વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લગનનો લાડવો

અમેરિકાનાં ટેક્સાસમાં આવેલી કંપનીમાં આઈ.ટી. ડિપાર્ટમેન્ટમાં કામ કરતા અવિનાશ પટેલ સામે એકાએક એના ઉપરી જોનાથન પ્રગટ થઈ ગયા. લેપટોપમાં માથું ઘુસાડીને બેઠેલો અવિનાશ એમને જોતા જ માનસિક ઉછળ્યો. એને સમજાતું નહોતું કે હંમેશા સોગિયું મોઢું લઈને ફરતા ઉપરીએ આજે હોઠો પર આટલું લાબું પ્લાસ્ટીકિયું સ્મિત કેમ ચોંટાડયું હતું ! બાઘાની જેમ ક્ષણભર એમને તાકતા રહ્યા પછી ખુરશીની સ્પ્રિંગ ઉછળી હોય એમ અવિનાશ ઉભો થઈ ગયો, અને બોલ્યો, " ગુડ મોર્નીગ સર! "

જોનાથને પગના પંજાને એકાદ વેંત ઉંચા કરીને એક પરબીડિયું આગળ ધરતા કહ્યું, " ઓહ! વેરી ગુડ મોર્નીગ એ.પી.! આઇ હેવ અ વેરી ગુડ ન્યૂઝ ફોર યુ! "

જરા અચકાયેલા હાથે જીવતો બૉમ્બ પકડતો હોય એમ અવિનાશે એ ખાખી કવરનો એક છેડો પકડ્યો અને બોલ્યો, " યેહ ! આઈ એમ સો ઇગર ટુ હિયર ધેટ ! "

" યુ આર સિલેકટેડ ટુ ગો ફોર અ મિટિંગ વિથ અવર ન્યુ પ્રોજેકટ હેન્ડલર કમ્પની ઇન ઇન્ડીયા ! " જોનાથને ફરી એક નાનકડો કુદકો લગાવતા કહ્યું.

અવિનાશને લાગ્યું કે હવે એ પણ ઉછળશે ! સળંગ ત્રણ વર્ષથી અહીં ધોળીયાઓ વચ્ચે રહીને તે સફેદ કલરની એલર્જી થઈ જાય એ હદે કંટાળ્યો હતો! મોઢાની બત્રીસી દેખાય એવું સાચુકલું સ્મિત વેરતા તેણે કહ્યું, " ઇટ્સ ઇન્ડિડ એ ગ્રેટ સરપ્રાઈઝ ! થેંક્યું સર ! "

અભિવાદનની વિધિ પતતા જોનાથને કોઈ કંજૂસ મારવાડી વરસાદ બંધ થતા જ છત્રી સંકેલે એમ ઝડપથી પોતાનું સ્મિત સંકેલી લીધું અને ચાલ્યો ગયો.

અવિનાશે ઉત્સાહથી ધ્રુજતા હાથે એ પરબીડિયું ખોલ્યું તો
તેમાં પ્લેનની ટીકીટ અને તેને ઇન્ડિયા મોકલવા માટેનો ઓફિશિયલ કાગળ હતો. પણ તેને સહુથી મોટી ખુશી તો એ જોઈને થઈ કે આ મિટિંગ એના જ શહેરમાં એટલે કે અમદાવાદમાં જ હતી! અવિનાશે ખુલ્લી આંખે જ તેને ઘરે આવેલો જોઈને નાચવા લાગેલા કુટુંબીજનોને પણ જોઈ લીધા જાણે ! પણ પૂરો કાગળ વાંચતા જ તેને લગ્નનાં જમણમાં માણસો વધી જાય ત્યારે રઘવાયાં થઈ જતા રસોઈયા મહારાજ જેવી લાગણી થઈ આવી. તેને જવા અને પરત ફરવા વચ્ચે ફક્ત પાંચ દિવસનો જ સમય મળ્યો હતો.

સવારે છ અને ચાલીસે અમદાવાદ એરપોર્ટ પર પ્લેન ઉતર્યું ત્યારે અવિનાશને એ કોલાહલ પણ વાંસળીની ધૂન જેવો મીઠો લાગ્યો. તેણે ફુગ્ગો ફુલાવતો હોય એમ ફેફસાંને ફુલાવીને વતનની હવા ભરી લીધી. અવિનાશને હતું કે એરપોર્ટની બહાર તેને લેવા કોઈ યુનિફોર્મધારી ડ્રાઇવર હાથમાં તેનાં નામનું સાઈનબોર્ડ લઈને ઉભો હશે! પણ બહાર નીકળતા જ એક ખૂણામાં મોઢું ફુલાવીને ખૂણામાં ઉભેલા લંબગોળ બટાકા જેવા બટકા માણસે સરકારી નિશાળમાં લઇ જવાતી સ્લેટ પકડેલી હતી, જેનાં પર ગરબડીયા અક્ષરોમાં અવિનાશ પટેલનું નામ ગુજરાતીમાં લખેલું હતું. અવિનાશે જઈને પોતાની ઓળખાણ આપી. અમેરિકાથી આવતા સુટેડ બુટેડ સાહેબની જગ્યાએ પેન્ટબુશર્ટમાં આવેલા આ છોકરાને નીચેથી ઉપર સુધી જોઈને તે બટાકાની મોટી આંખો વધુ ફેલાણી, પાનથી લથપથ મોંઢામાંથી સરી પડતા હાસ્યને રોકવા તેણે હોઠને વધુ સંકોર્યા, અને ચાલવા લાગ્યો.

અમેરિકાથી આવી રહેલા કંપની હેડ તરીકે પીઢ માણસની જગ્યાએ આ ગુજરાતી જુવાનિયાને જોતા જ દરવાજે ઊભેલાં કંપની મેનેજર સહિત બધાયે અક્કડ કરી રાખેલી કરોડરજ્જુને ઢીલી મૂકી, અને ઘૂમટો તાણીને બેઠેલી વહુ બહાર ડોકિયું કરે એમ બધાયની ફાંદ ફરી યથાસ્થાને આવી ગયી !

ફૂલોનાં નાનકડાં બુકેને આગળ ધરતાં એક માણસે ઝુકીને અવિનાશને કહ્યું, " હેલો સર, આઈ એમ પટેલ. રમણ પટેલ! "

અવિનાશે જોયું કે રમણભાઈ નામનાં તે એકવડીયાં માણસે માથાનાં અગ્ર ભાગમાંથી વિદાય થઈ રહેલા વાળનાં રિક્ત સ્થાનને ભરવા બેય તરફનાં વાળને આડા પાડીને ઢાંકવા પ્રયાસ કર્યો હતો. જો કે આ પ્રયત્ન પ્રાર્થના ના આવડતી હોય એવા ઠોઠ નિશાળીયા ખાલી હોઠ ફડફડાવે એવો લાગતો હતો! તેના નાનકડા ચહેરા પર સિધાણમાં ઊગી નીકળેલા ગીચ ઘાસ જેવી મૂછો ઉગેલી હતી. અવિનાશને લાગ્યું કે કદાચ મૂછોના ભારને કારણે જ રમણ પટેલનું નાજુક શરીર વારેવારે આગળની તરફ નમી જતું હશે !

પહેલીવાર સાસરે આવેલા જમાઈને જોવા આસપાસનાં લોકો ટોળે વળ્યાં હોય એવી નજરે પોતાને તાકતા માણસો પર એક નજર ફેરવીને અવિનાશે ફરી રમણ પટેલ સામે જોઈને કહ્યું, " ચલો રમણભાઈ, કામ કાજ શરૂ કરીએ."

" હેં ! હાં.. હાં.. યુ ફર્સ્ટ સર ! " આજે ઈંગ્લીશ ડિક્સનેરી પતાવી જ દેવાનાં મૂડમાં હોય એમ ફરી ઈંગ્લીશમાં બોલીને રમણભાઈ આગળ ચાલ્યા.

અમેરિકી કંપનીએ ત્રણ દિવસમાં પતે એમ ધારેલું એ કામ એક જ દિવસમાં નિપટાવીને અવિનાશે રાત્રે આઠ વાગે જ પોતાના વાવટા વીંટતા કહ્યું, " ચલો રમણભાઈ! નીકળું ત્યારે ? "

બટ સર, વૉટ ફાઇનલ ફોર અવર પ્રોજેકટ ? " ફરી ઝુકીને રમણભાઈએ પોતાની બનાવેલી ઈંગ્લીશ ડિક્સનેરી ખોલી.

" ઇટ્સ ડન ડીલ ! આ કામમાં સૂચવ્યા એ ફેરફારો કરજો. અને કામ સમય ઉપર પૂરું કરવા પ્રયાસ કરજો. " ગુજરાતીઓની આરંભે સુરા વાળી કુટેવથી જ્ઞાત અવિનાશે કહ્યું.

અવિનાશ ચાઈનીઝ ભાષામાં બોલતો હોય એમ મુંજવણભર્યો ચહેરો રાખીને રમણભાઈએ સ્મિત કર્યું.

ગુજરાતી અને એ પણ અમદાવાદી હોય ત્યારે કામ પત્યા પછી સુવિધાના નામે મીંડું જ આપે, એ સમજતા અવિનાશે કંપનીની બહાર એકલા પગયાત્રા કરી અને પછી રિક્ષાને હાથ ઉંચો કરીને બોલાવી. સાપ પણ મૂંઝાઈ જાય એવી ઝડપે વાંકાચુકા વણાંકો લેતી રીક્ષા ટ્રાફિક ચીરતી આગળ વધી રહ્યી હતી. અવિનાશ વિચારતો હતો કે પોતાને અચાનક આવેલો જોઈને ઘરે દાદી, મમ્મી, પપ્પા અને નાનકડી બહેન રોમા કેટલા ખુશ થશે !

પોળમાં ઘુસતા જ રીક્ષા રઘવાઈ થઈ. સાંકડી પોળમાં સામસામે આવીને અટકી જતા વાહનધારીઓ એક શેરીમાં રહેતા કૂતરાને જોઈને બીજી શેરીનાં કૂતરા કરે એવું દાંતીયું કરીને જતા રહેતા હતા. અવિનાશને સામે મળતા ચહેરા અજાણ્યા હોવા છતાં પોતીકા લાગતા હતા !

પોળમાં આવેલા એક મકાન પાસે રીક્ષા થોભાવીને ભાડું ચૂકવી રહેલાં અવિનાશને જોઈને ઓટલે બેઠેલાં જમનાબેને ખાતરી કરવા આંખોના કેમેરાને ઔર ઝીણા કરીને જાણે કે ઝૂમ કર્યા અને પછી એ જ અવસ્થામાં બુમ પાડી, " ભઈ! આયો કે ? "

" હાં કાકી ! " પોળનાં પંચાત કરવા માટે કુખ્યાત પાડોશીને જોતા જ અવિનાશ શુકન આવા છે તો આગળ શું થશે એની મુંજવણમાં બોલ્યો.

" તે હેં ભઈ ! સાંભળ્યું છે કે અમેરિકામાં બધાની નોકરી પાછી ખેંચી લે છે હમણાં તો.. " કાકીએ તેમની પંચાત પારાયણ ચાલુ કરી.

" હાં .. હાં.. એ તો મોટા દેશમાં ઉપર નીચે ચાલે રાખે. "

" તે હું શુ કહું છું.. તારી નોકરીનું શું થયું બેટા? " અવિનાશને બેગ લઈને ઘરમાં ઘૂસતો જોઈને જમનાકાકીએ ઝપટથી મુદ્દાનો સવાલ પૂછી લીધો.

" નોકરી ! અરે, એ તો સારી ચાલે છે હો કાકી ! હું તો રજા લઈને તમને બધાને મળવા આયો. સારું આવજો ત્યારે! " અવિનાશે ઝાંપો ખોલીને અંદર પ્રવેશતા કહ્યું.

જમનાકાકીએ તો મનમાં આ ચટપટા ન્યૂઝની હેડલાઈન પણ નક્કી કરી નાંખેલી! ત્યાં એકદમ જ કોથળામાંથી બિલાડુ નીકળેલું જોઈને વીલું મોં કરીને એ બોલ્યા, " લ્યો ત્યારે તો અમારા વડીલોના આશીર્વાદ ફળ્યા હો ભઈ! "

ઘરમાં દાખલ થતા અવિનાશે ખુલ્લા બારણાની પેલે પાર નજર કરી તો આખું ઘર બેસીને રાતનું જમણ લઇ રહ્યું હતું. દાદીનું બોખું મોં વારંવાર હલી રહ્યું હતું, એ પરથી તેને લાગ્યું કે ભાખરી બની હશે !

" શું બન્યું છે જમવામાં ? " અવિનાશે બારણા પાસેથી પૂછ્યું.

અવિનાશનાં મમ્મી સુલોચનાબહેનનો ડાબો હાથ સહુને પીરસવામાં અને જરાક સમય મળતાં જ જમણો હાથ જમવાનું આરોગવામાં વ્યસ્ત હતો. એ એમની આદત મુજબ બોલી ગયા, " રીંગણ-બટાટાનું શાક, શેકેલી ભાખરી ને વઘારેલો ભાત! " પછી ચમકીને પાછળ જોઈને ઉછળ્યા અને ઉભા થતા બુમ પાડી, " અવિડા.. મારા દીકરા ! "

પપ્પા સુકેશભાઈએ છાપામાંથી નજરને સંકોરી અને માથું નમાવીને ચશ્માંની ઉપરની સાઇડેથી બારણા તરફ જોયું. અમેરિકામાં નોકરી કરતાં પુત્રને આમ સામે ઉભેલો જોઈને તે બોલ્યા, " લ્યા, તું કેમ એકાએક આયો ? કાંઈ કહ્યું પણ નહિ હે !"

બધાને પગે લાગતા અવિનાશે કહ્યું, " પપ્પા એમાં તો એવું થયું કે જોબમાંથી અમદાવાદની એક કંપનીમાં આવવાનું થયું તો એ કામ પતાવીને ઘરે આવી ગયો હું. "

" પરણવાની આવડી ઉતાવળ આવી દીકરા ! " દાદીએ બોખું મોં ખોલીને હસતાં કહ્યું.

" હાં, હવે પચીસનો થયો તો પરણવું તો હોય જ ને ! " માતા સુલોચનાબહેને તરત દીકરાનો બચાવ કરતા કહ્યું.

" તે આપણે પણ હવે પરણાવવો જ છે ને ! આ વખતે ભલે લગ્ન કરીને જ જાય. " સુકેશભાઈએ માતાની વાતમાં સુર પુરાવતા કહ્યું.

" કોઈ મને તો કહો કે મારાં આવતા જ આ મેરેજની કેસેટ કેમ ચાલુ કરી દીધી છે તમે બધાએ ? " હાથ મોઢું ધોઈને બધાની સાથે જમવા બેસી ગયેલા અવિનાશે આશ્ચર્યથી પૂછ્યું.

" લે તે જ તો કહ્યું હતું, કે હવે આવે ત્યારે લગ્ન કરી લઈશ.. " માથામાં રહેલાં પાંખા વાળમાં આંગળીઓ ઘુમાવતા સુકેશભાઈ બોલ્યા.

" પણ .. એ તો હું વેકેશનમાં આવું ત્યારે! આ તો ખાલી .. " અવિનાશે પોતાની ક્લીનસેવ દાઢીમાં હાથ ફેરવતા કહ્યું.

દાદીમાં અત્યાર સુધી તો મુક પ્રેક્ષક બની રહેલા, હવે એમણે પીચ સંભાળતા પહેલાં જ બોલે સિક્સ મારતાં કહ્યું, " અવિ મારાં દીકરા, આ બુજાતો દીવડો હવે જાજું નહિ જીવે. ભઈ, તારી વહુના હાથે ગંગાજળ નસીબ થાય એટલું તો કરી દે. "

અવિનાશને નવાઈ લાગી કે ત્રણ ભાખરી અને વાટકો ભરીને શાક હમણાં જ પેટમાં પધરાવી ચૂકેલા દાદીનો ફૂલ ફોર્મમાં ધગધગતો દીવડો ક્યાંયથી ઓળવાય એવું લાગતું તો નહોતું ! છતાંય આખરે ઘરનાં બધાનાં બ્રહ્માસ્ત્રો વપરાતા પરાધીન થયેલાં અવિનાશે એના હાથમાં રહેલું એકમાત્ર સમજાવટનું હથિયાર પણ મુકતાં કહ્યું, " બસ.. ગોતી લાવો છોકરી હું લગ્નની હા કહું છુ. પણ, ચાર જ દિવસ છે મારી પાસે ! "

" હાં ભઈ હાં, આપણે ચાર દિવસમાં છોકરી ગોતીને સબંધ પાકો કરી લઈએ. પછી તું નવરાશે આવીને લગ્ન કરજે બસ ! " વ્યહવારિક જ્ઞાનમાં પાક્કા સુલોચનાબહેને ગણતરી ગણી લીધેલી કે એકવાર સગાઈ જેવું કૈક થઈ જાય તો પછી તો દીકરો જ પરણવા ઉતાવળો થશે !

સગા-વ્હાલાઓ સાથેની વાતચીતમાં કે પ્રસંગમાં જોઈ રખાયેલી છોકરીઓનું લિસ્ટ તૈયાર કરાયું, અને એમાંથી પંદર છોકરીઓ જોવાનું નક્કી થયું. બીજા દિવસની સવારથી છોકરીઓ જોવાની આ ભાગમભાગ ચાલુ કરી દેવાની તૈયારી સાથે સહુએ બાકીનું પ્લાનિંગ ઉંઘમાં સમેટવાનું વિચાર્યુ.

જો કે પટેલોની સવાર કૂકડો બોલે એની રાહ ના જુએ ! સાત વાગ્યા ત્યાં તો આખું ઘર જાણે આજે જ જાન લઈ જવાની હોય એમ રઘવાટમાં અને ઉત્સાહમાં અવિનાશની ભાવિ પત્ની ગોતવા નીકળી પડ્યું. નાનકડી સેન્ટ્રોમાં સુકેશભાઈ એની બાજુમાં બા અને પાછલી સીટમાં અવિનાશ, તેના મમ્મી અને કોલેજીયન બહેન રોમા ગોઠવાઈને પહેલાં પડાવે એટલે કે અરવિંદભાઈના ઘરે પહોંચ્યા.

અરવિંદભાઈનાં ઘરે પહોંચતા જ તે બોલ્યા, " તમે તો બહુ મોડું કર્યું ભઈ. અમારે હેમાલીની માંએ તો પાંચ વાર કહ્યું કે ફોન લગાવો સુકેશભઈને ! "

મોડા પડતા વિદ્યાર્થીઓને શિક્ષક ધમકાવે એવો ઉતાવળીયો આવકાર સાંભળીને અવિનાશના મગજના તાર હલબલી ગયા! પણ સમજુ દાદીએ હોં.. હોં.. કરીને હસી લીધું. તેમને હસતા જોઈને બધાંયે પોતપોતાની બત્રીસી દેખાડી દીધી. યાદ કરી કરીને સગાઓના નામ લઈને ઓળખાણ પાક્કી કરવાની હોડ ચાલી પછી તો.. ત્યાં આ બધી ક્રિયામાં કંટાળતા અવિનાશને ગમે એવી એક વાત બોલાઈ,'લ્યા કોઈ છોકરીને તો બોલાવો!'

ડ્રોઈંગરૂમની પાસે આવેલા રસોડામાં ઉભી રહીને આ વાક્યની જ રાહમાં હોય એમ કન્યા તુરંત જ દ્રશ્યમાન થયી. એનું નામ હેમા હતું. ગોરો રંગ અને માંજરી આંખોવાળી છોકરીને જોઈને અવિનાશને ક્ષણભર થયું કે ભગવાને કદાચ તેનાં માટે જ પોતાને અમેરિકાથી અહીં મોકલ્યો હોઈ શકે!

હાથમાં પકડેલી નાસ્તાની ટ્રે આગળ ધરતાં હેમા બોલી, " લ્યો, બધાય નાસ્તો કરો. "

હેમાનો અવાજ સાંભળીને અવિનાશને લાગ્યું કે એકસાથે કેટલાંય માઇકો વાગ્યા! નાસ્તાની પ્લેટ તરફ આગળ લંબાયેલો સુલોચનાબહેનનો હાથ આગળ વધુ કે પાછો આવું એની મૂંઝવણમાં પડ્યો! દાદીએ જાડા ચશ્માંમાંથી અવાજ આવેલો એ તરફ જોઈને ખાતરી કરી લીધી કે બોલનાર એક જ છે ને !

કન્યાની મમ્મીએ આવેલા મહેમાનોના હેબતાઈ ગયેલા મોઢા જોઈને બચાવકાર્યમાં લાગતા કહ્યું, " મારી દીકરી બાજુના ગામડામાં પ્રાથમિક શિક્ષક છે ને .. સરકારી નોકરી મળી ગયી સામેથી બોલો ! "

જો કે વરપક્ષના લોકોએ પિતા અરવિંદભાઈનાં બુલંદ સુર સાથે તેમની છોકરી હેમાનાં અવાજની સરખામણી કરી લેતા તાળો મળતો લાગ્યો. ફરી હેમા નામનું લાઉડસ્પીકર ગર્જે એ પહેલાં જ કન્યા જોવાનો બાકીનો સમારંભ જલ્દી સમેટીને અવિનાશ એન્ડ ફેમિલી ત્યાંથી રવાના થઈ ગયું !

વિખેરાઈ ગયેલાં ઉત્સાહને ફરી સમેટીને અવિનાશ આખા કુટુંબ સહિત બીજી છોકરી જોવા નવા સરનામે પહોંચ્યો. પરંતુ હજી એ ઘરમાં પ્રવેશવા માટે ઝાંપો ઉઘાડયો ત્યાં સામે જ એક ઉંચા પહોળા કૂતરાની લાલ તગતગતી આંખો અને અણીદાર દાંત વચ્ચેથી લટકતી જીભ દેખાઈ. ફળિયામાં ઉભેલી એક સાવ નાજુક દેખાતી છોકરીએ હાથમાં સુતરના દોરા જેવો પાતળો પટ્ટો ઝાલ્યો હતો, જેનો બીજો છેડો એ ચાર પગવાળા પહાડની ડોકમાં જુલતો હતો.

આટલા બધા માણસોમાં જાણે એ કૂતરો અવિનાશને જ ઓળખતો હોય એમ દોટ મૂકીને તેને ભેટવા ભાગ્યો. છોકરીનો હાથ જરાક ખેંચાણો ત્યાં તેણે '' ઉફ..ગોડ..! ડેની .. સ્ટોપ ડેની.." ની રાડ પાડીને પટ્ટો મૂકી દીધો. જાણે એ છોકરી પોતાની પ્રેમિકા હોય અને અવિનાશ તેને છેડતો કોઈ લોફર એમ એ કૂતરો દસેક મિનિટ સુધી અવિનાશને આસપાસનો આખ્ખો એરિયા ફેરવી ચુક્યો. આખરે થાકેલો હારેલો અવિનાશ જમીન પર પટકાયો ત્યારે એ ચારપગી પહાડે નજીક આવીને તેને સુંઘ્યો, અને પૂંછડી પટપટાવી.

એ દરમ્યાન પોતાના ડોગીની શોધમાં બહાવરા બનેલા યજમાન એવા એ કન્યાનાં પિતા આવીને બોલ્યા, " બેટા અમારો ડેની આવનાર દરેકને સુંધીને પછી જ ઘરમાં આવવા દે છે. તમે નાહકનાં ગભરાયા ! અમારી દીકરીએ ડેનીને બધી જ મેનર્સ શીખવી છે. ભાઈ માને છે આને, બોલો ! "

રસ્તા પર પડીને ધૂળભર્યો બનેલો અવિનાશ લંગડાતા પગે ઉભો થતા મનમાં બબડયો, " આમની દીકરી રાખડી બાંધે છે આ કૂતરાને ! નાં.. નાં.. આવો સાળો બિલકુલ નહિ ફાવે ! બકા, વાવટા વીંટો અહીંથી ! "

એ પછી યજમાને આગ્રહ કર્યો છતાં અવિનાશ ફરી એ ઝાંપાની બાઉન્ડ્રી ક્રોસ ના જ કરી શક્યો! પહેલા ઈસ્ત્રી ટાઈટ કપડાં જેવો કડક લાગતો અવિનાશ હવે અસંખ્ય વાર ધોવાઈ ગયેલા મ્હોંતા જેવો થઈ ગયેલો, તેથી બાકીની છોકરીઓ જોવાનો પ્રોગ્રામ સાંજે જ કરશું એમ એકમતથી નક્કી કરીને અવિનાશનું આખું કુટુંબ ઘર તરફ જ રવાના થઈ ગયું.

રાત્રે પથારીમાં પડેલા અવિનાશને આજે અમેરિકાથી આવ્યા પછી પહેલીવાર અમેરિકા યાદ આવ્યું હતું, અને યાદ આવી હતી ઓફિસમાં તેની જુનિયર તરીકે કામ કરતી છોકરી શ્વેતા ! આમ તો શ્વેતાને અમેરિકામાં અવિનાશની કંપનીમાં જોબ મળી એ વાતને ચાર મહિના વીતી ગયેલા, પરંતુ હજી એ સુંદર યુવતી સાથે સામાન્ય દોસ્તીથી વધુ આગળ કાંઇ શકયતા તે વિકસાવી નહોતો શક્યો. કદાચ એટલે જ ગમી ગયેલી એ સુંદરી વિશે વિચારતા તે મુંજાતો કે, ક્યાંક દ્રાક્ષ ખાટી વાળો ઘાટ ના થાય!

બીજા દિવસે ફરી નવા નક્કોર કપડાં અને મોઢા પર હરખ ચોપડીને અવિનાશ, સુકેશભાઈ, સુલોચનાબહેન, દાદી અને રોમા લગ્નોત્સુક ફોરેનવાસી મુરતિયા માટે કન્યા શોધવાનું અભિયાન આરંભ્યું. એક મોટા ડેલાબંધ મકાનમાં પટેલ ફેમિલી દાખલ થયું, ત્યારે ખાટલા પાથરીને બેઠેલા થોકબંધ પટેલ પુરુષો અને કપડાને ધોકા મારીને ઉજળા બનાવવા કે જેના કપડાં હોય એનાં પર આડકતરી દાઝ કાઢવા મથતી પટલાણીઓ દેખાઈ ! અને અર્ધા કપડા પહેરેલાં અગણિત છોકરાઓ દેખાયા. અવિનાશને લાગ્યું કે આ માણસોની વસ્તી એકાદ નાનકડાં ગામડા જેટલી તો ચોક્કસ હોવાની! જ્યારે સુકેશભાઈ વિચારતા હતા કે આ ઘરના સભ્યોનું રેશનકાર્ડ પણ નાનકડી ફાઇલ જેટલું બન્યું હશે !

ઘઉંવર્ણી ઉંજ્જ્વલા નામની કન્યા એક હાથમાં મોટી ચાની કીટલી અને બીજા હાથની હથેળીઓ પર હારબંધ રકાબીઓ લઈને આવી. અવિનાશને લાગ્યું કે કદાચ તડકામાં છોકરી શ્યામળી લાગતી હશે, બાકી સાવ એવું નહિ હોય! આખરે નામ જ ઉજ્જ્વલા રાખેલું છે, તો કૈક વ્યાજબી કારણો તો હશે જ ને !

સુલોચનાબહેનને આ છોકરી મજબૂત બાંધાવાળી અને ઘરરખ્ખું લાગી, એમણે ધીમેથી સાચવીને ભાવિ સબંધી બનવા જવાના દાવેદાર કુટુંબને પૂછ્યું, " છોકરાઓને જરા વાત કરવા દઈશું હે ને ! શું કહો છો ? "

આ ડેલીબંધ વિશાળ મકાનનાં આંગણમાં જ ગોઠવાઈ ગયેલા કુટુંબે એકમતે હકાર ભણ્યો અને અવિનાશ અને ઉજ્જ્વલાને મકાનનાં ખૂણે આવેલા આંબાના ઝાડને જોવા મોકલ્યા.

અવિનાશે મોકો જોઈને પૂછ્યું, " તમને મારી સાથે અમેરિકા રહેવું ફાવશે ને ? "

ઉજ્જ્વલાએ આ સાંભળતા જ ગુફા જેવું મોં ખોલ્યું, અને મોટેથી ભેંકડો તાણ્યો ! આટલાં સ્ત્રીવૃંદમાંથી એક પળમાં પોતાની માતાને ગોતીને તે એવી રીતે રડવા લાગી કે જાણે અત્યારે જ વિદાય હોય ! દીકરીને રડતી જોઈને ભાવુક બનેલી માંએ પણ રુદન આરંભ્યું. એમના રૂદનગાનમાં સાથ આપવા પછી તો કાકી, ભાભી, બહેન એમ સર્વેએ સુર પુરાવ્યો. આ સામૂહિક દુઃખને જોઈને એક સમયે તો અવિનાશને લાગ્યું કે તે પોતે પણ રડી પડશે !

આખરે એ યજમાન કુટુંબે નક્કી કર્યું કે, તેમની દીકરી અમેરિકા જવાની વાતથી જ દુઃખી થઈ ગયી છે એટલે લાગતું નથી કે વાત આગળ વધારવી જોઈએ.

ચાર દિવસો સુધી આમ જ સેન્ટ્રો કારમાં સવાર થઈને અવિનાશનું કુટુંબ કન્યારત્નની શોધમાં નીકળતું રહ્યું. પરંતુ ક્યાંક અવિનાશ પોતે ના કહેતો, તો ક્યાંક સામેથી થતા અજીબ વર્તનથી ના કહેવાની ફરજ પડતી જ દેખાતી રહ્યી! રોજ ગાડીમાં બેસીને ઉછળકુદ થવાથી કમરનાં દુખાવાનો ભોગ બનેલા દાદીને પણ હવે લાગતું હતું કે અવિનાશ લગ્ન ના કરે તો પણ તેમનાથી જીવી જવાશે, પરંતુ જો આમ જ વહુ શોધો અભિયાન હજી થોડા દિવસ પુરજોશમાં ચાલ્યું તો જરૂર તેમની કાયાનાં દિવડામાં તિરાડ પડી જશે! સુલોચનાબહેનનો વહુરાણી ગોતવાનો ઉત્સાહ પણ જરાક તો મોળો પડેલો. તો સુકેશભાઈ ચાર દિવસમાં થઈ ગયેલા પેટ્રોલનાં તોતિંગ ખર્ચાથી દુઃખી હતા.

અવિનાશને અમેરિકા જવાનું હતું તેની આગલી સાંજે રસ નીકળેલી શેરડીના કુચા જેવા નીરસ બનીને બેઠેલા તેનો મોબાઈલ ગાજવા લાગ્યો. સ્ક્રીન પર ચમકતું શ્વેતા મહેતા નામ વાંચીને અવિનાશની આંખોમાં ચમક આવી ગયી. તે ઉપરના માળે આવેલાં પોતાનાં રૂમ તરફ ભાગ્યો અને કોલ ઉપાડ્યો. શ્વેતાએ અભિનંદન આપતા શુભ સમાચાર આપ્યા કે આ કામ પતાવીને તે પાછો આવે ત્યારે કંપનીવાળા તેને પ્રમોશન આપવાનાં છે, એવાં ન્યૂઝ મળ્યા છે.

એક તો શ્વેતાનો સામેથી ફોન આવ્યો, અને એમાંય આવા સરસ સમાચાર સાથે! તેથી હરખાઈ ઉઠેલો અવિનાશ વાતવાતમાં બોલ્યો કે તેને આટલાં દિવસમાં ઓફીસ બહુ યાદ આવતી હતી.

"અચ્છા ! ફક્ત ઓફીસ જ યાદ આવતી હતી કે ઓફિસમાં કામ કરતા અમારા જેવા ફ્રેન્ડ પણ યાદ આવેલા? શ્વેતાએ શરમ મિશ્રીત અવાજમાં પૂછ્યું.

જવાબમાં અવિનાશે પણ ડાયલોગ ઝીકતાં કહ્યું, " શ્વેતા તું એ ઓફિસમાં છે એટલે તો ઓફીસ યાદ આવતી હતી! "

એક ઘેટાં પાછળ બીજું દોરવાય એમ પછી એક કલાક સુધી અવિનાશ અને શ્વેતાની વાતો ચાલતી રહ્યી. કલાક પછી નીચે આવીને વિલા મોઢે બેઠેલા પોતાના ઘરનાઓ સામે હોઠ ખેંચાય એટલા ખેંચીને હસતા અવિનાશે કહ્યું, " મારી સાથે લગ્ન કરવા રાજી હોય એવી છોકરી મળી ગયી છે! "

આટલું સાંભળતા જ દાદી, પિતા અને માતાને મૂંગા મોઢે તૈયાર થવા જતા જોઈને અવિનાશ હસી પડ્યો, અને બોલ્યો, "પણ એ છોકરી અહીંયા નથી, અમેરિકામાં છે ! બોલો ક્યારે આવશો છોકરી જોવા ? "

સહુના મોઢા પર પરદેશમાં છોકરી જોવા જવામાં કેટલી મુશ્કેલી આવશે એની ભીતિ છવાઈ ગયી ! છતાંય હસતા અવિનાશને જોઈને સહુ હસી પડ્યા.

▪️▪️▪️▪️▪️▪️સમાપ્ત ▪️▪️▪️▪️▪️▪️▪️

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ