વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ટ્રેકિંગનો અનુભવ, મસ્કત

ટ્રેકિંગ C39 ટ્રેક, બોશર, મસ્કત

##########

ટ્રેકિંગ કર્યું, 65 વર્ષ પૂરાંએ. C39 ટ્રેક, બોશર, મસ્કત. 300 મીટર ઊંચી  જગ્યાએ ગયો. 

ઘેરથી સવારે 5.10 ના નીકળ્યા કેમ કે સૂરજ ઉગતાં જ દઝાડતો તડકો  શરૂ થઈ જાય.

20 કિમી દૂર બોશર જ્યાં કુદરતી ગરમ પાણીના ઝરા છે તેની નજીક આ ચડાણનો ટ્રેક છે.  ઓમાન સરકારે અમુક અંતરે પથ્થર પર એરો પણ ચીતર્યા છે. તમારા માર્ગદર્શન માટે.

અમે 5.40 આસપાસ પહોંચ્યા ત્યારે પણ ગરમ પાણીના ઝરામાં નહાવા લોકો આવી ગયેલા અને કારો પાર્ક હતી. 

અમે 5.40 કે 5.45 ના શરૂ કર્યું અને 300 મીટર 6.35 વાગે પૂરું કર્યું. મારા હારીને કે ગભરાઈને બેસી જવાના હોલ્ટ્સ સાથે. પુત્ર હજી આનાથી અર્ધા ટાઈમમાં ચડી શકત. નીચે આવી 6.50 ના કાર સ્ટાર્ટ કરી 7.20 ના આજુબાજુમાં લોકો બ્રશ કરતા હોય ત્યારે ઘેર.

અહીં ગિરનાર ની જેમ 400, 500 .. બતાવતાં પગથિયાં ન હતાં. આડી અવળી કેડી પરથી પથ્થરોના ખાંચામાં પગ મૂકી જવાનું હતું  હા, પથ્થરો મોટાં પગથિયાંની ગરજ સારે એવા હતા. મેં હળવે હળવે પગ ન લપસે એમ, ઘણી જગ્યાએ ચાર પગે થઇ  ચડવાનું રાખ્યું. કાંટા કે ઝાંખરાં વાળી વનસ્પતિ આવે તો બાજુમાં કે નીચા નમીને  કે એ ડાળ હળવેથી હટાવીને જવાનું. 

એકદમ લસરીને સીધા ખીણ ની જેમ  'શત મુખ વિનીપાત પતન'  ન થાય તેનું ઊતરતી વખતે વધુ ધ્યાન રાખવું પડે કેમ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તમને ખેંચે. ઊતરતી વખતે ઘણો ખરો વખત બેસીને નજીક ટેકો લેતાં, ફરી થોડા ઝૂકી ઊભા થઈને ઉતરવાનું.

ચડતી વખતે દર થોડા વખતે એમ થતું કે બસ, હવે નહીં જવાય. પુત્ર "પપ્પા, તમે જઈ જ શકશો. જુઓ, આ ઓમાન નો ધ્વજ દેખાય એ ટોચ છે. જુઓ આ શિખર આવ્યું. બસ, થોડું જ." કહી પાનો ચડાવતો રહ્યો. એક જગ્યાએ, પચાસેક મીટર બાકી હશે ત્યારે એટલો પરસેવો થયો કે ટીશર્ટ ઉતારી ગંજીભર ત્રણેક મિનિટ બેસવું પડ્યું.

નીચે સવારે સાડા છ વાગે પણ ગરમ હવા અને ઉપર શ્વાસમાં એસી થી પણ ઠંડી કુદરતી ચોક્ખી હવા. એ શ્વસો તો જ ખ્યાલ આવે.

નીચે સાવ ટચૂકડાં મકાનો, ખજૂરીઓ વગેરે અને દૂર મસ્ક્તની ક્ષિતિજ જોવાનો આહ્લાદક અનુભવ થયો.

હા. હું ટ્રેકિંગ કરી શક્યો એટલે ટ્રેકિંગ કરી શકું છું.





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ