વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કવિતા આસ્વાદ

જળનાં ટીંપાનું ટોળું છે ધારા ,

વાત્સલ્ય ભાવનો ધોધ છે ધારા ,

અનુભવની વાત છે,

ઝાંઝવા નીર તો નથી જ આ ધારા ,

પ્રેમની સદા ધારીણી છે આ ધારા

ધૈર્ય , ધીરજ ને ધર્માંધ છે ધારા ,

શૂન્યથી સર્જન છે ધારા ,

ને માટે જ તો ,

રાધાની વિપરીત છે ધારા ,

ધ્યાનથી ડોકીયું કરો તો સમજાય ,

કૃષ્ણની આગળ છે ધારા ,

મીરાંના મૂળમાં છે ધારા ,

નરસિંહનાં સૂરમાં છે ધારા ,

સમજવાથી જ સમજાય આ ધારા...

હવે તમે જ કહો ? કેવી છે આ ધારા...


​💐​ આસ્વાદ 💐




      સર્જન કરતી વખતે જાત સાથે વાત માંડવી પડે.તેનો અવાજ સાંભળવો પડે.ઝગડવું પડે. જાતને લેખનમાં ખંખેરવી પડે , તોજ સર્જનનું નિતાંત સ્વરૂપ પ્રાપ્ત થાય.બીજનું અંકુરમાં રૂપાંતરણ થાય અને તેમાંથી ફળ બને - જેટલી જ પ્રક્રિયા સર્જનની છે ! જીવનમાં બનતી ઘટનાને વાચા આપવાનું કાર્ય તે સાહિત્ય સર્જનનો વિષય ગણાય.સ્થળ અને વ્યક્તિનાં અનુભવની વચ્ચે જ્યારે પોતાની જાત ઘસાય , અને તેમાંથી જે સરવાણી ફૂટે , તે છે ઉત્તમ સાહિત્ય.

                        કોઈ વ્યક્તિનાં અનુભવને વાચા આપવાનું કાર્ય શબ્દના સથવારે અને સર્જનની ક્ષણે અહીં જે સુઝયું , ને તેમાં જે કારણભૂત બની એવી મારી વહાલસોયી બહેન ધારા જે અહીઁ કારણભૂત બની છે , તેનો હું ઋણી છું.

                     કાવ્ય પંક્તિની શરૂઆતનો વિચાર આવવાં માટે અનિલ ચાવડાને યાદ કરવાં રહ્યા.તેમની કવિતા...


“સંપ માટીએ કર્યો ને ઈટ થઈ

ને ઈટોનું ટોળું મળ્યું તો ભીંત થઈ."


                         - જેનાં ભાગરૂપે જળના ટીંપાનો સમૂહ એ ધારા... આવા વિચારની પ્રાપ્તિ થઈ એ ધારા , હંમેશા પોતાના પ્રેમની ધારા મારા પર વહાવતી.પોતાનો અવિરત પ્રેમ વરસાવતી ધારા ખરેખર ધારા જ છે. જળધારાની ગતિ ઊપરથી નીચે તરફ છે , જેને સામાન્ય રીતે માનવી “ ધોધ " સંજ્ઞા દ્વારાં ઓળખે છે.જ્યારે આ “ધારા"એ મારાં સંબંધોને નીચેથી ઉપર લાવવાનાં પ્રયત્નોમાં હંમેશા મને સાથ આપ્યો છે. આમ એક પ્રકારે તે વિપરીત અને વિલક્ષણ છે.આ બે ધારા.લાગણીની શૂન્યતા વચ્ચે શરૂ થયેલો સંબંધોનો આ મબલક પાક આજે જે મને પ્રાપ્ત થયો , તેનું કારણ છે ધારા ! અને આગળ કહું તો રાધાની વિપરીત છે ધારા.“રા " અને “ધા” શબ્દોને ઉલ્ટાવતા જે નામ પ્રાપ્ત થાય છે તે છે ધારા. ભગવાન શ્રીકૃષ્ણનાં નામની આગળ હંમેશા “રાધે કૃષ્ણ" એમ બોલાય , માટે જ આપણે પ્રેમની ધારિણી એવી ધારા એ હંમેશા પ્રેમની પ્રતીક રહી છે.આમ “ધારા"અને “રાધા"નો પ્રતીક અહીં સમજાય છે. “મીરાં” અને “નરસિહ" નાં મુખેથી જે રાધાનું શબ્દ ચિત્ર સર્જાયું છે , તેજ શબ્દચિત્ર ધારામાં દેખાય છે. આખરે આ બધી સમજણશક્તિની વાત છે , જેને સમજાય તેને જ સમજાય.માટે જ તો અહીં કવિતાના અંતમાં પ્રશ્નાર્થ મૂકીને તેને પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો છે.સર્જનની પ્રવૃત્તિને બધાં એકસરખું જ સમજે -વિચારે એ જરૂરી તો નથી , માટે જ પોતપોતાની રીતે અહી સમજવાની મોકળાશ વ્યક્ત થતી દેખાય છે.ટૂંકમાં ધારાએ પાણીનો સમૂહ છે , પ્રેમનું પ્રતીક છે , રાધાનો પર્યાય છે , અને સમજાય તો મારી વહાલી બહેન છે.


🖌️🖌️ પાર્થ જોશી 🖌️🖌️

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ