વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંબંધ


આજના સમયમાં સાચા સંબંધ શોધવા ખૂબ મુશ્કેલ છે. જ્યાં માણસ સતત સ્વકેન્દ્રી બનતો જાય છે, ત્યાં સાચો સંબંધ મળવો ઘણીવાર મુશ્કેલ નહીં અશક્ય જેવું લાગે છે.


સાચો સંબંધ એ કે જ્યાં આત્માથી આત્માનો સંબંધ હોય, જેમાં સ્વાર્થ ના હોય પણ નિઃસ્વાર્થ બધું જ હોય. જ્યાં બીજાના માટે ખરા હ્રદયથી પ્રેમ હોય અને ચિંતા હોય.


જ્યાં એકબીજા માટે સમજદારીભર્યું વલણ હોય અને અતૂટ વિશ્વાસ હોય. આવા સંબંધનું  કોઈપણ નામ હોય, પણ એ સંબંધ સાચો હોય; સગવડિયો ના હોય!


      અઢળક વાતો અને મુલાકાતનો શું અર્થ?જો તમને એ સંબંધની કદર જ ના હોય! દુનિયા ભરની વાતો કરી અને પછી પોત પોતાના રસ્તે જ વળી જવાનું હોય તો એ વાતો અને મુલાકાતોનો શું અર્થ?


મળ્યા અને છૂટા પડ્યા અને હ્રદયમાં એકબીજાને  મળ્યાથી ખાલી જગ્યા પણ ના ભરાઈ અને છૂટા પડ્યા બાદ કોઈ કમી પણ મહેસૂસ ના થઈ તો એ સાચા સંબંધની પરિભાષા નથી.


આજકાલ લગભગ આવા જ ફુરસતના સંબંધ છે. સમય પસાર કરવાના સંબંધ અને પોતાની મરજી પ્રમાણે ચાલતાં સંબંધ!


એવા સંબંધ જેમાં "હું" અને "મારા" સિવાય બીજું કોઈ નથી હોતું. સ્વને જ બસ પોષતાં સંબંધ!


મને ગમે છે તો ઠીક છે, મારી પાસે સમય છે તો હું વાત કરી લઈશ, મારું કામ છે એટલે કઢાવી લઈશ.


આવા સંબંધમાં હું અને મારું ચાલતું જ રહેશે.. મારે એકલાને એકલીને થોડી ગરજ છે કે હું બોલાવું, એ મારા જીવનમાં હોય કે ના હોય મને કોઈ ફરક નથી પડતો....વગેરે વગેરે...મોટા મોટા વાક્યો અને એટલા જ સંબંધને તોડી દેતા વાક્યો  બોલતાં અને જીવાતા રહે છે અને છતાંય લોકો એ સંબંધોને જીરવતા અને એમાં જીવતાં જ રહે છે.


કેટલાંક લોકો બસ રઝળતા જ રહેતા હોય છે સંબંધોમાં. એક પછી એક બસ ભાગતા જ રહેતા હોય છે.જાણે ક્યારેય જીવનમાં એમને સ્થિર થવા જેવું કંઈ મળતું જ નથી.


એમની પાસે સંબંધોમાં કદાચ એટલા બધા વિકલ્પો હોય છે કે કોઈ એક પર સ્થિર થવા કરતાં ભમરાની જેમ તેમને ભમતાં રહેવું વધુ ગમે છે.


આ સંજોગોમાં વ્યક્તિએ એ વિચારવું જોઈએ કે,"કોણ તેનામાં આત્મીયતા, ચિંતા , પ્રેમ કે લાગણીઓનું નિશ્વાર્થ ભાવે રોકાણ કરી રહ્યું છે.


જો સામે એક મિત્ર તરીકે, સાથી તરીકે કે કોઈપણ સંબંધ રૂપી આવું વ્યક્તિ જો તમને દેખાતું હોય તો તમને બહુમૂલ્ય ખજાનો જ મળ્યો સમજો. આવા સંબંધની સમય રહેતાં કદર કરતાં શીખી લેવું જોઈએ.


બાઇબલમાં લખ્યું છે કે,"જે ઘણાં મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે;પરંતુ એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે"


સંબંધોને સાચવતાં આવડવું જોઈએ. તેમને નિભાવતા આવડવું જોઈએ. પણ જ્યારે સંબંધની તમને કોઈ પરખ જ ના હોય તો સાચવવા કે નિભાવવાની જરૂરિયાત ઉદભવતી જ નથી. મારી ઈચ્છા મુજબ અને ફુરસત મુજબ જો સંબંધ ચલાવીએ તો એ સ્વાર્થ સિવાય કશું જ નથી.


કેટલાંક વ્યક્તિઓ તેમને ખરા હ્રદયથી સંભાળવાવાળા, એમને સાંભળવાવાળા, તેમની ચિંતા કરવાવાળા વ્યક્તિઓને બહુ સહજતાથી લઇ લેય છે.


આવા ખરા હ્રદયથી કદર કરતાં અને બીજાની ચિંતા કરતા વ્યક્તિઓની મોટાભાગે કોઈ કિંમત હોતી નથી. સંબંધમાં આવા વ્યક્તિઓને સહજતાથી લઈને તેમનું વારંવાર અપમાન પણ કરાય છે, મજાક ઉડાવાય છે.


એમની બીજા સામે અવગણના કરાય છે અને પોતાને બીજા કરતાં એક સ્તર ઉપર ગણતાં લોકો આવા ખરા સંબંધ સમય જતાં ખોઈ બેસે ત્યારે જ તેની તેમને ખરી કિંમત સમજાય છે.


આપણી આસપાસ નજર કરીએ તો આવા લોકો મળી જ રહેશે જેમનો અહમ દરેક સંબંધથી મોટો હોય છે.


કેટલાંક લોકો એવા પણ છે જે સાચા અને સારા સંબંધ માટે સાચું પણ નથી બોલી શકતાં. ખોટું કરનારને ખોટું કહેવાની એમની જીગર હોતી નથી. ઉપરથી ખોટાની સાથે મળીને વધુ ખોટું કરીને ખોટું ચલાવીને, સાચાને સમજદારી ભરી સલાહ દેતાં હોય છે. આવા લોકો એકદમ લાચાર અને જાણે દરેક વસ્તુ, વ્યક્તિ અને સંબંધ પ્રત્યે નિઃસહાય હોય છે.


એમની લાગણીઓનો નિભાવ જૂઠ પર હોય છે. આ એવા લોકો છે કે જેમનું અસ્તિત્વ જૂઠ પર ટકેલું હોય છે અને સતત જૂઠના ઓળા હેઠળ જીવતા અને સત્યને નકારતા હોય છે.


આવા લોકોથી તમને ઈશ્વર જ છોડાવી શકે.

તમે ગમે તેટલું પણ ઈચ્છો તો આવા લોકો સુધરવા માંગતા હોતા નથી. કળયુગમાં જૂઠાનો સપોર્ટ કરવા અઢળક મળી જશે પણ સત્ય માટે ઊભા રહેવા માણસો શોધવા પડશે અને તે પણ અંત સુધી સત્ય માટે ઊભા રહેશે કે કેમ તે પ્રશ્ન છે.


કેટલાંક લોકોને દરેક જગ્યાએથી પ્રેમ મળતો હોય અટેનશન મળતી હોય એટલે પણ આવા લોકો સંબંધોની સાચી સમજણ અને પરખ કરી શકતા નથી.


કેટલાંક લોકો બધાને રાજી રાખતાં હોય છે. કોઈને ખોટું ન લાગવું જોઈએ એ તેમનો જીવનમંત્ર હોય છે. બધા જ સારા છે દુનિયામાં અને બધા જ સાચા છે. એટલે બધાને ખુશ રાખવાના અને બધાની હામાં હા કરે રાખવાની.


પણ બધાને ખુશ રાખવા અને રાજી રાખવું જો ખરા મનથી ના હોય તો એ ઢોંગ છે અને સત્ય તો એ છે કે તમે દરેક વ્યક્તિને ખુશ રાખી જ ના શકો. બધાને રાજી રાખવું તે રાજી નહિ પણ ખુશામત કરી કહેવાય. 


કેમકે ક્યારેક તો તમારે સત્ય માટે સ્ટેન્ડ લેવું જ પડે. બીજાના સત્ય માટે નહિ તો તમારા પોતાના સત્ય માટે પણ ક્યારેક તો સ્ટેન્ડ લેવું જ પડે. દરેકને ખુશ રાખી તમે તમારું કામ કઢાવતાં હોય, તો તમે માત્ર તમારો સ્વાર્થ સાધો છો. કોઈ પણ સંબંધ તમારા માટે મહત્વનો નથી.


કેટલાંક લોકોનો એટલો ડોમિનેટિંગ નેચર એટલે કે બીજા ઉપર જોહુકુમી કરતો સ્વભાવ હોય છે કે આવા લોકો સાથે સંબંધમાં રહેતા તમે શ્વાસ પણ ના લઈ શકો. આવા લોકોના શબ્દો પણ એવા હોય છે કે જાણે કડવું તીખું બાણ. એમના શબ્દો એટલાં આકરા હોય છે કે બીજાના હ્રદયના બે ટુકડા થઈ જાય.


એવા લોકો જે વાત-વાત પર બીજા પર હાવી થઇ જાય છે.બીજાને સતત હરાવી દેવા દલીલો કરતાં લોકો અને પોતાની જ ચલાવતા લોકો, જે પોતે પણ જાણતાં હોય કે તે ખોટાં છે છતાં પણ બસ જીતવા માટે જ બીજા પર હાવી થઈ જાય છે.


જેમની સાથે રહીને તમે ક્યારેય તમારા વિચારો જાહેર કરી ના શકો કે વ્યકત ના કરી શકો. અને વ્યક્ત કરો તો પણ આવા સ્વભાવવાળું વ્યક્તિ ક્યારેય તમારી વાત માનશે નહીં.આવા લોકોનું કહેવું ના માનો તો તે ગુસ્સે થઈ જાય અને કોઈ પણ વસ્તુને વધુ ખરાબ કરી દેય.


બાઇબલમાં લખ્યું છે કે,"ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર; અને તામસી માણસની સોબત ના કર"


કેટલાંક સંબંધોમાં વ્યક્તિ દેખાવમાં સુંદર હોય તો લોકો તેની સો ભૂલ પણ માફ કરી દેતાં હોય છે. તેની બાહરી સુંદરતા જોઈને મોહી જતાં લોકો સુંદર વ્યક્તિને તેની ભૂલો કહી શકતા નથી પણ વ્યક્તિની સુંદરતા ઉપર દરેક સત્યને વાળી ઘોળીને કુરબાન કરી દેય છે.


કેટલાંકને પોતાનું મનગમતું વ્યક્તિ ગમે તે ભૂલ કરે તો પણ ચલાવી લેય છે. તેની ભૂલોનો પહાડ થઈ જાય તોય તેમને વાંધો નથી હોતો.એ ભૂલો ભલે કરે પણ મને એ ગમે છે એટલે બધું જ ચાલશે તે સુંદરતા પર મોહી પડતા ભૂલ ભરેલા સંબંધો છે!


હું સંબંધોને ઉપણું છું ત્યારે ઘણીવાર જીવનની થપાટ અને ઉપર લાગેલા દરેક પડ અને ક્યારેક સાચા અને જૂઠા મહોરાઓ પણ ઈશ્વરની કૃપાથી છૂટા થઈને ખરી પડે છે, ઉપરથી નીકળી જાય છે. ત્યારે મને પણ સમજાય છે કે કોઈક પાછળ મેં વ્યર્થ સમય કાઢ્યો.


સમય બરબાદ થયો અને લાગણીઓની ક્યારેક રીતસર છેતરપિંડી થઈ ગઈ. અનહદ સંભાળ રાખ્યા બાદ પણ સામે વાળાને તેનો અહેસાસ જે તે સમયે થયો નહિ અને કેટલાંકને જીવનભર તેની કિંમત જ ના થઈ. કયાંક સંબંધમાં એટલા નીચોવાઈ ગયા પણ છતાં કશું જ મળ્યું નહીં!


જ્યાં હ્રદયની વાત ન કરી શકીએ, જ્યાં વ્યક્તિ એકબીજા સાથે પારદર્શક ન હોય ત્યાં સંબંધ સાચો સંબંધ નથી.


આજે દરેકને બીજાની છત્રછાયામાં તો રહેવું છે, પાંગરવું છે અને ખીલવું પણ છે. પણ બીજાને છત્રછાયા આપવી નથી.


દરેકને કોઈ લાડ કરે, વખાણ કરે, એપ્રીશીએટ કરે તે ગમે છે. પણ બીજાની સાથે એજ રીતે વર્તવું નથી.


દરેકને પોતાનું દુઃખ બીજાને કેહવુ છે પણ બીજાનું સાંભળવું કે સમજવું નથી.


બધું જ જોઈએ છે, પણ આપવું કશું જ નથી.



બાઇબલ માં લખ્યું છે કે,"જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તમે પણ તેઓને કરો."


જ્યારે કેટલાંક પુરુષોની નજર સ્ત્રીના બદન પર હોય ત્યારે સંબંધ સાચો ક્યાંથી હોય!


જ્યારે કેટલીક સ્ત્રીઓની નજર પુરુષના હ્ર્દય નહી પોકેટ પર હોય ત્યારે સંબંધ સાચો ક્યાંથી હોય!


જ્યારે ફુરસતના સગવડિયા હોય સંબંધ તો તેમાં પ્રેમ ક્યાંથી હોય!


જ્યારે ઈચ્છા મુજબ ખુલે દરરોજ જુદા જુદા લોકો સાથે ચેટિંગની બારીઓ અને થાય મારો જુઠ્ઠા ઇમોજીસનો તો સંબંધ સ્થિર ક્યાંથી હોય!


જ્યાં સંબંધમાં પવિત્રતા ન હોય ત્યાં પરિપકવતા અને મીઠાશ ક્યાંથી હોય!


એમ જ થોડી કહ્યું છે કે, My soul mate. આત્મામાં સાથી...એક જ આત્મા !


જ્યાં બોલ્યા વિના સમજી જવાય તે સાચો સંબંધ. જ્યાં એકની આંખો ભરાઈ અને બીજાને દર્દ થાય તે સાચો સંબંધ. જ્યાં એકબીજા માટે દુનિયાથી લડી લેવાય તે સાચો સંબંધ.


જેમાં બીજાનું હિત હોય તે સાચો સંબંધ. જ્યાં હૂંફાળી લાગણીઓનો ખિલખિલાટ હોય તે સાચો સંબંધ.


જ્યાં મળીએ કે ના મળીએ પણ મન એકબીજાની પાસે હોય તે સાચો સંબંધ.


જ્યાં એકબીજા માટે કોઈપણ સમયે હ્રદયથી ઉપલબ્ધ હોઈએ તે સાચો સંબંધ.


જ્યાં એકબીજાની ભૂલો માફ થઈ જાય અને પ્રેમથી બધું ભૂલી ભેટી શકાય તે સાચો સંબંધ.



" જેમ અત્તર તથા સુંગધીથી હ્ર્દયને હર્ષ થાય છે, તેમ અંતઃકરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે." ( બાઇબલ)


આ આત્મિક તપાસનો વિષય પણ હતો મારા માટે!


હું પોતે કયા સંબંધની પરિભાષામાં આવું છું? શું હું કોઈના હ્ર્દય માટે રાહત છું? શું હું કોઈ માટે હૂંફ કે દિલાસારૂપ છું? શું હું હિંમત છું કોઈની જ્યારે એ નાહિંમત થઈ જાય છે?


શું હું એ સહારો છું કે એ છાયાં છું કોઈ માટે કે જેમાં આરામ મળે, જીવનનો સુકુંન મળે કે આધાર મળે?


કોઈ માટે દોરવણી કે દિશા છું? સાથી કે સંગી છું કોઈની? કોઈની સાવ નજીક કે ગાઢ મિત્ર છું? 

શું હું પોતે પણ ફીટ થાઉં છું સાચા સંબંધની તસવીરમાં...!




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ