વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઝભ્ભા પુરાણ

ઝભ્ભો અને હું.


   મારા અંગત મિત્રો મને સલાહ આપે છે કે હવે તું લોકપ્રિય લેખક બની ગયો છે એટલે, વેશભૂષા બાબતે સજાગ રે. ચાર પાંચ ઝભ્ભા તો સીવડાવી જ દે. દેશ એવાં વેશ કરવા પડે.


  પહેલાં તો કશુંક બની જવાની વાત આવે એટલે મને અંદરથી ફફડાટ જાગે કે હું શું બની ગયો? કેમકે, મારી કાચી પાકી સમજણ મુજબ માણસ જે હોય છે એ જ હોય છે. કશુંક બની જવા માટે દંભનો સહારો લેવો પડે છે જે મારા જેવા નખશિખ ગામડિયાને કદી ન પાલવે.  પછી વિચાર આવે છે કે એ મિત્રોની વાત સાવ ખોટી તો નથી જ. હું વધેલી દાઢી ને લઘરવઘર ગમે ત્યાં નિકળી પડું ને જેવાતેવા ફોટા પણ ફેસબુક પર શેર કરી દઉં. કોઈ વાચક મારી પાસેથી લેખક જેવા દીદારની અપેક્ષા રાખતો હોય એ નિરાશ થાય.


   મનેય વિચાર આવ્યો કે મારે ઝભ્ભા તો પહેરવા જોઈએ ને એ વિચારે ધ્રુજારી ફેલાઈ ગઈ. એનું સૌથી મોટું કારણ ઝભ્ભો છે. હા, એ જ ઝભ્ભો,જે એક સમયે મારે પરાણે પહેરવો પડતો.


૨૦૦૪ ની સાલમાં ગુજરાત સર્વોદય મંડળના પંદર વિશ ગાંધીવાદીઓ મારે ઘેર જમતાં. હું એમની સાથે ફરતો. એ દરમ્યાન સફેદ ખાદીના ઝભ્ભા, લેઘા મારે પહેરવા પડ્યા હતા. ધોળા બગલા જેવા. મારી ફૂટતી યુવાની. ક્યાક જાઉં તો મને શરમ આવે. પણ, જીવનમા ડૉ. દ્વારકાદાસ જોશી સાહેબનો સંપૂર્ણ પ્રભાવ. એમને ગમે નહિ કે હું રંગીન કપડાં પહેરું. એક્વાર મને રેડ ટીશર્ટમાં જોઈ ગયા ને એક કલાક સુધી મારે પ્રવચન સાંભળવું પડ્યું હતું. " જો બેટા, દેશને ઊંચો લાવો. રાફુમાં તો ઘેર ઘેર ચરખા ચાલે. તુ બે જોડ ખાદીનાં કપડાં ન લઈ શકે?"


   એ મહાપુરુષના શબ્દોએ જાદુઈ અસર કરી. એ વખતે મારા મનમાં સફેદ ઝભ્ભા એટલે ખાદી એવું ટુચકુ ફીટ બેસી ગયેલું. મે ગ્રામભારતીના ઈશ્વરદાદાને કહ્યું..મને દાદાજી ખાદી પહેરવાનું કહે છે. તેઓએ મને બે જોડ ઝભ્ભા લેઘાં મોકલી આપ્યાં. બંદા બની ગયા ગાંધીવાદી. જોકે, આજે તો એકપણ વાદમાં વિશ્વાસ નથી કરતો.  જ્યારે તમે કોઈ વ્યક્તિ કે વિચારની છત્રછાયા સ્વીકારો છો ત્યારે તમારા પોતીકા વ્યક્તિત્વનું હનન કરો છો એવું સત્ય મને હવે રહીરહીને જડ્યું. પણ, એ સમય હતો. આદર્શો પાછળ વહી જવાનો.


એમનાં જીવનની છેલ્લી અવસ્થામાં હું એમની પાસે હતો. વિનોબા ભાવેની જેમ એમણે પણ સ્વેચ્છાએ દેહત્યાગનો નિર્ણય લીધો હતો ને આખરે નરેન્દ્ર મોદીએ પારણાં કરાવ્યા. મારા જીવન પર એમનો ખૂબ મોટો પ્રભાવ. હું પોતે એક વર્ષ સુધી વડનગર, વિસનગરની અંદર રહ્યો છું ને ખૂબ વિચર્યો છું. સાચું કહું તો એમના અવસાન પછી જ મે ખાદીનાં વસ્ત્રો પહેરવા છોડ્યા. બાકી, મે બહુ ઝભ્ભા પહેર્યા છે. શરીરની બહાર ઝુલાની જેમ ઝૂલતા ઝભ્ભા પણ પહેર્યા છે.


   એ સર્વોદયનો રંગ ઉતર્યો ને વર્ષો વિતી ગયા. ઝભ્ભો જીવનમાંથી અદ્ર્શ્ય થઈ ગયો. એ ઝભ્ભાએ અચાનક જીવનમાં પ્રવેશ કર્યો. અમદાવાદમાં નોકરી દરમ્યાન એક દિવસ ગુજરાતી સાહિત્ય પરિષદના આંગણે જઈ પહોંચ્યો. કોઈ કાર્યક્રમ વિશે વાંચીને. રઘુવીર ચૌધરી સમાં સર્જકોને રૂબરૂ જોઈને બંદા તો ખુશખુશાલ થઇ ગયા. એ વડીલોની જમાતમાં હું એક જ જુવાન. એમને સૌને ઝભ્ભામાં જોયા ને નક્કી કર્યું કે ગમે તે ભોગે ઝભ્ભો પહેરીને એકવાર આ સૌની સાથે બેસવું.


   ને,જીવનમાં પહેલીવાર આઠસો રૂપિયાનો ઝભ્ભો ખરીદ્યો. મનિષ પાઠક તરફથી કોઈ કાર્યક્રમ હતો પરિષદમાં. એમાં એ ઝભ્ભો પહેરીને ગયો. પોરસાતો પોરસાતો. જોકે, એ વખતે હું વાચક હતો,ભાવક હતો. લખવાનું શરૂ નહોતું કર્યુ પણ, મનમાં એવું ભૂત ભરાઇ ગયેલું કે લેખક બનવા માટે ઝભ્ભો ફરજિયાત છે. પહેલી કસોટી આપણે પાર કરી. સાચું કહું તો એ વખતે સોશિયલ મીડિયા આટલું એક્ટિવ નહોતું એટલે, લેખકો જોવા મળે ત્યારે તો ભગવાન જોયા હોય એવી અનુભુતિ થતી. સાહિત્ય પરિષદમાં રમણ સોની અને ચંદ્રકાંત શેઠ મળી ગયાં. આપણે તો હરખમાં ને હરખમાં એમની સાથે મસ્ત ફોટા પડાવ્યા. ઝભ્ભા સાથેનાં. વટ કે સાથ. પોરસ થયેલો.


   એ ઝભ્ભો આજેય છે પણ,હવે ટુંકો પડે છે. ઝભ્ભા કરતાં મારો ગજ મોટો થઈ ગયો એવું તો નહિ કહું કેમકે, દુનિયા દીદાર પાછળ પાગલ છે. એવું વિચારી છેલ્લા બે કાર્યક્રમમાં બે ઝભ્ભાની ખરીદી કરી છે. બેય ઝભ્ભા ગાંધી આશ્રમમાં જઈને ખરીદ્યા. એય રાતોરાત. થોડાં પહોળાં હતા પણ, કાર્યક્રમો સચવાઈ ગયા. જોકે, આજના યુવાલેખકો ભાગ્યે જ ઝભ્ભા પહેરે છે પણ, મને એમ થયાં જ કરે છે કે એવો પણ કાર્યક્રમ હોય જેમાં દરેક યુવા લેખક ઝભ્ભામાં હોય. જોકે, ઝભ્ભો પહેર્યા પછી ખોટુ કરતાં પહેલા વિચાર આવે તો? એક પ્રકારનો સંયમ આવે તો? ઝભ્ભો બહાર પ્રભાવ પાડે કે ન પાડે પણ, ભીતરમાં એનો પ્રભાવ પડી જાય તોય ભાઈ ભાઈ..


    ઝભ્ભા સામે મને એક જ તકલીફ છે કે એ સાહિત્યના ખાસ કાર્યક્રમમાં જ પહેરાય છે. બાકી, મહિનાઓ સુધી એ આપણાં થેલામાં ગૂંચળું વાળી પડયો રહે છે જાણે, મદારીના ટોપલામાં નાગ. અમારાં જેવા અલગારી માણસનો સૌથી નજીકનો સથવારો થેલો હોય છે.  એક બે વખત પહેરેલા, નવાં ઝભ્ભા લીધા પછી એને ઘેર મૂકી દેવાતા નથી એટલે, થેલાની સંકડાશ વચ્ચે પણ તેઓ પોતાનું અચલ સ્થાન ભોગવે છે. ઝભ્ભાને ખબર હોય છે કે આ લેખકડો મને ધારણ નહિ કરે પણ, એ આશ્વસ્ત રહે છે કે ત્યાગ પણ નહિ કરે. મારો મોહ એને મારો વજન ઊંચકવા અવશ્ય મજબૂર કરશે.


   આ ઝભ્ભો " મરુભૂમિની મહોબ્બત"નાં વિમોચન પ્રસંગે પામ્યો હતો. થોડા સમયમાં બીજું પુસ્તક આવશે ત્યારે એ વખતે મારે અલગ ઝભ્ભો જોઈશે ને... એ રીતે માનો કે હું આવતાં ત્રીસ ચાલીશ વર્ષ દરમિયાન પચાસ જેટલાં પુસ્તક લખું તો એટલા ઝભ્ભા....ને, હું બેહોશ બની જાઉં છું..મને મારા દેશના નેતાઓ યાદ આવે છે..જેમની જનતા કાયમ મજાક ઉડાવે છે... નેતાઓ ઝભ્ભો પહેરીને પણ ગમેતેવા કામ કરી શકે છે. લેખક રાજકારણી બની શકે છે, કોઇ રાજકારણી લેખક બની શકે ખરાં? એ સવાલ વચ્ચે બિચારો ઝભ્ભો અટવાયા કરે છે..


    - શૈલેષ પંચાલ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ