વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સુગંધા

 

કોનો છોકરો હશે, ક્યાંથી આવ્યો હશે?

 

ઘરમાં સાવ એકલી સુગંધાને ઘણા પ્રશ્નો થતા હતા. ત્રણ દિવસથી સાંજે સંચારબંધી લાગી જતી હતી. દિવસે છમકલાંઓનો સહેજ ડર રહેતો, એટલે તે બહાર જવાનું વિચારતી પણ નહીં. અત્યારે, મોડી રાત્રે તે પેશાબ કરવા જાગી, ત્યારે ફળિયામાંથી આવતો કોઈનો રડવાનો ધીમો અવાજ તેને દરવાજા સુધી ખેંચી લાવ્યો હતો.

 

સુગંધા ભયભીત ન થઈ. લોખંડની જાળી બંધ હતી, એટલે સીધું તો કોઈ ઘરમાં ઘૂસી ના શકે. તેણે થોડીક ક્ષણો સુધી દરવાજે ઊભાં રહીને ધ્યાનથી સાંભળ્યું. બહાર ખરેખર કોઈ નાનું બાળક વાંરવાર ડૂસકાં ભરીને રડતું હતું. ડિસેમ્બરની હાડ થીજાવતી ઠંડીમાં એક નાનો જીવ પોતાનાં ફળિયામાં ઠૂંઠવાતો હતો, એ જાણીને સુગંધાનાં હ્રદયમાં બળતરા થવાં લાગી. તેણે ફળિયાની લાઇટ ચાલું કરીને જાળીમાંથી બહાર જોયું.

 

“કોણ છે?” સુગંધાએ કાળજીપૂર્વક નીચા અવાજે પૂછ્યું.

 

પહેલા ઓચિંતા ઝબકેલા પ્રકાશ અને પછી આછા અવાજને કારણે દશેક વર્ષનું એ બાળક ડરી ગયું. સુગંધાનો એવો ઇરાદો જરાય ન હતો; અને હકીકતમાં એટલે જ તે દરવાજો ખોલીને બહાર ન નીકળેલી. તે મોટા અવાજે પૂછતી બહાર આવી હોત, તો એ છોકરો કદાચ ડરીને નાસી જાત. છોકરો હજી ફળિયાની એક દીવાલને ટેકે બેઠો હતો, જે સારી વાત હતી, પરંતુ જવાબમાં એ કશું બોલ્યો નહીં.

 

“ભૂખ લાગી છે? કે પાણી આપું?” હેતપૂર્વક પૂછવાં છતાં જવાબ ના મળ્યો, એથી સુગંધા પણ હવે લગીર ડરવાં લાગી. થોડો સમય રાહ જોયાં પછી તે ફરી બોલી, “ઠીક છે. ત્યાં જ બેસજે. હું કશુંક લઈને આવું.”

 

સુગંધાએ ઓશરીમાંથી દરવાજાના તાળાની ચાવી લીધી અને પછી રસોડામાં ગઈ. પાણીની એક બોટલ અને પોતાંને ગમતાં બિસ્કિટનાં બે પેકેટ લઈને તે બહાર આવી. બોટલ નીચે મૂકીને તે હળવેકથી તાળું ખોલવાં લાગી. છોકરો જાળીનો અવાજ સાંભળતાવેંત જ ઊછળ્યો.

 

“ના!”

 

તાળું ખોલ્યાં પછી સુગંધા અટકી ગઈ. તેણે જાળી બહાર ઠંડી અને ડરથી ધ્રૂજતા એ છોકરાની સામે જોયા જ કર્યું. એક હળવી ટીસ પણ તેનાં મનમાં ઊઠી અને તે ગણગણી, ‘બચારો! શું વીતી હશે આના પર?’

 

મન વિકરાળ કલ્પનાઓના પંથે દોડી જાય એ પહેલા જ સુગંધાએ એને પાછું વાળી લીધું.

 

“દીકા, હું તને કંઈ નહીં કરું! જો, હું તારા માટે આ બિસ્કિટ અને પાણી લાવી છું!”

 

તેણે બિસ્કિટનાં પેકેટ જાળી પાસે લાવીને બતાવ્યાં. તે છોકરાને જોઈ શકતી હતી, પરંતુ અંદરની મંદ રોશનીને કારણે છોકરાને કશુંયે સ્પષ્ટ દેખાતું ન હતું. બંને ક્યાંય સુધી એકમેક સામે જોતા સ્થિર ઊભા રહ્યા.

 

આખરે, છોકરાનું ધ્રૂજવાનું બંધ થયું. એ અચકાતા મને દરવાજા નજીક આવ્યો અને ત્રૂટક અવાજે બોલ્યો, “બહાર ફેંક. હું લઈ લઈશ.”

 

સુગંધાના જીવને શાતા વળી. તેણે છોકરાએ કહ્યું એમ કર્યું. તેને થયું, કે ભૂખ્યાં પેટમાં કંઈક પડશે એ પછી કદાચ છોકરાને અંદર આવવામાં ડર નહીં લાગે. તેને છોકરા પર તીવ્ર અનુકંપા જાગી રહેલી; કેટલો ડરી ગયો છે એ બિચારો! એ હવે કોઈ પણ માણસ પર ભરોસો કરવા તૈયાર જ નથી!

 

એ છોકરો બિસ્કિટ ઊઠાવીને પાછો દીવાલ તરફ ચાલ્યો ગયો. ત્યાં પડેલા, શણના ખાલી કોથળાઓની આગોશમાં એ છોકરાને હુંફ મળતી હતી. એની બિલકુલ નજીકમાં જ મધુમાલતીની એક વેલ પણ ઊગી હતી. છોકરા તરફ ઝૂકેલાં એનાં સફેદ મિશ્રિત લાલ ફૂલનાં ઝૂમખાં સહેજ પણ ડોલ્યાં વગર શાંતિ જાળવી રહેલાં. એ છોકરો અકરાંતિયા જેમ બિસ્કિટ ખાવા લાગ્યો.

 

“પાણી નથી પીવું?”

 

એણે બિસ્કિટ ખાઈ લીધા એ પછી સુગંધાએ પૂછ્યું. છોકરો મૌન રહ્યો અને ઊભો થઈને સામેની દીવાલ પર લાગેલા એક નળ પાસે ગયો. સુગંધા કાયમ એ જ નળનાં પાણીથી ફળિયાનાં છોડવાઓને ધવરાવતી હતી. ત્યાંનો પ્રત્યેક છોડ તેનો વહાલસોયો હતો. ઋત્વિજનો આખો દિવસ એની નોકરી ખાઈ જતી, એટલે કંટાળીને એકલવાયી સુગંધાએ પોતાનું મન છોડ અને વેલાઓમાં રોપી દીધેલું. લોકો કહેતા પણ હતા, કે હવે એ રોપાઓ જ સુગંધાનાં સંતાન બની ગયેલાં. તે આખાં ફળિયાને જે પાણીથી ધવરાવતી, એ જ પાણીથી છોકરાને ખોબે-ખોબે ગળું ભીનું કરતો જોઈને સુગંધાનાં હૃદયમાં બંધ કોઈ અજાણી પીડા ડૂમો બનીને બહાર આવવામાં જ હતી, પરંતુ તેણે લાગણીઓને સંભાળી લીધી.

 

“હજી પણ અંદર નહીં આવે? જો, હું તને કશુંયે નહીં કરું. સાચ્ચે જ!” સુગંધાનું હૈયું ભરાઈ આવ્યું હતું. છોકરાને પોતાનાં શરીરમાં હવે ચેતના પાછી આવી હોય એમ લાગી રહેલું, પણ એણે ડોકી હલાવીને અંદર જવાની ના પાડી દીધી.

 

“આખી રાત બ્હાર જ ઠરતો રહીશ?”

 

છોકરાએ હા પાડી અને એ ધીમેકથી એની મૂળ જગ્યાએ પાછો ફર્યો. એણે શણની થેલીઓમાં શરીરને સંકોચી લીધું, પણ આંખો ન મીંચી અને દરવાજા સામે એકીટસે જોતો રહ્યો. સુગંધાનું મમતાભર્યું હૃદય તત્ક્ષણ બહાર જઈને એ છોકરાને ગળે વળગાવવાં ચાહતું હતું, હેતથી એને ખોળામાં સૂવડાવીને એના માથે હાથ ફેરવવાં ઈચ્છતું હતું. કિંતુ, છોકરો ડરીને ભાગી જશે એ બીકે તે અંદર જ પૂરાઈ રહી. એ છોકરો ક્યાંય સુધી અવિચળ બેસી રહ્યો.

 

અંતે, સુગંધાના પગ થાક્યા અને તેની આંખો ઢળવાં લાગી.

 

“તું સવાર સુધી ત્યાં જ રહેજે, હોને?” તે બોલી અને અંદરની જાળીનો અડધો ખુલેલો હડો બંધ કર્યો. એનો અવાજ સાંભળીને છોકરો પાછો ફફડ્યો.

 

“અરે, ડરીશ નહીં! હું દરવાજો બંધ કરું છું, ખોલતી નથી.”

 

સુગંધાએ તાળું માર્યાં વગર જાળી અંદરથી બંધ કરી દીધી અને ફળિયાની લાઇટ ચાલું રહેવાં દીધી. બેડરૂમમાં આવીને તેનું શરીર પથારીમાં ફસડાયું. તેણે મનોમન પ્રાર્થના કરી, કે સવાર સુધી એ છોકરો ત્યાં જ બેસી રહે. સવારે તે એની સાથે વાત કરીને એના પરિવારને શોધવાનું વિચારતી હતી. તેનું મન હવે પીડામાં ઘૂંટાવાં લાગ્યું હતું અને તે ઈચ્છવાં છતાં ઊંઘી ન શકી.

 

ન જાણે કેટલાયે બાળકો રમખાણોમાં આ રીતે માબાપથી અલગ થઈ જતા હશે! આવે વખતે શેતાન માણસના આત્માને ગ્રસી લે છે અને શરૂ થાય છે હાહાકાર અને હિંસાનો દોર! મારી પાંચ દાયકાની જિંદગીમાં મેં આવી કેટલીયે બીનાઓ વિશે સાંભળ્યું છે, પણ આજે પહેલીવાર હું એવી કોઈ ઘટનાની સાક્ષી બની છું.

 

થોડીક પળો પછી એક બીજા વિચારે તેનાં માનમાં દસ્તક કરી.

 

ઋત્વિજ બેંગ્લોરથી પાછો ફરશે, ત્યારે હું ફરીથી બાળક દત્તક લેવાનો પ્રસ્તાવ મૂકીશ. અને આ વખતે તો હું જીદ નહીં જ છોડું.

 

સુગંધા લાંબા સમયથી એક સંતાન દત્તક લેવાનું ઝંખતી હતી, પણ ઋત્વિજ કેમેય માનતો ન હતો. તે આ નિશ્ચય મનમાં રોપ્યા પછી થોડીક જ મિનિટોમાં ઘસઘસાટ ઊંઘી ગઈ.

*** 

 

મુખ્ય દરવાજા પર પડતા ટકોરાથી સુગંધા ઝબકીને જાગી ગઈ. લાઈટ ચાલું કરીને તેણે સમય જોયો. તે હજી અડધો કલાક તો માંડ સૂતી હતી.

 

“કોણ છે?”

 

બહાર ઓશરીમાં આવીને સુગંધા દરવાજાથી સહેજ અંતરે અટકી ગઈ. તેણે આસપાસ નજર દોડાવી. ડિમ લાઇટમાં ત્યાં પડેલી, પ્રહાર કરવા માટે ઉપયોગી એવી સખત અને વજનદાર વસ્તુંઓ તે જોઈ શકતી હતી.

 

“હું.”

 

બહારથી પેલા છોકરાનો એ જ જાણીતો અવાજ અંદર આવ્યો. સુગંધા નિશ્વિંત થઈ. તેને આનંદ પણ થયો. ઓશરીની બીજી એક લાઇટ ચાલું કરીને તેણે દરવાજા પાસે આવીને બહાર જોયું. એ છોકરો ત્યાંથી થોડેક દૂર ઊભો હતો.

 

“અંદર આવવું છે, દીકા?”

 

છોકરાએ ના પાડી. સુગંધાની મુંઝવણ ફરી વધવાં લાગી. તેણે પૂછ્યું, “તો શું ભૂખ લાગી છે?”

 

છોકરાએ હા પાડી. સુગંધા હેતસભર મલકાઈને રસોડામાં ગઈ. પતિ-પત્ની સિવાય ઘરમાં કોઈ ત્રીજું ન હતું, એટલે વિશેષ કંઈ નાસ્તો રાખવાની જરૂર ન પડતી. ક્યારેક, તે ઉપવાસ પાળતી એટલે ફરાળી ચેવડો રાખતી. તેણે ડબ્બામાંથી ચેવડો કાઢીને એક નાની પ્લાસ્ટિકની થેલીમાં ભર્યો, જે જાળીનાં સળિયાઓ વચ્ચેથી આસાનાથી નીકળી શકે એમ હતી.

 

સુગંધા ફરી દરવાજા પાસે આવીને બોલી. “હું બહાર આવું?”

 

છોકરાએ ફરી ના પાડી. તેમ છતાં, સુગંધાએ સ્મિત વેરીને પ્લાસ્ટિકની થેલી બહાર સરકાવી દીધી. છોકરો એ થેલી લઈને પાછો દીવાલમાં લપાઈ ગયો.

 

“તું મારાથી કેમ ડરે છે?” સુગંધાથી પૂછાઈ ગયું. તેણે જવાબની રાહ જોઈ, પણ છોકરો કંઈ ના બોલ્યો. તે કશુંક વિચારવાં લાગી.

 

“તને ખબર છે, મારે પણ તારા જેવો જ એક દીકરો છે!” સુગંધાને થયું, કે જો તે પણ કોઈની મા હતી એવું તે એ છોકરાને જણાવે, તો એનો ડર કદાચ ઓછો થાય.

 

છોકરાએ દરવાજા સામે જોયું. ઓશરીમાં સારું એવું અજવાળું હોવાં છતાં, એ અજવાળું સુગંધાની પીઠ પાછળ હતું, એટલે એ છોકરાને તેનો ચહેરો હજી પણ સહેજ અંધારામાં ઢંકાયેલો દેખાયો.

 

“તો એ ક્યાં છે?” છોકરાએ ખાવાનું અટકાવીને પૂછ્યું.

 

“ક્યાંક એટલે દૂર, જ્યાં મારા હાથ નથી પહોંચી શકતા.” તે ભીના અવાજે બોલી.

 

થોડીક ક્ષણો ચુપકીદીમાં વીતી ગઈ. એ પછી છોકરાએ બાકીનો ચેવડો થેલીમાં બંધ કર્યો અને શણના કોથળા નીચે સાચવીને મૂકી દીધો.

 

સુગંધાનાં ઘરથી થોડેક જ દૂર રેલ્વેના પાટા આવેલા હતા. એક માલગાડી નજીક આવતી ગઈ અને ધીમે ધીમે એનો અવાજ મોટો થતો ગયો; અને એ સાથે, પૈડાઓની ચીખ સાંભળીને છોકરો ફરીથી ધ્રૂજવા લાગ્યો.

 

માલગાડી ચાલી ગઈ. સુગંધાને હવે સમજાયું, કે એ છોકરો સ્ટેશનેથી ભાગીને આવ્યો હતો. સમાચારમાં તેણે જોયેલું, કે બસ, ટ્રેન અને બાકીનું બધું જ અધવચ્ચે થંભાવી દેવામાં આવેલું. બહાર સ્થિતિ અત્યંત ખરાબ હતી. બેંગલુરુમાં તો ધમાલ જેવું કશું ન હતું, તેમ છતાં એકાએક તેને ઋત્વિજની પણ ચિંતા થવાં લાગી.

 

“તને ઠંડી લાગતી હશે, દીકા. હું ધાબળો લઈ આવું?” વાત કરવાના આશયથી સુગંધાએ પૂછ્યું. છોકરાએ થોડુંક વિચાર્યું અને પછી હા પાડી.

 

સુગંધા અંદરથી ધાબળો લઈ તો આવી, પણ એને જાળીના સળિયાઓમાંથી બહાર કાઢવો અશક્ય હતું.

 

“દીકા, આ એમ બહાર નહીં આવે. મારે દરવાજો ખોલવો પડશે.”

 

અત્યાર સુધીમાં, તેણે એ છોકરાનો સહેજ ભરોસો તો જીત્યો જ હતો. એ દરવાજા સામે આવ્યો. સુગંધાએ જાળી ખોલીને દરવાજો ઊઘાડ્યો. તે ત્રણ પગથિયા નીચે ઊતરી અને સુઘડ રીતે વાળેલો ધાબળો છોકરાને આપ્યો. ધાબળો હાથમાં આવતાવેંત જ એ દોડીને ફરી પાછો પેલા ખૂણામાં લપાઈ ગયો. સુગંધા પગથિયા પર જ અટકી ગયેલી. તેણે છોકરાની નજીક જવાંને બદલે ત્યાં જ બેસવાનું ઠીક માન્યું હતું. એ બંને ઠંડીગાર નીરવ રાત્રીમાં એકબીજા સામે જોતા બેસી રહ્યા.

 

“એ પાછો આવશે.” ખાસ્સી વાર પછી છોકરો ઘૂંટાયેલા અવાજે બોલ્યો.

 

“હંઅ?” જાણે સ્વપ્નમાંથી જાગી હોય એમ સુગંધાએ પૂછ્યું, “કોણ?”

 

“તારો છોકરો, એ પાછો આવશે.”

 

સુગંધાને હમણાં પોતે કરેલી વાત યાદ આવી. તે ખુશ થઈ. તેને મન પણ થયું, કે છોકરાને ફરી એકવાર અંદર આવવાનો આગ્રહ કરે, છતાં તે ન બોલી. તેણે વિચાર્યું કે છોકરો સામેથી એવું કહે એ માટે રાહ જોવી.

 

“તારું ઘર ક્યાં છે, દીકા?” સુગંધાએ પૂછ્યું. હાથ-પગ સાથે તેનો કંઠ પણ હવે ઠંડીથી ધ્રૂજતો હતો.

 

“દૂર. હું મમ્મીપપ્પા સંગાથ રેલગાડીમાં હતો. રેલગાડી વચ્ચે જ ક્યાંક ઊભી રહી ગઈ’તી. બધ્ધા જ ચીસો પાડતા’તા ને ભાગતા’તા. મારે એ રેલગાડી પાછી આવે એટલે એમાં બેસીને ઘેર જાવું છે.”

 

સુગંધાને હાશ થઈ, કે છેવટે એ છોકરાએ મન ઊઘાડ્યું તો ખરું. તેની ધારણા પણ સાચી પડી હતી. તે બોલી, “કાલે આપણે તારા મમ્મીપપ્પાને ગોતશું. હોને?”

 

છોકરાએ ડોક હલાવીને સંમતિ પૂરી. થોડીક ક્ષણો પછી, ભરચક ફળિયાં પર એક નજર ફેરવીને એ બોલ્યો. “અમારે ઘેર પણ ઘણાં ઝાડવાં છે.”

 

“અચ્છા?” સુગંધાનો ચહેરો ખીલી ઊઠ્યો. “શેનાં-શેનાં ઝાડ છે?”

 

છોકરો ફરી પાછો મૂંગો થઈ ગયો. સુગંધાને થયું, કે કદાચ એને નામ આવડતા ન હતા. તેણે છોકરાની પડખે ઊગેલી મધુમાલતી તરફ આંગળી ચીંધી.

 

“જો, એને કહેવાય મધુમાલતી. ખબર છે?”

 

છોકરાએ ના પાડી.

 

“એની સુગંધ મધ જેવી મીઠ્ઠી હોય!” જાણે કોઈ રહસ્ય ઉઘાડતી હોય એવા રોમાંચ સાથે તે બોલી. છોકરાને આશ્ચર્ય થયું. એણે ધડ વેલી તરફ લંબાવ્યું, ફૂલોની સુગંધ શ્વાસમાં ભરી અને પછી ડોક હલાવીને હા પાડી.

 

“અને ત્યાં જો.” સુગંધાએ થોડેક દૂર કતારમાં ઊગેલાં રોપાઓ તરફ ઈશારો કર્યો. “એ બધીઓ છે, રાતરાણી!” તેણે એક ઊંડો શ્વાસ ભર્યો અને હવામાં તરતી સુવાસ અનુભવી. એ છોકરાએ પણ તેનું અનુકરણ કર્યું. તે બોલી, “આ એની જ તો સુગંધ છે!”

 

બંનેના ચહેરાઓ ત્યારે સ્મિત વેરતા હતા. સુગંધા ઉત્સાહમાં આવીને એક પછી એક છોડ અંગે બોલવાં લાગી. છોકરો એક ચિત્તે સાંભળતો રહ્યો.

 

“તને આ બધ્ધાં ઝાડવાં બહું વહાલાં છે?” સુગંધા બોલીને થાકી એટલે છોકરાએ પૂછ્યું.

 

“બહું જ! મારાં પોતાનાં સંતાનો જેવાં વહાલાં!” તે થોડુંક હસી. છોકરો પણ પહેલીવાર તેની સામે મલકાયો. બંને ફરી ચૂપ થઈ ગયા, પરંતુ આ વખતની ખામોશીમાં પ્રસન્નતા હતી. બંને વચ્ચે હજી એ પંદરેક ફૂટનું અંતર અકબંધ હતું, પણ છોકરાના ડર અને સંકોચ રાતની હથેળીમાં ઓગળી રહ્યા હતા.

 

સહસા, સુગંધાને તેણે પહેલા ક્યાંક સાંભળેલું એક હાલરડું યાદ આવ્યું. શબ્દો ભૂલાઈ ગયા હતા, પણ એની ધૂન તેનાં મનમાં અત્યારેય મહેકતી હતી. તેણે એ ધૂન ગણગણી.

 

“મમ્મી પણ આ જ ગાઈને મને સૂવડાવે છે.”

 

“સાચ્ચે જ?” સુગંધાનો રાજીપો સમાયો નહીં. તે બોલી, “પણ દીકા, મને એના શબ્દો યાદ નથી આવતા. તને યાદ હોય તો જોડે ગાને!”

 

છોકરાએ હા પાડી. એ પણ હવે ખુશ દેખાતો હતો. સુગંધા ફરીથી ધૂનને હોઠો પર રમાડવાં લાગી અને એ છોકરો ભાંગ્યા-તૂટ્યા લયમાં સુગંધાની ધૂન પર શબ્દો વેરવા લાગ્યો.

 

સપનું રે સપનું

તું આવ તો ઝાંઝર મેં

રાખી છે તારા માટે!

ચાંદલિયો રમશે ‘ને

તારલિયાં રમશે ‘ને

હું ‘ને તું રમશું સંગાથે

સપનું રે સપનું

***

 

“મેડમ?”

 

એક પરિચિત અવાજ સુગંધાને જગાડતો હતો. તેણે આંખો ખોલી. કેશવ થોડુંક અંતર જાળવીને હાથમાં દૂધની થેલી લઈ ઊભો હતો. સુગંધાને એનો ખ્યાલ જ ન રહેલો, કે રાત્રે વળી ક્યારે આંખો મીંચાઈ ગયેલી. તે પગથિયા પર જ આડી પડીને સૂઈ ગયેલી. ઠંડીમાં જકડાઈ ગયેલું શરીર જેમ-તેમ બેઠું કરીને તેણે સૌ પહેલા તો સીધું દીવાલ તરફ જોયું. છોકરો ત્યાં ન હતો. ફક્ત પેલો અસ્તવ્યસ્ત ધાબળો ત્યાં પડેલો. સુગંધાને ધ્રાસ્કો લાગ્યો. તે તરત જ ઊભી થઈ ગઈ અને ફળિયાના ખૂણે-ખૂણે જોઈ વળી. પરંતુ, અંતે તેણે સ્વીકારવું પડ્યું, કે છોકરો ચાલ્યો ગયો હતો.

 

તે દૂધની થેલી લઈને અંદર આવી. પસ્તાવાથી તેનું મન ભારે થવાં લાગ્યું હતું. તેણે ઘરમાં પણ બધે તપાસ કરી જોઈ, કે ક્યાંક એ છોકરો અંદર આવીને ન સૂઈ ગયો હોય. કિંતુ ઘરમાં ત્યારે પણ કાયમ જેમ ફક્ત ખાલીપો જ જ્યાં-ત્યાં વેરાયેલો હતો. ચા મૂકીને તેણે ટીવી પર સમાચાર જોયાં. ઘણી જગ્યાએ હજી પણ વાતાવરણ તંગ હતું. ગઈ કાલે અમુક જગ્યાઓએ છમકલાઓ પણ થયેલાં, એટલે સંચારબંધી હજી લંબાવવાની હતી.

 

ચા પીધાં પછી સુગંધાનું દિમાગ કંઈક સક્રિય થયું. તેણે બહાર જવાનું વિચાર્યુ. તેણે નાઇટગાઉન બદલ્યો અને ખૂલતો ડ્રેસ પહેરીને તે મહોલ્લામાંથી બહાર આવી. વચ્ચે જે કોઈ પણ મળ્યું, સુગંધાએ એને પેલા છોકરા વિશે પૂછ્યું. તેણે મુખ્ય રસ્તા પર આવીને આસપાસની દુકાનોએ પણ તપાસ કરી જોઈ. કેટકેટલાયે લોકો એ રસ્તે આવતા-જતા રહેતા અને સવાર-સવારમાં કોઈ એકબીજા પર ધ્યાન રાખવાં નવરું ન હતું. કલાકની રઝળપાટ પછી સુગંધાને એ વાત સમજાઈ અને તે ઘરે પાછી ફરી. પગથિયાં પર બેસીને તેણે ક્યાંય સુધી અશ્રુભરી નજરે મધુમાલતી પાસે પડેલા ધાબળાને જોયાં જ કર્યો.

 

“સુગંધા!”

 

હાથમાં ટ્રાવેલ-બેગ લઈને ઋત્વિજ બહારથી ફળિયામાં પ્રવેશ્યો. સુગંધાને રડતી જોઈને તે દોડીને નજીક આવ્યો. “કેમ રડે છે? હું એકદમ ઠીક છું, જો મને! ફ્લાઇટ મળી કે તરત જ આવી ગયોને? આય’મ રિઅલી સોરી ડિઅર, આવા માહોલમાં તને એકલી-”

 

“ઋત્વિજ, એ છોકરો! એને હવે કેમ ગોતવો? એના માબાપ પણ ભગવાન જાણે ક્યાં હશે?”

 

“કોણ છોકરો?” ઋત્વિજે તેની નજરમાં નજર પરોવીને પૂછ્યું. એ પછી સુગંધા રાતની એ ઘટના અંગે ક્યાંય સુધી બોલતી રહી.

 

આખરે, સુગંધાની રહીસહી શક્તિ પણ હણાઈ ગઈ. ઋત્વિજ તેને સંભાળીને અંદર લઈ આવ્યો અને પાણી આપ્યું. થોડીક વારમાં જ સુગંધા ઊંઘી ગઈ. ઋત્વિજ ઓશરીમાં આવ્યો. ત્યાંની એક દીવાલ પરથી એક ફ્રેમ ગાયબ હતી. એક દીર્ઘ નિ:શ્વાસ છોડીને તે સ્ટોરરૂમમાં ગયો અને ત્યાં પડેલી એ ફ્રેમ સાફ કરીને દીવાલ પર ગોઠવી દીધી. ફ્રેમ અંદરના ફોટોગ્રાફમાં ત્રણ ચહેરાઓ ખીલેલા હતા; ઋત્વિજ, સુગંધા અને વર્ષો પહેલા ખોવાઈ ગયેલો એમનો દશ વર્ષનો દીકરો. જ્યારે પણ ઋત્વિજ બહારગામ જતો, ત્યારે સુગંધા એકલી પડતી અને પોતાનું દુ:ખ ભૂલવાં માટે એ ફ્રેમ સ્ટોરરૂમમાં સંતાડી દેતી.

 

ઋત્વિજ બહાર ફળિયામાં આવ્યો. તેણે ધાબળા નીચે પડેલાં બિસ્કિટનાં પેકેટ અને ચેવડો ભરેલી પ્લાસ્ટિકની થેલી જોઈ. તે એ લઈને મુખ્ય રસ્તા પર ગયો. તુરંત જ બે કૂતરાઓ તેના પગ પાસે દોડી આવ્યાં અને વહાલ કરવાં લાગ્યાં. તેણે એ બધું એ બંનેની સામે સડક પર પાથરી દીધું. ફટાફટ ઘરમાં પાછો આવ્યો. જાળી દરવાજો બંધ કર્યા. બહારની લાઈટ બંધ કરી.

 

તે ઘરમાં પાછો આવ્યો. જાળી-દરવાજો અને બહારની લાઈટ બંધ કર્યાં.

 

દૂરથી, રેલગાડીનો અવાજ ધીરે ધીરે નજીક આવતો જતો હતો, પણ સિસોટીની ચીખ સુગંધાની સપના વગરની ઊંઘમાં ખલેલ કર્યા વગર જ ત્યાંથી પસાર થઈને ફરી દૂર જવાં લાગી.

 

(સમાપ્ત)

(લખ્યા તારીખ: 5/6/2018)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ