વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચુંદડી

        '  ચુંદડી '


                   કાળજાં કંપાવી મુકતી મેઘગર્જનાઓ  રાતને વધુ ભયંકર બનાવી રહી હતી. વાદળોને ચીરીને પૃથ્વીના પેટાળમાં પ્રવેશી જતી વિજળી વસંતે ખીલવાનાં સપનાં સેવતા અનેક છોડવાઓને દઝાડી જતી હતી. ગાર-માટીના લીંપણવાળા ખોરડામાં તુટેલા નળીયાં વચ્ચેથી પડતી બુંદો દિવાલને ટેકે બેઠેલી નિશાનાં આંસુડાં સાથે જાણે હરીફાઈ કરી રહી હતી.  નિશા અનાયાસે ચીરાઈ ગયેલી પોતાની સ્વપ્ન ચુંદડીને સાંધવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી હતી. એ જેમ જેમ સાંધતી જતી હતી તેમ કઠણ કાળજાના નિષ્ઠુર દોરાઓ એમાં વધુ મોટાં છેદ કરી રહ્યા હતા.

                બા ગુજરી ગયાનાં આજે બાર બાર વરહ વીતી ગયાં હતાં. બાનો પાલવ પકડીને પોતે બાની પાછળ પાછળ દોડતી ને પોતાના કુમળા હાથે બાને મદદ કરીને એ કેવી હરખાતી. વલોણું કરતી બાને એ વહાલથી જોઈ રહેતી. બધાં દ્રશ્યો એક પછી એક એની આંખો સામે ઉભરાઈ રહ્યાં હતાં  અને વળી યાદોની નદી બનીને વહી જતાં હતાં.

                એકવાર બા પટારામાં પડેલાં પોતાનાં કપડાંને સંકેલી સંકેલીને ગોઠવી રહી હતી .એમાંથી અનોખી ભાતવાળી એક ચુંદડી પર નજર પડતાં જ જાણે મોંઘેરો ખજાનો હાથ લાગ્યો હોય એમ બા વારે વારે એ ચુંદડી પર હાથ ફેરવીને જોતી હતી અને મરક મરક હસે જતી હતી.  ''બા આ ચુંદડી કોણે આપી'તી?  એમાં આ વલોણું ને ગાયો ને વાછરડાં ને આ બધું કોણે ચીતર્યં છે બા?'' નાનકડી એ જીભડી અનેક સવાલો કરી રહી હતી.

                 ''બેટા, સાસરે જતી દરેક કન્યાને પોતાના લગ્ન પહેલાં આવી ચુંદડી ભરવી પડે. એમાં એનાં સપનાંને દોરા ને આભલાંથી ટાંકવાં પડે.'' બા વ્હાલથી જવાબ દેતીને વળીએ ચુંદડી પર હાથ ફેરવીને કેવું હરખાતી.

                 '' બા તેં એમાં કેમ વલોણાં,  વાછ'ડાંને ગાયું જ ચીતરી છે?, તેં ફુલો,  બગીચા ને નદીયું કેમ નથી ચિતરી? એ બધું તને નથી ગમતું બા? ''  પોતે કેટકેટલા સવાલો કરતી.  બા એને કેવી વ્હાલથી ઉંચકી લેતી ને સમજાવતી,  ''  બેટા, એ બધું આપણા બાયુંના નસીબમાં ક્યાં છે.  આપણે તો બસ ઘરમાં રે'વાનું ને ઘરનાં કામઠામ કરવાનાં. આપણાથી બારે ન નીકળાય.''  ''બા આપણે બાર કેમ ન નીકળાય? '' ''એ કાલ કહીશ.  બધું આજે નઈ સમજાય. ચાલ થોડું ખાઈલે. '' કહીને બા એના કુમળા હાથમાં તાજું માખણ ચોપડેલી રોટલી  ધરી દેતી. કાલ ના જાણે બાને જવાબ નઈં દેવો હોય એમ કાયમને માટે પોઢી ગઈ હતી ઈ બધુંય નિશાની નજર સામે તરી રહ્યું હતું. 

                  એ દિવસથી બાની એ અરધી ભરેલી ચુંદડી પોતે હાથમાં લીધી હતી.  ચુંદડીના ખાલી પડેલા ખુણે એ પોતાનાં સપનાં  ચીતરતી. ક્યારેક બગીચામાં પ્રિયતમનો હાથ પકડીને ચાલતી તો ક્યારેક પ્રિયતમના ખભે માથું મુકીને બેઠેલી નિશાને એ અણિયાળી કલમે ચુંદડી પર ચીતરતી. બગીચાની  શીતળ હવા એની લટને ફરકાવી જતી. એ લટને સરખી કરવા લંબાતા પ્રિયતમના હાથ પર એ વ્હાલથી ચુંબન કરતી. જાત જાતના ફુલોની સુગંધ એના મનને ટાઢક આપતી હતી તો વળી પ્રિયપાત્રનો સ્પર્શ એના હૈયાને હરખાવતો હતો. '' હુંયે ગાંડી આ સપનામાં ક્યાં ખોવાઈ જાઉં છું ''  સ્મિત સાથે બબડતી ને વળી હાથમાંથી સરી પડેલી સોયમાં નવું સપનું  પરોવતી.

                નદીતટે પ્રિયના ખોળામાં માથું મુકીને સુતેલી તે નદીની ભીની રેતમાં કોમળ હાથ ફેરવી રહી હતી. કપાળથી ગાલ તરફ સરકી રહેલા પ્રિયતમના પ્રેમાળ હાથને માણવા આંખોનાં પોપચાં ઢાળી દીધાં હતાં.ખળખળ વહેતા ઝરણાનો મધુરવ એના મનને હરી રહ્યો હતો.  બીજી જ ક્ષણે પ્રિયતમનો  હાથ પકડીને એને ખળખળ વહેતા ઝરણા ભણી ખેંચી ગઈ. છીછરા પાણી વચ્ચે પડેલી શિલા પર એ જઈ બેઠી. પોતાના કોમળ પગને સ્પર્શતા શીતળ જળે એના સ્વપ્નને ત્યાં જ અટકાવી દીધું. એ જબકીને જાગી.  તુટેલા નળીયા વચ્ચેથી પાણીની બુંદો એના પગ પર પડી રહી હતી.

             'મીઠું મધુરું સપનું સવાર પડતાં સુધીમાં ક્યાંય ખોવાઈ જશે તો?'  એ ડર સાથે નિશાએ અંધારામાં હાથ લંબાવ્યો. માંડ માંડ માચીસ શોધીને દીવડો પ્રગટાવ્યો. દીવડાના આછા અજવાળે તેણીએ હળવેથી પટારો ખોલ્યો.  એમાંથી અરધી ભરેલી ચુંદડી ખેંચી. ચુંદડીનો એક છેડો પટારાના કોઈ ખાંચામાં ભરાઈ ગયો હતો.નિશા એ આછા અજવાળે ચુંદડીના બે ટુકડા થતા જોઈ રહી.  પોતે ચીતરેલાં સપનાંને સાંધવા તેણીએ ફરી સોય ઉપાડી.  એ જેમ જેમ સોય પરોવતી ગઈ તેમ તેમ ચીમળાઈ ગયેલી એ ચુંદડીમાં વધુ ને વધુ છેદ પડતા ગયા. નિશાની સ્વપ્ન વાદળી જાણે ફાટી ગઈ હોય એમ એની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં ને નિશા એનાં સપનાને એમાં વહેતાં જોઈ રહી.


                                 - જગદીશ જેપુ (જીવન)



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ