વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બકરી

 

              જી તમે પેલી કહેવત તો સાંભળી હશે,  "બકરું  કાઢતા ઉંટ બેઠુ "  આપણાં પૂર્વજોએ બધી કહેવતો કંઈ અમસ્થી જ નહીં ઘડી  હોય,  કંઈક એવી ઘટના ઘટી  હશે અને તે ઘટનાના શબ્દોને અલંકૃત બનાવ્યાં હશે, જે કહેવત તરીકે જાણીતા થયાં હશે.  ઉપરોક્ત કહેવતને સત્ય ઠેરવતી એક ઘટના હું અહીં રજુ કરું છું,  વાંચી આપ જણાવજો કે ખરેખર કહેવતો આવી કોઈ ઘટનાથી જ બનતી હશે.    

   નાનજીભાઈની બકરી પડી ગઈ, નાનાજીભાઈની બકરી પડી ગઈ... પૂરાં   સ્ટાફ ક્વાટરમાં હો.. હા.. થઈ ગઈ. 

        વાત એમ હતી, ગામથી ત્રણ ચાર કિમી દુર, દરિયાની ભેખડોને અડીને આવેલ સ્ટાફ ક્વાટર્સ.  વાત એ સમયની હતી જયારે ગ્રામોફોન અને સાયકલ જેના ઘરે હોય, તે ધનિક ઘર ગણાતું. એટલે આ સમયે સાયકલ દરેક પાસે ન હોય સ્વાભાવિક છે.  ગામથી આટલે દુર કવાટર્સ હોય, સ્ટાફના લોકો જીવન જરુરીયાત વસ્તુઓ મહીને-પંદર દિવસે ગામમાં આવી ગાડામાં કે માથે બાચકા-પોટકા મૂકી હટાણું કરી જાય. ગામમાં આવે ત્યારે જીવન જરુરી વસ્તુઓ સાથે શાકભાજી બેત્રણ દિવસના લઈ આવે. ( કદાચ ફ્રીજની તો કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આપણે પણ ફ્રીજમાંથી  પાણીનો ઠંડી બોટલ લઈને મોંઢે માંડીશું, એટલે વધારે શાકભાજી સ્ટોર કંઈ રીતે કરે.  ) બાકીના દિવસોમાં  કઠોળ અથવા દરિયાઈ જીવ જ રોંજીદા જીવનમાં ઉપયોગ કરવાનો હોય. આમાં દૂધ  સંગ્રહની   તો કલ્પના પણ ન કરી શકાય. પશુપાલકો દરરોજ આટલે બધે ચાલીને દૂધ આપવા આવે તેવું પણ બને નહીં,  એટલે દૂધના વિકલ્પ રૂપે  કયાં તો દૂધ પાઉડરના  ડબ્બા લેવાના અથવા દુધાળા  પશુ પાળવાના. ફસ્ટ અને સેકન્ડ  ક્લાસ અધિકારીઓ તો દૂધ પાઉડરના ડબ્બા વાપરે,  પણ ત્રીજા-ચોથા વર્ગના કર્મચારીઓને દૂધ પાઉડરની કીંમત પોસાય નહી. એટલે તે દુધાળા  પશુ રાખે. દુધાળા પશુમાં બકરીની દેખભાળ કરવી સહેલી હોય,  મોટે ભાગે બધા બકરીઓ જ પાળે. સ્ટાફ કવાટર્સની જગ્યા એક બે કિમીના વ્યાસમાં ફેલાયેલી હોય, પશુ ચારા માટે કોઈ પ્રશ્ન રહે નહીં.  બાળકો તો બકરીના આંચળની દૂધની  શેર સીધી જ મોંમા મૂકી તાજે તાજું દૂધ   પીતા.

  નાનજીભાઈએ પણ દૂધ માટે  બકરી પાળેલી.  એક દિવસ તેની બકરી ક્વાટર સીમ વટાવી બહાર નીકળી ગઈ.  દરિયા કિનારે ભેખડો સુધી પહોંચી ગઈ ને એક માથોડા બે માથોડા  ઉંડી ભેખડની અંદર જઈ પડી . બેં- બેં રાડો પાડવા લાગી. કોઈ તેની રાડો સાંભળી જતાં નાનજીભાઈને ખબર આપ્યાં. 

સ્ટાફમાં હો... હા... થઈ ગઈ. નાનાજીભાઈની બકરી પડી ગઈ... નાનાજીભાઈની બકરી પડી ગઈ..  સાંજના ચાર પાંચ થવા આવ્યાં હતાં.  દરિયામાં પણ ભરતીનો સમય હતો. હવે કાં તો બકરી બચાવવી પડે અથવા દરિયાદેવને બકરીનો ભોગ આપવો પડે. દરેકે પોત પોતાની રીતે બકરી બહાર કાઢવાના ઉપાય જણાવ્યાં. પણ આટલી ઉડી  ભેખડમાંથી બકરી કઈ રીતે બહાર કાઢવી. 

 સ્ટાફમાં એક  પશુ પ્રેમી અને બીજાને મદદ માટે હંમેશા તત્પર એવા  પ્રવિણભાઈ પણ ખરા. તેણે બકરીને બહાર કાઢવાનું બીડું ઝડપ્યું. પોતે ભેખડમાં ઉતરે અને બકરીને બચાવી લે.  ગામથી આટલે દૂર  ભેખડમાં ઉતરવા ત્યાં સાધન પણ શું હોય, શોધખોળને અંતે એક બાંબુની તૂટેલ ફૂટેલ નિસરણી હાથ લાગી. કોઈ રીતે ભેખડે ટેકવીને નીચે દરિયામાં ઉતર્યાં. દોરડા વડે બકરી બાંધી ને ઉપર  રહેલા લોકોએ ખેંચી લીધી. હાજર સૌ લોકો બકરી બચવાથી  હર્ષની ચીચીયારીઓ પાડવા લાગ્યાં.  

બકરું તો કાઢ્યું પણ હવે ઉંટ બેઠું.... વાંચો આગળ 

પ્રવિણભાઈ  નિસરણી જાલી ઉપર ચડવા લાગ્યાં, પણ હર્ષોલ્લાસમાં કોઈએ ત્યાં નિસરણીને  ટેકો આપ્યો નહીં. પ્રવિણભાઈ અડધી નિસરણી ચડયા હશે કે નિસરણીએ  ટેકો ગુમાવ્યો ને પ્રવિણભાઈ નિસરણી સહિત ખાબક્યાં દરિયાની રેતમાં. 

આ તો એવું થયું "ધરમ કરતા ધાડ પડી"  અને બકરીના બચાવવાના હર્ષોલ્લાસ કરતો સ્ટાફ ઘડીભરમાં અવાચક થઈ ગયો. એક બાજુ પીડાથી કણસતા પ્રવિણભાઈ ને બીજી તરફ દરિયાની ભરતીનો સમય.  પ્રવિણભાઈને કઈ રીતે બહાર લાવવા. આખરે એક ખાટલાને  દોરડાથી બાંધી નીચે ઉતાર્યો. પ્રવિણભાઈને તેમાં સુવડાવી બહાર લાવવામાં આવ્યાં. ઈજાઓ ઘણી હતી.  તે સમયે ગુજરાતમાં માત્ર જામનગર ઈરવીન હોસ્પીટલ જ મેડીકલ સારવાર માટે મોટું કેન્દ્ર હતી. પ્રવિણભાઈને ત્યાં લઈ જવામાં આવ્યાં.  પગમાં સાથળની જગ્યાએ હાડકું ભાંગી ગયું હતું. ઑપરેશન કરી ત્યાં "સળીયો " લગાવવામાં આવ્યો. બે- ત્રણ માસની સઘન સારવાર બાદ પ્રવિણભાઈ ચાલતાં થયાં, તે પણ લાકડીના ટેકે. શારીરિક ખામીના કારણે તેને નોકરીમાં પણ સસ્પેન્ડ  કરવામાં આવ્યાં.  ફરી છ મહિનાની કાનુની સંઘર્ષ બાદ નોકરી પર હાજર થવા ઓર્ડર મળ્યો.  

આમ "બકરી કાઢતા ઉંટ બેઠું" એમ... બકરી કાઢવામાં પ્રવિણભાઈને  શારિરીક, માનસિક, આર્થિક મુશ્કેલીરૂપ ઉંટ  બેઠી ગયું.  અથવા કહો કે ધરમ કરતા ધાડ પડી. બકરીને બચાવવાના ધર્મમાં પ્રવિણભાઈને આજે પણ એંશી વર્ષે ચાલવામાં પગ ખોડકાય છે અને  તેઓ પલાંઠીવાળીને  બેસી શકતાં નથી.  સલામ છે પ્રવિણભાઈના પશુ પ્રેમને 

( સંપૂર્ણ  સત્ય ઘટના, પાત્રોના નામ બદલ્યા છે  )

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ