વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

@સિમલા

"છેવટે આપણે પહોંચી જ ગયાં." - વાસ્તવે બુક કરાવેલી સિમલાની હોટેલ ' ગ્રીન પેલેસ'નું નામ વાંચીને પત્ની મોનાને કહ્યું.

"નીકળ્યાં હતાં તો પહોંચવાના તો ખરા જ ને!" - મોનાએ જરા કટાક્ષમાં હળવા લહેકા સાથે આંખ નચાવતા જવાબ આપ્યો. 


            મોનાના વારંવારના ઝગડા બાદ આજ વાસ્તવ એને સિમલા લઈ આવ્યો હતો. મોના સિમલાથી ખબર નહિ બહુ જ આકર્ષિત હતી. એને સિમલા જોવું હતું. જ્યારે વાસ્તવ આવા હરવા ફરવાના શોખને ગૌણ માનતો હતો. એના ધંધામાંથી એને જરા પણ ફુરસદ મળતી નહિ. પરંતુ વારંવારના કલેશને શાંત કરવા માટે અંતે કમને પણ પત્નીની વાતમાં એને સહમત થવું પડ્યું હતું.

              હોટેલમાં રિસેપ્સન ઉપર ડોક્યુમેન્ટ વિગેરે કામ પતાવી રૂમની ચાવી લઈને વાસ્તવ મોના તરફ વળ્યો. મોનાની આંખોમાં સિમલાની સુંદરતા સાફ દેખાય આવતી હતી. વાસ્તવ એ જોઈ શક્યો અને જરા મૂછમાં જ હસી રહ્યો. આખરે એ પણ મોનાનો પતિ હતો. મોનાના હૃદયના ભાવ સ્પષ્ટ પણે એ સમજી શકતો હતો. ભલે વિચારોમાં વિરોધાભાસ હતો પરંતુ લાગણીમાં કોઈ જ કચાસ ન હતી. વાસ્તવના એ હળવા સ્મિતને મોના એ નિહાળ્યું નહિ કારણ કે એની આંખોમાં સિમલાની રમણીયતા વસી ચુકી હતી.

                ટ્રેનમાં સફર કરતાં કરતાં પણ એની આંખો તો સિમલાના હસીન નજારાને જ માણી રહી હતી. બર્ફીલા પહાડોની ઠંડક એની આંખોમાં પથરાય ગઈ હતી. ઊંડી ખીણની હરિયાળી એના ગાલ પર છવાઈ ગઈ હતી. એના હોઠની લાલી દિશાઓની રમણિયતાને જીભથી રમાડીને સૌંદર્યની તૃષાને સ્પષ્ટ જાહેર કરતી હતી. આખી સફરમાં વાસ્તવ મોનાનું આ નિરીક્ષણ કરતો રહેતો. મોનાના ચહેરાની ચમક એની આંખોને પણ હસાવી જતી. સ્મિત મોનાના હોઠ ઉપર આવતું જ્યારે એની મહેક વાસ્તવના શ્વાસ માણી રહેતા.

              હારબંધ રૂમની ફર્સ ઉપર મોનાના સેન્ડલનો ટક ટક અવાજ દિવાલોની નજર ખેંચતો હતો. દીવાલો ઉપર લગાવેલા પેઇન્ટિંગ ધ્યાન ખેંચે એવા હતાં. બારી ઉપર લગાવેલા ઝાંખા પડદા બહારથી આવતા પ્રકાશને રોકતા હતાં. કિન્તુ પ્રકાશ એની ઝાંખી માયા હોટલ અંદર પાથરીને હોટલની સુંદરતામાં વધારો કરતો હતો. વાસ્તવ અને મોના હોટેલની સુંદરતા નિહાળતા એમના રૂમ તરફ જઈ રહ્યાં હતાં. 


"Sir, this is your room." - રૂમ સુધી સાથે આવતા સ્ટાફના માણસે કહ્યું.

"Thank you." - અને વાસ્તવે રૂમની ચાવિ લીધી.


               વેઈટર અભિવાદન ઝીલી ત્યાંથી પરત ફર્યો. વાસ્તવે રૂમનો દરવાજો ખોલ્યો. મોના તો રૂમના સાજ શણગાર જોઈને જ દંગ થઈ ગઈ. આખા રૂમમાં મખમલી કાર્પેટ પાથરવામાં આવ્યો હતો. છત ઉપર પીળી ઝીણી લાઈટો રૂમને જાજરમાન બનાવી રહી હતી. રૂમના ખૂણામાં લટકાવામાં આવેલા ડુમ્સ રૂમના વૈભવમાં ભારોભાર વધારો કરી રહ્યા હતાં. લાકડામાંથી કોતરણી કરીને બનાવેલું કેન્ડલ સ્ટેન્ડ તો તમને ચોક્કસ એના તરફ ખેંચે એટલું આકર્ષક હતું. પોચાં ડનલોપની ગાદી વાળો વિશાળ બેડ આપણને કુદકા મારવાનું મન થાય એવો હતો. બેડ પાછળ લગાવેલું કપલનું વોલ પોસ્ટર ભીતર ઉન્માદ જગાવે એવું હતું. 


"Wow વાસ્તવ, કેટલો સુંદર રૂમ છે." - મોનાએ કહ્યું

"હા. મને પણ ખૂબ જ ગમ્યો."

"આપણો બેડરૂમ પણ આવો જ શણગારવો છે."

"ચોક્કસ. તું એક કામ કર. ફોટા પાડી લે એટલે તને આઈડિયા આવે કે કયા કેવું ડેકોરેટ કરવાનું છે."

"હા, બરાબર છે."

"સારું ચાલ. તું ફ્રેશ થઈને નીચે આવ. આપણે બહાર ગાર્ડનમાં બેસીએ. મસ્ત ઠંડી રાત્રીને આપણે રોમેન્ટિક વાતોથી ગરમ કરીએ."

"ઓ.કે. ચાલ હું ફટાફટ આવું છું."


                    મોનાએ બેગ અને બીજો સામાન બેડ ઉપર રાખ્યો. અને ટોવેલ લઈને બાથરૂમમાં ગઈ. વાસ્તવ દરવાજો બંધ કરી બહાર નીકળ્યો. મેનેજમેન્ટ પાસે જઈને એણે બહાર ગાર્ડનમાં એક ટેબલ અને બે ચેર મુકાવડાવી. સાથે રેડ વાઇન અને વહીસ્કીની બોટલ, બે ગ્લાસ, થોડું બાઇટિંગ વગેરેની વ્યવસ્થા કરી. પછી ખુરશી ઉપર બેસી રાતના હસીન નજારાને આંખોમાં ભરતો મોનાની રાહ જોતો બેઠો. એની નજર હોટલના ડેકોરેશન ઉપર મંડાયેલી હતી. ઝાકઝમાળ રોશનીમાં હોટલ ખૂબ જ સુંદર દેખાતી હતી. સુંદર હોટલ સાથે બગીચો પણ એટલો જ સુંદર હતો. બગીચામાં પથરાયેલી લોન વાસ્તવની આંખોને ઠંડક આપી રહી હતી. આજુબાજુમાં રાખેલા જુદા જુદા ફૂલ છોડમાંથી આવતી ફોરમ વાસ્તવને મદહોશ કરી રહી હતી. સાચી મદહોશી તો વાસ્તવ ઉપર ત્યારે સવાર થઈ જ્યારે એણે મોનાને હોટલના પગથિયાં ઉતરતા જોઈ.

            પર્પલ કલરના રેશમી ગાઉનમાં મોનાનું દેહ સૌંદર્ય દીપી ઉઠતું હતું. ખુલ્લા વાળ હવા સાથે ગેલ કરી રહ્યા હતા. આંખોમાં ભરેલો ઉન્માદ સિમલાની ઠંડી રાતને પણ દઝાડી રહ્યો હતો. ચાલમાં રહેલી કોમળતા અને સાથે લચક લેતી કમર સ્નો ફોલથી કંઈ કમ ન હતી. મારકણી અદા સાથે મોના વાસ્તવની નજીક પહોંચી. વાસ્તવની આંખો પહોળી અને મો ખુલ્લું જ રહી ગયું.


"ઓય, આમ શું જુવે છે!" - મોના એ કહ્યું.

"યાર સિમલા તારી પાસે ફિક્કું પડે."

"બસ, બસ. મસ્કા ના માર."

"ખરેખર. મેં તો હજુ બોટલ પણ નથી ખોલી અને તે મને નશો કરાવી દીધો."

"કોઈ બુક વાંચી છે? કે કોઈ રોમેન્ટિક ફિલ્મનું ટ્રેલર જોયું છે?"

"તને જોયા બાદ આ બધું જોવાની જરૂર જ શું છે."

"વાસ્તવ પ્લીઝ યાર... હું એ જ મોના છું."

"હા. પણ આજ સિમલાનું સૌંદર્ય તે છીનવી લીધું છે. એની વે લેટ્સ ડ્રિન્ક."

"ના હો. આપડું એ કામ નહીં."

"અરે તારી માટે રેડ વાઇન છે ગાંડી. રિલેક્સ."

"ઓ.કે."


                  રાતની ઠંડી હવાને માણતા વાસ્તવે બે પેગ બનાવ્યાં. ફરી એવી જ રોમેન્ટિક વાતો સાથે બંને એ પેગ માર્યા. રાત ધીમે ધીમે ગાઢ થતી જતી હતી. ઠંડા પવનનું જોર પર વધતું જગુ હતું. નશાને બાજુમાં લઈને નશો કરી રહેલા વાસ્તવને આજ જિંદગીની રંગત મળી ગઈ હતી. બહાર નીકળ્યા બાદ વાસ્તવનું મૂડ પણ બદલાય જાય છે, ખૂબ જ રોમેન્ટિક થઈ જાય છે એ મોના જાણતી હતી. વાસ્તવ એના વાસ્તવિક મિજાજમાં હતો. પેગ ઉપર પેગ ચાલુ જ હતાં.


"વાસ્તવ, બસ હવે. બહુ ડ્રિન્ક થઈ ગયું." - મોનાએ કહ્યું.

"નહિ યાર. આપણે સિમલા ક્યાં વારંવાર આવવાના. પીવા દે ને." - વાસ્તવે નશામાં જ કહ્યું.

"ચાલ આપણે બહાર એક લટાર મારીએ."

"હા. એ બરાબર ચાલ જઈએ."


              વાસ્તવ ઉભો થયો. એના પગ દારૂના કહ્યામાં હતાં. એ સ્થિર ઉભો પણ નહોતો રહી શકતો. હવામાં ઝૂલતી કોઈ વૃક્ષની ડાળી માફક એ ચાલી રહ્યો હતો. એની આંખો નશાના લીધે અડધી જ ખુલતી હતી. મોનાના હાથમાં એનો હાથ હતો. અગમ્ય બબળાટ કરતા એણે મોનાના ખાભ્ભે હાથ મૂકી દીધો. અને રોમેન્ટિક વાતો કરતાં કરતાં બન્ને હોટેલથી બહાર નીકળ્યાં. વાસ્તવ ખરેખર હોશમાં ન હતો. એ કઈ તરફ જઈ રહ્યો હતો એનું પણ એને ભાન ન હતું. 

            રાત ખૂબ વીતી ચુકી હતી. ધીમે ધીમે વાતાવરણે પણ રંગત પકડી. ધીમે ધીમે સ્નો ફોલ શરૂ થયો. મોના તો ખૂબ જ ખુશ થઈ ગઈ. એ બે હાથ પહોળા કરીને સ્નો ફોલને પોતાના બહુ પાસમાં ભરવા માટે અધિરી હતી. એનો આનંદ એના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાય આવતો હતો. એણે જેવા ચિત્રની કલ્પના કરી હતી એ તાદસ થયું. પોતાના હરખમાં એણે વાસ્તવનનો હાથ પણ છોડી દીધો. થોડી વાર બાદ સ્નો ફોલ બંધ થયો. મોના કલ્પનાની દુનિયામાંથી હકીકતમાં આવી. જોયું તો વાસ્તવ ત્યાં ન હતો. એણે આજુબાજુ નજર દોડાવી. થોડું દૂર વાસ્તવ રોડની સાઈડ ઉપર ઊંધો ઉભો હતો. મોના થોડી ચિડાઈ 'આ પુરુષની જાત ક્યારેય ના સુધરે. ગમે ત્યાં ઉભા રહી જાય.'


"શું વાસ્તવ. આ સારું લાગે યાર ગમે ત્યાં ઉભા રહી જવાનું? મેનર્સ જેવું કંઈ હોય કે નહીં." - વાસ્તવના આવતાં જ ને મોનાએ ઉથલાવ્યો.

               વાસ્તવ કંઈ જ બોલ્યો નહિ. એણે એક નજર મોના તરફ કરી. ના ગુસ્સો હતો, ના શરમ. ના નફટાઈ ના સંકોચ. પરંતુ નજરમાં કંઈક ભેદ ચોક્કસ હતો. શું એ મોના સમજી શકી નહીં. મોનાએ પણ ધ્યાન આપ્યું નહિ. બંને આગળ ચાલ્યાં. વાસ્તવ એકદમ ચૂપ હતો. મોનાને એ ચુપકીદી ખૂંચી. પરંતુ નશાના લીધે એ કંઈ ન બોલે એમાં જ ભલાય એમ સમજી એ ચૂપ રહી.

                નશો? કેવો નશો? ક્યાં ગયો નશો? થોડીવાર પહેલા લથડીયા ખાતો વાસ્તવ અત્યારે એકદમ સ્વસ્થ હતો. એના કદમ એકધારા અને સ્પષ્ટ હતાં. મોનાને એ નવાઈ લાગી. વાસ્તવ નશો કર્યાનું નાટક કરતો હશે? મનમાં પ્રશ્ન તો થયો પરંતુ એ કંઈ બોલી નહિ. વાતાવરણમાં પણ અજીબ સન્નાટો છવાયો ગયો. એક તો રાતનો આછો અંધકાર અને ઉપરથી આ સ્મશાનવત શાંતિ. મોનાને અકળામણ થવા લાગી. પરંતુ વાસ્તવ સાથે હતો એટલે ડર ન હતો. 

                  વાતાવરણમાં પ્રસરેલો સન્નાટો મોનાના કાન સુધી પહોંચતો હતો. અંધકારમાં ફેલાયેલી આહટ એની આંખોને સાફ દેખાય આવતી હતી. છતાં પણ એ આડી અવળી વાતો સાથે વાસ્તવ જોડે ચાલી રહી હતી. વાસ્તવ મૌન હતો. નશાનો લવારો પણ બંધ થઈ ગયો હતો. બન્ને ધીમા પગલે સિમલાના રસ્તા ઉપર ચાલી રહ્યાં હતાં.

                    અચાનક એ જ્યાં પહોંચ્યા હતાં એ રસ્તા ઉપરની સ્ટ્રીટ લાઈટ બંધ થઈ ગઈ. મોનાએ એ તરફ નજર કરી. પરંતુ કદમ અટક્યા નહિ. આગળ બીજી બંધ થઈ ગઈ. મોનાએ વાસ્તવ સામે જોયું. પરંતુ વાસ્તવ કંઈક અલગ ભાવ જગતમાં ખોવાયેલો હતો. જેમ જેમ આગળ જતાં એમ એમ સ્ટ્રીટ લાઈટ બંધ થઈ જતી. મોનાએ ફરીથી સ્ટ્રીટ લાઈટ સામે જોયું. અને સ્ટ્રીટ લાઈટ એક ધડાકા સાથે ફૂટી. મોના ચીસ પાડી ગઈ. એને ડર લાગ્યો. મોના એ વાસ્તવનો હાથ પકડી લીધો. વાસ્તવના હાથમાં એણે કઠોરતા અનુભવી. એની ધડકનો તેજ થઈ ગઈ. 

              દિશામાં અવાવરું વાસ સાથે પવનના સુસવાટા ગાજી રહ્યાં. ઝાડવાની ઓથમાં ભરાયેલો પવન ડરાવનો થતો ગયો. ચિબરીની ચિવાસો હૃદયમાં પડઘાવ લાગી. તમરાનો અવાજ કાનમાં ગુંજી રહ્યો. મોનાથી આગળ જઈ શકાયું નહીં. નિઃશબ્દ રહીને જ એણે વાસ્તવને પાછા ચાલવા ખેંચ્યો.

               આશ્ચર્ય. એ જેમ જેમ હોટેલ તરફ જતા એમ બંધ થયેલી સ્ટ્રીટ લાઈટ ચાલુ થતી જતી. મોનાને આશ્ચર્ય થયું. સાથે ડર પણ એટલો જ. એણે વાસ્તવનો હાથ હજુ પકડેલો હતો. જેમ હોટલ નજીક આવતી ગઈ એમ વાસ્તવનો કઠોર હાથ મુલાયમ થતો ગયો. મોનાને કંઈ સમજ પડતી ન હતી. એની ધડકનો હજુ એ ફુટેલી સ્ટ્રીટ લાઈટના અવાજમાં પરોવાઈ ગઈ હતી.

                    બંને હોટલમાં પ્રવેશ્યા. વાતાવરણ પહેલા જેવું જ નોર્મલ થઈ ગયું. મોના એ વાસ્તવ સામે જોયું. વાસ્તવના ચહેરા ઉપરના અજીબ ભાવ અદ્રશ્ય થઈ ગયા હતાં. આંખોમાં ફરી પાછો શરાબનો નશો તરી રહ્યો હતો. બન્ને રૂમમાં પ્રવેશ્યાં. રાત ખૂબ વીતી ચુકી હતી. વાસ્તવ તો નશાની અસરને લીધે સીધો જ બેડમાં પડ્યો. અને આંખો મીંચી દીધી. મોનાએ ગુસ્સાથી મો બગાડ્યું. લાઈટ બંધ કરી અને નાઈટ લેમ્પ ચાલુ કર્યો. વાસ્તવના બુટ કાઢ્યા અને વાસ્તવને બરાબર બેડમાં સુવડાવી એ પણ બાજુમાં ઊંઘી ગઈ. 

                      મોના ગાઢ ઊંઘમાં હતી. અચાનક કંઈક પડવાનો અવાજ સંભળાયો. મોનાની આંખ ઉઘડી ગઈ. એને એવું લાગી રહ્યું હતું કે દીવાલો ધ્રુજી રહી છે. દીવાલો ઉપર ટીંગાવેલા ફોટો હલી રહ્યા છે. એ ઉભી થઇ ગઇ. જોયું તો ટેબલ ઉપર રાખેલી ફૂલદાની નીચે પડીને ફૂટી ગઈ હતી. એણે ઘડિયાળમાં જોયું. લગભગ એક વાગ્યો હોવાનું દેખાયું. મોનાએ રૂમમાં નજર કરી. બારી બહાર કોઈનો ચહેરો દેખાયો. મોના ડરી ગઈ. એણે બીજી બારી તરફ નજર કરી. કોઈ મોટા નાખુંન વાળો પંજો એને પોતાની તરફ બોલાવી રહ્યો હતો. મોનાનું ગળું શુકાવા લાગ્યું. ધડકનો બેકાબુ થઈ ગઈ. જાત જાતના અને ભાત ભાતના અવાજથી એના કાન ગાજી રહ્યાં. એણે વાસ્તવને જગાડવા બારી તરફ જ નજર રાખી હાથ લાંબો કર્યો. પરંતુ બાજુનું પડખું સાવ ખાલી હતું. ભયથી મોનાની આંખો ભીની થઇ ગઇ. 

              મોનાના માથે સંકટ હતું. બારી તરફ નજર રાખે કે બાજુમાં વાસ્તવ છે કે નહીં એની પ્રતીતિ કરે. આખરે એણે બાજુમાં જોયું. વાસ્તવ નથી એની ખાતરી કરી. બારી તરફ નજર રાખીને જ ડરથી કાપતી મોના બાથરૂમ તરફ ગઈ. ડરતા ડરતા જ એણે લાઈટ ચાલુ કરી પરંતુ લાઈટ મોનાને જોઈને મો ફેરવી ગઈ. બાથરૂમમાં પણ વાસ્તવ ન હતો. એની નજર હજુ પણ બારીમાં દેખાતા પોતાને બોલાવી રહેલા પંજા તરફ હતી. એણે બેડ તરફ નજર નાખી અને મોનાની આંખો ફાટી ગઈ. 

                          વાસ્તવ છત સાથે હવામાં સૂતો હતો. મોનાથી એક ચીસ નખાય ગઈ. ડરના લીધે સુકાતા ગળા તરફ એણે હાથ વીંટાળી દીધાં. અચાનક લાઈટ ચાલુ થઈ. મોના કંઈક કરે એ પહેલાં જ બંધ થઈ ગઈ. મોનાનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. ભૂકંપના આંચકા માફક ટેબલ ધ્રુજવા લાગ્યું. આખો રૂમ જાણે નશામાં ડોલી રહ્યો હતો. ટેબલ ઉપર પડેલા કેન્ડલ સ્ટેન્ડમાંથી ભયાનક અવાજ આવી રહ્યો હતો. દીવાલ ઉપર લગાવેલી દોડતા ઘોડાની તસ્વીરમાં ઘોડો દોડતો નજર આવ્યો. લાઈટ ચાલુ બંધ થાય કરતી હતી. 

                   વાસ્તવના આંગળામાંથી લોહી ટપકી રહ્યું હતું. એની વાસ આખા રૂમમાં ફેલાય ચુકી હતી. અચાનક બારીના કાચ તૂટ્યા. અને વેલીઓ મોનાને ઓળંગીને વાસ્તવ તરફ વધવા લાગી. સાથે લીલી સેવાલ આખા રૂમમાં ફેલાય ગઈ. મોના ડર અને વાસના લીધે મૂંઝાય રહી હતી. હલકમાં શ્વાસ અટકી ગયો હતો. શરીર પરસેવો રેબઝેબ હતું. ગળામાંથી અવાજ પણ નીકળતો ન હતો. આખું શરીર ધ્રુજી રહ્યું હતું. 

                  આગળ વધતી વેલીઓ વાસ્તવને વીંટળાઈ વળી. મોનાથી અચાનક બૂમ નખાય ગઈ 'વાસ્તવ'. વાસ્તવ હવામાં જ બેઠો થયો. એનો ચહેરો લોહીથી ખરડાયેલો હતો. આંખોમાં અંગાર હતાં. હોઠ ઉપરથી લોહી નીતરી રહ્યું હતું. આંખોમાંથી પણ લોહી નીતરી રહ્યું હતું. મોઢામાંથી લાળ ટપકી રહી હતી.પોતાના લોહી વાળા લાંબા નાખુંથી એ ખુદનો ચહેરો જ નોચિ રહ્યો હતો. વાસ્તવમાં એ ચહેરો વાસ્તવનો હતો જ નહીં. વાસ્તવને વિતલાયેલી વેલીઓ વાસ્તવના હાથને ચહેરા તરફ આવતા અટકાવી રહી હતી. વાસ્તવ અને વેલી વચ્ચે એક જંગ ચાલી રહ્યો હતો. લોહીની સાથે પરું પણ ટપકી રહ્યું હતું. વાસ્તવ કંઈક ગણગણી રહ્યો. મોનાએ ધ્યાનથી સાંભળ્યું 'માર દૂગા સબકો... હટ જાઓ બીચમે મત આઓ.'

                વાસ્તવ અચાનક ઉપર છત સાથે અથડાયો. દીવાલો પરની તસવીરો નીચે પડી ગઈ. કાચ વેર વિખેર થઈ ગયા. હજુ પણ વેલીઓ આવી રહી હતી. વાસ્તવ વેલીઓને હટાવવા હાથ વીંઝી રહેજો હતો. ધડાક અવાજ સાથે વાસ્તવ બેડ ઉપર પટકાયો. એની આંખો બિહામણી હતી. મોના વાસ્તવ તરફ દોડી. પરંતુ કોઈ અદ્રશ્ય અવરોધ એને રોકી રહ્યો. ઘડિયાળના તમામ કાંટા અવિરત ફરવા લાગ્યાં. કોઈ અગમ્ય સોર મોનાના કાનમાં ગાજી રહ્યો. વાસ્તવ ફરી હવામાં ફંગોળાઈને સામી દીવાલે અથડાયો. હજુ પણ એના મોઢામાંથી એ જ શબ્દો સરી રહ્યાં હતાં.

                અચાનક દરવાજો ખુલ્યો. અસંખ્ય વેલી અને સેવાળ રૂમમાં પ્રવેશી. સાથે દુરગંધથી આખો રૂમ ભરાય ગયો. હવા વાસ્તવને લઈને બહાર નીકળી. આખી હોટલની લાઈટ ચાલુ બંધ થવા લાગી. ચારેકોર સન્નાટો હતો. ભયાનક અંધકારમાં વાસ્તવનો ચહેરો વધુ ભયાનક લાગી રહ્યો હતો. 

              મોના વાસ્તવ પાછળ દોડી. પરંતુ પેલો અદ્રશ્ય અવરોધ ફરી એને રોકી રહ્યો. વાસ્તવે મોના તરફ જોયું. એના નાખુંનમાંથી નીકળતાં લોહીના ટીપાં એણે મોના તરફ છાંટયા. જાણે લોહીની ધાર થઈ. મોના ભયથી દૂર ખસી. પછી તો લોહીના ટીપાં સતત એની ઉપર પડતા ગયાં. મોના એનાથી દૂર જતી ગઈ. અને વાસ્તવ એની વિરુદ્ધ દિશામાં આગળ વધી ગયો. આખરે મોના લોહીના ટીપે ટીપે હોટલની બહાર નીકળી અને વાસ્તવ મોનાને જ ખબર નહિ ક્યાં ગયો.

                  ચારે દિશામાં ઘનઘોર અંધકાર હતો. કૂતરા સતત ભૂંસી રહ્યાં હતાં. ચિબરીની ચિવાસો સાથે પવનના સુસવાટા ખૂબ જ ડરાવનું વાતાવર ઉભું કરી રહ્યાં હતાં. મોનાને વાસ્તવની ચિંતા થઈ રહી હતી. આખી હોટેલમાં અંધકાર હતો. ઠંડા પવનનું જોર હતું. છતાં મોનાનું શરીર પરસેવે ન્હાઈ રહ્યું હતું. ભયની કંપારી આખા શરીરને ધ્રુજાવી રહી હતી. મોના વાસ્તવની તલાશમાં હોટલ અંદર જવા માટે દોડી પરંતુ પેલો અવરોધ હજુ પણ એને રોકી રહ્યો હતો. આખી હોટલમાં લોહીના ટીપાં એની વાસ ફેલાય ગઈ હતી. મોનાના મનમાં હજુ પણ વાસ્તવના શબ્દો ગુંજી રહ્યાં હતાં. એને વાસ્તવ પાસે જવું હતું પણ કઈ રીતે

                 અને થોડી વાર પછી હોટલ ઉપરથી વાસ્તવ નીચે પટકાયો. જમીન ઉપર લોહીની નદી વહી રહી. મોનાની આંખમાંથી આંસુની. વાતાવરણની ભયાનકતા ધીમે ધીમે ઓછી થવા લાગી. સન્નાટો હજુ પણ હતો. એ સન્નટામાં મોનાની ધડકન જ સંભળાય રહી હતી. અવાજ તો લાશ બનીને સુતેલા વાસ્તવની બંધ આંખોમાં વિલીન થઈ ગયો હતો.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ