વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિનાયક ચતુર્થી

વિનાયક ચતુર્થી વિશેષ


ડિસેમ્બર ૭, ૨૦૨૧ (મંગળવાર)


           હિંદુ પંચાગ મુજબ, દરેક ચંદ્ર મહિનામાં બે ચતુર્થી હોય છે. શુક્લ પક્ષની ચતુર્થી જે અમાવાસ્યા પછી આવે છે તેને વિનાયક ચતુર્થી કહેવાય છે અને કૃષ્ણ પક્ષની ચતુર્થી જે પૂર્ણિમા પછી આવે છે તેને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે.આ સાથે વિનાયક ચતુર્થીને વરદ વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન તરફથી કોઈપણ મનોકામના પૂર્ણ થવાના આશીર્વાદને વરદ કહેવામાં આવે છે. શાણપણ અને ધીરજ એ એવા બે નૈતિક ગુણો છે જેનું મહત્વ માણસ સદીઓથી જાણે છે. જે વ્યક્તિમાં આ ગુણો હોય છે તે જીવનમાં ઘણી પ્રગતિ કરે છે અને ઈચ્છિત પરિણામ મેળવે છે.


વિનાયક ચતુર્થી પૂજાનો શુભ સમય


                   આ દિવસે સાંજે ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી ખૂબ જ ફાયદાકારક ફળ મળે છે. વિનાયકી ચતુર્થીના દિવસે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઊઠીને સ્નાન કરો. આ પછી લાલ વસ્ત્ર પહેરો અને જો વ્રત કરવાનું મન બનાવી લીધું હોય તો વ્રતનો સંકલ્પ પણ લેવો. આ પછી સાંજના સમયે શુભ મુહૂર્તમાં ગણેશજીની પૂજા કરો. પૂજા સમયે શક્તિ અનુસાર સોના, ચાંદી, પિત્તળ, તાંબા અથવા માટીથી બનેલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરો.શ્રી ગણેશજીને સિંદૂર ચઢાવો અને ઓમ ગં ગણપતાયે નમઃ મંત્રનો જાપ કરતા સમયે દુર્વા (ધરો) ચઢાવો. પૂજા સમયે શ્રી ગણેશ સ્તોત્રનો પાઠ કરો. ગણેશજીની સામે લાડુની થાળી રાખો. પછી સૌપ્રથમ લાડુનો ભોગ વહેંચો. તે પછી તમે ઉપવાસ છોડી શકો છો.


વિનાયક ચતુર્થીના દિવસે કરો આ ઉપાય


• શાસ્ત્રો અનુસાર, જો વ્યક્તિ માનસિક વેદનાઓમાંથી મુક્તિ મેળવવા માંગે છે તો તેણે ગણપતિને શતાવરી અર્પણ કરવી જોઈએ.આનાથી શાંતિ મળે છે.

• જો ઘરમાં ઝગડા વધી ગયો હોય તો ઘરના મુખ્ય દ્વાર પર ગણપતિને ચઢાવેલા સફેદ ફૂલોની માળા બાંધો.તેનાથી ઘરમાં ઝઘડા ઓછા થાય છે.

• જો ઘરમાં સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો હોય તો ગણેશજીને ચાંદીનો ચોરસ ટુકડો અર્પણ કરો. તેનાથી વિવાદનો અંત આવે છે.

• પ્રેમ જીવનમાં સફળતા માટે ભગવાન ગણેશને ૫ એલચી અને ૫ લવિંગ અર્પણ કરો.

• જો તમારે જીવનમાં આર્થિક પ્રગતિ જોઈતી હોય તો ભગવાન ગણેશજીને ૮ મુખી રુદ્રાક્ષ અર્પણ કરો.


વિનાયક ચતુર્થી પર શું ન કરવું


• વિનાયકી ચતુર્થીના દિવસે ભૂલથી પણ ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરો.

• આ દિવસે ચંદ્રમાં ના દર્શન કોઈપણ સ્વરૂપમાં ન કરો.

• વિનાયક ચતુર્થીના દિવસે પણ ભગવાન ગણેશની પીઠ ન જોવી જોઈએ.( કહેવાય છે કે ભગવાન ગણેશની પીઠમાં દુઃખ છે )

• જો તમે વિનાયક ચતુર્થી પર ભગવાન ગણેશની મૂર્તિ લાવો છો, તો કોઈ વિષમ સંખ્યા ન લાવો.

• વિનાયક ચતુર્થીના દિવસને વડીલોનું અપમાન ન કરવું જોઈએ.

• જો તમે વિનાયક ચતુર્થીનું વ્રત રાખી રહ્યા છો, તો આ દિવસે તમારે તમારા ઘરમાં પ્રસન્ન વાતાવરણ રાખવું.

વિનાયક ચતુર્થીની કથા


               એક દિવસ ભગવાન ભોલેનાથ સ્નાન કરવા કૈલાસ પર્વતથી ભોગવતી ગયા. મહાદેવના ગયા પછી માતા પાર્વતીએ સ્નાન કરવાનું શરૂ કર્યું અને ઘરમાં સ્નાન કરતી વખતે તેમના મેલમાંથી પૂતળું બનાવીને તે પૂતળામાં પ્રાણ પૂરી તેમને જીવંત કરવામાં આવ્યા. મૂર્તિ જીવંત થયા પછી, દેવી પાર્વતીએ મૂર્તિનું નામ ગણેશ રાખ્યું. પાર્વતીજીએ બાળ ગણેશને સ્નાન કરવા જતાં પહેલાં મુખ્ય દ્વારની રક્ષા કરવાનું કહ્યું. માતા પાર્વતીએ કહ્યું કે જ્યાં સુધી હું સ્નાન કરીને આવું નહીં ત્યાં સુધી કોઈને અંદર ન આવવા દે. ભગવાન શિવનું આગમન થયું ત્યારે બાળ સ્વરૂપ ગણેશે તેમને દરવાજા પર રોક્યા. ભગવાન શિવના લાખ પ્રયત્નો પછી પણ ગણેશ તેમને અંદર ન આવવા દેતા ગણેશ દ્વારા રોકવાને શિવે અપમાન માન્યું અને બાળ ગણેશનું શિરચ્છેદ કર્યા પછી તે ઘરની અંદર ગયા. જ્યારે શિવ ઘરની અંદર ગયા તો તે ખૂબ જ ગુસ્સામાં હતા. આવી સ્થિતિમાં દેવી પાર્વતીએ વિચાર્યું કે ભોજનમાં વિલંબ થવાથી તે ક્રોધિત છે, તેથી તેમણે બે થાળીમાં ભોજન પીરસ્યું અને શિવને ભોજન કરાવવા વિનંતી કરી.બે થાળી જોઈને શિવે પાર્વતીને પૂછ્યું કે બીજી થાળી કોના માટે છે? ત્યારે પાર્વતીએ જવાબ આપ્યો કે બીજી થાળી પુત્ર ગણેશ માટે છે, જે દરવાજાની રક્ષા કરે છે. ત્યારે ભગવાન શિવે દેવી પાર્વતીને કહ્યું કે મેં ક્રોધના કારણે તેમનું માથું શરીરથી અલગ કરી દીધું. આ સાંભળીને પાર્વતી દુઃખી થઈ ગઈ અને શોક કરવા લાગી. તેણે ભોલેનાથને પુત્ર ગણેશનું માથું પાછું જીવંત કરવા વિનંતી કરી. ત્યારે મહાદેવે  બાળ હાથીનું માથું લાવીને ગણેશના ધડ સાથે જોડી દીધું. માતા પાર્વતી તેમના પુત્રને ફરીથી જીવતા જોઈને ખૂબ જ પ્રસન્ન થયા. કહેવાય છે કે જે રીતે શિવે ભગવાન ગણેશને નવજીવન આપ્યું હતું, તેવી જ રીતે ભગવાન ગણેશને પણ નવા જીવનના દેવતા માનવામાં આવે છે.


🖌️ પાર્થ જોશી 🖌️


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ