વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લગ્નમાં મોજડી છુપાવવાનો રિવાજ

          આજે પૂર્વીના લગ્ન હતા. એની બધી સખીઓ ખૂબ ઉત્સાહીત હતી. રીના, માસુમી, શૈલી, દિયા, કાયા, પ્રાચી, વૈસુ બધી સખીઓએ આજ પોતાની પ્યારી સખીના લગ્નમાં ખૂબ મસ્તી કરવાનું નક્કી કર્યુ હતું.


          મહેંદી, પીઠી, શાંતક વગેરે વિધીઓમાં ખૂબ મસ્તી કરી. પીઠી ચોળતા ચોળતા તો બધી ધૂળેટી જેવી જ રમવા લાગી. પહેલા હળદરથી રમ્યા પછી ગલગોટાના ફૂલોથી રમ્યા. ત્યારબાદ ગુલાબી, લાલ, સફેદ, કેસરી, લીલો વગેરે પાવડર રંગોથી રમ્યા.


          તેઓની મસ્તીથી પૂર્વીની દાદી એમને ખિજવાયા, "છોકરીઓ, આ જે બધી વિધીઓ છે એ કોઇ રમત નથી કે, સાવ કરવા માટે જ કરવામાં આવતી નથી. એની પાછળ આપણા પુરાણોનું ગણિત અને અર્થઘટન છુપાયેલું છે."


          દાદીની વાત સાંભળી બધી સખીઓમાં સૌથી જિજ્ઞાસુ એવી પ્રાચી ટહૂકી ઊઠી, " હેં દાદી, તો આ પીઠી શા માટે ચોળવી પડે છે? શું એની પાછળ પણ કોઈ ધાર્મિક કારણ છે કે પછી પરંપરાથી ચાલતું આવે એટલે કરીએ છીએ."


          જો છોડી, જ્યારે કોઇ છોકરો છોકરીને પરણવા જાય છે ત્યારે તેને ભગવાન વિષ્ણુ સ્વરુપ અને કન્યાને લક્ષ્મી સ્વરુપ કહેવામાં આવે છે. હવે પ્રત્યેક છોકરો કે છોકરીમાં આવા દેવતાઇ ગુણો તો હોય નહી એટલે તેમનામાં દૈવિય ગુણો પ્રસ્થાપિત કરવા પીઠી કરવામાં આવે છે. હળદરમાં ખૂબ પવિત્ર ગુણો હોય છે. તેને શરીર પર ચોળવાથી કામ, ક્રોધ અને મોહ જેવા દુર્ગુણો નાશ પામે છે. વ્યક્તિ સાત્વિક ગુણોયુક્ત બને છે. આવો સાત્વિકગુણો યુક્ત પુરુષ વિષ્ણુસ્વરુપ બને છે. અને કન્યા લક્ષ્મી સ્વરૂપા બને છે. ત્યારબાદ જ તેઓ એકબીજાને વરવા યોગ્ય બને છે.


          આ લગ્નસંસ્કારને અમથું સોળ સંસ્કારમાં સ્થાન મળયુ છે? આપણા હિંદુ ધર્મમાં પ્રત્યેક ધાર્મિક કાર્યમાં કોઇ ને કોઇ વિજ્ઞાન અથવા વડીલોની ઊંડી કોઠાસુઝ સમાયેલી છે. આ કોઇ સાવ છોકરમત નથી.


          દાદીની વાત સાંભળી દિયાને ટીખળ સુઝી. તે બોલી, "તે હૈ દાદીબા, આ લગ્નમાં વરરાજાના બૂટ સંતાડવા પાછળ પણ કોઇ લોજીક રહેલું છે ખરું !?"


          દિયાની ટીખળ ઓળખી રીનાએ એને ટપારી. "ઓય! સામે પૂર્વીની દાદીબા છે. થોડી તો શરમ રાખ."


          દિયા દાંત વચ્ચે જીભ દબાવી બન્ને કાન પકડી, "સોરી દાદી." ઍમ બોલી.


          દાદીબા પણ જાણકાર નિકળયા, "દિયા, તેં ભલે આ વાત ટીખળમાં કરી પણ આ વાત પાછળ પણ એક સરસ કથા છુપાયેલી છે.


          દાદીબાના આટલું કહેતા બધી છોકરીઓ ઍકસાથે બોલી ઊઠી: "અમને કહોને એના વિશે; અમારે જાણવું છે."


          તો સાંભળો છોકરીઓ, આ વાત ભગવાન રામ સીતાજીને પરણવા આવ્યા હતા તે વખતની છે. રામ અને સીતાના લગ્નની સર્વ વિધીઓ સુખરૂપ અને નિર્વિઘ્ને પુર્ણ થયા બાદ હવે વિદાયની ઘડીઓ નજીક આવી રહી હતી. તે સમયે એક બાપ તરીકે જનકરાયને દિકરીની વિદાય વસમી થઈ રહી. તેમને મન થયું કે, 'થોડો વધું સમય મારી લાડકી દિકરીને મનભરી નિરખી લઊ, તેની સાથે થોડો વધું સમય વિતાવી લઊ.' એવો વિચાર આવતા તેમણે સીતાની સખીઓને કહ્યું કે, 'રામની મોજડી છુપાવી દે. મોજડી શોધવામાં જેટલો સમય લાગશે તેટલો સમય તેઓ સીતાને છેલ્લીવાર મન ભરીને નિરખી લેશે અને થોડી વાત પણ કરી લેશે.'


          જનકરાયના આદેશ અનુસાર સીતાની સખીઓએ રામની મોજડી છુપાવી દીધી હતી. ત્યારથી આ પ્રથા ચાલી આવે છે. ખરેખર તો આ રીત પાછળ એક બાપનો દિકરી પ્રત્યેનો પ્રેમ દ્રષ્ટિગોચર થાય છે. તો જોયું લગ્નપ્રસંગમાં કરવામાં આવતી કોઇપણ વિધી કે કોઇપણ કાર્ય તર્કસંગતથી વિરુદ્ધ નથી." દાદી બોલ્યા.


          દાદીની વાત સાંભળી ભાવવિભોર થઈ ગયેલી પૂર્વીની સખીઓને કંઈક નવું જાણવા મળયુ તેનાથી ખૂબ આનંદીત થઈ. અને ત્યારબાદ તેઓનો ભારતિય રિવાજો પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ જ બદલાય ગયો.


@ પ્રકાશ પટેલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ