વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એવું લાગે જાણે..!


તારી સાથે હોવ ને ત્યારે એવું લાગે..

આ મઘમઘતી સોહે લીલુડી ધરતી,

ને છલકતો અપ્રતિમ આકાશ મને પ્રિય લાગે.

સ્પર્શ કરું કે નિહાળું જોજનો દૂરથી,

ને બસ તારામાં સમાતી મારી નમણી ઝલક મને સોહામણી લાગે..!


તારી સાથે હોવ ને ત્યારે એવું લાગે..

આ કલબલ મધુર કંઠે ગાતા પંખીડા,

ને મીઠી ઠંડક પ્રસરાવતી આ લીલી ઘટાઓ.

ખીલેલી હોય ધૂપ કે અંધકાર રાતનો,

ને બસ તારામાં મગ્ન મારો આ પ્રેમાંધ સૂર મને સૂરીલો લાગે..!


તારી સાથે હોવ ને ત્યારે એવું લાગે..

આ પમરાટથી મહેંકતાં ફુલડાની સુંદરતા,

કે દ્વિરેફનો એ ઘેઘૂર ગૂંજતો અતિરેક ગણગણાટ.

ઉપવનમાં સજી હોય રંગબેરંગી ચાદર ફૂલોની,

ને બસ તારામાં મહેંકતો મારો સુહાગી ગજરો મને મોહિત લાગે..!


તારી સાથે હોવ ને ત્યારે એવું લાગે..

આ મહેરામણનાં ઊછાળા મારતી લહેરો,

ને રેતનાં ચળકાટમાં છમ છમ કરતી કાંકરીઓ.

વાયરા સંગ ઝૂમીને લહેરાતી ઈન્દ્રધનુષી પ્રકૃતિ,

ને બસ તારામાં જ મોહિત મારી બોલતી પાયલ મને મુગ્ધ પાગલ લાગે..!


તારી સાથે હોવ ને ત્યારે એવું લાગે..

આ જન્મારો મારો હરખાય સુભાગી થઈ,

ને વાતોમાં તડપ ઝાઝી વલખાં મારતી જાય.

રોમ રોમમાં રોમાન્સનો કીડો સળવળતો જાય,

ને બસ તારામાં નમ થતી મારી અણિયારી આંખો મને કરિશ્માઈ લાગે..!


તારી સાથે હોવ ને ત્યારે એવું લાગે..

આ તુલસી ક્યારો નિર્મલ શુદ્ધ સોહામણો,

ને આયખામાં બાંધ્યું જણસ મારી લોભામણી પ્રીતનું.

દીવડે દીવડે ચંદ્રજ્યોત સમ ખીલતાં બે નાદાન હૈયાઓ,

ને બસ તારામાં ઓતપ્રોત થતો અભિજાત જન્મારો મને મલકતો લાગે..!


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ