વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સૂની લાઈબ્રેરી..!


મોબાઈલમાં આવેલાં નોટીફિકેશન વાંચવા 

કેટલો બેતાબ છે એ,

ને મારી પર પડેલી 

આ ધૂળની ઢગલીઓ જોવાનો 

સમય પણ નથી એની પાસે.

હમમ..

નિસાસો ખાતાં એક પુસ્તકે બીજાંને કહ્યું.

ત્યાં જ એક અવાજ આવ્યો,

ધબાક.

બધાંની નજર સાથે 

એણે પણ ડોકું ઘુમાવ્યું.

ત્યાં આવીને 

નીચે પડેલી ચોપડી સામે જોયું

ઘણીવાર સુઘી 

એમ જ તાકીને..

ને આંખમાંથી 

એક આંસુનું ટપકું પડ્યું, 

એ ધૂળ ચઢેલી ચોપડી ઉપર..

એણે એને ઉપાડી છાતી સરસી ચાંપી.

ને કેટલીય વાર સુધી

એમ જ ઊભો રહ્યો.

જાણે બંને એકબીજાને વળગીને

ભૂતકાળની યાદોની નાવમાં 

એક ક્ષણમાં જ ફરી આવ્યાં.

સ્કૂલથી આવીને પ્રથમ

એનું મનગમતું પુસ્તક લઈ

તેને વાંચવાની ઘેલછા 

ફરી એની આંખોને 

ભીની કરી ગઈ.

એણે એનાં શર્ટને ઊંચું કર્યું

ને ચોપડી પર 

જામેલી ધૂળને સાફ કરી .

ચોપડી પણ અદબથી 

બીજાં પુસ્તકો સામે જોઈ 

વટથી હરખાઈ.

એણે એનાં મુખપૃષ્ઠ પર 

એક ચુંબન કર્યું,

જાણે એની પ્રેમિકાનાં લલાટે કરતો હોયને..

હા.. બસ એમ જ!

ચોપડી પણ થોડી શરમાણી,

ઉપરથી મોટા પુસ્તકોએ 

થોડો ખોંખારો ખાધો.

ચોપડીએ અકડથી 

તેઓની સામે જોયું 

ને પછી એની સામે જોયું.

બંનેની આંખો એક થઈ

ને બસ..

ફરી એને પ્રેમ થઈ ગયો 

એનાં પુસ્તક સાથે.

ને બંને આખી રાત 

એકબીજામાં ઓતપ્રોત થઈ 

ખોવાઈ ગયા.

એ જ આરામ ખુરશીનાં ઝૂલે ઝૂલતાં.

સવારની સોનેરી કિરણોનાં 

આગમન સાથે 

એની એ પ્યારી ચોપડીની વાર્તાઓ 

એણે એક ઝાટકે જ 

મોજથી વાંચી કાઢી.

ને હવે એ વર્ષો પછી 

નિરાંતની ઊંઘ માણી રહયો હતો,

સવારની પ્યારી ઠંડકમાં.

બીજાં પુસ્તકો 

થોડાં ઈર્ષાથી જલી રહ્યાં હતાં,

ચોપડીને એની બાહોમાં સમાયેલી જોઈને.

પણ સાથે એક આશ હતી

મિલન થશે એવી એક મુરાદ હતી.

હવે એ એની નાનકડી લાઈબ્રેરીનાં

પુસ્તકો રોજ સાફ કરે છે.

મુરઝાયેલી ઉદાસી સાથે 

રોજનો સમય વીતાવતા એ પુસ્તકો,

હવે સ્મિત સાથે 

રોજ એની બેતાબીથી રાહ જોવે છે.

'હવે આજે તો મારો જ વારો જો જે..!'

એમ કહી, 

એકબીજા સાથે શરત પણ લગાવે છે.

એને પણ જાણે 

અણસાર આવી ગયો હોય તેમ,

કયારેક આ તો કયારેક પેલું પુસ્તક લઈ

નીચેથી ત્રીજું જ પુસ્તક લઈ વાંચે છે.

ને અચાનક ત્રાંસી આંખે 

ફરી એ પુસ્તકો સામે જોઈ 

આછું સ્મિત આપે છે.

પુસ્તકો પણ મનમાં હરખાતાં

એક્બીજા સામે જોઈ પાનું ઉડાડી

માથે ટપલી આપી દે છે.

ને હવા સાથે 

થોડો નાચ પણ કરતાં કહે છે

'આજ નહીં તો કલ,

અપુન કા વક્ત ભી આયેગા રે..!'


જયશ્રી બોરીચા વાજા

'લાવણ્યા'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ