વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અસુર

આ કળિયુગમાં રાક્ષસોના સંહાર માટે ફરી એક વખત ભગવાન વિષ્ણુ અવતાર લેશે – કલ્કિ અવતાર! એક વિશાળ પ્રકાશમંડલ વચ્ચેથી સફેદ ઘોડા ઉપર સવાર થઈને કલ્કિનું આગમન...

કાળુ એક સાંકડી ગલીના અંધારામાંથી ઓચિંતો જ પ્રગટ થયો. ગટર નજીક આવીને સાઇકલને આડી પાડી. લથડિયાં ખાતી ચાલે એણે ઓરડીમાં...

મઘમઘતા અત્તર અને અબીલગુલાલની છોળો વચ્ચે પૃથ્વીવાસીઓ ભગવાન કલ્કિનું સ્વાગત કરશે. ગીતો ગવાશે. પંચામૃતનો પ્રસાદ વહેંચાશે. અધર્મ અને અત્યાચાર સામે લડવા માટે કલ્કિએ પોતાના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કમળ...

આઠ મહિનાની ગર્ભવતી શ્યામાના ફેફસાં ઓચિંતા જ ગટરથીયે ગંદી વાસથી ભરાઈ ઊઠ્યાં. કાથીના ખાટલા ઉપરથી ઊભી થઈને એ ધ્રૂજતા હાથે પાણીનો પ્યાલો ભરવા માંડી. ઓરડીમાં પ્રવેશી ચૂકેલા કાળુના એક હાથમાં બાટલી ઝૂલી રહી હતી અને બીજા હાથના કાંડે મોગરાનો ગજરો... એના અભદ્ર હોઠ ઊંહકારા સાથેનો બીભત્સ ગણગણાટ...

પવિત્ર વેદોના શ્લોકોના ઉચ્ચારણથી કલ્કિરૂપે અવતરેલા ભગવાન વિષ્ણુ સમગ્ર ધરાને ઊર્જાથી છલોછલ...

શ્યામાનાં ગોળમટોળ પેટ તરફ આંગળી ચીંધતા કાળુના ગંધાતા મોંમાંથી ગંદકી વરસવા માંડી, ‘સા... તારા લીધે મારે બહાર...’

દુષ્ટોનો સંહાર કરવા કલ્કિની ધારદાર તલવાર હવામાં વીંઝાશે. એક ઝાટકે અસુરનું મસ્તક એના ધડથી અળગું થઈને પાતાળમાં જઈ પડશે. પૃથ્વી પરથી અનિષ્ટનો અંત...

શ્યામા પાણી લઈને હાંફતી છાતીએ કાળુ પાસે દોડી આવી. ઓચિંતી જ કાળુની વજનદાર લાત હવામાં વિંઝાઈ. એક ઝાટકે શ્યામાનું પેટ...

હું કંટાળીને ઊભો થઈ ગયો. ખીંટીએ લટકતા ખખડધજ રેડિયોના માથે એક મુક્કો માર્યો. આઠ-દસ સેકંડે એ ‘કલ્પનાલોક’ અને ‘વાસ્તવલોક’ નામના બે સ્ટેશનોની આપમેળે અદલાબદલી કરી રહ્યો હતો. ઓચિંતા પ્રહારથી એ મૂંગો થઈ ચૂક્યો હતો.

એક ખાંચામાં ઊભેલી પત્નીનો ધ્રૂજતો હાથ હળવે રહીને એના પેટ ઉપર ફર્યો. એની નજર ક્યારેક રેડિયો તરફ તો ક્યારેક ખૂણામાં ઊંધી પડેલી બાટલી તરફ મંડાતી રહી. પાણીછલ્લી આંખોમાં કશુંક જાણવાની મથામણ જાણે કે ડોકિયું કરી રહી હતી. કોણ કોનો સંહાર કરશે? કલ્કિ અસુરનો..?   કે અસુર...

મારા કાને દબાયેલો અવાજ અથડાયો, ‘રેડિયો ચાલુ કરો તો!’

મારી નજર એના ખાલી થઈ ચૂકેલા પેટ પરથી સરકીને જમીન સોંસરવી ઉતરી ગઈ. મારા મુક્કાએ એના રેડિયોને હંમેશ માટે ખામોશ કરી દીધો હતો!


***સમાપ્ત***


ધર્મેશ ગાંધી

(નવસારી)

😍

પ્રસ્તુત લઘુકથા 'અસુર' ગુજરાતી સાહિત્યના ત્રિમાસિક 'છાલક' (ઓક્ટોબર - ૨૦૨૧)માં સ્પર્ધાનિર્ણાયકોના ગુણાંકને આધારે પસંદ થઈને પ્રકાશન પામી છે.

💐

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ