વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શહીદ

આંખોમાં ઉભરાતાં આંસુ અને હ્રદયમાં પોતાના પિતા માટે નફરત અને ગુસ્સાનો દાવાનળ લઈ પૂરપાટ ઝડપે જંગલ તરફ ભાગતો ટાઉ તેની મા એગેબીથી પણ રોકે રોકાયો નહિ.


ટાઉ તેના પિતા ઝેઝે માટે મનમાં સખત ધિક્કાર લઈ ભાગ્યો. ગીચ જંગલમાં ઝાડીઓ અને વેલાઓમાંથી દોડતો અને પોતાના બન્ને હાથ જાણે વિંઝાતી તલવાર હોય તેમ તેના શરીરની અને ચેહરાની આડે આવતી દરેક નાની મોટી ગીચ ઝાડીઓને હાથોથી કાપતોને ફંગોળતો કાદવ કીચડવાળી જમીન પર પણ આક્રોશમાં ફ્લાંગો ભરતો ભાગી રહ્યો હતો. 


આક્રોશ અને આક્રંદ સહિત ફલાંગો મારી પૂર ઝડપે ભાગતા ટાઉથી શાંત જંગલ પણ ખળભળી ઉઠ્યું. વાંદરાઓ પણ ઝાડીઓમાં અચાનક ખળભળાટ થતાં ભયના માર્યા ચિચ્યારીઓ પાડતાં વૃક્ષોની ટોચ પર ચડી ગયાં.


ટાઉની મા એગેબી પણ ટાઉની પાછળ પાછળ  ટાઉ... ટાઉ...પોકારતી પોકારતી હાંફતી દોડી. પરંતુ પૂર ઝડપે આવેશમાં દોડતો ટાઉ એગેબીની નજરોથી ઝાડીઓમાં જાણે પળભરમાં જ ગાયબ થઈ ગયો.


ટાઉ રડતો રડતો હરણફાળ ભરતો જંગલ મધ્યે આવેલા એક ઊંચા ઝાડ પાસે રફતારથી પહોંચ્યો અને પળવાર પણ રોકાયા વગર ઝાડની લટકતી ડાળીઓ અને થડ પકડીને ઉપર હાંફતો હાંફતો ચઢવા લાગ્યો.


જંગલમા સૌથી ઊંચા ઘટાદાર વૃક્ષ પર બાંધેલા તેનાં વાંસના લાકડાંના ચોરસ આકારના ઘરમાં છેક ઉપર ઊંચાઈએ પહોંચીને તે લાકડાંના બનાવેલાં દરવાજાને ખોલીને ઘરમાં અંદર જતો રહ્યો અને ખૂણામાં એક બાજુ લપાઈને બે પગ વચ્ચે માથું દબાવીને ખૂબ જોર જોરથી ચીસો પાડી પાડીને રડવા લાગ્યો.


ટાઉની આત્મા તેના મિત્ર ડેવિસ માટે દ્રવી ઉઠી. ટાઉની આંખો સમક્ષ વારંવાર ડેવિસ અને તેની મા ફ્રીડાનો રુદન કરતો ચેહરો અપાર દુઃખ સાથે છલકાઈ રહ્યો હતો. માટીના મોટા ટેકરા જેવી કબર પર ઘૂંટણે પડીને તેની મા ફ્રીડા સાથે રડતો અને કલ્પાંત કરતો ડેવિસ અને ડેવિસની આંખોમાંથી વહેતી અશ્રુધારાએ ટાઉને જાણે સંપૂર્ણ રીતે તોડી નાંખ્યો હતો.


પોતાના ક્રૂર અને બર્બર પિતા ઝેઝે માટે અને કબીલાના લોકો માટે સખત નફરત અને અગ્નિ વરસાવતો ક્રોધ ટાઉની નસે નસમાં દોડી રહ્યો હતો. પોતાના પિતા ઝેઝેનો ચેહરો યાદ આવતાં જ ટાઉ વધુ જોરથી ચીસો પાડી કલ્પાંત કરવા લાગ્યો અને જંગલનું શાંત વાતાવરણ ટાઉની કારમી ચીસો અને બરાડાઓથી ગુંજી ઉઠ્યું.


ટાઉ પોતાની અંદર ભરાઈ ગયેલાં ગુસ્સાનો લાવા બહાર કાઢવા ક્યાંય સુધી જોર જોરથી ચીસો પાડતો રહ્યો. ચીસો પાડી પાડીને હ્રદયનો ઉત્પાત અને કકળતી આત્માને શાંત પાડવા મથતો ટાઉ તેનો સ્વર બેસી ગયો ત્યાં સુધી રડી રડીને રાડો પાડતો રહ્યો અને જ્યારે તેનો અવાજ પણ તેના ગળામાં ગુંગળાવવા લાગ્યો ત્યારે તે શાંત પડ્યો અને વાંસના લાકડાનાં બનાવેલા ઘરમાં નીચે ફર્શ પર ટૂંટિયું વાળીને આંખો બંધ કરીને પડી રહ્યો.


પરંતુ ટાઉની આંખો બંધ થતાં જ ફરી તેની સામે ડેવિસના પિતા ફ્રેન્કનું ટુકડે ટુકડા થયેલું શરીર,નજર કરો ત્યાં માંસ જ માંસ અને ચારે તરફ ઝુંપડામાં રક્ત જ રક્ત વહેતું દેખાયું.


લોહીના ખાબોચિયાં અને માંસ કાપવામાં આવતાં વિશાળ લંબચોરસ ઝુંપડામાં રાખેલાં મોટા સપાટ પથ્થર પર ધડથી અલગ કરી દેવામાં આવેલું અને નિર્જીવ પડેલું ફ્રેન્કનું માથું જોયું હતું તે આખું દ્રશ્ય આંખો સામે તરોતાજા થતાં જ ટાઉને ઉબકા આવવા લાગ્યા. તે તરત જ ઊભો થયો અને લાકડાના ઘરમાં બનાવેલી બારીમાંથી બહાર મોં કાઢીને આંતરડા પણ બહાર નીકળી જાય તે હદે તે ઊલટીઓ પર ઊલટીઓ કરવા લાગ્યો.


ટાઉના પેટમાંથી પાણી સહિત બધું જ ઊલટીઓ દ્વારા બહાર નીકળી ગયું ત્યારે તેને થોડી રાહત થઈ. ઊલટીઓ પર ઊલટીઓ કરીને જાણે ટાઉના પેટ સાથે હ્રદયમાંથી પણ બધું જ ખાલી ખાલી થઈ ગયું હોય તેમ તે નિસ્તેજ બની ગયો અને તેની આંખોમાંથી આંસુઓ સતત વહેતાં જ રહ્યાં.


તેણે પોતાના હાથથી મોઢું લૂછ્યું, આંખોમાંથી વહેતી અશ્રુધારા લુંછીને સાફ કરી અને તે શૂન્યમનસ્ક આંખે બારી પાસે ઊભો રહી ઊંચા વૃક્ષ પરથી દેખાતું ખુલ્લું આકાશ અને દૂર દૂર સુધી આસપાસ વૃક્ષોની ટોચ ઉપર કિલકારીઓ કરતાં વાંદરાઓ અને તેમના બચ્ચાંઓને એક ડાળ પરથી બીજા ડાળ પર કુદતા જોઈ રહ્યો.


વાંદરાઓના બચ્ચાં જે રીતે પોતાની માને છાતી સરસા ચોંટીને વૃક્ષોની ડાળીઓ પર આરામથી બેસતાં અને લપાઈ જતાં તે જોઈ ટાઉને ડેવિસ અને તેની મા ફ્રીડા ફરી યાદ આવી ગયાં.


તે ફરી ક્યારેય ડેવિસને જોઈ નહિ શકે કે ન મળી શકશે અને તેના પિતા ઝેઝેએ જે જીવનભરનો કારમો આઘાત અને દુઃખ ડેવિસને આપ્યું હતું તે કોઈ પણ રીતે ટાઉ હવે ભરપાઈ નહિ કરી શકે તે વિચારી વિચારીને ટાઉ ખુદને લાચાર અને નિઃસહાય મહેસૂસ કરતો તેના દિલોજાન મિત્ર ડેવિસને યાદ કરીને અંદરને અંદર તડપતો રહ્યો.


વૃક્ષો પર થતી વાંદરાઓની ચિચિયારીઓ અને પક્ષીઓના શોર બકોર વચ્ચે અંદરને અંદર પીડાતો ટાઉ ભૂતકાળમાં સરી પડ્યો અને તેણે પહેલીવાર ઝાડની ઓથ પાછળથી છુપાઈને જંગલ પાસેથી વહેતી સ્વાલી નદીની સામેની બાજુએ માટીમાં પંદર વર્ષના ડેવિસને રમતાં જોયો હતો. તે દિવસ તેને યાદ આવ્યો.


પોતાના જેટલી જ ઉંમરના ડેવિસનો ગોરો વાન, એકદમ સોનેરી ચળકતા ભૂરા વાળ અને ડેવિસનો આકર્ષિત કરતો શર્ટ પેન્ટનો પહેરવેશ દૂરથી જ જોઈને ટાઉ અંજાઈ ગયો હતો. કેમકે તે પોતે તો બાળપણથી ક્યારેક મોટા પાંદડાઓનો પોશાક પહેરતો અને શરીરનો નીચલો થોડો હિસ્સો ઢંકાઈ જાય તેમ નાનું કપડું વીંટાળતા તેની માએ તેને શીખવાડ્યું હતું. જ્યારે ડેવિસનો પહેરવેશ તો ઉજળો અને આખો પૂરો હતો.


સવારના સૂરજનાં પીળા કેસરી પ્રકાશિત કિરણોમાં કાળી છીંકણી નદી પાસેની માટીમાં ઘર બનાવતો ગોરો દૂધ જેવો ડેવિસ, ટાઉને તેની મા એગેબીએ બાળપણથી કહેલી વાર્તાઓનો જાણે કોઈ સ્વર્ગદૂત હોય તેવો લાગી રહ્યો હતો.


ડેવિસના માતા પિતા પણ ડેવિસ જેવા જ કોઈ ઉજળા દેવી દેવતાઓ જેવા દેખાતા હતાં. જે નદી કિનારા પર રહેવા માટે ખુલ્લી જગ્યામાં ટેન્ટ બાંધી રહ્યા હતાં.


ટાઉએ પહેલા પણ ઘણીવાર સ્વાલી નદી કિનારે નાવડી દ્વારા આવતાં જતાં કેટલાય ગોરા મિશનરીઓને દુરથી જોયાં જ હતાં પરંતુ તેની જ ઉંમરના ગોરા છોકરાંને તેણે પહેલીવાર જોયો હતો.ડેવિસને જોતાં જ ટાઉ ડેવિસ પર જાણે મોહિત થઈ ગયો હતો.


માટીમાં ઘર બનાવતા ડેવિસની નજર પણ નદી પાર વૃક્ષોની પાછળ સંતાયેલા અને તેને જ ઘુવડની જેમ આંખો પહોળી કરી કરીને જોઈ રહેલાં ટાઉ પર પડી. ટાઉ અને ડેવિસની નજરો એકબીજાંને મળી અને બંનેનું હ્રદય દૂરથી જ જાણે એક ગાંઠ થઈ ગયું.


ડેવિસે તરત જ માટીમાંથી ઊભા થઈ ટાઉ તરફ હાથ ઊંચો કરી હલાવીને સ્મિત રેલાવી અભિવાદન કર્યું. પરંતુ ટાઉ ડેવિસે તેની તરફ હાથ ઊંચો કર્યો તેવો તરતજ ઝાડ પાછળ સંતાઈ ગયો.


ડેવિસ છતાં ટાઉના ઝાડ પાછળથી બહાર નીકળવાની રાહ જોઈ ઝાડને તાકતો રહ્યો અને ટાઉ ઝાડની ઓથ પાછળથી સહેજ નજર કરી ડેવિસ તરફ લપાતો છૂપાતો જોતો રહ્યો.


કેટલાય દિવસ આજ રીતે ટાઉ અને ડેવિસ વચ્ચે નદીની સામ સામેની બાજુએથી આવી લૂપા છુપીની રમત ચાલતી રહી અને એક દિવસ ડેવિસે તેના પિતા ફ્રેન્કના કહેવા પર કાગળનું એક વિમાન બનાવી ટાઉ સાથે મિત્રતા કરવા નદી સામે ઝાડ પાછળ ઊભા રહેલાં ટાઉ તરફ ઉડાળ્યું. પણ ટાઉ તો કાગળનું ઊડતું વિમાન પોતાની તરફ આવતાં જોઈને જ ભયનો માર્યો એકવાર પણ પાછળ જોયા વગર જંગલમાં ભાગી ગયો.


ડેવિસ અને તેના ડોકટર પિતા ફ્રેન્ક સારી પેઠે જાણતાં હતાં કે જંગલમાં રહેનાર આદિજાતિ બહારના વિશ્વ અને વસ્તુઓથી અજાણ હોય છે અને અજાણી વસ્તુઓ જોતાં જ ડરી જતાં હોય છે. પણ છતાં ડેવિસે ટાઉ સાથે મિત્રતા બાંધવા પાક્કો નિર્ધાર કરી લીધો. તે રોજ બરોજ ટાઉ સાથે મિત્રતા બાંધવા નવા નવા પ્રયોગો કરતો રહ્યો. ક્યારેક પોતાની સાથે રમવા લાવેલો બોલ તેના તરફ ફેંકતો તો ક્યારેક ચોકલેટ કે ખાવાની બીજી વસ્તુઓ નદી પર બાંધેલા લાકડાંના પુલ પર ચઢીને સામે ફેંકતો. પરંતુ ડેવિસ જેવો નજીક આવતો કે કંઇ ફેંકતો તેવો જ ટાઉ ભયનો માર્યો ઊભી પૂંછડીએ જંગલમાં પોતાનાં કબીલા તરફ ભાગી જતો.


ડેવિસ તેના પિતા ફ્રેન્ક અને માતા ફ્રીડાના શીખવ્યા મુજબ એ પણ જાણતો હતો કે જંગલમા રહેનારી જાતિઓનો વિશ્વાસ કેળવવો ખૂબ જ મુશ્કેલ છે. ડેવિસની તેના માતા પિતા સાથે ઈશ્વરની સેવા રૂપી આફ્રિકાની અશ્વેત આદિજાતિઓના સુધાર માટેની આ પહેલી જ મિશન યાત્રા હતી. માટે ડેવિસે હાર ન માની અને ટાઉ સાથે મિત્રતા કરવા તે નવી નવી તરકીબો વિચારતો રહ્યો.


ટાઉને પણ ડેવિસ સાથે મિત્રતા કરવી હતી પરંતુ તે તેના પિતા ઝેઝેથી ખૂબ જ ડરતો હતો અને ડેવિસની નજીક જવાથી પણ ગભરાતો હતો.


વિશાળ સ્વાલી નદી કિનારે વસતી આફ્રિકાની અશ્વેત કોંગો જાતિઓ સૌથી પછાત અને ક્રૂર હતી. દયા,લાગણી કે પ્રેમ જેવી માનવ સંવેદના વિહોણી પ્રજાતિઓ ગીચ ઝાડીઓ, વેલાઓ અને ઘટાદાર મોટા વૃક્ષોથી આચ્છાદિત જંગલોમાં એકબીજાથી દૂર દૂર પોત પોતાના કબીલા સાથે રહેતી હતી.


દરેક કબીલાનો સરદાર કે મુખી જે કેહતો તેજ ફરમાન કબીલાએ ફરજિયાત માનવું પડતું. સ્વાલી નદી કિનારાથી નજીક ઉત્તર દિશા તરફ વસતા સિયાબોંગા કબિલાનો સરદાર ઝેઝે ટાઉનો પિતા હતો. કોઈ પણ ગોરા માણસોને ઝેઝે ક્યારેય પોતાનાં કબીલામાં પ્રવેશવા દેતો નહિ. ચારસો માણસોની આબાદી ધરાવતો કબીલો અને તેનો મુખી ઝેઝે નરભક્ષી હતાં.


નદીની દક્ષિણે સિયાબોંગાથી વિરુદ્ધ દિશામાં વસતાં ઇબો જાતિનો કબીલો અને તેનો મુખી યોરૂબા અને ઝેઝે એકબીજાના દુશ્મનો હતાં.


સિયાબોંગા અને ઈબો કબીલાના પુરુષો અને બંને ગામના મુખીઓ ઝેઝે અને યોરૂબા વચ્ચે આંતરિક લોહિયાળ યુધ્ધો અવારનવાર થયાં જ કરતાં હતાં. નદી પાર એકબીજાની સરહદોમાં ઘૂસવાની સખત મનાઈ હતી. પરંતુ જો એક કબીલાનો પુરુષ બીજા કબીલામાં ભૂલથી પણ પ્રવેશી જતો તો તરતજ તેને પકડી તેનું ધારદાર ભાલઓ વડે વધ કરી તેનું માંસ પણ આરોગી જવામાં આવતું. તેમાં ટાઉનો પિતા ઝેઝે રક્ત વહેડાવવામાં અને નર સંહાર કરવામાં કુખ્યાત હતો. ઉપરથી કબીલાની રૂઢિગત પરંપરાઓ અને પોત પોતાના દેવી દેવતાઓની અંધશ્રદ્ધા ભરી માન્યતાઓ ઝેઝેને અધમ કૃત્યો કરવા વધુ પ્રેરતી હતી.


સ્ત્રીઓ અને બાળકો પણ એક કબીલામાંથી બીજા કબીલામાં ભૂલથી પણ જો પ્રવેશી જતાં તો કબીલાનો સરદાર તે સ્ત્રીને પોતાની સ્ત્રી કરી લેતો અને બાળકોને ગુલામ બનાવી રાખી લેતો. બીજા કબીલાના ગુલામ બનાવેલાં બાળકોને કબીલાના ઉત્સવો દરમ્યાન દેવી દેવતાઓના કોપથી બચવાને ખુશ કરવા બલી ચડાવી દેવામાં આવતાં.


માનવભક્ષ અને ઉત્સવો દરમ્યાન પશુઓના રક્ત પીતી પ્રજાતિમાં નરી અંધશ્રદ્ધા, રહેઠાણ મધ્યે સ્વચ્છતાનો અભાવ અને જીવજંતુથી ભરપુર જંગલમાં મચ્છરજન્ય ઝેરી મેલેરિયા જેવા રોગો અને સ્ત્રીજન્ય રોગચાળાની પણ ભરમાર હતી.


આફ્રિકાના સ્વાલી નદી કિનારે ઉત્તર અને દક્ષિણ દિશા તરફ વસતાં બંને સમુદાયો અધમ અવસ્થામાં જીવતાં હોવા છતાં અમેરિકન ગોરા મિશનરીઓ કે અશ્વેત મિશનરી ડોકટરો પણ જો ઈલાજ કરવા આવતા તો તેમને પણ કબીલામાં પ્રવેશવા દેતાં નહિ.


નદી કિનારે નાવડીઓમાં કબીલાના લોકોના ઈલાજ અને જરૂરી સર સામાન, ખોરાક કે કપડાં જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ લઈને આવતાં મિશનરીઓને બંને કબીલાને લોકો લાગ જોઈને અચાનક ત્રાટકીને બધું જ લૂંટી લેતાં અને જો કોઈ મિશનરી કબીલાની નજીક આવી પહોંચતો તો તરત જ વગર વિચારે તેને વીંધી નાંખવામાં આવતો.


ઝેઝેએ પોતાની યુવા અવસ્થાથી જ સિયાબોંગા કબીલાનો સરદાર બન્યાં બાદ અનેકો વાર મિશનરીઓ પર ત્રાટકીને તેમનો માલ સમાન અને ખોરાક પાણી બધું જ લૂંટી લીધું હતું અને તેની સરહદમાં ઘૂસેલા કેટલાંક ગોરા મિશનરીઓની હત્યા પણ કરી હતી. ઘણાં મિશનરી યુગલો ઝેઝેના ભાલાથી વીંધાઈ પકવાન બની આરોગી જવાયા હતાં.


પરંતુ જ્યારે ઝેઝેના લગ્ન નદીની પૂર્વ બાજુએ વસતી ઝુલુ જાતિની એગેબી સાથે થયાં ત્યારે સુંદર અને યુવાન એગેબીના આવ્યાં બાદ ઝેઝે લૂંટફાટ અને નર સંહારથી થોડો સમય દૂર રહ્યો.


એગેબી ઝેઝેથી બિલકુલ વિરુદ્ધ શાંત સ્વભાવની હતી. ઝુલુ પ્રજાતિ મિશનરીઓને આવકારતી હતી. દુભાષિયાની મદદથી અનેક મિશનરીઓ એગેબીના કબીલામાં આવતાં. એગેબી જ્યારે તેના દીકરા ટાઉ કરતાં પણ નાની વયની હતી, ત્યારથી એક અમેરિકન મિશનરી સ્ત્રી વેન્ડીના સંપર્કમાં દુભાષિયાની મદદથી આવી હતી.


વેન્ડીએ એગેબીને સ્ત્રી સ્વચ્છતા અને કેટલાંક સામાન્ય રોગોના જંગલમાં ઉગતી ઔષધીય વનસ્પતિ દ્વારા ઈલાજ કરતાં પણ શીખવ્યું હતું. જંગલમા થતાં રોગો સ્વચ્છતાના અભાવે અને મચ્છર માખીના ઉપદ્રવથી થાય છે અને રોગ થવો તે કોઈ દેવી દેવતાઓનો પ્રકોપ નથી હોતો તે પણ વેન્ડીએ એગેબીને કાળજીપૂર્વક શિખવાડ્યું હતું.


વેન્ડીએ એગેબીને ઘૂંટણે પડીને ઈશ્વરને પ્રાર્થના કરતાં પણ શીખવ્યું. એગેબીમાં વેન્ડીએ માનવીય ગુણો, સંબંધો અને સંવેદનાઓનું, જુદા જુદા રંગના અને પહેરવેશ ધરાવતાં વ્યક્તિ વચ્ચે મિત્રતા અને વિશ્વાસ કરવાનું પણ બીજ રોપ્યું હતું. આથી જ એગેબી ઝેઝેને માનવભક્ષ અને બીજા કબીલાના લોકોને મારી રક્તપાત ન કરવા સમજાવતી રહેતી.


પણ ઝેઝે જડ પ્રકૃતિનો, ક્રૂર, બર્બર અને હિંસક હતો. તે એગેબી કે અન્ય કોઈનું કહ્યું માનતો નહિ. આખા કબીલા પર ઝેઝેની જ તાનાશાહી ચાલતી. પરંતુ એગેબી ટાઉને જન્મથી ઝેઝેના અમાનવીય કૃત્યોથી દુર જ રાખતી હતી. તે નહોતી ઈચ્છતી કે ટાઉ પણ મોટો થઈ ઝેઝે જેવો ક્રૂર અને હિંસક સરદાર બની જાય. છતાં ઝેઝેએ ટાઉને બાળપણથી પોતાના જેવો ઘાતકી બનાવવા ખૂબ પ્રયત્નો કર્યા. ટાઉ તેના બાદ કબીલાનો સરદાર બનશે તે માટે ઝેઝેએ પોતાના દીકરાનું નામ ટાઉ એટલે કે સિંહ પાડ્યું. પરંતુ ટાઉ તો પોતાના નામના અર્થ અને પોતાના પિતા કરતાં સાવ વિરુદ્ધ હતો.


ટાઉ એકદમ શાંતિ પ્રિય હતો. લાંબો પાતળો પણ મજબૂત દેખાવ, લંબગોળ ચહેરો, મેશ જેવો કાળો રંગ, મોટી આંખો, ઝીણા ઝીણા તાલકે ચોંટેલા ગોળ ગોળ ગરગડી વળી ગયેલાં કડક કાળા વાળ, મોટા મોટા ભરાવદાર હોઠ અને ઊંચા વૃક્ષો પર ચઢી જવામાં માહિર ટાઉ તેની મા એગેબી જે કહેતી તે જ કરતો હતો.


ટાઉને પણ તેની મા એગેબીની જેમ માનવોનું રક્ત વહેડાવવું અને માનવ માંસ ખાવું સહેજ પણ પસંદ નહોતું. ઝેઝે છતાં ટાઉને પોતાના જેવો બનાવવા માનવ ભક્ષ ખવડાવવા જબરદસ્તી કરતો. ઝેઝે ટાઉના મોઢામાં પરાણે માનવ માંસ ઠુસતોને ટાઉ તરત જ ઊલટીઓ પર ઊલટીઓ કરવા લાગતો. ઝેઝેના હાથોમાંથી છૂટવા ટાઉ પારેવાની જેમ ઝટપટાતો અને હાથ છોડાવી જંગલમાં ભાગી જઈને સૌથી ઉંચા વૃક્ષ પર ચડીને લપાઈ જતો.


ઝેઝેને પોતાના જ દીકરાને પારેવાં જેમ કાંપતા જોઈ સખત ગુસ્સો આવતો. પણ એગેબીના લીધે ઝેઝે રઘવાયો થઈને પણ ટાઉને કશું કહી શકતો નહિ.


એગેબીએ વારંવાર કબીલામાં ફાટી નીકળતા જુદા જુદા રોગચાળાઓ અને ઝેઝેના હિંસક સ્વભાવના લીધે તથા ઉત્સવો દરમ્યાન પશુઓના રક્ત પીને ઉન્મત બનતા કબીલાના લોકોથી દૂર રાખવા ટાઉને માટે ઝાડ પર કબીલાના કેટલાંક પુરુષોની મદદથી ઊંચે લાકડાંનું મજબૂત ઘર બાંધી આપ્યું. 


ટાઉ આખો દિવસ પોતાના કબીલાના સરહદ સુધી જંગલમાં ફર્યા કરતો અને થાકીને કે ઘણીવાર પોતાના પિતા ઝેઝેથી ભાગીને લાકડાંના ઘરમાં આવીને સૂઈ જતો. એગેબી પણ લાકડાંના ઘરમાં ટાઉ સાથે બેસીને મિશનરી વેન્ડીએ તેને ઈશ્વર વિશે કહેલી વાતો અને આકાશમાં રહેતા સ્વર્ગદુતોની જુદી જુદી વાર્તાઓ કહીને ટાઉમાં માનવ સંવેદના અને માનવીય ગુણો રોપતી.


ટાઉએ જ્યારે ડેવિસ વિશે તેની મા એગેબીને કહ્યું ત્યારે એગેબીએ ટાઉને ડેવિસ સાથે મિત્રતા કરવા પ્રેમથી સમજાવ્યું.ગોરા મિશનરીઓ તેમની જ મદદ માટે કબીલામાં આવતાં હોય છે તે કહી તેણે ડેવિસ સાથે મિત્રતા ભર્યો હાથ લંબાવવા ટાઉને ઘાંસ પાનનો ડૂચો વાળીને તેના પર લાંબા વેલાઓમાંથી નીકળતા મજબૂત રેસાઓ ગોળ ગોળ બાંધી એક દડો ડેવિસને ભેટમાં આપવા બનાવી આપ્યો.


ઝેઝે અને કબીલામાં કોઈને ખબર ન પડે તેમ સંતાઈને એગેબી પણ ટાઉ સાથે નદી કિનારે ડેવિસને જોવા ગઈ.


ડેવિસ નિત્યક્રમ પ્રમાણે ટાઉની રાહ જોઈ રહી હતો અને ટાઉ સાથે એક સ્ત્રીને પણ આવતાં જોઈ ડેવિસે તેની મા ફ્રિડાને પણ ટેન્ટમાથી બહાર બોલાવી. ફ્રિડાને જોતાં જ એગેબીને વેન્ડીની ફરી યાદ આવી ગઈ. જંગલમા ઊગેલાં કોઈ સફેદ ફૂલ જેવીને પૂરા લાંબા ફ્રોકમાં સજજ નદી પાર ઊભી રહેલી ફ્રીડા અને સામે અશ્વેતને છાતી તથા કમરથી સાથળ સુધીનો ભાગ પણ માંડ ઢંકાઈ રહે તેટલું જ મેલું કપડું વીંટાળીને ટાઉ સાથે ઊભી રહેલી એગેબી એકબીજાની સામે જોતાં જ હાથ હલાવી સ્મિત રેલાવી પહેલી જ મુલાકાતમાં દૂરથી જ વિશ્વાસથી જોડાઈ ગયાં.


ટાઉએ પણ એગેબીના કહેવા પર ડેવિસ તરફ ઘાસ પાનનો બનાવેલો કુદરતી દડો ફેંક્યો અને ડેવિસે તેને હર્ષથી કુદતા તરત જ કેચ કરી લીધો. ફ્રેન્કે ટેન્ટ પાસે ઊભા રહી દૂરથી એગેબી, ફ્રિડા, ડેવિસ અને ટાઉની પહેલી મિત્રતા ભરી મુલાકાતને પોતાના કેમેરામાં કેદ કરી લીધી.


એગેબીના વિશ્વાસ તળે ટાઉ અને ડેવિસની મિત્રતા શરૂ થઈ. બીજી તરફ એક અશ્વેત દુભાષિયા જીમની મદદથી ફ્રેન્કે ઇબો જાતિના કબીલાની સરહદમાં જવા અને મચ્છર જન્ય બીમારીઓ અને તેના ઈલાજ સમજાવવાની તથા દવાઓ આપવાની કબીલાના મુખી યોરૂબા સાથે વાટાઘાટો શરૂ કરી.


પણ યોરૂબાએ દુભાષિયા જીમને ગોરા મિશનરીને લઇને નદી કિનારેથી પણ જતાં રહેવા સખત શબ્દોમાં ચેતવણી આપી દીધી. પણ છતાંય ફ્રેન્ક નદી કિનારેથી ખસ્યો નહિ.


જ્યારે ડેવિસ અને ટાઉ નદી કિનારે આમને સામને ઊભા રહી પહેલાં દૂર દૂરથી અને પછી ધીમે ધીમે તે બંને કોઈ જુએ નહિ તે રીતે નદી પર બાંધેલા લાકડાના પુલ પાસે નજીક આવીને એકબીજાં સાથે દુભાષિયા જીમની મદદથી વાત કરતાં થયાં.


ડેવિસ એકવાર હિંમત કરીને ટાઉ પાસે નદી પાર એકલો ગયો અને ટાઉએ પહેલીવાર એક ગોરા મિશનરી છોકરાંને એકદમ નજીકથી સ્પર્શી સ્પર્શીને અચંબિત થઈ થઈને જોયો. ડેવિસના સોનેરી લીસા વાળ તો ટાઉએ અનેકો વાર પકડી પકડીને જોયાં અને પોતાના રૂક્ષ કડક અને તાલકામાં ચોંટી ગયેલા વાળની મનોમન તુલના કરતો રહ્યો.


એકવાર ડેવિસે દુભાષિયાની મદદથી ટાઉને કેમેરો શું છે તે બતાવીને સમજાવ્યો અને ફ્રેન્કે તેનો પાડેલો ફોટો પણ બતાવ્યો. ત્યારે પોતાની જાતને ફોટામાં જોઈ ટાઉ વાંદરાની જેમ ખુશ થઈ થઈને ચિચ્યારિઓ પાડી ઉછળ કુદ કરવા લાગ્યો. એક અજીબ યંત્ર જેમાં ટાઉએ પોતાની જાતને પહેલીવાર ભૂતકાળમાં ઊભો રહેલો જોયો હતો, તેનો ભેદ ઉકેલવા ટાઉ વિચારો કરતો કરતો આખી રાત સૂઈ શક્યો નહિ.


ડેવિસ અને ટાઉની મિત્રતા દુભાષિયાની મદદથી પાંગરી. ટાઉ રોજ છુપાઈ છુપાઈને ડેવિસને મળતો. ડેવિસ અને તેના પિતા ફ્રેંકનો, પિતા પુત્રનો તરીકેનો પ્રેમ જોઈ ટાઉને ખૂબ જ આશ્ચર્ય થતું અને ફ્રેંકની તુલના તે પોતાના પિતા ઝેઝે સાથે કર્યા કરતો. પણ ફ્રિડા તો તેને બિલકુલ તેની મા એગેબી જેવી જ પ્રેમાળ લાગતી. જે ડેવિસ સાથે સાથે ટાઉને પણ પ્રેમ કરતી હતી.


ચોરી છુપે મળતાં ડેવિસ અને ટાઉ ધીમે ધીમે દુભાષિયા વગર પણ ઈશારા અને સંકેતથી વાતો કરતા થઈ ગયાં અને બંને કબીલાની સરહદોની દૂર નદી કિનારે વૃક્ષોની ઓથમાં એકબીજાને રોજ રોજ મળતાં. ટાઉએ ડેવિસને પણ ધીમે ધીમે ઊંચા વૃક્ષો પર ડાળીઓ અને થડ પકડીને ચડતા શિખવાડયું.


ડેવિસે તો ટાઉ સાથે સફળતા પૂર્વક મિત્રતા કરી લીધી પરંતુ ફ્રેંક દુભાષિયા જીમની મદદથી યોરૂબા સાથે મિત્રતા કરી શક્યો નહિ. એગેબીએ પણ જીવનું જોખમ લઈ પોતાના કબીલામાં ન આવવા અને ઝેઝે સાથે મિત્રતા ન કરવા સામેથી જ ફ્રિડા અને ફ્રેંકને સાફ ના કહી દીધી.


પણ તેના થોડા સમય બાદ જ ઇબો કબીલાનો સરદાર યોરૂબા અને તેનો એકનો એક પુત્ર નીઓ મરણતોલ માંદા પડ્યાં અને યોરૂબાએ ના છૂટકે જીમને સંદેશ મોકલી ફ્રેંકને કબીલામાં તેના કુટુંબ અને સર સામાન સહિત તેડી મંગાવ્યો.


ફ્રેંકે યોરૂબા અને તેના દીકરા નીઓને તપાસ્યા અને ઝેરી મેલરિયા થયો હોવાનું નિદાન કર્યું. પણ યોરૂબાએ અંધશ્રદ્ધાના લીધે મેલરીયાના ઝેરી તાવને ઉતારવા પશુની બલી ચડાવી તેનું રક્ત પોતે પણ પીધું અને તેના સાત વર્ષના દીકરા નીઓને પણ પીવડાવ્યું હતું. જેના લીધે નીઓ ઊલટીઓ પર ઊલટીઓ કરી કરીને છેક મરણની અણી પર પહોંચી ગયો હતો. જ્યારે યોરૂબા આગની ભઠ્ઠીની જેમ તાવમાં શેકાઈ રહ્યો હતો.


આખો કબીલો પોતાના સરદારની અને તેના એકના એક દીકરા નીઓની હાલત જોઈને ભયભીત થઈને શાંત પડી ગયો હતો અને યોરૂબાની સ્ત્રી માંબા યોરૂબા અને પોતાના દીકરા નીઓની હાલત જોઈ જોઈને ડઘાઈ ગઈ હતી.


પરંતુ ફ્રેંકે, ફ્રિડા અને જીમે દિવસ રાત યોરૂબા અને નીઓની પાસેને પાસે રહી તેનો ઇલાજ કર્યો. ડેવિસે પણ નાનકડા નીઓનો હાથ છોડ્યો નહિ અને તેની ઊલટીઓ પણ સાફ કરવામાં નીઓની મા માંબા અને ફ્રિડાની મદદ કરી.


આખરે સતત ચાર પાંચ દિવસના ધોમ ધખતા તાવ બાદ યોરૂબાનું શરીર ઠંડું પડ્યું અને તાવ ઉતરી ગયો અને નીઓની ઊલટીઓ પણ બંધ થઈ.


યોરૂબા અને નીઓ મરણતોલ દશામાંથી જે રીતે ફ્રેંક દ્વારા ઈલાજ કરવાથી સાજા થયાં તે જોઈ યોરૂબા અને તેની સ્ત્રી માંબાના હ્રદયમાં ગોરા મિશનરીઓ માટે સૌ પ્રથમ બદલાણ થયું.


યોરૂબા સાજો થયો અને શુદ્ધિમાં આવ્યો ત્યારે તેણે ફ્રેંકને દુભાષિયા જીમની મદદથી કબીલાના લોકો સાથે વાતચીત કરતાં અને હળીભળી જતાં જોયો. ઊંચો, લાંબો, દેખાવડો, કાન સુધી આવતાં સોનેરી લીસા વાળ વાળો અને એકદમ સફેદ દૂધ જેવો ગોરો માણસ સાવ નજદીકથી યોરૂબા અને કબીલાના લોકોએ પહેલીવાર જોયો હતો.


ફ્રેંકે યોરૂબાને પણ જીમની મદદથી કોઈ પણ પશુપક્ષીનું રક્ત ન પીવા પ્રેમથી સમજાવ્યું. યોરૂબાને પોતાની અને પોતાના દીકરાની મરણતોલ અવસ્થા બાદ જાણે ચમત્કાર થયો હોય તેમ ફ્રેંક અને જીમની વાત ખરેખર સમજાઈ અને તેણે આખરે ફ્રેંકની મિત્રતા સ્વીકારી લીધી અને પોતાના કબીલામાં રહેવાની ખુશીથી છૂટ આપી.


ટાઉ બાદ નાનકડો નીઓ પણ સાજો થઈને ડેવિસને વળગી પડ્યો અને તેનો મિત્ર થઈ ગયો. ફ્રેંકે યોરૂબાના કબીલામાં ડેરો નાંખ્યો અને જીમની મદદથી ધીમે ધીમે કબીલામાં સુધારા કરવાનું અને યોરૂબા તથા કબીલાને હિંસા ન કરવાનું ,સ્વછતા રાખવાનું અને રોગચાળા દરમિયાન ઈલાજ કરાવવા વિશે સમજાવવાનું શરૂ કર્યું.


ડેવિસ પણ કબીલાના બીજા બાળકો સાથે ભળવા લાગ્યો અને નીઓને સાથે લઈ તે નદી કિનારે જતોને ટાઉને વધુ હરખભેર મળતો.


પરંતુ બીજી તરફ મિશનરી ફ્રેંકની યોરૂબાના કબીલામાં ડેરો નાંખવાની વાત અને ટાઉ સાથે એગેબી પણ ડેવિસ અને ફ્રિડાને ચોરી છુપે કેટલાય સમયથી સ્વાલી નદી કિનારે મળે છે તે વાત, સિયાંબોંગા કબીલાના એક પુરુષને ખબર પડતાં તેણે ઝેઝેને જઈને કહી દીધી અને ઝેઝેનો ગુસ્સો ટાઉ તથા એગેબી પર તપી ઉઠ્યો.


ઝેઝેએ યોરૂબા, ફ્રેંક અને તેના પરિવાર, દુભાષિયા જીમ અને ટાઉ તથા એગેબીને પણ પોતાનું ફરમાન ન માનવાના લીધે ક્રૂર સબક શીખવાડવા માટે એક કપટી યોજના બનાવી.


ઝેઝેએ લાગ જોઈને એક દિવસ ટાઉ અને એગેબીને કબીલાની થોડીક સ્ત્રીઓ અને બાળકો સાથે જંગલ તરફ ખોરાક તરીકે લેતાં જમીનમાં અંદર ઉગતાં કંદમૂળ લાવવા મોકલી દીધાં અને તેના કબીલાના એક પુરુષ દ્વારા બીજી તરફ નદી કિનારે જઈ ફ્રેંક અને તેના કુટુંબને ઝેઝે બીમાર પડ્યો છે અને સારવારની જરૂર છે તેમ કહી ફ્રેંક અને તેના કુટુંબને જીમ સહિત તેડી લાવવા મોકલ્યો.


ઝેઝેના કબીલાના પુરુષે નદી કિનારે ક્યાંય સુધી ફ્રેંક કે જીમના આવવાની રાહ જોઈ. ત્યાં ડેવિસ જીમ સાથે નદી કિનારે ટાઉને મળવા આવ્યો અને ટાઉની જગ્યાએ તેને ઝેઝેના કબીલાના પુરુષનો ભેટો થઈ ગયો. એ પુરુષે જીમ સાથે ઝેઝે બીમાર પડ્યો છે તે વાત કરી અને તત્કાલ સિયાંબોંગા કબીલામાં સાથે આવવા કહ્યું.


જીમે દોડતાં જઈને ફ્રેંકને આ ખુશ ખબર આપી કે હવે ઝેઝેના કબીલામાં પ્રવેશવાની ઈશ્વરે સામેથી તક પૂરી પાડી છે. પણ યોરૂબા ઝેઝેને સારી પેઠે જાણતો હતો. તેણે જીમની મદદથી ફ્રેંકને ઝેઝેના કબીલામાં ન જવા સમજાવ્યો પણ ફ્રેંક માન્યો નહિ. તે ફ્રિડા અને ડેવિસને યોરૂબાના કબીલામાં મૂકીને જીમ સાથે ઈલાજ કરવાનો સામાન લઈ ઝેઝેના કબીલામાં તરફ ગયો.


નદી કિનારે પુલ ઓળંગતા જંગલમાં થોડેક દૂર ચાલતા જ ઝેઝેના કબીલાના પુરુષો ફ્રેંક અને જીમને મળી ગયાં અને તે બંનેને કબીલા તરફ લઈ ગયાં.


કબીલામાં પહોંચતા જ જીમ અને ફ્રેંકને ચારે તરફ ઝૂંપડાઓ પર લટકતાં પશુઓ અને માણસોના હાડકાં અને ખોપરીઓની જાણે હારમાળા સજાવેલી દેખાઈ. ચારે તરફ ગંદકી અને મેલા ચિથરા જેવા કથ્થઈ અને છીંકણી રંગના કપડાં પહેરીને કેટલાંક ખૂંખાર પુરુષો અને સ્ત્રીઓ ફ્રેંકને ઘુરી રહ્યાં હતાં. કબીલામાં ફ્રેંક સાથે ચાલતાં જીમે જાણે કબીલાના સ્ત્રી પુરુષોની આંખો વાંચી લીધી હતી અને ઉપરથી કબીલામાં ટાઉ કે એગેબી ક્યાંય નજરે નહોતા ચડતાં તે જોઈને જીમનું હ્રદય ખતરાની આશંકાથી પુર જોશમાં ધડકવા લાગ્યું. પણ કબીલાની અંદર પહોંચી ગયા બાદ જાણે હવે તત્કાળ પાછા જવાનો કોઈ ઉપાય નહોતો રહ્યો.


જીમ અને ફ્રેંક વધારે કંઈ સમજી શકે તે પહેલાં જ કબીલાના ખૂંખાર કદાવર પુરુષોએ જીમ અને ફ્રેંકને ધારદાર હથિયારોથી ઘેરી લીધા. જીમ બાદ ખૂબ મોડે ફ્રેંક પણ સમજી ગયો કે યોરૂબા ઝેઝે વિશે જે કહેતો હતો તે સાચું હતું. પણ જાણે હવે ખૂબ જ મોડું થઈ ગયું હતું.


છતાં જીમે કબીલાના લોકોને સમજાવવા પ્રયાસ કર્યો પણ જીમને બે ત્રણ પુરુષોએ પકડીને ઝાડ સાથે બાંધી દીધો અને ફ્રેંકને બાંધીને એક વિશાળ ઝુંપડા તરફ ખેંચીને લઈ ગયા. જીમ બચવા માટે જોર જોરથી ટાઉ.. ટાઉ...એગેબી... એગેબીની બૂમો પાડતો રહ્યો. પણ ટાઉ અને એગેબી તો ઝેઝેના કાવતરાથી અજાણ જંગલની મધ્યે ભીની માટીમાં હાથ વડે ખાડા ખોદી ખોદીને કંદમૂળ શોધી રહ્યા હતાં.


પણ જીમની વાત અને ટાઉની બૂમો સાંભળી કબીલામાં એગેબીની સૌથી નજીક રહેતી એક યુવાન સ્ત્રી ચોરી છુપેથી ટાઉ અને એગેબીને જંગલ તરફ ખબર પહોંચાડવા રફતારથી દોડી. પંરતુ ફ્રેંકનું જીવન ક્રૂરતા પૂવર્ક ખતમ થવાની અણી પર હતું તેનો સ્પષ્ટ અંદેશો ફ્રેંકને થઈ ગયો હતો.


તે નિર્દયતાથી કબીલાના પુરુષો દ્વારા ઘસડીને લઇ જવામાં આવી રહ્યો હતો. ફ્રેંકે તેની ભાષા ન સમજી શકતા ક્રૂર પુરુષો સામે દયા કે બચાવની બૂમો પાડવાની જગ્યા આંખો બંધ કરીને ઈશ્વરને પ્રાર્થના કરી અને જીમ, ડેવિસ અને ફ્રીડાની રક્ષા કરવા ઈશ્વર પાસે આજીજી કરી.


ફ્રેંક પોતાની પ્રાર્થના પૂરી પણ કરી ન રહ્યો ત્યાં તેને વિશાળ ઝુંપડામાં જોરથી અંદર ધકેલવામાં આવ્યો. જ્યાં ઝેઝે મોટા ધારદાર હથિયાર લઈ છુપાઈને ઊભો હતો અને ફ્રેંકના અંદર ધકેલાતા  જ ઝેઝેએ એક ક્ષણ પણ રાહ જોયા વગર ફ્રેંકનું માથું એક જ ઝાટકે ધડથી અલગ કરી દીધું.


એજ સમયે કબીલાની સ્ત્રી ખબર આપવા એગેબી અને ટાઉ પાસે પહોંચી. કબીલાની સ્ત્રીની વાત સાંભળીને એગેબી અને ટાઉના હોશ ઉડી ગયા અને ટાઉ ચિત્તાની જેમ ફ્રેંક અને જીમનો જીવ બચાવવા કબીલા તરફ દોડ્યો.


પણ ઝેઝેએ તો એક ઝાટકે જ ફ્રેંકનું માથું કાપી નાખી આખા ઝુંપડામાં લોહીના ફુવારા ઊડાવી દીધા હતાં. ફ્રેંકનું માથું કપાઈને અલગ થઈને એક તરફ પડી ગયું પણ તેનું ધડ જાણે અધૂરી રહી ગયેલી પ્રાર્થના પૂરી કરવા ઘૂંટણે ઉભુ રહ્યું! ત્યાં ઝેઝે અને કબીલાના કેટલાક ક્રૂર પુરુષોએ ફ્રેંકના ધડ પર પણ સામટો હુમલો કરી ફ્રેંકના ટુકડે ટુકડા કરી નાંખ્યાં.


ઝેઝે જીમના પણ ટુકડા કરી નાંખત પણ તે પહેલાં જ ટાઉ અને એગેબી કબીલામાં પુર ઝડપે પહોંચી ગયાં અને એગેબીએ જીમને માંડ માંડ ઝેઝેથી છોડાવ્યો. એગેબી સાથે ટાઉ પણ ઝેઝેને જીમને જવા દેવા ખૂબ કરગર્યો ત્યારે ઝેઝેએ ફરી મનમાં ઘાતકી યોજના ઘડી અને ગુસ્સો શાંત પડ્યો હોવાનો ઢોંગ કરીને તેણે જીમને એગેબીના કહેવા પર છોડી દીધો.


ફ્રેંકને ઝૂંપડીમાં ટુકડા થઈ ગયેલો જોઈ ટાઉ ભાંગી પડયો અને તેના હ્રદયમાં ઝેઝે માટે ધિક્કાર જ ધિક્કાર જનમ્યો. એગેબીએ પણ આંસુઓ સારતાં સારતાં ટાઉને સમજાવી હિંમત આપીને ફ્રેંકનું શરીર એક કપડામાં ભેગું કર્યું અને જીમને આપ્યું. તે આક્રંદ કરતાં જીમને સંભાળતી પોતાની સાથે છેક નદી કિનારે સલામત રીતે લઈ ગઈ અને જીમને નદીની પાર વલોપાત કરતાં કરતાં જતાં ટાઉ સાથે ઊભી રહીને જોઈ રહી.


જીમ યોરૂબાના કબીલા તરફ ગયો પણ ટાઉ અને એગેબી નદી પાર વિલાપ કરતા કલાકો સુધી બેસી રહ્યાં. યોરૂબાના કબીલામાંથી જીવતો આખો ગયેલો ફ્રેંક પોટલામાં ટુકડા ટુકડા થઈ પાછો આવ્યો ત્યારે ફ્રીડા અને ડેવિસ પર આભ તુટી પડ્યું. યોરૂબા જેવો ક્રૂર માણસ પણ ફ્રેંકને ટુકડાં થયેલો જોઈ રડી પડ્યો. છતાં ફ્રિડાએ જે થયું તે ઈશ્વરની ઈચ્છા સમજી ડેવિસ ને સંભાળ્યો અને જીમ, ફ્રિડા અને ડેવિસ યોરૂબાના કબીલાના થોડા પુરુષો સાથે નદી કિનારે આવ્યાં.


ફ્રેંકના શરીરના ટુકડા અને માથું નદી કિનારે ફ્રેંકે જ્યાં પહેલીવાર ટેન્ટ બાંધ્યું હતું ત્યાં ખાડો ખોદીને દફનાવ્યું અને એગેબી તથા ટાઉ ઝાડ પાછળ સંતાઈને ડેવિસ અને ફ્રિડાને ફ્રેંકની કબર પર કારમો વિલાપ કરતાં જોઈ રહ્યાં.


             વૃક્ષ પર લાકડાંના ઘરમાં ઊભા રહી વીતેલી કારમી યાદો યાદ કરતાં ટાઉની આંખો સમક્ષ ડેવિસનું તેના પિતા માટેનું રુદન ફરી છલોછલ ઉભરાઈ આવ્યું. ત્યાં ફરી વૃક્ષ નીચે દોડી આવેલી એગેબીની ભયભીત બૂમો ટાઉને સંભળાઇ અને ટાઉ આંખો લૂછી ફટાફટ ઝાડ નીચે ઉતર્યો.


એગેબીએ ટાઉને ફરી ખરાબ ખબર આપતા કહ્યું કે ઝેઝેએ જીમને એટલે જીવતો જવા દીધો કે જેથી તે ફ્રિડા અને ડેવિસ સુધી પહોંચે અને ઝેઝે તે ત્રણેયને સાથે મારી નાંખી શકે.


ઝેઝે ફ્રીડા અને ડેવિસને નદી કિનારે ફ્રેંકની કબર પાસે મારી નાંખવા અને પછી યોરૂબાના કબીલા પર પણ હલ્લો કરી કતલેઆમ કરવા કબીલાના પુરુષો સાથે નીકળી ગયો છે, તે વાત એગેબી પાસેથી સાંભળતા જ ટાઉના રુંવે રુંવા ઊભા થઈ ગયાં અને ઝેઝે ટાઉ માટે પિતા મટીને જાણે દુશ્મન બની ગયો. ટાઉએ મનમાં નિર્ધાર કરી લીધો કે તે આજે ફ્રીડા, જીમ અને ડેવિસને તો નહિ જ મરવા દેય. પણ તે નક્કી ઝેઝેને તેના પિતાને જ આજે જરૂર મારી નાંખશે.


ટાઉના દિલ દિમાગમાં નફરત, ગુસ્સા અને બદલાની આગ તેના પિતા ઝેઝે માટે દોડી ગઈ અને ટાઉએ ફરી પૂર રફતારથી દોડવાનું શરુ કર્યું. એગેબી પણ ટાઉ પાછળ રફતારથી દોડી..


બીજી તરફ ઝેઝેને ખબર મળી હતી તે અનુસાર નદી કિનારે જઈ ફ્રેંકની કબર પાસે બેસી માતમ મનાવતા જીમ ફ્રીડા અને ડેવિસને દબોચી તેમનું પણ માથું ધડથી અલગ કરી દેવા ઝેઝે ઉતાવળો થયો.


ઝેઝે તેના કબીલાના કેટલાંક પુરુષો સાથે હાથોમાં ધારદાર હથિયાર લઈ નદી કિનારે રવાના થયો. જ્યાં ફ્રિડા, જીમ અને ડેવિસ મિશન કેમ્પ સાથે સંપર્ક કરી પાછા જવા મિશન કેમ્પની નાવ નદી કિનારે આવે તેની રાહ જોતાં ફ્રેંકની કબર પાસે બેઠા હતાં.


એક તરફથી નદી કિનારે દોડતો આવતો ટાઉ અને  એગેબી અને બીજી તરફ ઝેઝે અને તેના સાથીદારો જંગલમાંથી નદી તરફ આગળ વધી રહ્યા હતાં. થોડી જ વારમાં નદી કિનારે ઝેઝે અને તેના સાથીદારો પહોંચી ગયાં અને તેમણે નદીની સામે બેઠેલા ફ્રીડા, જીમ અને ડેવિસને કબર પાસે જોયા અને ઝેઝે રફતારથી લાકડાનો પુલ ઓળંગી તેમના તરફ ભાગ્યો અને ઝેઝેએ સૌથી પહેલા ડેવિસને જ પકડી લીધો. બીજા પુરુષોએ ફ્રિડા અને જીમને દબોચી લીધાં અને ફ્રિડા, જીમ અને ડેવિસ ભયના માર્યા બચાવવા બૂમો પાડવા લાગ્યાં.


ઝેઝેએ એક હાથમાં ડેવિસને દબોચ્યો અને બીજા હાથે પકડેલું ધારદાર હથિયાર ડેવિસનું ગળું કાપવા ઉગામ્યું. ત્યાંજ પાછળથી રફતારથી દોડતો દોડતો બૂમો પાડતો ટાઉ સિંહની જેમ જ ગુસ્સામાં આવ્યો અને ઝેઝે પર તે ફલાંગ મારી પૂરા ક્રોધમાં કૂદ્યો અને ઝેઝેને માટીમાં પાડી નાંખ્યો.


ઝેઝે ભોંય ભેગો થતાં જ ડેવિસ પણ માટીમાં પછડાયો અને ઝેઝેના હાથમાંથી તરત છૂટી ગયો. પણ ટાઉએ ઝેઝેનું હથિયાર ઝીનવી લઈ ઝેઝેની છાતી પર ચઢી ઝેઝેને એક જ ઝાટકે મારી નાંખવા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. ત્યાં એગેબી પણ દોડતી આવી અને ટાઉને આવો વિકરાળ હાથમાં હથિયાર અને ઝેઝેની છાતી પર રાક્ષસની જેમ ચઢી ગયેલો જોઈ ડઘાઈ જ ગઈ. કબીલાના લોકો પણ ટાઉનું રૂપ જોઈ સ્તબ્ધ થઈ ગયાં. ટાઉ પણ સરદારનો દીકરો હોવાથી તેના પર તેઓ હાથ ઉગામી શક્યા નહિ અને ફ્રિડા અને જીમને પકડી રાખી ઊભા ઊભા ટાઉને જ બસ જોઈ રહ્યાં.


ઝેઝે પણ પોતાના શાંતિ પ્રિય દીકરા ટાઉને વિકરાળ સ્વરૂપમાં હથિયાર ઉગામેલો જોઈ જીવનમાં પહેલીવાર ભયના માર્યો ધ્રુજી ગયો. એગેબીએ ટાઉને ઝેઝેને ન મારવા કહ્યું પણ ટાઉ જાણે હોશ ખોઈ બેઠો હતો અને તેણે ઝેઝેનું માથું ધડથી અલગ કરવા આક્રોશમાં હથિયાર ઉગામ્યું અને ત્યાં જ ડેવિસે વચ્ચે પડી ઝેઝેને બાથ ભરાવી લીધી અને એક હાથે ટાઉનો હાથ પકડી લીધો.


ટાઉનો ગુસ્સો છતાં પણ શાંત થયો નહી અને તેણે ડેવિસને ધક્કો મારી ઝેઝે પાસેથી દૂર હડસેલી દીધો અને ઝેઝેની છાતી પરથી ઊભા થઈ પોતાનાં જમણા હાથથી હથિયાર ઉગામી જોત જોતાંમાં પોતાનો જ ડાબો હાથ કોણીથી કાપીને એક ઝાટકે જ અલગ કરી દીધો અને એ જોઈ ત્યાં બૂમરાણ મચી ગઈ. એગેબી અને ફ્રિડા બંને થરથર ધ્રુજી ગઈ.


ટાઉના હાથમાંથી લોહીનો ફુંવારો છૂટ્યો અને કોણીથી પંજા સુધીનો હાથ કપાઈને નીચે પડ્યો. ટાઉએ લોહી નીતરતી ધારને ગુસ્સામાં ઝેઝેના મોઢા પર ધરી અને લોહી તરસ્યા ઝેઝેને લોહી પીવા આંખો કાઢી કાઢીને કહ્યું.


જીવનભર માણસો ભક્ષ કરતો અને પશુઓનું લોહી પીતો ઝેઝે પોતાના જ દીકરા ટાઉના નીતરતા લોહી અને કપાયેલા હાથને જોઈ ધ્રુજી ગયો. જે ડેવિસના પિતાનું તેણે છળ કપટ અને ક્રૂરતાથી માથું કાપી અલગ કરી દીધું હતું અને ધડના પણ ટુકડે ટુકડા કરી નાંખ્યાં હતાં. છતાં  ડેવિસે તેનો જીવ બચાવવા વચ્ચે પડ્યો, તે પંદર વર્ષના ડેવિસને જોઈ જીવનમાં પહેલીવાર ઝેઝેની મરેલી આત્મા જાગૃત થઈ.


ડેવિસે પોતાનો શર્ટ કાઢી ટાઉના લોહી નીતરતા હાથ પર ફીટ બાંધી દીધો અને બંને મિત્રો એકબીજાને વળગીને રડી પડ્યા. એ જોઈને ઝેઝેની આંખોમાં પણ પહેલીવાર આંસું આવ્યું અને તેનું આખું હ્રદય પલળી ગયું.


આખરે નદી કિનારે ઝેઝેનું પણ ખરા પશ્ચાતાપ સાથે બદલાણ થયું અને ત્યાં ટાઉ લોહી વહેવાના કારણે બેહોશ થઈને નીચે જમીન પર ફસડાઈ પડ્યો.



         ***********************


નદી કિનારે આવેલી નાવ દ્વારા ટાઉને ફ્રિડા મિશન કેમ્પ લઈ ગઈ અને તેને બચાવી લેવામાં આવ્યો. પણ તે એક હાથ કોણીથી ગુમાવી ચૂક્યો હતો.


ઈશ્વર સેવામાં માણસ ખાઉં આદિ જાતિઓના સુધાર માટે નીકળેલા ફ્રેંકનું બલિદાન રંગ લાવ્યું.


પંદર જ વર્ષના ડેવિસ અને ટાઉની મિત્રતા તથા સાહસભર્યો પ્રેમ પણ રંગ લાવ્યો.ઝેઝે જેવો ક્રૂર અને બર્બર સરદાર રાક્ષસમાંથી જાણે માણસ બન્યો. ઝેઝેનું સંપૂર્ણ બદલાણ થયું. સિયાબોંગા અને ઇબો બંને કબીલાઓએ મિશનરીઓને આવકાર્યા અને સ્વાલી નદીની ચારે તરફ સુધારણાના રસ્તાઓ ખુલ્લા થયાં.


કબીલાના લોકોનો સમયસર ઈલાજ થતાં અને માનવ સંવેદનાઓ કેળવાતાં એક સુઘડ સમાજનું સ્થાપન થયું.


ફ્રીડાએ એગેબી સાથે મળી જુદા જુદા કબીલા મધ્યે સ્ત્રીઓમાં કામ શરૂ કર્યું. ઝેઝે યોરૂબા અને જીમ પણ મિત્રો બન્યાં અને ફરી ક્યારેય કબીલા મધ્યે લડાઈઓ કે પશુ બલી ચડી નહિ.


ડેવિસે સત્તર વર્ષની ઉંમરે આફ્રિકના મસાઈ આદિજાતિ તરફ જવા પ્રયાણ કર્યું. જેમાં તેની સાથે દુભાષિયા તરીકે તેનો દિલોજાન મિત્ર ટાઉ હતો.

ટાઉ ગમે તેટલા ઊંચા વૃક્ષો પર ચઢી જતો કેમકે તેનો બીજો હાથ તેનો મિત્ર ડેવિસ હતો.



                  સમાપ્ત








ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ