વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માનચિત્ર મંથન (હેરી પોટર)

 

મરૉડર મેપ / માનચિત્ર મંથન / એક નાનો કિસ્સો ચાર દોસ્તારોનો... - સ્પર્શ હાર્દિક

“નાનપણમાં જ મને આદમવૃક કરડેલો. મારા માતા-પિતાએ બધાં જ અખતરા કરી જોયા પણ એ દિવસોમાં આનો કોઈ ઇલાજ ન્હોતો. પ્રોફેસર સ્નેપ મારા માટે જે ઔષધ બનાવી રહ્યા છે એ તાજેતરની જ શોધ છે. એ મને ખૂંખાર બનતા રોકે છે. પૂનમના આગલા અઠવાડિયાથી જ હું તે ઔષધ લેવા માંડુ તો વરુમાં બદલાતી વખતે મને સારા-નરસાનું ભાન રહે છે.”

“પણ નાનપણનાં એ દિવસોની પૂનમ કંપાવનારી હતી. માણસમાંથી વરુમાં બદલાવ દર્દનાક હોય છે. હું કોઈને કરડું નહીં એટલે માણસોથી મને દૂર કરી દેવાતો. ત્યારે હું મારા જ શરીર પર દાંત અને નખથી ઉઝરડા પાડી દેતો. પણ નાનપણની આ પીડાઓને એકબાજુ કરીને જોઉં તો હું ત્યાર જેટલો ખુશ તો ક્યારેય ન્હોતો. જીવનમાં પહેલીવાર મને સંગાથ મળેલો, ત્રણ પાક્કા મિત્રોનો સંગાથ. સિરિયસ બ્લેક, પીટર પેટિગ્રૂ અને ત્રીજા તને ખબર છે એમ હેરી, તારા પિતા જેમ્સ પોટર.”

“હું દર મહિને એક દિવસ ગાયબ થઈ જતો. અમે બધા પાક્કા જોડીદારો હતા એટલે શક્ય જ ન્હોતું કે એમનું ધ્યાન ન જાય. હું તો નીતનવા બહાનાંઓ ઘડી કાઢતો. જેમકે, ક્યારેક મારા મમ્મી બિમાર હોય, એટલે ઘરે જવું જ પડે. મને એક જ વાતની બીક લાગતી કે એમને ખબર પડશે તો, કે હું આદમવૃક હતો? એ લોકો તો દોસ્તી જ તોડી દે ને? પણ એ લોકોએ, તારી જેમ જ હર્માઇની, સાચી વાત શોધી કાઢી! અને તેમણે દોસ્તી તો ન જ તોડી. ઉલટાનું, મારા માટે એવું કશું કર્યું જેનાથી હું મારા બદલાવની પીડા પણ જીરવી શક્યો, અને તેમની સાથે મેં જિંદગીની યાદગાર ક્ષણો પણ માણી. એ બધા ઇચ્છાધારી પશુ બની ગયા!”

“મનુષ્યમાંથી પશુ બનવાની વિદ્યા શીખતા એમને ત્રણ વર્ષ લાગ્યા. સિરિઅસ અને તારા પપ્પા જેમ્સ સ્કૂલનાં સૌથી ચબરાક વિદ્યાર્થી હતા. અને તેમને જાદુની આવડત હતી એ સારું થયું કેમ કે પશુમાં બદલાવાની વિદ્યા શીખતા ગંભીર ભૂલો થતી. અંતે ચોથા વર્ષે એમને આવડી ગયું. તેઓ ઇચ્છા મુજબ કોઈ એક પશુનું રૂપ ધારણ કરી શકતા હતા.”

“પૂનમની રાત્રે હું આદમવૃક બનું એટલે કોઈ માણસ મારી નજીક પણ ના ફરકે. મારા દોસ્તારો પશુના વેશમાં મને સાથ આપતા. આદમવૃકથી ફક્ત માણસોને જ ખતરો હતો, બીજા જાનવરોને નહીં. તેઓ દર પૂનમે જેમ્સનાં અદૃશ્ય કોટમાં સ્કૂલ છોડી બહાર આવતા અને રૂપ બદલતા. પીટર ઉંદર બની જતો, સિરિયસ વિશાળ કૂતરામાં ફેરવાતો અને જેમ્સ સાબરનું રૂપ ધારણ કરતો. તેમના સથવારાએ મને ઓછો ખતરનાક બનાવ્યો. એમની સંગતમાં મારું દિમાગ મનુષ્ય જેમ શાંત રહેતું, ભલેને શરીર વિકરાળ વરું જેવું રહે.”

“તો, અમે બધા જ એકસાથે પશુઓ બની શકતા હતા એટલે અમારો રોમાંચ સમાતો ન હતો! અમે ધારીએ ત્યાં રખડવા નીકળી પડતા. અમે સ્કૂલનું મેદાન છોડી આસપાસના ગામડાંઓ તરફ પણ ભાટકતા. સિરિયસ અને જેમ્સ વિશાળ પ્રાણીઓનું રૂપ ધારણ કરતા એટલે તે બંનેને મારું ધ્યાન રાખવામાં મુશ્કેલી ન પડતી. મને ખાત્રી છે કે હૉગવર્ટ્સ સ્કૂલ અને આ હૉગ્સમીડ ગામની ભૂગોળ જેટલી અમે જાણી ગયેલા, એટલી ક્યારેય કોઈ વિદ્યાર્થીએ જાણી હશે. અને આ રીતે, અહીંના ખૂણે ખૂણાની સમજ વાપરીને અમે ‘માનચિત્ર મંથન’ નામનો જાદૂઈ નકશો બનાવ્યો.”

(From ‘Harry Potter and the Prisoner of Azkaban’ by J.K.Rowling, Translation – Sparsh Hardik)

*** 

પુસ્તકના અમુક અંશ. હેરી પોટર મૂવિ સીરિઝમાં હેરી પાસે એક જાદુઈ નકશો છે જે હૉગવર્ટ્સ અને આસપાસનાં ચપ્પા-ચપ્પાની ખબર આપે છે, ત્યાં સુધી કે નજીકમાં કોણ પસાર થઈ રહ્યું છે તે પણ નામ સાથે લાઇવ વંચાય, એક પ્રકારની જાદુઈ GPS સિસ્ટમ સમજી લ્યો! મૂવિમાંથી આ નકશા પાછળની વાર્તા કાઢી નખાઈ છે પણ પુસ્તક મુજબ એ નકશો હેરીના પિતા અને તેમના દોસ્તારોએ બનાવ્યો છે. ઉપરનું બયાન રીમસ લ્યુપીનનું છે, તે હેરી પોટરના પિતા જેમ્સનો પાક્કો દોસ્તાર હતો. નાનપણમાં જ તેને આદમવૃક (werewolf) કરડી ગયેલો એટલે તે દર પૂનમે અનિચ્છાએ, રૂપ બદલી વરું બની જતો. એ સમયે તેના ચારેય ખાસ દોસ્તારો તેની મદદે આવ્યા. ચાર મિત્રોના સંપ અને પ્રેમનો ટૂંકો અને રસપ્રદ કિસ્સો. (જોકે ચારમાંથી એક મિત્ર પીટર પેટિગ્રૂ દગો આપીને દુષ્ટ તાકતો સાથે જોડાઈ જાય છે.)

(લખ્યા તારીખ December 2017)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ