વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

Anatomy of a scandal


લગભગ એક મહિના પછી આજે નેટફ્લિક્સ પર કોઈ વેબ સીરિઝ જોઈ. શોધખોળ જરા વધારે ચાલી, પણ હાથ લાગ્યો ખજાનો! ગઈકાલે જ રીલીઝ થયેલી આ વેબ સીરિઝ એટલી દમદાર બની છે કે બપોરે શરૂ કરી અને સાંજ પડતાં તો પૂરી પણ થઈ ગઈ. સીરિઝ મને બેહદ ખાસ લાગી એટલે હંમેશની માફક અહીં એનો રિવ્યૂ લખીને મૂકી રહ્યો છું.


       સ્ટોરીની શરૂઆત થાય છે એક ધૂંધળાં દ્રશ્યથી. કોઈ સ્ત્રી સાથે શારીરિક જરદસ્તી કરવામાં આવી રહી હોય એવું કંપાવનારું દ્રશ્ય. પછી કૅમેરો પડે છે એક બર્થ ડે પાર્ટી ઉપર. બ્રિટિશ વડાપ્રધાનના ખાસ મિત્ર અને સંસદસભ્ય એવા જેમ્સ વાઈટહાઉસ ઉપર કોઈ યુવતીએ બળાત્કારનો ગંભીર આરોપ લગાવ્યો હોય એ વાતને કેન્દ્રમાં રાખીને મૂળ વાર્તા આગળ વધારવામાં આવે છે. સ્વાભાવિક છે કે દેશમાં સત્તા પક્ષના કોઈ સંસદસભ્ય ઉપર જ્યારે આવો ભયાનક આરોપ લાગે ત્યારે આખા દેશમાં રાજકીય અફડાતફડી મચી જાય. સંસદમાં એકબીજા ઉપર આરોપ-પ્રત્યારોપ શરૂ થાય અને સત્તા પલટનો શંખ ફૂંકાવા લાગે. ખેર, અહીં એ મુદ્દા ઉપર એટલું બધું જોર આપવામાં નથી આવ્યું. અહીં જે બે પાત્રો ઉપર ભાર આપવામાં આવ્યો છે તે છે - જેમ્સની પત્ની અને વિક્ટમનો કેસ લડનારી વકીલ (નીચે ફોટામાં તમને જે બે સ્ત્રીઓ દેખાય છે તે જ.) આ બન્ને વચ્ચે બીજો એક સંબંધ પણ... 

      વેલ, રાઝ ખૂલી જવાના ડરથી મારે સ્ટોરી વિશે ઝાઝી વાત નથી કરવી, પણ આ સીરિઝમાં મને જે વસ્તુ સ્પર્શી ગઈ છે એના વિશે હું બેધડક કહેવા માંગુ છું. સીરિઝ ક્રાઇમ થ્રિલર છે. રહસ્યમય છે. પોલિટિકલ ડ્રામા છે. જ્યારે કોઈ ટોચના નેતાને કોર્ટમાં આરોપી તરીકે દાખલ થવું પડે ત્યારે દેશમાં સર્જાતાં રાજકીય વાતાવરણને બતાવવાનો હળવો પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે. પાત્રોની સાઇકોલોજી દ્રારા સર્જાતાં વિશ્વના લોકો કેવા વિચિત્ર ને ક્રૂર હોઈ શકે એની આછી ઝલક પ્રસ્તુત કરવામાં આવી છે. જે ઉત્કૃષ્ટ છે તે કોર્ટમાં ચાલતી સામાન્ય પ્રક્રિયાઓ અને દલીલો છે. ડિરેક્ટરે (S.J. Clarkson) કોર્ટનું વાતાવરણ એટલું જીવંત બનાવ્યું છે કે સુનાવણી વખતે આપણે ત્યાં હાજર હોઈએ એવો આહ્લાદક અનુભવ થાય. 

      આમ તો આખી સીરિઝમાં ગણીને માંડ દસેક મુખ્ય પાત્રો હશે, પણ જે રીતે પાત્રોનો વિકાસ થયો છે એ પ્રશંસનીય છે. બે પાત્રો થોડાં નબળાં જણાય છે, પણ એ તો કઈ સીરિઝમાં નથી હોતા..! સીરિઝ બ્રિટિશ લેખિકા 'sarah Vaughan'ની આ જ નામની નવલકથા પરથી બનેલી હોવાથી અહીં વધારાનો કોઈપણ કચરો જોવા મળતો નથી. સંવાદો એટલાં સહજ છે કે આપણે એકેક સંવાદ કાન માંડીને સાંભળવા માટે મજબૂર બની જઈએ. ડિરેક્શન અફલાતૂન છે. મ્યૂઝીક પણ પરિસ્થિતિ પ્રમાણે એટલું જ કર્ણપ્રિય. દરેક દ્રશ્ય પછી આગળ શું થશે એવું કુતૂહલ ખડું કરવામાં સીરિઝ મેકર મહ્દંશે સફળ રહ્યા છે. અંત કદાચ એટલો સંતોષકારક ન લાગે પણ મુખ્ય પાત્ર દ્રારા બોલાતાં છેલ્લાં વાક્યથી જોનારના હોશકોશ ઊડી જાય એ તો નક્કી. છ એપિસોડ્સ ક્યારે ખતમ થઈ જાય એનું જાણે ભાન જ ન રહે..!

       માત્ર નામ વાંચીને તમે કોઈ અનુમાન બાંધ્યું હોય તો સબૂર, કારણ કે અહીં તમારી કલ્પના બહારનું ઘણુંબધું છે. પતિની નિર્દોષતા સાબિત કરવા માટે મક્કમ બનેલી સ્ત્રીની સાથોસાથ માસૂમ જણાતાં પુરૂષની પાછળ છૂપાયેલાં હેવાનની પણ અહીં વાત છે. દેશની સર્વોચ્ચ વ્યક્તિના ભૂતકાળનું કાળું રહસ્ય સમયચક્રમાં દફન છે. ટૂંકમાં, વેબ સીરિઝના રસિયાઓએ આ ક્રાઇમ થ્રિલર એકવાર અચૂક જોવા જેવી છે. રેટિંગ આપવાના થાય તો હું 5 માંથી 4.6 આપીશ. મને તો આ 'Anatomy of a scandal' ગમી. તમને પણ ગમશે જ. વળી, લિમિટેડ સીઝન હોવાથી બીજી સીઝન આવવાની રાહ જોવામાંથી ય છૂટકો. પ્રથમ સુનાવણીમાં જ ફેંસલો. સીરિઝ હિન્દી અને અંગ્રેજી એમ બન્ને ભાષામાં ઉપલબ્ધ છે. જરૂરથી માણજો. આભાર!




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ