વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

છેલ્લી ટપાલ


હું અવાક્ બની ઊભી હતી. મારાં પતિદેવ સોનેરી‌ ફ્રેમના ચશ્મા ઉતારી માથું પકડી બેઠાં હતાં. અમે એકબીજા સાથે નજર નહોતાં મિલાવી શકીએ તેમ. આવું શક્ય જ નહોતું. એ કેવી રીતે બને?


"હજુ તમને મારી વાત પર ભરોસો નથી ને? નહીં જ કરો.. ખબર જ હતી." એ બોલી રહી હતી. એની ચળકતી બદામી‌ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ આકર્ષક લાગતા હતા. એનાં અંગોના વળાંક મને યાદ અપાવતા હતાં કે જે હું આ પાછળનાં કેટલાક વર્ષોમાં ગુમાવી ચૂકી હતી. હવે બેડોળ બનેલું શરીર અને ગાઉનમાંથી આવતી પરસેવા મિશ્રિત રસોડાની સુગંધ મને સપનાં જોવાથી પણ રોકતી હતી. રસોડામાંથી કૂકરની સીટી વાગી અને દાળની સુગંધ ચારેકોર ફેલાઈ. બહારથી આવતી એંઠવાડની વાસ થોડીવાર એ સુગંધમાં અટવાઈ ગઈ.


મારાં પતિદેવનું બહાર નીકળેલું પેટ પણ જાણે મજબૂરીમાં આ બેડોળ શરીર સાથે જોડાયેલું હતું. સાચું કહું તો અમે બંને એકબીજાને જાણે બિલકુલ જાણતા ન હતા. આ કોઈ સ્ત્રી ક્યાંકથી આવીને ઊભી હતી અને અમારાં બંનેનાં કાચા ચિઠ્ઠા જેવાં સિક્રેટ ખોલી રહી હતી. હું એટલી હદે મૂંઝવણમાં હતી કે સમજાતું જ નહોતું કે મારે શું પગલું લેવું જોઈએ? 


બન્યું હતું એવું કે આજે સવારે બાળકોના શાળાએ ગયા પછી અને હા બાના પણ દિયરને ઘેર ગયાં પછી રોજિંદી જિંદગીમાં અટવાયેલા હું અને પતિદેવ  અનિરુદ્ધ આ એકાંતનો ઉપયોગ કરવાનો ભૂલી એકબીજાને જવાબદારીઓ યાદ કરાવી રહ્યા હતા. દિવાળીની સફાઈ કરવાની હતી એ થાક મને સવારથી લાગી રહ્યો હતો.

"હજુ સુધી કામ શરૂ કર્યું નથી અને બહાર ખાવાનાં નખરાં ચાલુ." 


"તે વર્ષમાં એક જ વાર વગર કોઈ દલીલને તમે તૈયાર થાવ છો, બાકી આ રસોડામાંથી આમને રજા મળે છે જ ક્યાં?"


"એમ કહીને જ વર્ષમાં કેટલીયે વખત બહાર જમવાના બહાનાં હોય છે તમારાં બૈરાઓના." 


"ડહાપણ કરવું હોય તો જાતે રજા લો અને સાફસફાઈ કરો. મેં કંઈ ટેકો નથી લીધો." 


અનિરુદ્ધ કંઈ જ બોલ્યા વગર ટિફિનની રાહ જોઈ ઊભાં રહ્યાં. 

 અનિરુદ્ધને ટિફિન આપી સાંજના વાળુ માટે શું કરવું એની કચકચ કરતાં જ હતાં કે બારણે ટકોરા પડ્યા. એ સમયે કોઈ મહેમાન આવ્યું સમજી મેં મોં મચકોડીને દરવાજો ખોલ્યો. પણ એ વખતે મને ખબર નહોતી કે અમારી જિંદગીનું સૌથી મોટું વાવાઝોડું અમારાં બારણે ટકોરા મારી રહ્યું છે.

આમ‌ અચાનક કોઈ આપણાં ઘેર આવી ચડે એ પણ સવારે સાત વાગ્યે તો આપણને નવાઈ તો લાગે જ ને..? અમને પણ એવું જ થયું. ‌

સવાર સવારમાં અમારાં વચ્ચે ચાલી રહેલી નોકઝોક મૂકી અમે આવનાર આગંતુકને ઓળખવામાં જ વ્યસ્ત થઈ ગઈ. 


એ આવનાર સ્ત્રીને જોઇને કટાક્ષમાં અનિરુદ્ધ બોલ્યા, “ મૃદુલા આટલાં વર્ષેય તારાં પિયરિયાંને આવવાનો સમય સમજમાં નથી આવતો નહીં? “

હજુ તો નક્કી નહોતું થયું કે આ મારાં પિયરથી જ છે તો પણ આ માણસ જુઓ..

“એવું તો અનિરુદ્ધ તમારા ઘરનાં પણ ક્યાં શરમ ભરે છે? બધાં જમીને ઊભા થયા હોય પછી પણ મૃદુલાએ કેટલીયે વાર જમવાનું ક્યાં નથી બનાવ્યું?” મારાં જવાબ આપતાં પહેલાં જ એ આવનાર સ્ત્રી બોલી ઊઠી. હું મનોમન વિચારી રહી. ‘આખરે આ કોણ હશે? દિનુ કાકાની પારૂલ? ના એ તો બહુ જાડી છે... તો પછી સરોજમાસીની કાવ્યા? ના... પણ... એ તો બહુ કાળી છે.  આમ કંઈ સાસરિયા વહુનાં ઉપરાણા થોડી લે? નક્કી આ મારાં પિયરનો જ પવન..’ 


અનિરુદ્ધ પેલી સુંદર સ્ત્રીનાં આવાં તીખાં બાણથી ચચરી ઉઠ્યા. એ ગુસ્સે થઈ ગયા, “ એટલે આ તારી બહેન પિયરમાં મારી બુરાઈ કરવા જ આવે છે?” 


એમની સળગતી નજરોથી બચવા હું પેલી સ્ત્રીની સોડમાં લપાઈ. અને એને નજીકથી ઓળખવાનો પ્રયત્ન કરવાં માંડી. 

“હું એની બહેન નથી. મારે મૃદુલા સાથે કોઈ જ સંબંધ નથી. મારે તો તમારી સાથે સંબંધ છે.” 

હું અને અનિરુદ્ધ એકબીજાંની સામે જોઈ રહ્યા. હવે અનિરુદ્ધનો મૂઝાવાનો વારો હતો. 

‘આ વળી એવું કયું સાસરિયું ઊભું થયું છે મારો પક્ષ લે છે? અને આ આટલો સમય હતું ક્યાં?’ 


અનિરુદ્ધ એ સ્ત્રીના અંગેઅંગ અને આકારે આકારને તપાસી રહ્યા. એમની આંખમાં મને સવાલના સાપોલિયા સળવળતા દેખાતા હતા. હવે મને મજા આવી રહી હતી. આજે મારે દિવાળીની સફાઈ કરવાની હતી પણ હવે હું મજાથી એ કામ કરીશ. 


“કેમ? ના ઓળખી મને? કાંઈ વાંધો નહીં. ઓળખી જશો. મૃદુલા મારી એક મિત્રને તમારી સાથે સંબંધ છે. એ કહેતી હતી કે તમને તમારી સાસુ બહુ હેરાન કરે છે. તમને હેરાન કરે છે એનો તમને કોઈ વાંધો નથી. પણ એ તમારાં પ્રિય તમારા પતિને હેરાન કરે છે , એમને ઉલ્લૂ બનાવે છે એ તમને તકલીફ પડે છે...?” 

આમ અચાનક બાજી પલટાતાં જોઈ હું બઘવાઈ ગઈ. મને મમ્મી યાદ આવી. ‘આ વાત તો મેં ફક્ત મમ્મીને લખેલી... ‘ હવે મારી મજાને ગ્રહણ લાગ્યું હતું. લગ્નના શરૂઆતના વર્ષોમાં સાસુમા અનિરુદ્ધને બે દિવસની  ઠંડી ભાખરી પધરાવતા જોયાં ત્યારે આ જ પ્રતિભાવ આવેલો. 


“ક્યાંના છો તમે? “ અનિરુદ્ધનાં સવાલે વધુ રહસ્યનાં ઘટસ્ફોટ રોકી લીધા હોય એમ મને શાંતિ વળી.

“એ બધું જવા દો. હું તો દેશ વિદેશ ફરું છું. અગત્યનું એ છે કે હું તમારા મનની વાતો જાણું છું.” એનો જવાબ સાંભળી હું ફફડી ઊઠી. અરે! હવે તમે જ કહો... , આપણાં મનમાં તો કંઈ કેટલાય રહસ્યો ન હોય? અરે મેં તો મારા સાસુને મારી નાંખવાની વાત પણ વિચારી હતી. એનાંથી પણ વધારે એક વખત ગુસ્સો આવેલો તો અનિરુદ્ધને ધોઈ નાખવાનું પણ મન..... અને મારે લગ્ન પછી આટલાં જલ્દી બાળકો નહોતાં જોઈતાં. મને બાળકોની જવાબદારી નહોતી લેવી. 


મન તો ઘણી ઘણી ઇચ્છાઓ કરતાં, પણ એ બધું સાચું થોડું કરાય? 


‘પણ આવું કંઈક અનિરુદ્ધ વિશે પણ હશે ને? મારું નહીં પણ અનિરુદ્ધનું એકલાનું પણ જાણવા મળી જાય તો બતાવી દઉં બધાને.’ 


“બીજાને બતાવી દો કે નહીં. હું તમને તમારા મન સુધી ચોક્કસ પહોચાડીશ અને તમને ચોક્કસ બતાવી દઈશ.” એ સ્ત્રીએ જાણે મારા મનનો પડઘો પાડયો. હું અને અનિરુદ્ધ બંને ચોંકી ગયા. એટલે અમે બંને એ જ વિચારી રહ્યા હતાં? 


“તમને યાદ છે અનિરુદ્ધ? પેલી ભૂમિ? તમારી સાથે અગિયારમામાં ભણતી હતી?” એ સ્ત્રીનાં મોંઢે આમ કોઈ પરસ્ત્રીનું નામ‌ સાંભળી મારાં કાન સરવા થયા.

અનિરુદ્ધ ફીકા પડી ગયા. એમનાં મગજમાં ઉઠેલ ઝંઝાવાત હું અનુભવી શક્તી હતી. છતાં મને એ ભૂમિ સાથે અનિરુદ્ધનાં શું સંબંધો હતાં એ જાણવામાં વધુ રસ હતો. 


“અને તમને પેલો રાજીવ યાદ છે, મૃદુલા? “


હું હબક ખાઈ ગઈ. મારાથી ત્યાં ઊભાં રહેવું મુશ્કેલ બની ગયું. હું અવાક્ બની ઊભી હતી. 


“હું સાચે આ બંને વિશે જાણું છું. તમને મારાં પર ભરોસો નથી બેસતો ને? ખબર હતી મને તમે મારી વાત નહીં જ માનો. “ એ સ્ત્રી બોલી. 


‘ના... એવું ન બને...એ કેવી રીતે? આ વાત તો મેં... કોઈનેય નથી કરી ફ્ક્ત એક જ જગ્યાએ... ‘ 


“બબૂચક છે તું .. તારું ડાચું જોયું છે કહી જેનાં પ્રેમને ઉતારી પાડ્યો હતો અને ધનદોલતના ત્રાજવે તોલ્યો હતો એ રાજીવ કારગિલ વોરમાં દેશભરનો હીરો બન્યો ત્યારે તમને એને છોડ્યાનો અફસોસ‌ નહોતો થયો મૃદુલા?” 


મારી આંખોમાં ઝળઝળીયાં આવી ગયા. એ ઝળઝળીયાં વચ્ચે મને રાજીવનો માસૂમ ચહેરો દેખાયો. 


ડાઇનિંગ ટેબલ પર સોનેરી ફ્રેમના ચશ્મા ઉતારી માથું પકડી બેઠેલા અનિરુદ્ધ હજુ શૂન્યમનસ્ક હતાં. 


“તું તો પાછી જ આવવાની છું એમ કહેનાર તમે એનાં સૌથી નજીકનાં દોસ્ત તમારી મજાક ને સાચી બનતી ન જોઈ શક્યા કે ન એ આઘાતમાં મૃત્યુ પામેલી ભૂમિ પાસે માફી માંગી શક્યા.” 


હવે મારાં માટે આશ્ચર્ય હતું.મારા પતિદેવ.. મારું અભિમાન.. મારું સુરક્ષા કવચ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યું હતું. એક નાનાં બાળકની જેમ રડતાં મારાં અનિરુદ્ધ મને એકદમ નિશ્ચલ લાગ્યાં. 


“તમે કોણ છો? શું કામ આવ્યા છો અહીં? “ મારાથી એમને આમ રડતા ન જોઈ શકાયું અને પૂછાઈ ગયું.

“ તમે પોતાની જાતને માફ કરી એકબીજાનાં પ્રેમને સ્વીકારશો તો તમારે પત્ર લખવાની જરૂર નહીં પડે કે મને માફ કરજે મૃદુલા.. પણ મમ્મીની ઉંમરના હિસાબે હું એમનો પક્ષ લઉં છું.... કે પછી અનિરુદ્ધ મને માફ કરજો પણ આ તમારી માની કચકચના લીધે આજે મેં જાણી જોઈને શાક બાળી કાઢ્યું છે.” 


“પણ આ પત્રો તો મેં પોસ્ટ જ નથી કર્યાં.” અમે બંને એકસાથે બોલી ઉઠ્યા. વાત સમજાતાં એકબીજા સામે જોઈ રહ્યા.


“ હા તો હું એ જ છું તમારી છેલ્લી ન મોકલાયેલી ટપાલ..” 


એ વાવાઝોડું એની ચળકતી બદામી સાડીનો પાલવ લહેરાવી દરવાજા બહાર નીકળતા નીકળતા બોલી. 


“હવે મને મોડું થાય છે. હજુ ઘણાનાં મનની સફાઈ બાકી છે. દિવાળી આવે છે.” 


હું અને અનિરુદ્ધ એકબીજાંની સામે જોઈ રહ્યા. અમે સ્મિતની આપ લે કરી. મેં ગીત ગણગણવાનું શરુ કર્યું અને અનિરુદ્ધ હલકાં થયેલાં હ્રદયની સાથે નોકરીએ જવા નીકળ્યા. 


બધું એકદમ સુંદર થઈ ગયું દિવાળી આવે છે ને?

%%%

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ