વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મીરા માથુર ડેથ કેસ

મીરા માથુર ડેથ કેસ

દરેક દિશાએથી શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ – ઋગ્વેદની ઋચાનાં મનમાં થયેલા ઉચ્ચારણે મારા મનને જરા વાર માટે હળવું કર્યું. પણ ફરી પાછો એ જ કોલાહલ – સંઘર્ષ; સફળતા; ડર; હતાશા; અનંત અંધકાર...

મેં ફાઇલ બંધ કરી. રાઇટિંગ-ટેબલનું જમણી તરફનું ડ્રોઅર ખેંચ્યું. તિરાડ જેટલું ઉઘડ્યું. થોડું વધુ જોર લગાવ્યું. લાકડાં ઉપર લોખંડનો ઘસરકો પડી રહ્યો હોય એવો અવાજ પેદા થયો. જોરદાર મુક્કો. ટેબલનો ખૂણો ધ્રૂજી ઊઠ્યો. ડ્રોઅર પડતું મૂકીને બે હાથે માથું પકડ્યું. સહેજ દબાવ્યું. આંખો મીંચી. રિવોલ્વિંગ ચેરમાં પીઠ ટેકવી.

બંધ પડેલી ફાઇલની આસપાસ ન્યૂઝ-એન્કરો ઘાંટા પાડી રહ્યા હતા. ‘મીરા માથુર ડેથ કેસ’ દિમાગનો કબજો છોડવા તૈયાર નહોતો. અસ્પષ્ટ ચહેરાવાળા એકસામટા અનેક અવાજો મારા મસ્તિષ્કને ધમરોળવા માંડ્યા. ટેનિસ-સ્ટાર મીરા માથુર ડેથ કેસ હવે ફાઇનલ સ્ટેજ ઉપર... સી.બી.આઇ. કરવા જઈ રહી છે ડેથ રિકન્સ્ટ્રકશન... હત્યાના પુરાવાના અભાવમાં કેસમાં નવો વળાંક... આત્મહત્યાની શક્યતા ઉપર આખરી વિકલ્પ – સાઇકોલોજિકલ ઓટોપ્સી...

આજકાલની જનરેશન – યંગ એન્ડ ડાઇનામિક! જુસ્સો આસમાને, સફળ થવાના ધખારા અસીમ, પણ દિમાગ... જરા સરખું પ્રેશર આવ્યું કે ડિપ્રેશનમાં સરી પડે. ઇડિયટ! હતાશા સહેવાય નહિ એટલે છેલ્લું હથિયાર – સુસાઇડ. સ્ટુપીડ કાવર્ડ ગર્લ! નિસાસો. ડ્રોઅર ઉઘાડવાની વધુ એક કોશિશ કરવા માટે મારો હાથ લંબાયો. ઓચિંતો જ તીણી ઘંટડીનો અવાજ કાનમાં પેસી જતાં હાથ અધવચાળ અટકી ગયો; ન ડ્રોઅર તરફ, ન પોતાની તરફ. સ્થિરતા. થોડી વાર માટે શાંતિ પથરાયેલી રહી. ફરી એ જ રણકાર. કર્કશતાનો પ્રતિકાર કરવા મથતી હોય એમ મારા ચહેરાની રેખાઓ તંગ બની રહી હોવાનું મેં અનુભવ્યું.

‘રાધામાઈ...’ ભારે અવાજની એક બૂમ મારા મોંમાંથી કૂદી પડી. બહેરાં થઈ ગયાં છે આ ઉંમરે. ક્યારનો આ ડોરબેલ...

રાધામાઈનો હાંફવાનો અવાજ મને નજીક આવતો જણાયો. કિચનમાંથી દોડતાં આવીને ધ્રૂજતી અવસ્થામાં ઊભાં રહી ગયાં હશે, હંમેશની માફક. જાડા કાચના ચશ્માંની પેલે પારથી મારી પીઠને તાક્યા કરશે. મેં દીવાલ પર લાગેલા આયનામાં જોયું. અધખૂલી આંખો પાછળ તરફ મંડાઈ. મારા હોઠ ફફડ્યા. ‘ઓપન ધી ડોર... પ્લીઝ!’ ફરી આંખો મીચાઈ ગઈ.

‘હેં?’ રાધામાઈનો ઉદ્ગાર! આયનામાં મારો ચહેરો વાંચવાની એમણે કોશિશ કરી હશે!

‘દર...વા...જો... ખોલો... શુદ્ધ ગુજરાતીમાં.’ મેં કપાળ ઉપર હાથ ફેરવ્યો. ઊંઘમાં સરી પડવા માટે દિમાગે ચકરાવો લીધો. મીરા માથુર કેસ જેવો જ, ગોળ... ફરીફરીને એક જ જગ્યાએ... કેસ ઝટ ઉકેલાય તો આ ઉજાગરો મટે.

હું અપલક તાકી રહ્યો. રાધામાઈએ ગરદન સહેજ ફેરવીને દરવાજા તરફ જોયું. ગરદન સીધી કરી. રાઇટિંગ-ટેબલ ઉપર કાગળો પેપરવેઇટનો ભાર ઝીલતા વેરવિખેર પડ્યા હતા. કોફીના ખાલી મગની આજુબાજુ કીડીઓ આવી ચૂકી હતી. નજર હટાવી લઈને એમણે દરવાજા તરફ પગ ઉપાડ્યા. ફરી એક વખત પાછળ ફરીને જોયું. થાકેલા હાથે સાંકળ ખોલીને બારણું ઊઘાડ્યું. ઉંબરા ઉપર વચ્ચોવચ ઊભા રહી ગયાં. થોડી વાર બહારની તરફ તાક્યા કર્યું.

‘મે આઇ કમ ઇન?’

રાઇટિંગ-ટેબલની સામેની દીવાલે જડેલા આયનામાં મેં જોયું. એક વ્યક્તિ બેઠકખંડમાં પ્રવેશી ચૂકી હતી. ચહેરો પરિચિત લાગે છે!

‘હેલ્લો, સુદીપ સાહેબ... હું...’ આવનાર વ્યક્તિએ બોલવા માંડ્યું. હાથમાં બ્રીફ કેસ ઝુલી રહી હતી.

‘મિ. માથુર!’ એના વતી હું બોલી પડ્યો ને ટટાર થયો. ચેર એ તરફ ફેરવી. ‘એક સેલિબ્રિટીના ફાધરે પોતાની ઓળખાણ આપવાની જરૂર ખરી?’ મેં સોફા તરફ ઈશારો કર્યો. ‘બેસો.’

રાધામાઈએ દરવાજો બંધ કર્યો. મારી તરફ નજર નાખી. કશુંક કહેવા માટે મોં ખોલ્યું. શબ્દો ન નીકળ્યા. મોં એ રીતે અધખૂલી અવસ્થામાં રહી ગયું કે જાણે મારા અટકવાની રાહમાં હોય. થોડી વાર ઊભાં રહ્યાં. ‘મારું તો સાંભળે છે જ ક્યાં!’ બબડાટ કરતાં કરતાં ડોકું ધુણાવીને કિચન તરફ પગ ઘસડવાં માંડ્યાં. ‘રાધામાઈ... કોફી, પ્લીઝ!’ મેં બૂમ પાડી. માથુરે ખોંખારો ખાધો. મારું ધ્યાન રાધામાઈ પરથી હટીને માથુર તરફ ખેંચાયું.

‘મીરાએ આત્મહત્યા નથી કરી.’ માથુર ઉતાવળમાં હોય એમ સીધી મુદ્દાની વાત ઉપર આવી ગયો હતો. ‘ઇટ્સ અ મર્ડર, સર! મારી દીકરી ક્યારેય આત્મહત્યા નહિ કરે; એનું ખૂન થયું છે.’

અચ્છા? લાગે છે શહેર પુરાવાઓથી ભર્યું પડ્યું છે ને આ માથુર એમાંથી બેગ ભરીને લઈ આવ્યો છો. પોલીસને કે સી.બી.આઇ.ને આટલી તપાસ બાદ પણ હત્યાનો કોઈ પુરાવો ન મળ્યો, અને આ માણસ... હું પગથી માથા સુધી માથુરનો તાગ કાઢવામાં વ્યસ્ત થઈ ગયો. ગ્રે સુટ. બ્લેક ટાઇ. માધ્યમ બાંધો. સપાટ ચહેરો. પિતા ઓછો ને એજન્ટ વધારે લાગતો હતો!

એ સોફા ઉપર બેઠો. બ્રીફ કેસ ટિપાઈ ઉપર મૂકી. ‘પુરાવા આમાં કેદ પડ્યા છે.’ એની પીઠ સોફા ઉપર ટેકવાઈ ચૂકી હતી. ‘બસ આપ બેગ ખોલો, અને ગુનો સાબિત!’

હું બેગને તાકી રહ્યો. થોડી ક્ષણો સુધી મૌન પથરાયેલું રહ્યું. વિક્ષેપ ત્યારે પડ્યો જયારે રાધામાઈ પગ ઘસડતાં બેઠકખંડમાં પ્રવેશ્યાં. હાથમાં ટ્રે. ટ્રેમાં કોફીનો મગ... કોફીની જરૂર તો મને પણ વર્તાઈ રહી હતી! શું કહેવું ડોશીને? એક જ કપ... મેં ત્રાંસી આંખ કરીને ધીમા અવાજે કહ્યું, ‘ફક્ત મહેમાન માટે જ? મારા માટે નવો ઓર્ડર આપવાનો છે?’

મારા ચહેરા ઉપર ફેલાયેલા ભાવો વાંચીને રાધામાઈના હૃદયમાં એકવીસ વર્ષ પહેલાં આવેલા ભૂકંપ જેવો ભય ફેલાઈ ગયો. હાથમાંની ટ્રે ધ્રૂજતાં ઘરોમાં ખખડી રહેલાં વાસણોની જેમ કંપવા માંડી. ‘લાઉં છું... લાઉં છું...’ ખાંસીમાં અટવાતો અવાજ નીકળ્યો. કોફીનો મગ ટિપાઈ ઉપર મૂકતાં બબડ્યાં, ‘કેટલી કોફી પીશે આખા દિવસમાં!’ ધીમી ચાલે કિચન તરફ વળ્યાં. હિંમત એકઠી કરી હોય એમ મારી તરફ ફરીને બોલ્યાં, ‘બેટા! દવા...’

‘હા તો લઈ લોને!’ મેં ખભા ઊછાળ્યા. ‘મુહૂર્ત જોવાનું છે?’

એમણે સ્થિર ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો. સમતોલન જાળવવું મુશ્કેલ લાગ્યું હશે એટલે મૂગા મોઢે પગ ઘસડવા માંડ્યાં.

‘સોરી, મિ. માથુર! યુ નો, આ ઉંમરે...’ હું બોલ્યો, ‘એન્ગ્ઝાઇટી ડિસઓર્ડર! બિચારીની અડધી જિંદગી... ચાલીસેક વર્ષથી આ ઘરને સંભાળે છે; કહો કે મને સંભાળે છે.’ મેં હસવાનો પ્રયત્ન કરી જોયો; હસી ન શકાયું. ‘એની વે! તમે કોફી લો.’

‘અને તમે આ બેગ.’ માથુર ત્વરિત બોલી ઊઠ્યો.

મેં ચેર ટિપાઈની નજીક સરકાવી. બ્રીફ કેસના મખમલી જેકેટ ઉપર હાથ પસવાર્યો. ઉઘાડી. અંદર કેદ રહેલા મીરાના મૃત્યુના પુરાવાઓ ઉપર નજર ફરી વળી. આંખોમાં આશ્ચર્યનો ભાવ ઉત્પન્ન ન થયો. માત્ર હોઠ વંકાયા. ગુલાબી રંગની કડકડતી ચલણી નોટો બધાં જ બંધનો તોડીને આઝાદ થવા માટે આતુર હતી; લલચામણી નજરે મને તાકી રહી હતી.

‘નાની અમસ્તી ભેટ છે, સર! જાણું છું, મીરાએ આત્મહત્યા કરી છે. પણ કોર્ટમાં એ સાબિત થવું જોઈએ કે એના બોયફ્રેન્ડે એનું મર્ડર કર્યું છે.’ માથુર કોફીનો ઘૂંટ ભરતા ખંધુ હસ્યો. ‘આટલો પુરાવો તો પૂરતો છેને? આમ પણ તમારા જેવા બાહોશ સી.બી.આઇ. ઓફિસર માટે...’

મેં બ્રીફ કેસ બંધ કરીને રાઈટિંગ-ટેબલના ખૂણે સરકાવી.

‘ધ્યાન રહે, સર... મીરા-કેસમાં સાઇકોલોજિકલ ઓટોપ્સીની નોબત ન આવે.’ માથુરના આછાં સ્મિત પાછળનો મનસૂબો ખોળવા માટે મને મેગ્નિફાઇંગ ગ્લાસની જરૂર નહોતી.

જુઓ, મિ. માથુર... હું કડક શબ્દોમાં કહેવા માગતો હતો – એ નોબત તો આવશે જ. હત્યા કે અકસ્માતનો કોઈ પુરાવો મળ્યો નથી. નોટ ઇવન અ સિંગલ ક્લૂ, કે જેનાથી આત્મહત્યા સિવાયનું કશું સાબિત થાય. પબ્લિક ઇન્ટરેસ્ટ એ પણ છે કે, એક યંગ, સેન્સેશનલ ટેનિસ-પ્લેયર, કે જે યુવાન વયમાં જ ટોપનું ‘ટાઇટલ’ જીતી ચૂકી છે, અચાનક આમ આત્મહત્યા કરી લે? શા માટે? જોકે મૃત્યુને સુસાઇડ સાબિત કરવા માટે પણ મૃત્યુ પહેલાં મરનારની માનસિક હાલત કેવી હતી એ જાણવું જરૂરી છે; અને એ માટે સાઇકોલોજિકલ ઓટોપ્સી જ આખરી વિકલ્પ છે... -પણ હું કશું બોલ્યો નહિ. આંખો મીચીને બેસી રહ્યો. ખામોશ. માથુરની હાજરીની પરવા કર્યા વગર. ખબર હતી કે માથુર માનવાનો નથી. આ વખતે એ મૃત્યના ‘કારણ’ સાથે આવ્યો હતો. જુવાન દીકરી આત્મહત્યા કરે તો બાપ ઉપર શું વીતે એ સમજી શકાય એમ હતું. કુદરતી મૃત્યુ કદાચ સહન કરી લેવાય, પણ આત્મહત્યા? મરનાર હતાશામાં અણધાર્યું પગલું ભરી બેસે, પણ એના ગયા બાદ પરિવાર...

મારી આંખો સામે એક બાપ બેઠો હતો. હતાશામાં મોતને વહાલું કરી ચૂકેલી દીકરીનો બાપ. એક બાપની પ્રતિષ્ઠા પણ છત સાથે લટકી રહેલા દોરડાના ગાળિયામાં ભીંસાઈ રહી હતી. કશું સૂઝતું નહોતું. માથુરની હાજરી હવે અકળાવી રહી હતી. મેં માથુરને અવગણવા માંડ્યું. માથુર જાણે કે ભીંત આગળ ભાગવત કરી રહ્યો હતો. ‘તમને શું લાગે છે, હું તમારી આ વાસી કોફી પીવા આવ્યો છું? લિસન, ઓફિસર! મીરાનું મર્ડર થયું છે એ જ પ્રૂવ થવું જોઈએ, એનીહાઉ! સમજો છોને? આત્મહત્યા નહિ જ નહિ.’

હું માથુરને નખશિખ તાકી રહ્યો. આટલો વિશ્વાસ? દીકરીએ આત્મહત્યા જ કરી છે, એમ? જાણી શકું, કઈ રીતે? મારી બારીક નજર માથુરનું અવલોકન કરવા માંડી. જે દુનિયાને ન દેખાતું હોય એ શોધી કાઢવાની મને આવડત હતી; કહો કે ટેવ હતી. આવા અનેક કેસની ગૂંચ હું કાઢી ચૂક્યો હતો. ગુનેગારોને સજા પણ અપાવી ચૂક્યો હતો. મારી નજરથી અને પહોંચથી કોઈ બચી શકવા પામ્યું નહોતું, આજ દિન સુધી તો નહિ જ. એવો કોઈ કેસ નથી જેનું નિરાકરણ ન આવ્યું હોય.

‘દીકરીને એક બાપથી વધુ કોણ સારી રીતે ઓળખી શકે?’ માથુર બોલ્યો. ‘અને હા, ખાસ વાત... મીરાનો કોઈ બોયફ્રેન્ડ ન હતો. એના મૃત્યુ માટે એ પોતે જ જવાબદાર છે; એણે પોતે જ...’ કહેતા કહેતા એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.

તો શું દીકરીનું મર્ડર સાબિત કરીને કોઈક ખાસને ફસાવવા માગે છે આ માણસ? મને સહેજે વિચાર આવી ગયો.

‘બાય ધ વે, મીરાના હત્યારા તરીકે તમે કોને પેશ કરો એ તમારો પ્રશ્ન.’ માથુર જાણે કે મારું દિમાગ વાંચી ગયો હોય એમ બ્રીફ કેસ તરફ નજર નાખીને બોલ્યે જતો હતો. ‘તમે સમજો છોને, ઓફિસર?’

અગર મીરાએ આત્મહત્યા કરી છે એમ સાબિત થઈ જાય તો... આ માણસને પોતે કોઈક રીતે ફસાઈ જવાનો ડર હશે? મેં મૂગા મોઢે દિમાગ ઉપર જોર આપ્યું. મીરાનો બાપ જ પોતે નથી ચાહતો કે મીરાની સાઇકોલોજિકલ ઓટોપ્સી કરવામાં આવે – કેમ? દીકરીની અંગત વાતો બહાર આવે એટલે? એના સોશિયલ-મીડિયા એકાઉન્ટસની તપાસ થાય... પરિવાર તથા મિત્રો સાથેનો મૃત્યુ અગાઉનો વ્યવહાર તપાસાય... એટલે? અંતે બહાર શું આવશે? મૃત્યુ પામનારની માનસિક અસ્વસ્થતા? ડિપ્રેશન? હતાશામાં કરેલી આત્મહત્યા? આ માણસ પોતાની શાખ બચાવવા હવાતિયાં મારી રહ્યો છે. બટ, મિ. માથુર! દિમાગ તો હું તમારું સ્પષ્ટપણે વાંચી શકું છું, કેસ-પેપરની જેમ. મોટિવેશનલ સ્પીકર છોને તમે! ન્યૂઝ રિપોર્ટરો ખણખોદ કરી લાવ્યા હતા. તમે પણ મારી માફક લોકોની મનોવૃત્તિની બારીકી ખોળતા રહેતા હશો, રાઇટ? લાખો રૂપિયા લઈને તમે પ્રેરણાત્મક ભાષણો આપો છો; ઉપદેશ આપો છો; માનસિક અસ્વસ્થો પાસે તગડી કન્સલ્ટીંગ ફીઝ વસૂલો છો; હતાશ લોકોને જીવનના મકસદ તરફ આંગળીઓ ચીંધો છો! તમે, તમારા જ શબ્દોમાં, લોકોને જીવતદાન આપો છો! પણ અફસોસ! પોતાની જ દીકરીની જિંદગી ન બચાવી શક્યા! હવે પોતાની ‘ઇમેજ’ બચાવવા… તમારા માટે કોણ નિર્દોષ ફસાય છે એ મહત્વનું નથી, પોતાની પ્રતિષ્ઠા ન ખરડાઈ એ જ એક મકસદ છે, રાઇટ, મિ. માથુર?

હું ખામોશ હતો. માથુરનો અવાજ તરડાઈ રહ્યો હતો, જાણે કે દિમાગનો ભાર ગળા ઉપર આવી ગયો હોય! આંખો મીચી દઈને એણે ઊંડો શ્વાસ ફેફસામાં ભર્યો. વણબોલાયેલા શબ્દો એની આસપાસ ઘુમરડી લઈ રહ્યા હશે. અગર દુનિયા જાણશે કે એક ફેમસ ‘મોટિવેટર’ની દીકરીએ ડિપ્રેશનમાં આવી જઈને આત્મહત્યા કરી લીધી છે, તો...

અરધું ઉઘાડું, અરધું બંધ – એવી મધ્યાવસ્થામાં ફસાઈ ગયેલું ડ્રોઅર લાચારીથી મને તાકી રહ્યું હતું. મને એની ઉપર દયા ઉપજી. થોડું આગળ ઝૂકીને મેં હાથ લંબાવ્યો. ડ્રોઅર ખેંચી જોયું. વ્યર્થ.

‘કશી મદદ કરી શકું?’ માથુર સ્વસ્થ થવા માટે અટક્યો.

‘હેં? નો, નો... ઇટ્સ ઓકે! નોટ ઇમ્પોર્ટન્ટ.’ મેં ફાઇલ ખોલીને કહ્યું, ‘તમે કશુંક કહી રહ્યા હતા?’

માથુરે કોટના ઇનર-પોકેટમાંથી કશુંક કાઢીને ટિપાઈ ઉપર ફેંક્યું. ‘મીરાની ડાયરી.’

દુનિયા સમક્ષ ન બોલનારા વ્યક્તિઓ હંમેશા ડાયરીમાં પોતાની જાતને ઉઘાડી મૂકી દેતા હોય છે. ખાસ મિત્ર સમક્ષ કરાયેલી અંગત વાતોની જેમ...

‘આપને જોઈતા જવાબો કદાચ આમાં...’ એણે નજર નહિ મેળવી. ‘આશા રાખું છું, ડાયરી તમારા સુધી જ સીમિત રહે. જોકે મને માણસ કરતાં કરન્સી ઉપર વધુ ભરોસો છે.’

મેં ડાયરી ઉપર ઝપટ મારી. અનેક કેસોમાં જોયું છે, મૃત્યુ પામનાર આવી ડાયરીઓમાં વ્યથા ઠાલવી જતા હોય છે. જાહેરમાં કશું ન બોલનારા અતડાં વ્યક્તિઓ ડાયરીમાં ઘોંઘાટ કરી મૂકતા હોય છે. સી.બી.આઇ. ઓફિસર તરીકે મારે મરનાર વ્યક્તિઓ સાથે લાંબા અરસા સુધી જોડાયેલા રહેવું પડતું. મને માથુરને કહી દેવાનું મન થયું, ‘તારા જ દિમાગમાં ભૂસું ભર્યું છે. સાઇકોલોજિકલ ઓટોપ્સી તો તારી પણ થવી જોઈએ, જીવતેજીવ.’ ગળું સુકાઈ રહેલું જણાતાં મેં બૂમ પાડી, ‘રાધામાઈ... પાણી. પ્લીઝ!’.

મેં ડાયરી ઉઘાડી...

*

૨૬-જાન્યુઆરી

 

૬-એપ્રિલ

 

૧૦-જૂન

 

૨૬-જુલાઈ

 

૧૬-સપ્ટેમ્બર

*

ડાયરી બંધ કરીને મેં આંખો મીંચી. દિમાગ પણ બંધ કરી શકાતું હોત તો કેટલું સારું! એ એક જ વાત ઘૂંટી રહ્યું હતું - સાઇકોલોજિકલ ઓટોપ્સી. ડાયરીને છાતીએ વળગાડીને મેં એની ઉપર પ્રેમાળ હાથ ફેરવ્યો.

માથુરના શબ્દો દિમાગમાં ઉઝરડા પાડી રહ્યા હતા – મીરાએ આત્મહત્યા કરી છે એમ સાબિત થઈ જાય તો? અને એ આત્મહત્યા હતાશામાં આવી જઈને થઈ હતી તો? દીકરી માનસિક રોગી હતી એમ પુરવાર થઈ ગયું તો? દીકરીના માનસિક રોગનું મૂળ ક્યાં? ફેમિલી-પ્રેશર? વારસાગત? એ તપાસ આગળ વધી ને એના તંતુ પોતાના દિમાગ સાથે જોડાઈ ગયા તો? પોતે પણ આંશિક માનસિક રોગી હોવાનું ફલિત થઈ ગયું તો? ઓહ્હ! માથુર જાણે કે ઊંડી ખાઈમાંથી એને પોકારી રહ્યો હતો, કે પછી પોતે ઊંડી ખાઈમાં હતો ને માથુર એને ઉપરથી ખેંચી રહ્યો હતો? કોણ કોને ખેંચી રહ્યું હતું; કોણ કોને હડસેલી રહ્યું હતું? માત્ર પડઘો સંભળાઈ રહ્યો હતો. તમે સમજો છોને? હા. તમે સમજી શકશો. તમે જ સમજી શકશો, મિ. સુદીપ, માત્ર તમે જ!

મારી આંખો ઘેરાવા માંડી. સોફા ઉપર જ આડા પડી જવાનું મન કર્યુ. શરીરને ઢીલું છોડી મૂક્યું. આખી રાત વજનદાર થઈ ગયેલાં પોપચાં આંખ ઉપર ઢળેલાં રહ્યાં હશે. આંખ છેક ત્યારે ઉઘડી જયારે રાધામાઈએ મને ઝંઝોળ્યો. ‘રાધામાઈ...’ હું મુર્છાવસ્થામાં ઘાંટા પાડી રહ્યો હતો. ઓચિંતો હું દીવાલ પાસે દોડી જઈને જોરજોરમાં માથું પછાડવા માંડ્યો. બંને ઘૂંટણ વચ્ચે તીવ્રતાથી માથું દબાવી દીધું. ચીસો સાંભળીને રાધામાઈ દોડી આવ્યાં. હાંફતાં હાંફતાં એમણે મને ઝંઝોળી નાખ્યો. મારું માથું ઘૂંટણ વચ્ચેથી ખેંચી કાઢીને પોતાની છાતીમાં દાબી દીધું. હળવે હળવે પીઠ પસવારવાનું શરૂ કર્યું. ‘દવા નિયમિત લેતો હોય તો, બેટા? કેટલી વખત કહ્યું, પણ ના! માને તોને? એકવીસ વરસથી મગજમાં એવું ભૂસું ભરી રાખ્યું છે કે નીકળવાનું નામ નથી લેતું. દવાનું કહું તો સામો મને કહે, તમે જ લઈ લોને! મુરત કઢાવવાનું છે? ને પોતે..? ડ્રોઅર ઉઘાડે ને બંધ કરે; ઉઘાડે ને બંધ...’

હાંફતા હાંફતા હું રાધામાઈનો બબડાટ સાંભળી રહ્યો હતો. કશું સમજાતું નહોતું. રાધામાઈની આંખોમાં ઝળઝળિયાં હતાં.

‘મીરા શું માત્ર તારી જ લાડકી હતી?’ તેઓ બોલી રહ્યાં હતાં, ‘મેં પણ એને ખભે બેસાડીને ફેરવી જ છે ગામ બધે, જેથી એ બહારની દુનિયાને સમજે! પણ શું થાય? એનું જીવન જરા ટૂંકું નીકળ્યું. બિચારીને એની રમતનું પણ કેટલું ટેન્શન રહેતું! એમાં પેલા આયોજકો પાછા વારેવારે એને સ્ટેજ ઉપર ગોઠવી દેતા. પણ તેં તો, દીકરા, મીરુંના પેલા હરામી બોયફ્રેન્ડને ફાંસીએ લટકાવી જ દીધો હતોને? એથી વિશેષ તો કોઈ કરી પણ શું શકે? દીકરીને ન્યાય મળ્યો એટલો સંતોષ, બીજું શું! હવે તો બે દાયકા વીતી ચૂક્યા, હજી કેટલું રીબાશે! નોકરીમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લીધી. હવે દિમાગ શાને વલોવ્યા કરે? જિંદગી આમ જ પૂરી કરવાની?’

‘રાધામાઈ...’ હું સફાળો બેઠો થઈ ગયો. મારે એમને કહેવું હતું, ‘મીરુંનો કોઈ બોયફ્રેન્ડ હતો જ નહિ.’ પણ... ‘પેલી બ્રીફ કેસ..?’ મારી નજર રાઇટિંગ-ટેબલ ઉપર ફરી રહી હતી.

‘હેં?’ રાધામાઈએ ચશ્માં ઠીક કર્યા. ‘કેવી બ્રીફ કેસ?’

‘મીરાના ફાધર આવ્યા હતાને? હમણાં જ...’

‘બેટા! અહીં ક્યાં કોઈ આવ્યું છે?’ રાધામાઈથી ડૂસકું મૂકાઈ ગયું. ‘છેલ્લાં કેટલાંયે વરસથી હું જ તો એક આ ઘરમાં આવું છું ને જાઉં છું; આવું છું ને...’ તેઓ ઊભાં થઈને કિચનમાં ગયાં. પાણીનો ગ્લાસ ભરી લાવ્યાં. મારા ખોળામાંથી મીરાની ગુલાબી ડાયરી ઝૂંટવી લીધી. ‘વરસોથી ડાયરી છાતીએ લગાડીને બેઠો છે; મૂક હવે!’ એમની કોરી નજર ટેબલ ઉપર બંધ પડેલી ફાઇલ ઉપર ઠરી ગઈ. ફાઇલ લઈ આવીને એમણે મારી સામે ધરી. ઉપર લખ્યું હતું – ‘મીરા માથુર કેસ’. નીચે હસ્તાક્ષર સાથેનું લખાણ હતું – ‘મર્ડર-કેસ સોલ્વ્ડ બાય : મિ. સુદીપ માથુર – સી.બી.આઇ. ચીફ.’

રાધામાઈએ રાઇટિંગ-ટેબલની જમણી તરફનું ડ્રોઅર ઉઘાડ્યું. ચાર-પાંચ નાનીમોટી ડબ્બીઓ કાઢી. હું એકીટશે તાકી રહ્યો. ‘આટલી સરળતાથી? આ ડ્રોઅર તો...’

અમે બંને એકબીજાને અનેક પ્રશ્નાર્થો ભરેલી આંખોએ તાકતાં રહ્યાં. ‘કારણકે મારે એ ખોલવું હતું, બેટા!’ મારા માથે ઘરડો હાથ ફરવા માંડ્યો. ‘ક્યારેક તું પણ મનથી કોશિશ કરી જોજે. ઉઘડી જશે.’

ડબ્બીઓમાંથી રંગબેરંગી ટેબ્લેટ્સ કાઢીને એમણે ધ્ર્રૂજતા હાથે મારા મોંમાં ઠૂંસી દીધી. હસવાની કોશિશ કરી. પાણી ભરેલો ગ્લાસ મૃદુતાથી મારા હોઠે ધર્યો. મારી આંખોમાં ફરીથી ઘેન ધસી આવ્યું. ધીમે ધીમે તંદ્રા જેવી સ્થિતિમાં હું સરવા માંડ્યો. રાધામાઈ ક્યાં સુધી ખોળામાં મારું માથું લઈને દીવાલને અઢેલીને બેસી રહ્યાં હશે!

ઓચિંતી જ એક ચીસ નીકળી પડી. ‘રાધામાઈ...’ સફાળા બેઠા થઈને મેં ચોતરફ નજર ફેરવી. અટવાતી નજર ફરી એક વખત ડ્રોઅર ઉપર ચોંટી ગઈ. હું ઊભો થયો. હળવે રહીને ડ્રોઅરને પોતાની તરફ ખેંચી જોયું. ધીમેધીમે એ ખૂલી રહ્યું હોવાનું મેં અનુભવ્યું.

ત્યાં જ ડોરબેલની ઘંટડીની તીણી ચીસ ફરી એક વખત મારા કાનમાં નિર્દયતાથી પેસી ગઈ…

***સમાપ્ત***

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ