વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રીક્ષાવાળો

રીક્ષામાંથી ઉતરી ને એણે કહ્યું – “અંકલ અહીજ ઉભા રહેજો - હું આવું પૈસા લઈને - મારું ઘર ચોથા માળે જ છે”. રિક્ષાવાળાએ હકારમાં માથું ધુણાવ્યું અને એ સ્કૂલબેગ આમ તેમ ફંગોળતી સડસડાટ ઉપર ચડી ગઈ. ઘણી વાર થઇ અને એ ના આવી એટલે રીક્ષાવાળો ઉપર ચોથા માળે પૂછપરછ કરવા ગયો.

ઉપર બે ઘર હતા એમાં એકમાં તાળું હતું. એક ઘરનો દરવાજો ખખડાવ્યો - એક આધેડે દરવાજો ખોલ્યો - રિક્ષાવાળાએ પૂછપરછ કરવા મોઢું ખોલ્યું અને અચાનક ઘરની સામેની જ દીવાલ પર હાર લટકેલા ફોટાને જોઇને એને આંચકો લાગ્યો - એ છાતી પર હાથ મૂકીને બેસી પડ્યો.

એ આધેડ નજીક આવ્યા અને એના માથે હાથ ફેરવ્યો - "બેટા, હું સમજી ગયો - વર્ષા આવી હતી ને તારી સાથે રીક્ષામાં ? એ તો...એ તો... થોડાક મહિના પહેલા જ ... સ્કૂલથી ઘેર આવતા રીક્ષામાં એક એક્સીડેંટ માં...ઘણા રિક્ષાવાળા અહી આવે છે, બેલ મારે છે, હું દરવાજો ખોલીને હકીકત કહું છું તો... સોરી બેટા...બોલ તારા કેટલા રૂપિયા થયા ? રીક્ષાવાળો કઈ જ કહ્યા વગર નીચે ઉતરી ગયો અને જેવો રીક્ષા પાસે આવ્યો કે એનું હૃદય બંધ પડી ગયું.

ત્યાં એ જ છોકરી ઉભી હતી, હાથમાં રૂપિયા લઈને, હસતી હસતી, રિક્ષાવાળાને કઈ જ સમજણ ના પડી, એ ફાટેલી આંખે જોઈજ રહ્યો. એ છોકરી પાસે આવી અને બોલી “શું થયું અંકલ ? ક્યાં ગયા હતા ?” રિક્ષાવાળાએ માંડ માંડ કહ્યું કે ચોથા માળે ઉપર- જવાબમાં એ છોકરી વિચિત્ર નજરે એને તાકી જ રહી –“શું કોઈ આધેડ ઉમરની વ્યક્તિએ બારણું ખોલેલું ? તમને મારો દીવાલ પર લટકતો ફોટો બતાવેલો ? એમ કહેલું કે હું એક એકસીડેંટમાં...હે ભગવાન, તમને શું લાગે છે ? જુવો હું તો અહી જ ઉભી છું. એ મારા પાપા હતા, થોડા મહિનાઓ પહેલા એક વાર મુંબઈમાં ભારે વરસાદમાં મને લેવા સ્કુલે આવેલા રીક્ષામાં, પણ પછી રીક્ષા એક જગ્યાએ ફસાઈ ગઈ એક મોટા ભૂવામાં ગરક થઇ ગઈ...ત્યારથી..”

રીક્ષાવાળાને હવે ચક્કર ચક્કર આવવા લાગ્યા. એ ધીમેથી નીચે બેસી ગયો. એ છોકરી એની સામે જોઈજ રહી અને પછી ત્યાંથી નીકળી ગઈ, ઉપર જવા. રિક્ષાવાળાનું અનાયાસે ઉપર ચોથા માળે ધ્યાન ગયું અને એણે જોયું તો એ જ આધેડ બારીમાંથી એને હાથ હલાવી રહ્યા હતા, એમના મુખ પર સ્મિત હતું. રિક્ષાવાળાને કંપારી છૂટી ગઈ. એ જલ્દીથી રીક્ષામાં બેઠો અને એણે રીક્ષા ભગાવી.

*

બારીમાંથી એ આધેડ અને બાજુમાં ઉભેલી એની છોકરી ખડખડાટ હસી રહ્યા હતા. અંદરથી અવાજ આવ્યો “શું થયું ? આજે શું પરાક્રમ કર્યું બાપ દીકરી એ ?” જવાબમાં એ છોકરીએ એના પાપાને તાળી આપી અને મનોમન બબડી “બદલો લીધો અમે માં, ભર વરસાદમાં તારો એક્સીડેન્ટ થયેલો અને તને અહી નજીકમાં જ હોસ્પિટલ લઇ જવાની હતી ત્યારે આ રીક્ષાવાળો આવવા તૈયાર નહોતો, માંડ માંડ સમજાવીને કહ્યું તો એણે ૫૦૦ રૂપિયા માંગેલા અને મજબૂરીમાં આપવા પડેલા”.

*

“બેટા, એમ કોઈ ગરીબની મજાક ના ઉડાવાય. એણે ભલે આપણી સાથે ખોટું કર્યું પણ આપણે એના જેવા ના થવાય. જા, મારી ડાહી દીકરી, એને પૈસા આપી આવ” માધવીએ પ્રેમથી વર્ષાના માથે હાથ ફેરવી કહ્યું. વર્ષાએ ખભા ઉલાળ્યા અને એના પાપા સામે જોયું. પાપાએ હકારમાં ડોકું ધુણાવ્યું અને વર્ષાએ આર ટી ઓમાં ફોન કર્યો. એને રીક્ષા નંબર બરાબર યાદ હતો અને આરટીઓમાં એનો એક મિત્ર પણ હતો.

*

“હલ્લો, હા હું વર્ષા બોલું છું. મદનભાઈ છે ?”

સામે છેડે ફોન કપાઈ ગયો.

*

વર્ષા અને એના પાપા આરટીઓ પરથી એડ્રેસ શોધી એક નાનકડી ચાલીમાં પહોંચ્યા.

“મદનભાઈ અહી રહે ?” વર્ષાના પાપાએ એક નાનકડી ખોલીમાં બહાર બેઠેલી એક આધેડ સ્ત્રીને પૂછ્યું. એણે આશ્ચર્યથી એમની સામે જોયું અને અંદર જવા ઈશારો કર્યો.

એક ઓરડાની ખોલીમાં પગ મુકતા જ બંને ડઘાઈ ગયા. સામે જ હાર ચડાવેલો રિક્ષાવાળા મદનભાઈનો ફોટો ટીંગાતો હતો. બહાર બેઠેલી સ્ત્રીએ રડવાનું શરુ કર્યું.

“મારા ‘એ’ થોડા મહિના પહેલા કોઈ બેનને હોસ્પિટલ પહોચાડીને આવતા હતા અને એક ભૂવામાં રીક્ષા ગરકી ગઈ અને...”

વર્ષા અને એના પાપા સ્તબ્ધ થઇ એકબીજા સામે જોઈ જ રહ્યા ! તો પછી એ બદલો કોની સામે લીધેલો ?!

*

ઘરે આવી બેલ મારવા જાય ત્યાં જ વર્ષાની નજર દરવાજા નીચે સરકાવેલી ૫૦૦ ની નોટ ઉપર ગયું. એના રૂંવાટા ઉભા થઇ ગયા!

*

સમાપ્ત.

 

Based on the fictional story written in 1987 - found in one of my old diary. 

 

- Umang Chavda.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ