વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એટલું જ બસ છે

નજરોથી નજરો ટકરાય રોજ.... એમ ક્યાં કહું છું,

દ્રશ્યમાન થાય ચંદ્ર અને થાય અહેસાસ તારી એક નજરનો, 

એટલું જ બસ છે.


અધરોથી અધરો સ્પર્શે.... એમ ક્યાં કહું છું,

ચૂમે તું ઉપવનમાં એકાદું ઝાકળ ભીનું પુષ્પ અને થાય અહેસાસ ચુંબનનો,

એટલું જ બસ છે.


સ્પર્શવા છે તારાં કેશ પ્રત્યક્ષ હાથેથી.... એમ ક્યાં કહું છું,

લહેરાય તારી એક લટ હવામાં અને થાય અહેસાસ  એને સ્પર્શ્યાનો,

એટલું જ બસ છે.


તારાં સ્નેહમાં ડૂબવા લે તારાં આગોશમાં.... એમ ક્યાં કહું છું,

વેરાય તારું એક નાજુક સ્મિત અને પડે ખંજન તારાં ગાલે ને થાય અહેસાસ તારાં સ્નેહમાં ડૂબ્યાંનો,

એટલું જ બસ છે.


હ્રદય ધબકાર તારો સાંભળવા દેહ મિલન થાય.... એમ ક્યાં કહું છું,

દેખાય એકાદ ટહુકતી કોયલ ઉપવનમાં અને થાય અહેસાસ તારાં હ્રદય ધબકારનો,

એટલું જ બસ છે.


તારાં કંગનનો રણકાર સંભળાવવા તું વીંટળાઈ જા મને થઈ લજામણી વેલ.... એમ ક્યાં કહું છું,

જોઈ રાધા ને કૃષ્ણને સંગ  થાય અહેસાસ તારાં કંગન રણક્યાનો,

એટલું જ બસ છે.


તારી પાયલનો ઝણકાર સાંભળવા ચૂમી લઉં  તારી પાની.....એમ ક્યાં કહું છું,

સ્પર્શું ઝાલર હવાની અને થાય અહેસાસ  તારી પાયલના ઝણકારનો,

એટલું જ બસ છે.


 રોજ તારો દિદાર થાય.... એમ ક્યાં કહું છું,

દેખાય કૃષ્ણની આરતી અને થાય અહેસાસ તારાં દિદારનો,

એટલું જ બસ છે.


ગળાડૂબ પ્રેમમાં છે એ જતાવવા રાત હોય રોજ રંગીન.... એમ ક્યાં કહું છું,

પ્રેમ નીતરતી તારી કલમ ચાલે અને થાય અહેસાસ ગળાડૂબ પ્રેમ હોવાનો,

એટલું જ બસ છે.


સ્વીકાર કરવા તારી પ્રીતનો પામું તને.... એમ ક્યાં કહું છું,

ધરી દઉં આરતી દીપ મુજ નીજ હ્રદય મંદિરમાં અને થાય અહેસાસ પ્રીત સ્વીકારનો,

એટલું જ બસ છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ