું તો ગઈ 'તી કરગઠિયાં લેવા સૈયરની સાથમાં,
લાવી વીણી વીણીને કરગઠિયાંની ભાર બાથમાં."

સામેથી આવતું એ યુવતીનું ટોળું કોઈ હિન્દી ફિલ્મમાં જોવા મળતું ડાન્સ ક્લબનું ગ્રુપ લાગતું હતું. બધી યુવતીએ એકસરખા જ આભલા જડેલા જીમી કપડાં પર બાંધણીની ઓઢણી ઓઢી હતી. લગભગ દરેકના પગમાં ઘૂઘરીવાળા પાયલ અને નાકમાં નથ હાજર હતી. માથે કરગઠિયાંનો ભારો ઉપાડીને ચાલતી યુવતીઓ ગીરના સૌંદર્યમાં વધારો કરી રહી હતી.

પાર્થે કૅમેરો કાઢીને ઉત્સાહપૂર્વક એ યુવતીઓના દૂરથી ફોટા લેતા મને કહ્યું, તારા પ્રોજેક્ટમાં આ ફોટોગ્રાફ લગાવીને ગીરની ગોરી કન્યાઓ વિશે પણ લખજે. 

"મેં કહ્યું, ચોક્કસ. ગીરની નાર વિના તો ગીર સૂનું"

ત્યારપછીના થોડા દિવસો અમે એ નેસ વિસ્તારમાં જ વીતાવ્યા. ગીરની ગોદ ખૂંદીને અમે મન ભરીને ત્યાંની પ્રકૃતિ માણી. ત્યાંના નેસવાસીઓ દ્વારા અમને ગીરની ઘણી જાણી-અજાણી વાતો જાણવા મળી. ગીરના આ નેસ વિસ્તારના લોકોએ દિલ ખોલીને અમારી સામે એમની સમસ્યાઓ પણ કહી. ત્યાંના બાળકો અભ્યાસ નથી કરી શકતા, કેટલીક વખત જે સાવજ એમના રક્ષક હોય એ જ ભક્ષક બનીને એમના ઢોરને ફાડી ખાય છે. પાણી- વીજળી જેવી સમસ્યાઓ અહીંના લોકોની કાયમી સાથી છે વગેરે વગેરે

૧ ઑગસ્ટ ૨૦૨૧, રવિવાર

ગીરમાં આવીને ખાસ આ નેસ વિસ્તારની મુલાકાત લઈને મને બહુ મોટો ફાયદો થયો છે. અહીંના લોકો દ્વારા મને મારા પ્રોજેક્ટ માટે ઘણીખરી મદદ મળી રહી. પ્રોજેક્ટની અંતિમ તારીખ હોવાથી હું ને મારો મિત્ર પાર્થ ત્યાંના લોકોની વિદાય લઈને ત્યાંથી રવાના થયા. 

હિરણ નદીના નિર્મળ જળ જેમ અહીંના લોકોના હૃદય પણ નિર્મળ હોવાથી અમને વિદાય આપતી વખતે એ લોકોની આંખો ખારા પાણીથી ભીંજાવવાના એળે હતી. સામે પક્ષે ગીરની ગોદમાંથી દૂર જતી વખતે હું પણ થોડો ભાવુક બની ગયો હતો. 


૨૮ ઓગસ્ટ ૨૦૨૧, શનિવાર

ઝવેરચંદ મેઘાણીજીની ૧૨૫ જન્મજયંતી પર આયોજિત વિશેષ સ્પર્ધા 'સૌરાષ્ટ્રની સંસ્કૃતિ' નું આજે પરિણામ જાહેર થવાનું હતું. હું ને પાર્થ સાંજે સાત વાગ્યે કાર્યક્રમના સ્થળે પહોંચ્યા. મેઘાણીજીની સ્મૃતિવંદના બાદ સ્પર્ધા આયોજકો અને નિર્ણાયકો દ્વારા પરિણામ જાહેર થયું. જેમાં મારો પ્રોજેક્ટ 'ગીરની સંસ્કૃતિની આછેરી ઝલક' પ્રથમે ક્રમાંકે વિજેતા જાહેર થયો.

સમાપ્ત

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ