વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાલને થોડી વાતો કરીએ

ચાલને થોડી વાતો કરીએ..

આ ઊંચા ઊંચા પહાડો પર ઉગેલા 

લીલાછમ્મ વૃક્ષોને ચુંબન કરીને 

 દોડતાં વાદળો સાથે

            ચાલને થોડી વાતો કરીએ..

ઊગમણે ડોકીયું કાઢતો સૂરજ

હાથમાં પીંછી લઈને  

ઘનશ્યામ વાદળોની કોરને

સોનેરી રંગે ઝળકાવતો સૂરજ..

 સોનેરી રંગ ...

  સૂરજ પાસેથી ઉધાર લઈને

  જીવનમાં આશા ઝળકાવીએ,

              ચાલને થોડી વાતો કરીએ..

વાત કરીએ ..

ખળખળ વહેતી ગંગાની

નિરંતર વહેતી ગંગાની

સંસ્કૃતિની ધરોહર જાળવતી ગંગાની

ગૌમુખથી જન્મી દોડે છે

     ઝડપથી..

     નિરંતર..

     કેમ?

દરિયાને મળવા કે અસ્તિત્વ મીટાવવા?

        ચાલને થોડી વાતો કરીએ..

તારી સાથે.. તારા મન સાથે..

આ અલૌકિક જગ્યાએ 

તારી રૂહને સ્પર્શતા આનંદ સાથે

આંખમાથી વહેતા અશ્રુ સાથે..

શરીરમાં ઊભા થતાં રોમાંચ સાથે..

એક અલૌકિક શાંતિ સાથે..

તારા શરીર અને મનનાં મૌન સાથે

           ચાલને થોડી વાતો કરીએ..

  પ્રભુએ આપેલી એક ક્ષણ સાથે

   તેનું સાન્નિધ્ય પામવા 

   આપેલા આમંત્રણ સાથે

    તપોવન ભૂમિ..

    ઋષિકેશ સાથે.

             ચાલને થોડી વાતો કરીએ



       



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ