વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નિરાકાર

તેજથી ચમકતી આભા, કપાળમાં ત્રિપુંડ, આખા શરીર પર રાખ, લાંબી ઘૂંટણ સુધી આવતી જટા, લીંબુના ફાડ જેવી મોટી મોટી આંખો જેમાં કાયમની રહેતી લાલાશ, હા, એ મહાન તપસ્વી માર્કંડેય હતા. એક વિશાળ વૃક્ષ નીચે પદ્માસનની મુદ્રામાં એ બેઠા હતા.

દેશ વિદેશથી એમની પાસે સાધુઓ, સામાન્ય યાત્રીઓ જ્ઞાનપિપાસા બુજાવવા આવતા હતા. આજે વાર્તાલાપનો, સંવાદનો દિવસ હતો. સહુ ઉત્સુક હતા મહાન ઋષિની વાણીને સાંભળવા અને પોતપોતાના પ્રશ્નો પૂછવા.

આખરે બપોરે ઋષીએ આંખો ખોલી સામે ઉભેલા વૃંદ તરફ જોયું અને એક હળવું સ્મિત આપ્યું.

એક દક્ષિણ ભારતથી આવેલ સાધુ આગળ આવ્યા અને હાથ જોડી નમસ્કાર કર્યા. ઋષીએ માથું હલાવ્યું.

“પ્રભુ, આપતો ત્રિકાળદર્શી છો, આજે અમે સહુ નતમસ્તકે આપની સમક્ષ યાચના લઈને આવ્યા છીએ. અમારું જીવન સફળ થઇ જશે પ્રભુ, આજે આપ આપના ચમત્કારથી અમને એ પરમ પ્રભુના દર્શન કરાવો જ કરાવો એવી સહુની યાચના છે.” દંડવત પ્રણામ કરી એ શ્યામ રંગી સાધુએ પ્રાર્થના કરી.

મહાન ઋષિ એક ક્ષણ માટે વિચલિત થઇ ઉઠ્યા પરંતુ પછી ફરીથી એમના મુખ પર શાંતિ છવાઈ ગઈ. એમણે હકારમાં માથું હલાવ્યું અને મોડી રાત્રે સહુને પાછા આવવા કહ્યું.

*

રાત્રીના બીજા પ્રહરમાં મહાન માર્કંડેયની કુટીરની બહાર સહુ ભેગા થયા હતા અને આજે પરમ પ્રભુને મળવાની, એમના દર્શન કરવાની લાલસા એમની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી.

મહાન ઋષિ બહાર આવ્યા, કુટીરની આજુબાજુ સળગાવેલી મશાલમાં એમનું મુખ વધુ તેજસ્વી લાગતું હતું. એમણે સહુને આંખ બંધ કરવા કહ્યું અને એક હાથ ઉંચો કર્યો. સહુએ આજ્ઞાનું પાલન કર્યું અને એકાએક હવામાં એક ચિનગારી ઉઠી અને એક આકાર પ્રગટ થયો.

“મારા વ્હાલા ભક્તો, આપની ભક્તિ જોઈ હું અતિ પ્રસન્ન થયો છું અને આજે મારા પરમ ભક્ત એવા આ મહાઋષિ માર્કંડેયની વિનંતીથી આપને દર્શન આપી રહ્યો છું.” જાણે કે ચોમાસામાં વાદળો ગડગડતા હોય એવો એક ઘેરો અવાજ પૃથ્વીની નાભીમાંથી પ્રગટ થયો.

આંખો બંધ કરી આ અનુભવ કરી રહેલા સહુની આંખોમાંથી અશ્રુ સરી રહ્યા હતા. માર્કંડેય શાંત ઉભા ઉભા સહુના મુખ પર આવેલા ભાવ વાંચી રહ્યા હતા.

થોડીવાર થઇ એટલે સહુને એમણે આંખો ખોલવાનું કહ્યું.

સહુથી આગળ ઉભેલા દક્ષિણભારતીય સાધુ સામે એમણે સૂચક નજરે જોયું.

“પ્રભુ, પ્રભુ, મેં...મેં એમને જોયા, સાક્ષાત્કાર થયા પ્રભુ મને! અમારા દક્ષિણમાં આવેલા પદ્મનાભ સ્વામીનું જ સ્વરૂપ હતું. અદ્દલ એ જ સ્વરૂપ કે જે મૂર્તિ રૂપે સ્થાપિત છે ત્યાં, અરે એ ભાષા પણ અમારી જ બોલતા હતા! પ્રભુ હું તો ધન્ય થઇ ગયો.” એની આંખોમાં આંસુ હતા.

ઉત્તરથી આવેલ એક સાધુ ખડખડાટ હસી પડ્યા. “અરે ઓ સાધુ, તું શું બોલે એનું ભાન છે? એ પરમ શિવ હતા, એ જ જટા, એજ ઉત્તુંગ મહાન આકાર, માથે ચંદ્ર ઓઢેલો, ગંગા એમની જટામાંથી વહેતી હતી અને ગળામાં સાપ વીટાળેલો હતો. બિલકુલ અમારા શહેરમાં આવેલા શિવ મંદિરમાં સ્થાપિત કરેલી મૂર્તિ અને હા, એ તમારી નહિ અમારી ભાષા, શુદ્ધ દેવનગરીમાં વાર્તાલાપ કરતા હતા, મુર્ખ.”

એમની બાજુમાં ઉભેલા એક યાત્રિકથી ના રહેવાયું અને એ બોલી પડ્યો “અરે અરે...સાધુ થઇ આવી અનુચિત વાત? એ વિશાળ વૃક્ષ નીચે બેઠેલા હતા, અત્યંત તેજસ્વી આભા, બિલકુલ અમારા બિહારમાં આવેલા બુદ્ધ મંદિરમાં સ્થાપિત મૂર્તિનું સ્વરૂપ જ હતું અને ભાષા પણ અમારી પ્રાકૃતિક બિહારી હતી. તમે શું જુઠ્ઠું ફેલાવો છો?”

માર્કંડેય શાંતિથી સહુની વાતો સાંભળી રહ્યા હતા. એકાએક એક વૃધ્ધા આગળ આવી “પ્રભુ આ સહુની વાતો ના સાંભળો, મેં એને જોયો, મારો નાનો કાળો કાનૂડો, હા એજ પ્રભુ, મારો બાળગોપાળ, ભાખડીયા ભરતો, કાલુઘેલું બોલતો, માખણ ખાતો મારો કૃષ્ણ, એ જ હતો અને એ જ મારી સાથે એની કાલીઘેલી વ્રજ ભાષામાં વાતો કરતો હતો પ્રભુ” વૃદ્ધાની આંખોમાં આંસુ હતા.

માર્કંડેય હજુ પણ અદબ વાળી શાંત ઉભા હતા. સામે ઉભેલાઓમાં ગણગણાટ વ્યાપી ગયો. સહુને એમના આરાધ્ય દેવ દેખાયા હતા અને સહુને એ એમની પોતાની ભાષામાં જ વાત કરતા પ્રતીત થયા હતા. માર્કંડેયે ખૂણામાં ઉઠેલી એક નાનકડી ૧૨ વર્ષીય બાળા સામે જોયું. એ બાળા ખીલખીલ હસી પડી અને એ મહાન સાધુ પાસે આવી બોલી “ચરણસ્પર્શ મુનીવર, માફ કરજો પણ મારાથી તો આંખો બંધ જ ના થઇ...”

માર્કંડેય હસી પડ્યા અને એ બાળાના માથે હાથ ફેરવ્યો. “તો ખુલ્લી આંખે આપે શું જોયું બાળા?”

“મને તો ખુલ્લી આંખે અહી જ આ કુટીરની પાછળ એક વિશાળ આકાર દેખાયો પ્રભુ, ધુમ્રસેર ઓઢીને કોઈ ઉભું હતું, વિશાળ, અતિવિશાળ, અમારા ગામમાં આવેલા ગગનચૂમ્બી પર્વતથી પણ વિશાળ, મેં હસીને એમની સામે જોયું અને એ આકૃતિએ પણ મારા સામે સ્મિત કર્યું અને મને લાગ્યું કે એણે મારા માથે હાથ પણ ફેરવ્યો. પછી મારા હાથમાં આ મીઠાઈનો એક ટુકડો મૂકીને એ અતિવિશાળ આકૃતિ ગાયબ થઇ ગઈ પ્રભુ. કોણ હતું એ?” બાળા મીઠાઈનો ટુકડો ચાવતા ચાવતા નિર્દોષ આંખે મહાન ઋષિ માર્કંડેયની સામે જોઈ રહી.

માર્કંડેયની આંખોમાં આંસુ હતા. “જે કોઈ નથી જોઈ શક્યું એ હતું એ માતે...” એમણે મનોમન એ વિલુપ્ત થઇ ગયેલા આકારને પ્રણામ કર્યા અને સાથે સાથે એ બાળાને, એ માયાને પણ પ્રણામ કર્યા અને કુટીર ભણી ચાલી નીકળ્યા. બાળાના મુખ પર એક રહસ્યમય સ્મિત હતું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ