વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચૂંટણી

                   ઠંડીના સુસવાટા સાથે ગરમ ગરમ ગોટાની રમઝટ હતી. ગામ આખામાં ગરમાવો હતો. ચૂંટણીની વાતોની આહટ હવામાં હતી. ચૂંટણીના ઉમેદવાર જોરસોરથી પોતાનો પ્રચાર કરી રહ્યા હતાં. કોણ મત તોડશે, કોણ આપશે એની ગણતરી સાથે જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં હતાં. પોતાના તરફથી કોઈ જ કચાશ ન રહી જાય એનું બરાબર ધ્યાન રાખતા હતાં.

                 કાલ જ મતદાન હતું. આજની જ રાત હતી. જેટલા કુટુંબ વાળી શકાય એટલા વાળવાના હતાં. સામ, દામ, દંડ, ભેદ કોઈ પણ નીતિનો ઉપયોગ કરીને બસ જીતવાનું જ હતું. બે ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. બંને ઉમેદવાર સક્ષમ હતાં. સંબંધોમાં અને પૈસામાં પણ. પાણીની જેમ પૈસા વહાવી રહ્યા હતાં. બસ જીત થવી જોય.

                     રસાકસી હતી. જેના લીધે ગામમાં પણ ગરમાવો હતો. લોકો તો બસ રોજ રાતે નાસ્તા પાણીની મજા માણી રહ્યાં હતાં. ઉમેદવારો રૂપિયા આપીને પણ મત ખરીદી રહ્યાં હતાં. વટનો સવાલ હતો. બંનેને જીતવું હતું.

              સોમાભાઈ જરા લાગણી વાળા. ગામનું ભલું કરવા હંમેશા આગળ હોય એટલા માટે એમનું પલ્લું ભારે હતું. જ્યારે સુખદેવસિંહ સ્વભાવના જરા કડક. ડાયરાના શોખીન. મોટી મોટી મૂછો. આંખોમાં લાલાશ કાયમ રહે. ટક્કર બરાબરની હતી એટલે સુખદેવસિંહ રૂપિયા આપીને ગામ લોકોને ખરીદતા હતાં. વટનો સવાલ હતો.

              આખરે મતદાન પણ પૂરું થયું અને રિઝલ્ટનો દિવસ આવી ગયો. સુખદેવસિંહની હાર થઈ. સોમાભાઈ જીત્યા. ગામ આખામાં વરઘોડો કાઢવામાં આવ્યો. ઢોલની દાંડીએ આખું ગામ ઝૂમી રહ્યું હતું.  સુખદેવસિંહ હારને પચાવી શક્યા નહી.

                      બે દિવસ પછી સોમાભાઈની લાશ ગામ પાછળના ઓકરમાંથી મળી આવી. ગામમાં ચૂંટણી પુરી થઈ પરંતુ સુખદેવસિંહના મગજમાં હજુ પણ ચૂંટણી હતી.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ