વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પારનેરાનું પ્રેત

પારનેરાનું પ્રેત

‘भागते भूत की लँगोटी भली।‘ એવી કહેવત તો સાંભળેલી, પણ કહેનારે એ ચોખવટ નહિ કરેલી કે ભાગતું હોય એ ભૂતને બદલે ભૂતડી હોય તો..! આમ પણ હું એની માયાજાળમાં ફસાયેલો તો હતો જ, ને એમાં આ નવી માથાકૂટ, કે ભાગતી ભૂતડીનું પકડવાનું શું! એ પણ પાછળથી! આગળથી તો ઘણા ઓપ્શન્સ મળી રહે, પણ પાછળથી?

વાત એમ છે કે, મને મીરાલિકા વળગી હતી. ના, તમે જો એમ વિચારતા હોવ કે વરસતા વરસાદમાં કે અંધારી રાતે અણધારી રીતે કોઈક કુમારિકા ભયથી કોઈક કુમારને વળગી પડે એમ, તો એમ નહિ. મીરાલિકા મને, પેલી ભગત-ભૂવાની બોલીમાં કહેવાયને, ભરાયેલી, એમ વળગેલી હતી. આમ પણ એની આદત વળગવળગ કરવાની, બિલકુલ પ્રેત જેવી જ, પહેલેથી જ! પહેલેથી એટલે કે એ જીવતી હતી ત્યારથી. મુવી જોવા જઈએ તો બાજુવાળાને વળગી પડે, મુવીમાં એટલી બધી ઓતપ્રોત થઈ ગયેલી હોય કે એને યાદ પણ નહિ રહે કે હું એની જમણી તરફ નહિ, ડાબી તરફ બેઠો છું. એ તો સારું કે પેલો જમણી તરફવાળો દર વખતે કોઈક ભલો માણસ નીકળી આવે, કશું બોલે નહિ.

એક વખત ફરતાં ફરતાં અમે બે નંબરના બીચ પર જઈ ચઢેલાં. ભરતીમાં કિનારે ધસી આવેલાં મોજાંનું ફીણ જોઈને અમારા બેયના રોમ-રોમ રોમાન્ટિક થઈ ગયા. આસપાસ તપાસ કરી તો જાણવા મળ્યું કે એક માસી સમાજસેવાનું કામ કરે છે. અમારા જેવાં બિચારા ભૂખ્યાંઓને જમાડે છે. પણ ભાતું સાથે લાવવાનું એટલી એમની શરત. એમણે તો ટિફિન-સર્વિસ બંધ કરી દીધેલી. રીટાયર્ડ થયા પછી એકાંતમાં આઠદસ ફાટેલી-તૂટેલી ઝૂંપડીઓ બનાવી મૂકેલી. પણ આમ પાછા માસી સિસ્ટમેટિક! બહાર બોર્ડ જ લટકાવી દીધેલું – અડધો કલાકના પચાસ રૂપિયા. મીરાલિકા ત્યાંયે વળગી પડી, મને નહિ, પેલાં માસીને. કહેવા માંડી, ‘કંઈક વાજબી કરોને, માસી! દૂરથી આવ્યાં છીએ.’

માસીનો ચહેરો જોતાં મને લાગ્યું, એમને કદાચ દમની બિમારી હશે. અથવા તો હમણાં જ થઈ આવી હશે. એમનો શ્વાસ રૂંધાઈ જાય એ પહેલાં મેં પર્સમાંથી સોની નોટ કાઢી. મીરાલિકા એ નોટ માસીને આપતાં બોલી, ‘હવે કશું બોલશો નહિ, માસી. સો રૂપિયામાં દોઢ કલાક, બસ!’

મેં મીરાલિકાને ભાવતાલ કરતી અટકાવીને એનો હાથ પકડીને ઝૂંપડીમાં ખેંચી. બહાર કશોક ધડામ કરીને અવાજ આવ્યો. મેં પૂછ્યું, ‘શું થયું?’

‘કશું નહિ! કદાચ માસીને ચક્કર... ખબર નહિ કેમ!’

ફળિયામાં ફેરિયો આવે તો એનેય એ વળગી પડતી. તમે જીવિત હોવ કે મૃત, સ્વભાવ ક્યારેય બદલાતો નથી.

મીરાલિકાના મૃત્યુ પછી હું એનાથી ભાગી રહ્યો હતો, પણ આજે પૂનમ હતી ને મારે એને વળગેલી કંડિશનમાં જ રાખવી પડે એવી મારી મજબૂરી હતી, સમજોને સંધ્યાકાળ સુધી! ભલેને કેટલી પણ ભાગમભાગ કરવી પડે, પણ ફક્ત આજના દિવસ પૂરતી... પછી હંમેશ માટે છુટકારો મળી જવાનો હતો. એટલે હવે જો આજ દિન સુધી વળગી રહેલી મીરાલિકા આજે જ મારાથી દૂર ભાગી છૂટે તો..?

મેં ખાસ ‘ગૂગલ સર્ચ’ કરીને એક તાંત્રિકા શોધી કાઢી હતી. એને કોન્ટ્રાક્ટ પણ આપી દીધો. નામ એનું કાલી. આમ તો જન્મથી એનું નામ કાવેરી હતું, પણ પછી કર્મથી એણે એ નામના વસ્ત્રો ઊતારી નાખીને કામાક્ષી કરી નાખ્યું. પછી એ ધંધામાં પણ મઝા નહિ આવી. અમાસની એક રાતે એ નામને પણ માળા ચઢાવીને લેટેસ્ટ નામ ધારણ કરી લીધું – કાલી. (આ કેફિયત એની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી લેવામાં આવી છે, સાભાર.)

કાલીએ મને મીરાલિકાને ફસાવવા, ઇનફેક્ટ એનાથી મને છોડાવવા, એક છટકું ગોઠવવાનો આઇડિયા આપ્યો. કશે સાંભળેલું, એક આઇડિયા જિંદગી બદલી નાખે છે. ‘એ પ્રેતનીને પૂનમને દહાડે મા અંબિકાના ગઢ પર લઈ જઈએ, પારનેરાના ડુંગરે... ત્યાં ટોચ ઉપર પેલો ગોખલો છેને...’

‘નાકાબારી? અઢારમી સદીમાં શિવાજીએ જ્યાંથી ઘોડો કૂદાવ્યો હતો એ જ ગોખલોને?’ મેં ખાતરી કરી.

‘હા, એ જ! ત્યાં એ પ્રેતનીને બાટલીમાં ઉતારી દઈશું.’

આ એ જ જગ્યા હતી જ્યાંથી થોડા મહિનાઓ પહેલાં મીરાલિકાનો પગ લપસ્યો હતો. સેલ્ફી લેવાની થયેલી. ઊંડી ખાઈનું બેકગ્રાઉન્ડ લેતાં લેતાં એ બેકગ્રાઉન્ડમાં ગરક થઈ ગયેલી. કેટલાંયે દિવસો સુધી હું એકલો, ઉદાસ, ગુમસૂમ બેસી રહેલો. મારો મોબાઇલ પણ એ સાથે લેતી ગયેલી.

‘એને ત્યાં સુધી ખેંચી લાવવાની જવાબદારી તારી. રસ્તામાં હું સંભાળી લઈશ, પછી બાકીનું મા અંબિકા, મા નવદુર્ગા, મા મહાકાળી તથા હનુમાનજી સંભાળશે. પારનેરા પર એમનું સામ્રાજ્ય છે.’ કાલી બોલી. પછી એણે મારી પથારી ફેરવી નાખી. કહ્યું, ‘પૂનમ સુધી પૂર્વમાં માથું કરીને સૂજે.’ વધુ કશું પૂછું એ પહેલાં એ ગાયબ થઈ ગઈ. મારે પૂછવું હતું કે સૂતી વખતે પગ કઈ દિશામાં રાખવાના!

પણ પછી મેં મેનેજ કરી લીધું. જેવી પૂનમ આવી કે મીરાલિકાને મુક્તિ અપાવવા ને પોતે પણ એની ઝાપટમાંથી આઝાદ થવા માટે હું તો પારનેરા ડુંગરના દ્વારે પહોંચી ગયો. હું જ પહેલો પહોંચ્યો, જફા તો મારે ગળે જ વળગેલી હતીને! કાલીને એડવાન્સ રોકડા ચૂકવીને ખાસ કહેલું કે બપોર સુધીમાં પારનેરાના પહેલાં પગથિયે આવી પહોંચજે.

હજી એ આવી નહિ! મેં ચારેય દિશામાં એને શોધવા માંડ્યું. સમય સરતો જતો હતો. હજી અમારે ઉપર જવાનું હતું. સૂરજ ડૂબે એ પહેલાં... હું આસપાસ ફરી વળ્યો. કાલીને શોધવા દોડધામ કરી મૂકી. ડુંગરની આસપાસ દુકાનો લઈને બેઠેલી મહિલાઓએ નાળિયેર, ફૂલ, અગરબત્તી લઈને મારી પાછળ દોડધામ કરી. ગ્રાહકને પૂજાપા વગર ભાગવા દેવા માગતા ન હોય એમ. દોડતા દોડતા મને હાંફ ચઢવા માંડ્યો. હું ડુંગર ચઢવા પહેલાં જ થાકી ગયો. આખરે કાલી મળી તો ક્યાં! ઝાડી-ઝાંખરા પાછળ. એક કટાયેલા લોખંડના થાંભલાને વળગીને ઊભી હતી. એની પીઠ મારી તરફ હતી. આને તો મેં કોન્ટ્રાક્ટ આપ્યો હતો! મને થયું. તો પછી આ પાર્ટ-ટાઇમ વિધિ કોઈ બીજા ક્લાયન્ટ માટે કરવા માંડી કે શું? હું વધુ અકળાઉં એ પહેલાં તો એણે થાંભલાને ફરતે એનો ડાબો પગ વીંટાળી દીધો. જમણો પગ ઊંચકીને નેવું અંશના ખૂણે આગળ તરફ લાંબો કર્યો. પછી થાંભલાને ડાબા હાથે પકડીને જમણો હાથ હવામાં ઝુલાવતાં એણે આખું શરીર કમરેથી પાછળ તરફ વાળ્યું. માથે બાંધેલી જટામાંથી નીકળેલા બરછટ વાળ ધૂળમાં રગદોળાય એટલું માથું નમાવ્યું. અર્ધચક્રાસન મુદ્રામાં એના નાક પરથી ખરેલી ભસ્મ એની જ આંખોમાં પડી. એ અમુક અજાણ્યા શ્લોક બોલી હોય એવું લાગ્યું. ઝૂલતા હાથે આંખ ચોળતાં ચોળતાં એની નજર મારા ઉપર પડી.

‘ઊંધો કેમ ઊભો છે?’ એણે ઘાંટો પાડ્યો.

મને પણ ઘાંટો પાડીને કહેવાની તીવ્ર ઇચ્છા થઈ આવી કે તું ઊંધી, તારું માથું ઊંધું, તારા... પણ નજીકમાં ઊંધું પડેલું એનું ત્રિશૂલ જોયું એટલે બને એટલી હળવાશ રાખી. ઓચિંતી જ એ ચત્તી થઈ ગઈ. આમ પાછી એ બહુ વિનમ્ર. થાંભલો છોડીને મારી તરફ આવતાં માદક અવાજે બોલી, ‘ડુંગર નથી ચઢવો?’ પછી એણે હોઠ ઉપર જીભ ફેરવી... એના પોતાના.

‘હું તો પ્રથમ પગથિયે પહોંચી ગયો હતો, પણ તું અહીં આ થાંભલે...’

‘થાંભલો જોઈને મારાથી કંટ્રોલ નથી થતું, યાર!’ એ બોલી. મારી છાતીમાં ધબકારા સિવાય પણ કશુંક ઉત્પાત મચાવી રહ્યું હોય એવું મને લાગ્યું. મેં જમણો હાથ મારા પેન્ટના ખિસ્સામાં નાખી દીધો. એણે મારા એ જ હાથ પર આંગળી સરકાવતાં કહ્યું, ‘ભૂત ભગાડવાના ધંધામાં પડવા પહેલાં હું એક ક્લબમાં જોબ કરતી હતી, યુ નો... એઝ અ સ્ટ્રિપ ડાન્સર!’

‘એની માને...’ મારા મોંમાંથી નીકળી જ પડવાનું હતું, પણ એ પહેલાં મને ભાન થઈ આવ્યું કે અમે માતાજીના ધામમાં છીએ. મેં મારા દિમાગના કીડા પર પેસ્ટકંટ્રોલ કર્યું. આમ પાછો હું બવ આસ્તિક!

‘ચાલ હવે મોડું નહિ કર,’ કાલી બોલી, ‘ક્યાં છે પેલી?’

‘પેલી?’

‘અરે, તને વળગી છે એ.’

‘અચ્છા, મીરાલિકા!’ મેં ત્રાંસી આંખ કરીને ઈશારો કર્યો, ‘પેલ્લી જો... વડાપાઉંની લારીની બાજુમાં.’ મને વિચાર આવ્યો, કાલીને મીરાલિકા દેખાતી તો હશેને? કે ફક્ત મને જ...

કાલીએ એનો જમણો હાથ ઝાટકીને ડાબા હાથે ઘૂંટણ ખંજવાળ્યું. એમાં બંને ખભા પરની રાખ ખરી પડી. મને છીંક આવી ગઈ. મીરાલિકા તરફ ત્રાટક કરતાં બોલી, ‘બોલાવ એને નજીક.’

‘આવશે જ એ તો તને મારી સાથે જોઈને.’ મેં કહ્યું, ‘મારી આસપાસ કોઈક સુંદર છોકરી ભટકે તો મીરાલિકા દોડતી મારી પાસે આવે.’ મંત્ર બોલતાં બોલતાં કાલીથી હસી પડાયું. મને લાગ્યું કદાચ મેં એને સુંદર છોકરી કહી એટલે એનાથી હસાઈ ગયું હશે; પછી થયું, કદાચ એ મીરાલિકા પર હસી હશે! પણ મેં ક્યાં કશી કોમેડી કરી હતી! મીરાલિકાનાં મોત પછી જયારે પણ કોઈ છોકરી સાથે હું ડેટ પર જતો, એ પેલીને પજવવા માંડતી. એક વાર પ્રિયંકા સાથે હું હોટેલમાં ડિનર લેતો હતો, ને મીરાલિકા આવી ચઢી. કોઈને એ દેખાઈ નહિ હોય, પણ મને દેખાઈ ગયેલી. થોડી વારમાં એક જીવડું ઊડતું ઊડતું આવ્યું ને પ્રિયંકાના ક્લિવેજમાં ભરાઈ ગયું. પ્રિયંકા તો ચીસ પાડતી ટેબલ પર ચઢી ગઈ ને કપડાં કાઢવા માંડી. એ તો સારું કે એણે અંદર કશું પહેરેલું નહિ, નહિ તો જીવડું કાઢવામાં બિચારીને કેટલી તકલીફ પડી હોત! આસપાસ જમી રહેલા કસ્ટમરો પણ બહુ દયાળુ હતા, બટરપનીર-ફૂલ્ચાં હડસેલીને બધા પ્રિયંકાની મદદે દોડ્યા, જીવડું પકડવા. જીવડું તો ક્યારનું ઊડી ગયેલું પણ એમણે આશા છોડી નહિ. મારી તો આંખ ભીની થઈ ગયેલી. પછી ખબર પડી કે મીરાલિકા જ જીવડું બનીને ભરાયેલી.

‘આ લે, બાંધી દેજે એના કાંડે.’ કાલીએ એની જટામાં ભેરવી રાખેલું બ્રેસલેટ જેવું કશુંક કાઢીને મને આપ્યું.

‘આ શું?’

‘ઇ-સુરક્ષા.’ કાલી એમાં ફૂંક મારતાં બોલી, ‘આની અસરથી મીરાલિકા આપણાથી પાંચ મિટરના દાયરામાં જ રહેશે.’

‘અને જો દૂર ગઈ તો...’

‘લે એક તારા કાંડે પણ બાંધ.’ એણે બીજું એક બ્રેસલેટ કાઢ્યું. ‘એ દૂર જશે એટલે આમાં પુકપુક બોલશે.’ પુકપુક બોલતાં બોલતાં કાલીથી એક સિસકારો નીકળી ગયો. મને કશીક ગંધ પણ આવી. પણ એ ગંધને પારખી કાઢું એ પહેલાં કાલી બોલી, ‘બાંધને, જલ્દી!’ ખબર નહિ કેમ, અમુક શબ્દોના ઉચ્ચાર વખતે એનો અવાજ નશીલો થઈ જતો!

‘ઓ માતાજી, મીરાલિકાને વશમાં કરવાની છે; મને નહિ!’

‘તું પણ થઈ જાને વશમાં!’ કાલી બોલી, ‘ફ્રેન્ડશીપ બેલ્ટ સમજીને પહેરી લે. જીપીએસ છે એમાં. કામ પત્યા પછી દક્ષિણા લીધા વગર તને છોડવાની નથી.’ કમરેથી એ વળવા માંડી હતી. હજી વધુ વાંકી થાય એ પહેલાં મેં એક ઇ-સુરક્ષા કવચ મારા કાંડે બાંધી દીધું. એટલામાં મીરાલિકા નજીક આવી ચૂકી હતી. મેં એનો હાથ પકડીને બીજું કવચ એના કાંડે બાંધીને લોક કરી દીધું.

‘જેવા આપણે ડુંગરના પગથિયાં ચઢવા માંડીશું, મનુષ્યનું રૂપ ધારણ કરીને આવેલાં ભૂત-પ્રેત-પિશાચના શરીરે બળતરા થવા માંડશે.’ કાલી છાતી ઊંચી કરીને ત્રાંસી આંખે મીરાલિકા તરફ જોતાં બોલી, ‘આજે પ્રેતને બાટલીમાં ઘાલ્યા વગર પાછી નહિ ફરું.’

સાંજ પડી જવાની તૈયારી હતી. દોડીને ડુંગર ચઢવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. સૂરજ ડૂબી ગયો તો કામ નહિ થાય. કાલીએ પણ એવું જ વિચારીને દોટ મૂકી. મેં એની પાછળ દોડવા માંડ્યું. ને મારી પાછળ મીરાલિકા.

દોડતો દોડતો હું પગથિયાં ગણતો હતો. પહેલાં સારું હતું, થોડાં થોડાં અંતરે પગથિયાં ઉપર નંબર લખેલા હતા. પછી કોઈએ મંદિરમાં ચૂનો ચોપડ્યો, ત્યારથી નંબર ભૂંસાઈ ગયેલા. પહેલાં ૫૪૦ પગથિયાં હતાં. પણ અમુક પગથિયાં નાનાં-મોટાં હોવાથી ભકતોને ચઢવા-ઉતરવામાં તકલીફ પડતી. એટલે નવી રચના કરીને ૮૦૦ જેટલાં પગથિયાં કર્યા. તો પણ હમણાં ચઢી જઈશું એમ ધારેલું.

કાલી ઘણી દૂર નીકળી ચૂકી હતી. મીરાલિકા ઘણી પાછળ હતી. મારા કાંડે પુકપુક થયું. હું ઊંડા શ્વાસ લેતો ઊભો રહ્યો. મીરાલિકા આવી પહોંચી. મને થાક લાગ્યો હતો. પેટમાં ગરબડ જેવું પણ કંઈક! થોડો થાક ખાઈને ફરી દોડ્યાં, સમય વીતી જાય એ પહેલાં. આગળ જતાં જોયું તો કાલી રેલિંગના પાઈપને વળગીને અશ્લીલ મુદ્રા બનાવી રહી હતી. હાંફી રહી હતી. હાંફવાની આદત હશે તે આખું શરીર એવી રીતે અંગડાઈ લેતું કે આજુબાજુથી પસાર થતા શ્રદ્ધાળુઓ એના તરફ આસ્થાથી જોઈ રહેતા, જાણે કે પ્રસાદ મળવાનો હોય.

કાલી જેવી સીધી થઈ કે મેં એક હાથથી ગોળા જેવો આકાર બનાવીને એની તરફ ઈશારો કર્યો. ફરી એક વખત એનો સિસકારો નીકળી ગયો. એણે બંને હાથોની આડશમાં પોતાની છાતી છુપાવી દીધી. મેં કહ્યું, ‘ઓ ખજૂરાહોની સસ્તી ખારેક! હું નાળિયેરનો ઈશારો કરું છું. નાળિયેરપાણી પીવું છે એમ!’

મીરાલિકા મને ઘુરવા માંડી. ‘મને નથી પૂછાતું, ને આ મેલીને...’

‘કા...લી...’ કાલી એના નામ સાથે ગંદી છેડછાડ થતાં ઘુરકિયાં કરી ઊઠી. કદાચ હવે એ નામ બદલવા નહિ માગતી હોય. મને લાગ્યું, મીરાલિકા અને કાલી, બંને એકબીજાથી ચઢે એવી ભયાનક છે. હાલ પૂરતી બંનેને સાચવી લેવામાં જ ડહાપણ છે; એટલિસ્ટ સૂર્યાસ્ત સુધી... ઉપર શિવાજીવાળા ગોખલે પહોંચીએ ત્યાં સુધી.

મેં બંનેને એક-એક લીંબુ પકડાવી દીધું. ‘તમે બંને તો અલૌકિક શક્તિ ધરાવો છોને, તો કાઢો રસ ને પીઓ સરબત. પછી બંનેએ પોતપોતાના લીંબુનો મારા માથા તરફ ઘા કર્યો. મને ખબર હતી, એટલે જ મેં એમના હાથમાં તરોપા નહિ પકડાવેલા.

ફરી મેં સમય જોયો. દોડીદોડીને મને ઊબકા આવતા હતા, છતાં સૌથી પહેલો હું ભાગ્યો, કારણકે જફા તો... ભાગતાં ભાગતાં આખરે અમે ડુંગર ચઢી ગયાં. શિવાજીના ગોખલા નજીક આવી પહોંચ્યાં. ખાઈમાંથી આવતો સૂસવાટા મારતો પવન નીચેથી મીરાલિકાના લાંબા સિલ્ક-ગાઉનમાં ભરાઈ ગયો. ગાઉન કાગડો થયેલી છત્રીની જેમ વધુ ઊંચકાઈને ઊંધું થઈ જાય એ પહેલાં મેં એને ઘૂંટણ પાસેથી પકડી લીધી; વળગી પડ્યો. ‘તું મીરાલિકા છે, મેરેલીન મનરો નહિ, ઇડિયટ!’ હું ચીઢવાયો. ‘અમુક લોકોનું મર્યા પછી પણ મગજ નથી ચાલતું!’ મને એ નહિ સમજાયું કે એણે આવા ગોથિક-ટાઇપના કપડાં પહેરીને ડુંગર ચઢવાની શી જરૂર હતી! પછી મને યાદ આવ્યું, મરતી વખતે એણે આ જ કપડાં પહેર્યા હતાં.

હું એને વળગેલો જ રહ્યો. કાલી આવે તો જલ્દી આને બાટલીમાં પૂરે. પણ એ ખરા વખતે જ ખાલી થવા જતી રહેતી. ‘હમણાં આવું...’ કરીને ગયેલી તંત્રિકા પાછી ફરી જ નહિ. હવે મારાથી તો મીરાલિકાને ઊંચકીને ખાઈમાં ફેંકી દેવાય નહિ! ના, વજન તો ખાસ નહિ એનું, હશે પિસ્તાળીસેક કિલો. એટલું તો હું ઊંચકી કાઢું. પણ ગમે તેમ તોયે ભૂતપૂર્વ પ્રેમિકા. જોકે મેં આટલા દિવસ પૂર્વ દિશામાં પથારી કરી હતી એટલે એ પૂર્વની દશા તો નીકળી ગઈ ને આ રહી ગઈ માત્ર ભૂત-પ્રેમિકા.

પણ કાલી ક્યાં? એક તો એડવાન્સ આપેલા એને.

‘એક રસ્તો છે મારાથી પીછો છોડાવવાનો.’ ઓચિંતી જ મીરાલિકા બોલી. મેં ઊંચે જોયું, એણે નીચે. પણ મેં એના બંને ઘૂંટણ ફરતે વીંટાળેલા હાથ છોડ્યા નહિ. ભાગી ગઈ તો? ‘જો તું પણ અહીંથી ખાઈમાં કૂદી પડતો હોય તો હું તારો પીછો હંમેશા માટે છોડી દઉં. છે, મંજૂર?’ એણે ચેલેન્જ ફેંકી.

આ ગર્લફેન્ડો આપણને ઉલ્લુ જ બનાવ્યા કરતી હોય! મર્યા પછી પણ આદત નહિ છૂટે! હું કૂદી પડું તો નીચે છકડાવાળો ઊભો છે તે ખાલી-ખોટો જ રાહ જોયા કરેને!

‘તું દિશાનો વિચાર કર; તારી નવી ગર્લફ્રેન્ડ. મારાથી છુટકારો મળશે તો પછી એ હેરાન નહિ થાય. નહિ તો હવે જીવડું નહિ, ડ્રોન બનીને આવીશ. વિચાર ડ્રોન ક્યાં ક્યાં ઘૂસી શકે!’ હું થથરી ગયો. આ પ્રેમિકા છે કે પાકિસ્તાની? ‘ડર નહિ!’ એ બોલી, ‘તું કૂદે પછી હું તને પકડી લઈશ. મારે જોવું છે, તું તારી પ્રેમિકા માટે ખાઈમાં કૂદવા તૈયાર થાય છે કે નહિ!’

‘પણ તું ઊડતી ઊડતી આવી જ નહિ તો?’

‘આવીશ. વિશ્વાસ રાખ.’

દિશાને ખાતર હવે મારી પાસે કોઈ વિકલ્પ નહોતો, ખાઈમાં કૂદવા સિવાય. કાલીનો તો પડછાયો પણ દેખાતો નહોતો. આખરે મેં એક અજાણી દિશામાં પડતું મૂક્યું. હું જાણે કે હવાસાગરમાં તરવા માંડ્યો. આમથી તેમ ઝૂલી રહ્યો હતો. સતત નીચે જઈ રહ્યો હતો, ખાઈમાં ફેલાયેલા ઘનઘોર જંગલ તરફ. મારા કાંડે પુકપુક થવા લાગ્યું. મેં આમતેમ ફાંફા માર્યા. મીરાલિકા આવી નહિને હજી મને પકડવા! હું જમીન સાથે અફળાઈ પડવાની તૈયારીમાં હતો. પણ ઓચિંતું જ મારું પોતાનું વજન મને સાવ હલકું લાગવા માંડ્યું. જાણે કે પીછું. ના, મને કોઈએ પકડ્યો નહોતો. હવામાં જ મેં પાછળ ફરીને જોયું. ઊંચે. ખૂબ ઊંચે. શિવાજીના ગોખલા તરફ. મીરાલિકા હજી પણ ત્યાં જ ઊભી હતી. આટલે દૂરથી પણ હું એની આંખો સ્પષ્ટ વાંચી શકતો હતો. એમાં ઉદાસી હતી. એકલતા હતી. સૂકાયેલાં આંસુઓની રૂપેરી વરખ જાણે!

મેં ફરી નીચે જોયું. હું ચોંકી ઊઠ્યો. જંગલી પશુઓએ ફાડી ખાધેલો એક અધૂરો મૃતદેહ પડ્યો હતો. ચહેરો સાવ ખવાઈ ચૂક્યો હતો. આજુબાજુ મોબાઇલ, પર્સ, બ્રેસલેટ પડ્યાં હતાં. ઓહ્હ! મારાથી નિસાસો મૂકાઈ ગયો. આ તો મારો મોબાઇલ! પર્સમાંથી મારો આઇડી-કાર્ડવાળો ફોટો મને અચરજથી તાકી રહ્યો હતો. બ્રેસલેટ ઉપર કોતરેલો અંગ્રેજી M હું ભૂલી શકું એમ નહોતો. મૃતદેહ પાસે મારી ચીજવસ્તુઓ પડેલી જોઈને જમીન ઉપર મારા પગ ટેકવાય એ પહેલાં તો પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં ફરી ઉપર નજર કરી. મીરાલિકા બંને હાથ લાંબા કરીને જાણે કે મને બોલાવી રહી હતી. હું આપોઆપ ઉપર તરફ ઊઠવા માંડ્યો, કોઈક હવાઈજહાજ ખરાબ રનવેને કારણે લેન્ડિંગ છોડીને ફરી ટેકઓફ કરી લે એમ. ઝડપી ઉડાન ભરીને હું ઉપર પહોંચી ગયો.

‘નીચે ખીણના જંગલમાં કોઈકનો મૃતદેહ પડ્યો છે!’ મેં મીરાલિકાને કહ્યું, ‘મારા જેવો જ...’

‘તારા જેવો નહિ, ડોબા! એ તારો જ મૃતદેહ છે!’

હું સ્તબ્ધ થઈ ગયો. મને ઊંડો આઘાત લાગ્યો. એટલા માટે નહિ કે મૃતદેહ મારો છે એમ એણે કહ્યું, પણ એણે મને ‘ડોબા’ની ઉપાધી આપી એ મને લાગી આવ્યું.

‘જો, મીરું, તું ખૂબસૂરત છે એનો મતલબ એવો નહિ કે તારે મને ‘ડોબો’ કહેવાનું.’ મેં પણ ચોપડાવી દીધું. હું મૃત્યુ પામ્યો એટલે એવું નહિ કે મારું સ્વમાન પણ મરી પરવાર્યું.

પણ એને મારા ચોપડાવી દેવાથી જરાયે શરમ ન આવી. એમ પાછી એ બહુ બેશરમ. ઊલટું, શરમાઈ તો એ એ વાત ઉપર ગઈ કે મેં એને ખૂબસૂરત કહી. એનો ચહેરો શરમથી સફેદ થઈ ગયો. હા, એનામાં લોહી ૧૧% જ હતું, એટલે ધારેલી લાલાશ ન આવી. જોકે એ હસું-હસું થઈ ગઈ ખરી, પણ પાછું કદાચ એને એવું લાગ્યું હશે કે કોઈના મૃત્યુ ઉપર આમ હસવું જોઈએ નહિ, મૃત વ્યક્તિ સામે ઊભી હોય તો તો નહિ જ. એ ગંભીર થઈને બોલી, ‘હવે તો સ્વીકારી લે, મલ્હાર!’ એ મને વળગી પડી. આ વખતે પેલું ભગત-ભૂવાવાળું નહિ, ઉત્કટતાથી એક પ્રેમિકા એના પ્રેમીને વળગી પડે એવું. ધીમેથી બોલી, ‘સેલ્ફી લેતાં લેતાં તારો પગ લપસ્યો હતો. તું આ ખાઈમાં...’ એ ડૂસકાં ભરવા માંડી. બેસણામાં કોઈક ધીમું ધીમું રડ્યા કરે એવું. એ અવાજ સાંભળીને બેત્રણ કાગડા આસપાસ ચકરાવો લેવા માંડ્યા.

‘પણ મને વિશ્વાસ નથી આવતો કે હું મરી ચૂક્યો છું.’ મેં કહ્યું.

ઓચિંતી જ એ મારાથી અળગી થઈ ગઈ. ‘લાગી શરત?’ આંખો નચાવતાં એ બોલી, ‘સાબિત કરી દઉં કે ખાઈમાં પડેલો મૃતદેહ તારો જ છે; તું મૃત્યુ પામ્યો છે; તો મને ડેનિમનું શોર્ટ્સ લઈ આપવાનું. બોલ, શું કહે?’

મેં પૂછ્યું, ‘જો હું પ્રેત હોઉં તો પછી મને ડુંગર ચઢતા થાક કેમ લાગતો હતો? મને કેમ જીવિત વ્યક્તિ જેવી લાગણીઓ...’

‘કેમકે તેં એ સ્વીકાર્યું જ નથી કે તું મૃત્યુ પામી ચૂક્યો છું. ભલે તને શરીર નહિ હોય પણ એ શરીરને થઈ શકતી પીડા, સંવેદના હજી તારામાં અકબંધ છે.’ મીરાલિકા બોલી. ‘તું મારાથી અળગો થઈ શક્યો જ નથી. તને હકીકતથી વાકેફ કરવા માટે જ મેં તને ખાઈમાં કૂદવા કહ્યું હતું, જેથી તું તારી નજરે જુએ ને સ્વીકારે.’

મને સમજાઈ રહ્યું હતું, મીરાલિકા કેટલી તકલીફમાં હશે! આપણી પાછળ કોઈક પ્રેતની માફક પડી જાય તો જીવવું કેટલું મુશ્કેલ થઈ પડે એ મને સમજાઈ ચૂક્યું હતું. હું મીરાલિકાને વળગ્યો હતો. મારે હવે એનો પીછો છોડી દેવો જોઈએ. એના બોયફ્રેન્ડને જીવડું બનીને સતાવવાનું બંધ કરી દેવું જોઈએ. હું એવા ભ્રમમાં હતો કે એ મારી સાથે આવું બધું કરે છે, પણ આ તો એની માને... હું જ પ્રેત નીકળ્યો!

‘તો પછી કાલી...’ મારાથી ઓચિંતું જ પૂછાઈ ગયું.

‘એને બધી જ ખબર છે. પ્રેત હું નહિ તું છે. એ મને નહિ, તને બોટલમાં કેદ કરવા આવી છે. એણે કોઈક ગોળામાં જોઈ લીધેલું કે આ વિધિ પૂનમના દિવસે એ જગ્યાએ જ શક્ય બની શકશે જ્યાં તારો પગ લપસ્યો હતો.’ મીરાલિકાએ મારા હાથે બંધાયેલું બ્રેસલેટ પથ્થરના ઘાથી તોડી નાખ્યું. ‘લે તારો ફ્રેન્ડશીપ બેલ્ટ, પાગલ! આના લીધે તું કાલીથી બંધાયેલો હતો.’ એણે અમારા બંનેના ઇ-સુરક્ષા-કવચ ખીણમાં ફેંકી દીધાં. ત્રણેય કાગડા એ તરફ ઝપટ્યા.

સૂરજ ડૂબી ચૂક્યો હતો. અમે દોડતાં દોડતાં શિવાજીના ગોખલામાંથી પસાર થઈને જર્જરિત કિલ્લા તરફ ગયાં. કાલી ખૂણામાં એક લોખંડના થાંભલાને વળગેલી હતી. થાંભલો ભીનો થાય એ પહેલાં મીરાલિકાને મેં ત્યાંથી ગુપચૂપ નીકળી જવા જણાવ્યું. આમ પાછી એ કહ્યાગરી, તરત નીકળી પણ ગઈ. હું ખાઈ તરફ નીકળી ગયો. હવામાં તરતા તરતા મેં જોયું, મીરાલિકા પગથિયાં ઉતરી રહી છે. મારે એને કહેવું હતું, નીચે જઈને મારા મોબાઇલનું રિચાર્જ કરાવી દેજે, પણ એ તો...

***સમાપ્ત***

[લેખકીય:

વાર્તામાં ગમ્મત ખાતર તેમજ અભિવ્યક્તિની સ્વતંત્રતા મુજબ એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે જે જોડણીકોશમાં જન્મ્યા નથી, જેમકે - ભૂતડી, પ્રેતની, તાંત્રિકા વગેરે... ઉપરાંત, અંગ્રેજી શબ્દો તેમજ અમુક દ્વિઅર્થી સંવાદોને ભાવકમિત્રો હળવાશથી લે એવી આશા રાખું છું. પ્રસ્તુત વાર્તા થકી કોઈની પણ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો લેખકનો કોઈ જ ઈરાદો નથી.

આભારમ!]

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ