વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પીડાનું વલોણું

                "એય, આમ મોં ફેરવીને શું પડી છે? તારી સાથે લગ્ન એટલે કર્યાં કે તું પલંગ પર મહારાણીની જેમ પડી રહે? ઊભી થા, મારા માટે ચા બનાવ." આસિમનાં કર્કશ શબ્દોનાં ઘાંટાથી અચલા ઝબકી ગઈ. તૂટતા શરીરને  મહાપરાણે ઊભું કર્યું. 


                રાતે માંડ આવેલી ઉંઘને બે વાગે શરાબનાં નશે ધૂત થઈ આવેલાં આસિમે પોતાની ઈચ્છાઓ સંતોષવા રોજની જેમ ઉડાડી મૂકી. એ પછી એનાં નસકોરાં ને અચલાનાં મનનાં વિચાર-વલોણાં આખી રાત યુદ્ધ કરતાં. આસિમનો વિરોધ એટલે એનાં અત્યાચાર  કરવાની તાકાતને આમંત્રણ! 


                સવાર પડતાં આવેલાં ઝોલાની સુસ્તી ફગાવતી અચલાએ રોજિંદી ઘટમાળમાં ખુદને પરોવી. સાત સભ્યોનાં એકલે હાથે કરવા પડતાં ઘરકામનો શારીરિક થાક સાસુનાં કટુ વચનોને લીધે બેવડાતો. રાત થતાં પરસેવા અને શરાબની મિશ્રિત વાંસથી એ અદમ્ય પીડામાં પરિવર્તિત થતો. 


              પછીની રાતનાં પ્રહર અચલા માટે વિચારોનાં વલોણાં ફેરવવામાં જ જતાં. એક મહિનામાં પોતે ક્યાં પ્હોંચી ગઈ છે, એ વિચારતાં અચલાનું અંતર રડી ઉઠ્યું.


            "મારી અચુ માટે હું એવું ઘર અને એવો વર શોધી લાવીશ કે આખી ન્યાત જોતી રહી જશે." પપ્પા બધાંને આ વાત ગર્વભેર કહેતાં. 


            "હા..હા...ખબર છે બહુ લાડકી, પણ જરાક ઘરકામ શીખશે તો કંઈ ઓછાં લાડ નહીં ગણાય!" માની દર વખતે થતી દલીલ પપ્પાએ કદી ધ્યાનમાં ન લીધી. 


             જ્યારે સોસાયટીનાં છોકરાઓ સાઈકલ ઉપર કોલેજે જતાં ત્યારે હું સ્કુટી પર સવાર થઈ નીક્ળતી. લહેરાતાં ખુલ્લાં રેશમી વાળ, સપ્રમાણ શરીર અને ગોગલ્સ નીચે ઢાંકેલી કામણગારી આંખો! મને પામવા કોલેજમાં કેટલાંય ફિલ્ડિંગ ભરતાં. તો ન્યાતમાં સ્નેહમિલન  દરમિયાન કેટલીય આંખો મને પોતાની બનાવવા તલપાપડ થતી. કેટલીય નજરો મારામાં તેની ભાવિ પુત્રવધૂ શોધતી. 


                 મારી જાહોજલાલ યુવાવસ્થામાં આવતાં કેટલાંય વેલેન્ટાઇન દિવસોનાં ગુલાબોને કચડતી, ફગાવતી, મુરઝાવતી આખરે હું વિધર્મી આસિમનાં પ્રેમમાં પડી. જે સતત એક વર્ષથી મારી પાછળ પાગલોની જેમ ફરતો.  મને ચાહતો. 


               "અચલા, આસિમ તારે લાયક નથી. તને એનાં કારનામાની ખબર નથી. એને ભૂલી જા. હું તને અનહદ ચાહું છું. આ લાસ્ટ સેમેસ્ટર પૂરું થશે એટલે કંપની મને અમેરિકા મોકલી રહી છે. મમ્મી-પપ્પાએ જ્ઞાતિનાં સન્માન સમારંભમાં તને બતાવેલી, ત્યારથી મારી આંખોએ તારા સિવાય કોઈનું સ્વપ્ન નથી જોયું. જો  ..." 


                 ભાવુક થઈ ઉઠેલાં સુકેતુને બોલતો અટકાવી પોતે એક ઝાટકે કહી દીધું, "સુકેતુ તારી અમેરિકાની જોબ, તારો પ્રેમ બધું તને મુબારક. હું આસિમને ચાહું છું. અમે બે મહિના પછી લગ્ન કરવાનાં છીએ."


               સુકેતુની આંખોમાં છલકતો પ્રેમ અવગણી, રાજકુમારીની જેમ ઉછેરનાર મા-બાપનાં પ્રેમ પર વજ્રઘાત કરી હું આસિમ સાથે ભાગી નીકળી.


               લગ્ન પહેલાં માંસ-મચ્છી ન ખાતો હોવાનું રટણ કરનાર, અનેક વચનો આપનાર આસિમ ચોથા દિવસથી શરાબ પીને આવતો. આઠમાં દિવસે મારી પાસે ચીકન રંધાવ્યું. હું એની ઘરે ખાધેલું આટલાં દિવસનું બધું ઓકી નાખવા માંગતી હોવ એમ આખી રાત ઉલ્ટીઓ કરતી રહી!


                મા-બાપ પાસે પાછાં ફરવાનો હક ગુમાવી ચૂકેલ હું, પોતે હારી ગઈ એમ નહીં મારો પ્રેમ હારી ગયો એ વાતથી વલોવાઈ ગઈ. આખરે સ્ત્રી પોતાનું બધું છોડીને પુરુષને સર્વસ્વ અર્પણ કરે એનું કશું મુલ્ય નહીં? એ વાતે મારી ભીતર શારડીઓ ફેરવી દીધી. મારા અંતરમાં ફરતાં પીડાનાં વલોણાં ઓશિકાને ભીંજવતાં રહ્યાં. કદાચ આજીવન ભીંજવશે!


જાગૃતિ, 'ઝંખના મીરાં'..



 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ