વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જાંગીના

                 જીવાબાપાની રમલીના લગન રંગેચંગે પૂરા થઈ ગયા. વિદાય ટાણે ધમાઢોલીએ એવો ધડુકવો ઢોલ વગાડ્યો કે આખું ગામ વિદાયના શોકમાં ડુબી ગયું. છેલ્લે જીવાબાપા શીખ આપવા ધમા પાસે આવ્યા. પેરણના ગજવામાંથી દસની નોટ કાઢી અને ધમાને લંબાવતા બોલ્યા,

"લે બાપ રાજી ને! હવે જાંગીના દઈ દ્યો..."

અને ધમાએ એ લગ્નની છેલ્લી ઘડીએ શીખ લેવા ટાણે વગાડાતો એ જાંગી તાલ જેને જાંગીના દીધા કહેવાય એ વગાડવા દાંડી ઉપાડી. ધમો જ્યાં જેવી શીખ મળે ત્યાં એ પ્રમાણે જાંગીના આપતો. વધારે શીખ મળે તો જોરથી દાંડી મારે અને ઓછી પડે તો સહેજ માપે રાખે. એ રીતે જાંગીના દેવા ઉપડેલી ધમાની એ છેલ્લી દાંડીની અણીએ ઘરધણીની ખાનદાનીની પરખ થતી. તો આ જાંગીના ઢોલના અવાજ પરથી છેક ધમાના ઘર સુધી વાવડ પહોચી જતાં કે આજે કેવીક શીખ મળી છે!  પણ આજે ઓછી મળેલી શીખમાં પણ ધમો દાંડી પીટ્યે જતો હતો! એની દાંડી ઢોલ પર ધડબડાટી બોલાવી રહ્યી હતી પણ એના મનમાં તો કાલે જોયેલું એ બીડીનું ઠૂંઠું જ તરવરી રહ્યું હતું. હોલવાઈ ગયેલા બીડીના આ ઠૂંઠાએ એના પેટમાં લાય લગાડી હતી.


                  આ ધમોઢોલી ગામના છેવાડે દખણાદા ખૂણા તરફ આવેલા ભંગીવાસમાં રહે. ઢોલ વગાડવામાં બધા તાલમાં એ પાવરધો. આ ઢોલ પણ આદિકાળથી એક મહત્ત્વનું વાદ્ય રહ્યું છે. એ બધા વાદ્યોનો રાજા કહેવાય છે. તો એને વગાડનાર આ ધમો પણ ક્યાં ઓછો હતો. આસપાસના પંથકમાં ઢોલ વગાડવામાં ધમાનો જોટો ન જડે! ગામમાં સાતમ-આઠમ હોય, નવરાત્રી હોય, હોળીનો તહેવાર હોય કે કોઈના લગ્ન હોય ધમો અને એનો ઢોલ બેય હાજર જ હોય. ગામમાં લગ્ન ગમે એના હોય, કંદોઈ ગમે તે હોય, મુરતિયો કોઈપણ હોય, જાન ગમે એ ગામની હોય પણ એમાં ઢોલ તો ધમાઢોલીનો જ ઢબૂકતો હોય! લગનમાં કે વારપરબે  ગામના ચોકમાં જ્યારે ધમાઢોલીની દાંડી ઢોલ પર પડે ત્યારે હરખુડી નારીઓના હૈયા નાચી ઊઠે! એના પગમાં થનગનાટ વ્યાપી જાય. બહાર ન નીકળી શકતી વિધવાઓ પણ કોઈ જુએ નહીં એમ ઘરમાં ને ઘરમાં રમવા લાગે! ધમાની ફરતે ગામની સ્ત્રીઓ હીંચ લેતી હોય અને ધમો એકીટશે ઉપર આકાસમાં વાદળો સામે જોતો ઢોલ વગાડતો ઊભો હોય. ગામમાં ફુલેકુ હોય ત્યારે ગમે એવો મખ્ખીચૂસ માણસ પણ ગેલમાં આવીને પૈસા ઉડાડવા લાગે! ધમો પાછો શેખડોય એવો. ઢોલ વગાડતા નીચે નમી ને કે આડો સૂઈને આંખથી નીચે પડેલી નોટ ઉપાડવી તો ક્યારેક જીભથી ઉપાડવી અને એ પણ ચાલુ ઢોલે એક પણ તાલ ચૂક્યા વગર! આવા કરતબ પણ કરી બતાવતો. તો કોઈ વળી એના કપાળે વળેલા પરસેવા પર નોટો ચિપકાવે. ફુલેકામાં ચડતી અને હીંચ વગાડીને ગામની સ્રીઓના પગમાં ઝણઝણાટી પેદા કરનાર ધમો ધિંગાણા ટાણે બૂંગિયો ઢોલ વગાડે ત્યારે ગામના યુવાનોમાં માથા પડે ને ધડ લડે એવું શૂરાતન ચડાવી દે! તો ગામની કોઈ દિકરીની વિદાય વેળાએ એવો ધડુકવો વગાડે કે ભલભલાની આંખોમાં ઝળઝળીયા આવી જાય!


                   કહેવાય છે કે ધમાને આ ઢોલવાદનની અદ્ભુત કળા એના બાપા પાસેથી વારસામાં મળી હતી. એ પણ આખા પંથકમાં વખણાતા જબરા ઢોલી હતા. અત્યારે ધમા અને બીજા ઢોલી પાસે મોટાભાગે ભેંસ અને બકરીના ચામડાથી બનેલા ઢોલ જ હોય છે. પણ ધમાના બાપા પાસે બિયાના લાકડાનો બનેલો ઢોલનો કોઠો અને કાળિયારના ચામડાની નરપડી અને હરણના ચામડાની માદાપડીથી બનાવેલો થોડોક મોટો જુનવાણી ઢોલ હતો. એમની નરપડી પર ઠોકવા માટેની રાયણની દાંડી અને એ જુનવાણી ઢોલ ધમાએ આજે પણ એમની યાદગીરી માટે સાચવીને રાખી મૂક્યા છે. ધમો એની આ અદ્ભુત કળાથી સારી એવી કમાણી પણ કરી લેતો અને એની નાતમાં નામ પણ મોટું. અને એટલે જ બે વરસ પહેલા એને રૂપરૂપના અંબાર જેવી  ઘરવાળી મળી હતી. ધમાની વહુ વાલી ગામના ઉજળિયાત વર્ગના બૈરાઓને પણ ટક્કર મારે એવી રંગે-રૂપે પૂરી હતી. આ વાલી ધમાને ખરેખર બહું વ્હાલી હતી.


                  આજે ઓછી બક્ષિશમાં પણ ધમાનો જાંગી ઢોલ ઠીકઠાક વાગ્યો. એ કોઈની સાડાબારી ન રાખતો. અને રાખે તો તો પોતાની જ કળાની આબરું પોતે જ ધૂળધાણી કરી કહેવાય! પોતાની કળાને સંપૂર્ણ સમર્પિત ધમો કળાની પૂરેપૂરી આમન્યા જાળવતો. પણ આજની વાત જુદી હતી. એના હાથ દાંડી પર હતા અને મન ઓલા બીડીના ઠૂંઠામાં અટવાયું હતું એટલે એને ભાન ન રહ્યું. એ સતત પોતાના ઘર ભણી મીટ માંડીને એક અલગ જ જાતના ખુન્નશમાં ઢોલ પીટ્યે જતો હતો. એ નવરો પડ્યો એટલે ઘર ભણી ચાલતો થયો. રસ્તામાં કંઈ કેટલાય વિચારો આવી આવીને સમી ગયા પણ એની મનની મૂંઝવણનો ઉકેલ એને કેમેય કરીને મળતો નહોતો. ગામમાં અત્યારે લગનની સિઝન બરાબરની જામી હતી. એવામાં છેલ્લા કેટલાય સમયથી એને જ્યારે ઢોલ વગાડીને ઘરે પાછો આવે  ત્યારે ઘરની બહાર બીડીનું ઠૂંઠું જોવા મળતું. જોકે, શરૂઆતમાં તો એણે આ ઠૂંઠાને ગણકાર્યું નહીં. પણ પછી ધ્યાનથી જોયું ત્યારે એક વાત સમજાઈ કે આ એનું પોતાનું તો નથી જ. કારણ કે આ ઠૂંઠું કાયમ અડધું જ પીધેલું હોય. હવે ધમો તો બીડીના છેવાડે આવતો લાલ દોરો વટી જાય તોય મૂકતો નહીં. જાણે બીડી પણ પોકારી ઊઠતી કે, બસ ભાઈ હવે રહેવા દે, હવે તારા ફેફસાં સુધી પહોંચી શકે એટલો ધુમાડો મારામાં નથી રહ્યો! ક્યારેક તો બીડીનો ગરમ દેતવા એની જીભ દઝાડી દેતો અને ધમો ઠેકડો મારી ને ઘા કરી દેતો. કાયમ પોતે બહારથી આવે અને આવું અડધું ઠૂંઠું જુએ એટલે ક્યારેક પોતાની રૂપાળી ઘરવાળી પર શંકા પણ જતી પણ ફરી પાછો એની શંકા પર એનો પ્રેમ હાવી થઈ જતો. પણ કાલે તો હદ થઈ ગઈ. ધમો જેવો ઘરે પહોંચ્યો કે એવું જ અડધી પીવાયેલી બીડીનું ઠૂંઠું છેક એના ઓરડામાં મળ્યું! ધમાએ વાલી ન જુએ એમ હાથમાં લઈને બરાબર તપાસ્યું. હવે ધમાનો શંકાનો કીડો મોટો મંકોડો બની ગયો હતો. અને કાલ સાંજથી લઈને અત્યાર સુધી ધમાના મગજને આ શંકાનો કીડો કોરી ખાતો હતો.


                     વિચારોમાં ને વિચારોમાં ક્યારે ઘર આવી ગયું, ખબર પણ ન પડી. ઘરની બહાર આજે ધારી ધારીને જોયું તો કાયમની જેમ આજે પણ બીડીનું ઠૂંઠું દીઠું. કાયમની જેમ એણે એ ઠૂંઠું ઉપાડીને ઘરની પાછળની વાડમાં નાખ્યું અને એ ઘરમાં ગયો. ઓરડામાં ગયો તો ખાટલા પર ચોળાયેલી ચાદર જોઈને ધમાનો રઘવાટ વધી ગયો. એટલામાં રસોડામાંથી આવીને વાલી મધુર અવાજમાં રણકી.

"આવી ગ્યા? આજ તો જાજી શીખ મઇળી લાગે? જાંગીનાનીની ડાંડી બઉં પીટાણી!"


"હા, ના બઉ તો નઈ..." ચોળાયેલી ચાદર પરથી નજર હટાવીને વિચારોમાં ગમગીન ધમાએ થોથવાતી જીભે જવાબ આપ્યો.


"કેમ મોઢું ઉતરેલું હે?"


"માથુ દુખે."


"સા મેલું?"


"ના. પાણી લાવ."


               ધમાનું મન અંદરથી ખોટકાઈ ગયું હતું એટલે ટૂંકમાં જ વાત પતાવી. ધમાને પાણીનો કળશો આપી વાલી ઘરકામમાં પરોવાઈ અને ધમો પાણી પી ને એનો ઢોલ લઈને ફળિયામાં બેઠો. એ જ્યારે મૂંઝવણમાં હોય ત્યારે ઢોલ સાથે જ સમય કાઢતો. ફળિયામાં જઈને એના ઢોલની એકએક ચીજો તપાસીને એને સરખી કરવા લાગ્યો. એક તો છેક કાલથી એના મનમાં પેલું બીડીનું ઠૂંઠું ઊંધુચતું થતું જાણે ધમાની હાંસી ઉડાવી રહ્યું હતું! ત્યાં આજે આ ચોળાયેલી ચાદરે ધમાને સાવ ભાંગી નાખ્યો. ધમો એ બધા વિચારોને ખંખેરી ને ઢોલમાં મન પરોવવાની કોશિશ કરવા લાગ્યો. એણે ઢોલના મધ્યભાગમાં સુશોભન માટે લગાવેલા બિચસાર પર હાથ ફેરવ્યો. ત્યાંથી એનો હાથ ધીમેધીમે માદાપડી તરફ ગયો. આ માદાપડી તરફનું મુખ નરપડીથી સહેજ સાંકડું હોય અને એના પર બકરીનું પાતળું ચામડું લગાવેલું હોય છે. આ બન્ને પડીઓ ઢોલના મુખ પર બરાબર પકડાયેલી રાખવા માટે એમાં બાર કાંણા પાડેલા હોય એેને ઘર કહેવાય. આ બારેય ઘરના પાછા અલગ અલગ નામેય ખરા. ધમાએ આ માદાપડીના એક ઘરમાંથી પરોવેલી દોરીના બે છેડાને નરપડી તરફ ખેંચવા માટે લગાવેલી કસણી થોડી ખેંચીને સરખી કરી. પછી એકએક ઘર પર આંગળીઓ ફેરવવા લાગ્યો. ધમો આ બારેય ઘરને નામથી ઓળખે! સન, બૈચી, ગોપી, પાસપણી, રણકા વગેરે. બીજા ઢોલી તો ખાલી ઢોલ વગાડી જાણતા પણ ઢોલની એકએક સામગ્રી અને એની જીણવટભરી માહિતી તો ધમો જ જાણે. એટલે જ તો ધમો બીજા ઢોલીઓથી અલગ હતો. એણે તો જાણે આખા ઢોલને આત્મસાત્ કરી લીધો હતો.


                 રાત પડી પણ ધમાને ક્યાંય ચેન પડતું નથી. આખી રાત એના સપનામાં પણ એ ચોળાયેલી ચાદર અને બીડીનું ઠૂંઠું જ સંતાકૂકડી રમતા રહ્યાં. જેવી તેવી ઊંઘ આવી ન આવી ત્યાં પૂર્વમાં સૂરજદાદાએ ડોકિયું કર્યું અને ધમો જાગ્યો. નિત્યક્રમ પતાવી ઢોલ હાથમાં લીધો. ઢોલની કંધરોટી પરની ચાક સરખી કરી અને ખભા પર ઢોલ ધારણ કરીને નીકળી પડ્યો.


                આજે રવાકાકાની દિકરીના લગન હતા. રવાકાકાની ઘરે પહોંચ્યો. ગોરબાપા આવી ગયા હતા. ધમાએ ઢોલના તાલ સેટ કર્યા ત્યાં ઘરની વહુઆરુઓ અને કન્યાઓ ગીત ગાતી ઢોલ વધાવવા આવી પહોંચી. સવારનું ટાણું અને આવો રૂડો અવસર છે. ધમાએ મંગળ તાલ વગાડ્યો. આસપાસનું વાતાવરણ પવિત્ર અને શાંત થઈ ગયું. ઢોલના તાલમાં કોકિલ કંઠી વહુઆરુઓનું સુમધુર ગીત પણ ભળ્યું.


મેં તો થાળ ભર્યો રે શગ મોતીડે રે,

હું તો હરખે વધાવાને જાઇશ,

મારે સોના સરીખો સૂરજ ઊગીયો.

બેનના દાદાશ્રી તમને વિનવું રે,

હું તો ઢોલ વધાવાને જાઈશ,

મારે સોના સરીખો સૂરજ ઊગીયો.


                ઘરની નાની વહુ ઢોલ વધાવવા આગળ આવી. એણે ચાંદલો કરીને ઢોલ વધાવ્યો અને ધમાને એક શ્રીફળ, સવા પાલી ઘઉં, સવા શેર ગોળ અને સવા રૂપિયો અખિયાણા તરીકે આપ્યા. ધમાના ઢોલના તાલે જાન આગમન, છાબ, ખેડા એમ એક પછી એક વિધિ સંપન્ન થતી ગઈ. એક વિધિ પતે અને ધમો નવરો પડે એટલે વળી પાછો એ વિચારે ચડી જતો અને એ ચોળાયેલી ચાદર અને પેલું ઠૂંઠું એના મન પર હાવી થઈ જતાં. ધમાની કરમની કઠણાઈ પણ કેવી હતી! પોતે જ જાંગીનો ઢોલ વગાડીને એના ઘર સુધી પોતાના આગમનની એંધાણી આપી દેતો. અને પેલો ઘરે આવેલો માણસ.... પણ આ જાંગીના દીધા વગર છૂટકો પણ નહોતો. વિચાર કરતો ધમો બહાર શેરીમાં ઊભો હતો ત્યાં અચાનક જ એને બાજુના ગામમાં રહેતો એના મામાનો દિકરો ભુરો મળી ગયો. વાતચીત પરથી ખબર પડી કે એ હટાણું કરવા આવ્યો છે.


                 ધમાને એક તરકીબ સૂઝી અને એની આંખો ચમકી ઊઠી. મોટાભાગની વિધિઓ તો પૂરી થઈ જ ગઈ હતી. હવે મૂરત આવ્યે જાન ઉઘલો જ કરવાનો બાકી હતો. જાન વિદાય થઈ જાય અને જાંગીના દઈ દે એટલે વાત પૂરી. ભુરો પણ એના ગામમાં ઢોલ તો વગાડતો જ. ધમાએ ભુરાને કામનું બહાનું કાઢી ને આ બાકી રહેલા પ્રસંગમાં ઢોલ વગાડવા માટે પટાવી લીધો. ઢોલ અને દાંડી ભુરાને સોંપી ને એ ઘર ભણી ચાલતો થયો. હવે એની મૂંજવણનો અંત તો હાથવેંતમાં જ હતો. પણ તોય એની છાતી કોઈ અમંગળની એંધાણી આપતી હોય એમ જોરજોરથી ધકધક કરતી હતી. એની છાતીમાં જાણે કંઈ કેટલાય સવાલો, શંકા સાચી પડવાનો ડર અને એવું બીજુ કેટલુંયે ધડાપીટ મચાવી રહ્યું હતું.


                  પરસેવે રેબઝેબ ધમો જ્યારે ઘરની નજીક પહોંચ્યો ત્યારે તો એને લાગ્યું કે હમણાં એનું એક પાંસરું છાતી બહાર નીકળી જશે! ફળિયામાં પગ દીધો અને ખૂણામાં પડેલો એના બાપાનો જુનવાણી ઢોલ અને એમાં ખોસેલી દાંડી નજરે ચડી. આસપાસ નજર કરી પણ વાલી ક્યાંય દેખાણી નહીં. ઘરમાં અંદર ગયો તો ઓરડાનું બારણું બંધ હતું. ધક્કો મારીને બારણું ખૂલ્યું...પણ આ શું! છ આંખો આશ્વર્યથી એકબીજીને તાકતી ફાટી જ રહી ગઈ! ધમાની આંખે અંધારા આવી ગયા. ઓરડામાં એની વ્હાલી વાલી અને મુખીબાપા કઢંગી હાલતમાં... ધમો ઘડીભર પૂતળું બનીને ખોડાઈ ગયો. મુખીબાપા અને વાલીએ ઝટપટ કપડા પહેર્યા અને બહાર આવવા પગ ઉપાડ્યા પણ બારણામાં તો ફાટેલી આંખે ધમો ખોડાયેલો હતો.


                  થોડીવારે ધમો હલ્યો. એની ફાટેલી આંખો લાલચોળ બની ગઈ. એના બાપાના જુનવાણી ઢોલમાં ખોસેલી અણીદાર દાંડી કાઢી અને ભાગીને ફળિયામાં પહોંચી ગયેલા મુખીબાપા તરફ ધસી ગયો. સીધી જ એ દાંડી મુખીબાપાના પેટમાં ખોસી દીધી! એ લગાતાર ક્યાંય સુધી મુખીબાપાના પેટમાં દાંડીના પ્રહાર કરતો રહ્યો. ખચાખચ...ખચાખચ..!  ઘરની દિવાલો લોહીની પિચકારીઓથી રંગાઈ ગઈ. મુખીનું શરીર ત્યાં જ ઢગલો થઈ ગયું. લાલ લોહીના છાંટાથી ખરડાયેલો રૂપાળો ચહેરો અને ફાટેલી આંખો જડ બની ગયા. ધમાએ પેલો જુનવાણી ઢોલ ખભે ભરાવ્યો અને ફળિયામાં આવીને દાંડી ઠોકવા લાગ્યો...ધ્રુબાંગ...ધ્રુબાંગ..!


              ધમાના કસાયેલા શરીરના મજબુત હાથથી પડતી દાંડીની ગુંજ છેક ગામ સુધી પહોંચતી હતી. ખુન્નસથી એ જોરજોરથી દાંડી પીટી રહ્યો હતો. ગામના લોકોએ આજ સુધી ઢોલનો આવો બુલંદ અવાજ અને આવો એકધારો તાલ પણ ક્યારેય નહોતો સાંભળ્યો. ગામમાં નજીકમાં વાગતા ભુરાના ઢોલનો અવાજ પણ હવે આ દૂરથી આવતા બુલંદ અવાજમાં દબાઈ જવા લાગ્યો! ગામના લોકો આશ્ચર્યથી વિચારી રહ્યા કે આખરે આ છે શું? અવાજ તો ગામના પછવાડેથી આવી રહ્યો છે. આવો ઢોલ વગાડનાર તો ધમા સિવાઈ કોઈ ના હોય શકે. શું આજે એને કોઈ મોટી બક્ષિશ મળી હશે? પણ તો એ એના ઘર પાસે છેક કેમ ઢોલ વગાડે છે?


                     ધ્રુબાંગ...ધ્રુંબાંગ...એ અવાજની દિશામાં ગામલોકો જવા લાગ્યા. ઢોલનો આવો ક્યારેય ન સાંભળેલો બુલંદ અવાજ અને વિચિત્ર પણ એકધારો અલૌકિક તાલ સાંભળીને મનોમન ધમાને દુઆ દેતા અને વાહવાહી કરતાં ગામલોકો ધમાની શેરી સુધી પહોંચી ગયા. ધમાના ફળિયા સુધી પહોચીને અંદરનું દૃશ્ય જોયા પછી એક પણ વ્યક્તિ ફળિયામાં જવાની હિંમત ન કરી શક્યો! ઢોલની દાંડી લોહીથી લથબથ હતી અને ધમાનું ખુન્નસ સતત એને ઢોલ પર દાંડી મારી રહ્યું હતું. દાંડી પરથી ચારેય તરફ લોહીના છાંટા ઊડી રહ્યા હતા. ઢોલની એક તરફની પડી પણ લાલચોળ થઈ ગયેલી. ફળિયામાં ઊભેલો લીમડો પણ જાણે થરથર કાંપી રહ્યો હતો! એના સૂકા પાન પણ ઢોલની આ ધ્રુજારીથી ખરી રહ્યાં હતાં! આ બધા વચ્ચે મુખીબાપાની લોહીથી ખરડાયેલી લાશ પડી હતી. ફળિયામાં એના લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. ગામલોકો ઘડીક ધમાને તો ઘડીક લાશને ફાટેલી આંખે જોઈ રહ્યાં. પણ ધમો? એ તો એમ જ એક પણ મટકું માર્યા વગર પૂરી તાકાતથી ધ્રુબાંગ...ધ્રુબાંગ..! જાણે જિંદગીએ એને આપેલી આ કાળમુખી બક્ષિશના બદલામાં એ જિંદગીને જાંગીના દેતો હોય! લોકોને લાગ્યું કે ભગવાન શંકર જ્યારે તાંડવ નૃત્ય કરતા હશે ત્યારે એનું ડમરૂં આવા જ કોઈક તાલમાં વાગતું હશે! લોકો તો બસ દિગ્મુઢ બનીને ઊભા જ રહ્યા. આ ભયંકર દૃશ્ય અને ઢોલનો અલૌકિક તાલ એમને કશું સૂઝવા નહોતા દેતા! સમય પણ જાણે થંભી ગયો હતો. થોડા સમયમાં ધમાની ઢોલની નરપડી ફાટી ગઈ અને આ અલૌકિક તાલનો તંતુ તૂટી ગયો. પણ આ શું? જેવી ઢોલની નરપડી તૂટી એવો જ ધમો પણ ચત્તોપાટ! જાણે એ ઢોલ અને એના તાલ સાથે ધમાના આત્માનું અનુસંધાન ચાલતું હતું. અને એ તાલ તૂટ્યો એટલે ધમાનો આત્મો પણ અનંતની વાટે નીકળી પડ્યો. આજે આ ફળિયામાં ઢોલવાદનના ઇતિહાસનો એક અધ્યાય આથમી ગયો!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ