વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગુફાનું રહસ્ય

આશરે પાંચ હાજર વર્ષ પહેલાં

 

            સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો અને તેનો અણસાર આપવા પશ્ચિમની દિશામાં લાલાશ ફેલાવી રહ્યો હતો. તે રંગને લીધે તે પહાડીઓની સુંદરતા હજી પણ વધી રહી હતી. વૃક્ષો પણ જાણે તે રંગ જોઇને હસી રહ્યાં હોય તેમ પોતાના પાંદડા ધીમે ધીમે હલાવી રહ્યાં હતાં.

            આવા સુંદર વાતાવરણમાં એક સુંદર લાગતી વ્યક્તિ પોતાનું મોહક સ્મિત વિખેરતી રથમાંથી ઉતરીને દોડવા લાગી. તેના માટે દોડવું એ જાણે નિત્યક્રમ હોય તેમ જરાય પરિશ્રમ વગર આરામથી દોડી રહી હતી. તેનો પીછો કરી રહેલ વ્યક્તિ રીતસર હાંફી રહી હતી અને જોરજોરથી બરાડી રહી હતી. તેનું હાંફવું કદાચ તેના દોડવાના પરિશ્રમને બદલે બરાડા પડવાને લીધે હોય એવું પ્રતીત થઇ રહ્યું હતું. આગળ દોડનાર વ્યક્તિ માટે જાણે પહાડો ઉપર ચડવું એ આસન હોય તેમ તે એક ઊંચા પહાડ ઉપર ચડી ગઈ અને એક ગુફામાં પ્રવેશી ગઈ.

            પાછળ દોડનાર વ્યક્તિના ચહેરા ઉપર સ્મિત આવી ગયું અને તેણે બૂમ પાડીને કહ્યું, “કાયર, હવે ક્યાં ભાગીશ? રણ છોડીને ભાગ્યો અને ગુફામાં ફસાઈ ગયો. હવે મારો સામનો કરે જ છૂટકો. યવન સમ્રાટ કાલયવન સામે કોઈ જીતી ન શકે.” એટલું કહીને અટ્ટહાસ્ય કરવા લાગ્યો.

                સાત હાથ ઊંચો અને પહોળા ખભા ધરાવતા કાલયવનનો વાન સીસમ જેવો શ્યામ હતો. એક હાથીને પણ પછાડી શકે એવી શક્તિ ધરાવતા કાલયવને જરાસંઘના નિમંત્રણ ઉપર પોતાની શક્તિને કસોટી કરવા માટે પોતાની યવન સેના સાથે મથુરા ઉપર આક્રમણ કર્યું. જરાસંઘે શ્રીકૃષ્ણના મલ્લયુદ્ધના દાવ વિષે બહુ વખાણ કર્યા હતાં, તેથી કાલયવને વિચાર્યું હતું કે કોઈ બળીયો યોદ્ધા તેને આવ્હાન આપશે, પણ શ્રીકૃષ્ણ યુદ્ધ કરવાને બદલે રણક્ષેત્રથી ભાગી છુટ્યા અને આ રેવતક પર્વત તરફ આવ્યા હતા. 

            કાલયવન શ્રીકૃષ્ણની પાછળ ગુફામાં પ્રવેશી ગયો. હવે તેના માટે શ્રીકૃષ્ણને હરાવવું આસાન હતું. તે જાણતો હતો કે તે શક્તિશાળી હતો અને તેને કોઈ હરાવી શકવાનું ન હતું. તે ઓછા પ્રકાશમાં તેનાથી ભાગી રહેલા શ્રીકૃષ્ણને શોધવા લાગ્યો. એટલામાં તેનું ધ્યાન શ્રીકૃષ્ણના ઉપવસ્ત્ર તરફ ગયું, જે ગુફાની વચ્ચોવચ્ચ પડ્યું હતું.

            કાલયવને પોતાની આંખી ઝીણી કરી અને કહ્યું, “તો કાયર રણછોડ, મારાથી બચવા માટે ઊંઘવાનો ઢોંગ કરે છે? તું હવે ઉઠી જા અને તારા કાળનો સામનો કર. તું ખોટો પોતાની મહાનતાના બણગા ફૂંકે છે. તારા મથુરાની અને તારી મારી સામે કોઈ વિસાત નથી. જો તું બહાદુર હોય તો ઉઠ અને મારી સામે યુદ્ધ કર.”

            કાલયવનને મૂંઝવણ થવા લાગી કારણ આટલું કહ્યા પછી પણ શ્રીકૃષ્ણે ન ઉઠવાનો અભિગમ દેખાડ્યો અને ન તો હલ્યા. સુતેલા વ્યક્તિ ઉપર વાર કરીને તે યુદ્ધના નિયમનો ભંગ કરવા માગતો નહોતો. તે છતાં તેને ઉઠાડવો રહ્યો, એટલું વિચારીને કાલયવને પોતાના પગથી આડા પડેલા શ્રીકૃષ્ણના પગ ઉપર પ્રહાર કર્યો.

            કાલયવને જોયું કૃષ્ણ ઉઠી રહ્યો છે. તેણે પોતાના આંગળીના ટચાકા ફોડ્યા અને મલ્લયુદ્ધની મુદ્રામાં આવી ગયો, પણ તે આશ્ચર્યમાં પડી ગયો કારણ સુઈ રહેલ વ્યક્તિ કૃષ્ણને બદલે કોઈ અન્ય હતી.

            “કોણ છે?” એટલું કહીને તે વ્યક્તિએ આંખો ખોલીને કાલયવન સામે જોયું અને તે વ્યક્તિને આંખોમાંથી જ્વાળા નીકળી જેને લીધે કાલયવન બળીને ભસ્મ થઇ ગયો. કાલયવનના મૃત્યુ પછી શ્રીકૃષ્ણ એક સ્તંભ પાછળથી બહાર આવ્યા અને તે વ્યક્તિ તરફ જોઇને સ્મિત કર્યું અને હાથ જોડીને કહ્યું, “સૂર્યવંશી મહારાજ મુચુકુંદ, હું યદુવંશી શ્રીકૃષ્ણ આપને પ્રણામ કરું છું.”  

****

 વર્તમાન સમય

            સંપાદક હસમુખ કરોડિયાએ વાર્તા લખીને લાવેલા જયદેવ તરફ જોયું અને કહ્યું, “વાર્તા બહુ સારી લખી છે અને તમારી કલ્પના ગમી, પણ એક ભૂલ રહી ગઈ છે.”

            “કઈ ભૂલ રહી ગઈ છે?”

            “એક તો તમે શ્રીકૃષ્ણ ભગવાનને છેક પર્વતની ઉપર ચઢતા દેખાડ્યા છે, પણ મુચુકુંદની ગુફાઓ તો ગિરનારની તળેટીમાં છે. તે ઉપરાંત શ્રીકૃષ્ણને રથમાંથી ઉતરીને દોડતા બતાવ્યા છે, જયારે પુરાણોમાં લખ્યું છે કે રણમાંથી કૃષ્ણ દોડતા જ પર્વત સુધી ગયા હતા.”

            જયદેવે સ્મિત કર્યું અને કહ્યું, “તમારી વાત સાચી છે હસમુખભાઈ, કે મેં પુરાણો કરતાં થોડું જુદું લખ્યું છે, પણ તમે જ વિચારો કે કોઈ વ્યક્તિ મથુરાથી ગિરનાર સુધી કેવી રીતે દોડી શકે!”

            હસમુખભાઈએ સમજી રહ્યા હોય તેમ માથું હલાવ્યું એટલે જયેદેવે આગળ કહ્યું, “બીજું જો મુચુકુંદ મહારાજ તળેટીની કોઈ ગુફામાં સુઈ રહ્યા હોય તો આ રીતે આટલાં વર્ષ સુધી આરામથી સુઈ ન શકે, કોઈ તો આવી જાય. કોઈ વ્યક્તિ ન આવે તો પણ કોઈ પ્રાણી તો ચોક્કસ આવી શકે. મને તો હજી પણ લાગે છે કે અસલ ગુફા કોઈ ગુપ્ત જગ્યાએ હશે. હાલ જે ગુફા છે, તેમાં કદાચ મુચુકુંદ મહારાજ જાગ્યા પછી આવીને રહ્યા હશે. તે ઉપરાંત તે જે ગુફામાં સુઈ રહ્યા હતા, તેમાં કોઈ રહસ્ય હોવું જોઈએ, કારણ કોઈ આટલાં વર્ષ સુધી ભૂખ્યા પેટે કેવી રીતે સુઈ શકે!” 

            હસમુખભાઈ ખડખડાટ હસી પડ્યા અને કહ્યું, “જયદેવ સાહેબ, તમે પણ કમાલ છો! તમને શું લાગે છે કે કલ્પનાકથા લખવાની શરૂઆત હમણાં જ થઇ છે. મારા હિસાબે તો કલ્પનાકથાઓ તો ઘણા સમયથી લખાઈ રહી છે. આ કથા પણ એમાંની જ એક હશે. મારું ફક્ત એટલું કહેવું છે કે આ વાર્તા જ્યારે અખબારમાં છપાય ત્યારે કોઈ જાતનો ધાર્મિક વિવાદ ન થવી જોઈએ કે લેખકે પુરાણોની કથાઓને તોડીમરોડી છે.”

            જયદેવને ઈચ્છા થઇ આવી કે તેણે જે લખ્યું તે સત્ય છે અને આજ સુધી તેણે જેટલી પણ પૌરાણિક વાર્તાઓ લખી છે, તે સપનાંમાં જોયેલી હતી અને એની મેળે લખાઈ જાય છે. તેને નજરે જોયા વગર એટલું સટીક વર્ણન કઈ રીતે કરી શકે. જયદેવે પોતાની ભાવનાઓ ઉપર કાબુ મેળવ્યો અને હસમુખભાઈ સામે જોઇને કહ્યું, “સારું, હું સુધારાવધારા કરી લઈશ.”

*****

            જયદેવ પોતાની સામાજિક નવલકથાઓ માટે જાણીતો હતો, પણ કોઈ અકળ કારણસર તેના હાથે ફક્ત પૌરાણિક કથાઓ લખાઈ રહી હતી. પાછલા છ મહિનામાં તેણે લગભગ ત્રીસ જેટલી પૌરાણિક વાર્તાઓ અને એક પૌરાણિક નવલકથા લખી હતી. પોતાના ફ્લેટમાં પ્રવેશી રહ્યો હતો, ત્યારે તેના પગ આપોઆપ બાજુમાં રહેતા સુમેરના ફ્લેટ તરફ વળ્યા. ખાંસી ખાતાં સુમેરે જયદેવ માટે દરવાજો ખોલ્યો. જયદેવ અંદર આવ્યા પછી સુમેરે પોતાની ઉધરસ ઉપર કાબુ મેળવીને કહ્યું, “આવો લેખક સાહેબ કેમ છો? આજે કઈ વાર્તા સંભળાવવાના છો?”

            જયદેવે સ્મિત કર્યું અને હોલમાં મુકેલી ખુરસીમાં સ્થાન ગ્રહણ કર્યું. ચાળીસની ઉંમરે પહોંચેલા જયદેવનો પોતાનો કોઈ પરિવાર ન હતો. તેણે પોતાનું સમગ્ર જીવન સાહિત્યને સમર્પિત કર્યું હતું. થોડાં સમય પહેલાં જ સુમેર તેના પડોશમાં રહેવા આવ્યો હતો અને તે પણ તેની જ ઉંમરનો હોવાથી સારી મિત્રતા બંધાઈ હતી.

            જયદેવે પૂછ્યું, “સુમેર, તારા ડોક્ટર શું કહે છે? તારી ટ્રીટમેન્ટ તો બહુ લાંબી ચાલી! તારે ડોક્ટર બદલવો જોઈએ.”

            થોડી ઉધરસ ખાઈને સુમેરે કહ્યું, “જેના નસીબમાં જેટલું આયુષ્ય લખાયું હોય અને જેટલી તકલીફો લખાઈ હોય એ તો ભોગવવી પડે ને! તેમાં કોઈ છૂટકો થોડો છે! ડોક્ટર ફક્ત તેમના તરફથી દવાઓ આપી શકે.” એટલું કહીને એક ખૂણામાં મુકેલી દવાઓ તરફ નજર કરી.

            જયદેવે પોતાનું માથું હલાવ્યું અને કહ્યું, “વાત સાચી છે, પણ આપણે પ્રયત્ન તો કરવો રહ્યો. ડોક્ટર શું કહે છે?”

            “ડોકટરે તો કેન્સર કહ્યું છે, પણ આપ બહુ અફસોસ ન કરો. મેં મારું જીવન સારી રીતે ગુજાર્યું છે. નિયતિને કોણ બદલી શકે છે. હવે મને મોત આવે તો પણ તેનો રંજ નથી.” છેલ્લું વાક્ય કહેતી વખતે સુમેર આડું જોઈ ગયો.

            કેન્સરનું નામ સાંભળીને જયદેવ ધ્રુજી ઉઠ્યો. બહુ થોડા જ સમયમાં સુમેર તેનો સારો મિત્ર હતો, તેને કેન્સર છે એવું સાંભળીને ન ચાહતાં પણ અશ્રુ બહાર ધસી આવ્યાં. જયદેવ લાગણીશીલ લેખક હતો, તે સમજી ગયો કે સુમેર બીજી તરફ જોઇને પોતાનું દુઃખ અને તકલીફ છુપાવે છે. તે પોતે પણ પોતાની નિયતિથી ક્યાં ખુશ હતો. તેનું ભાગ્ય ઉજળું હોત તો તેનો પણ પરિવાર હોત. ઈશ્વરે તેને અધુરો તો ઘડ્યો હતો.

            જયદેવે પોતાના ઉપર કાબુ મેળવ્યો અને કહ્યું, “સારું, આજે મેં એક સરસ વાર્તા લખી છે, તે સંભળાવવા આવ્યો છું. જો કે હસમુખભાઈએ તેમાં થોડા બદલાવ કરવા કહ્યું છે.”

            સુમેરે માથું હલાવ્યું એટલે જયદેવે શ્રીકૃષ્ણ, કાલયવન અને મુચુકુંદ મહારાજ વિષે લખેલી વાર્તા કહેવાની શરૂઆત કરી. વાર્તા પૂર્ણ થયા પછી સુમેરે કહ્યું, “વાહ ! તમારી વાર્તા અદ્ભુત હોય છે. સાંભળીને એમ લાગે કે નજર સામે બધું જોઈ રહ્યા છીએ. જો કે હસમુખભાઈની વાત સાચી છે, તમારે બાકી બધું વર્ણન ગમે તેટલું કાલ્પનિક હોય પણ સ્થળોનું વિવરણ પુરાણોથી અલગ હોવું ન જોઈએ.”

            “હા, બદલાવ તો કરી દઈશ, પણ મન નથી માનતું. કાલે હું તારી સાથે ડોક્ટર પાસે આવીશ. હું ડોક્ટરને પૂછી જોઉં, કોઈ બીજી સારવાર લઇ શકાય એવું હોય તો.” જયદેવે વિષય બદલવા માટે કહ્યું.

            સુમેરે નિરાશામાં માથું ધુણાવ્યું અને કહ્યું, “મેં દરેક પર્યાય વિષે વાત કરી, પણ તેમનું કહેવું છે હવે મારી પાસે જેટલો સમય છે, તે આનંદથી ગુજારવો જોઈએ અને કોઈ મનની અંદર ઈચ્છા હોય તો તે પૂરી કરવી જોઈએ. આ તમારી વાર્તા સાંભળીને મને યાદ આવ્યું કે મને નાનપણમાં ગિરનારની પહાડીઓ ઉપર જવાની  ઈચ્છા થતી. મને લાગે છે મારે એક વાર ત્યાં જવું જોઈએ.”

            જયદેવ વિચારમાં પડી ગયો. ઘણા સમયથી તે સુમેર પાસે આવતો અને પોતાની વાર્તા તેને સંભળાવી તેનો અભિપ્રાય લેતો અને જરૂરી સુધારાવધારા કરી લેતો. તેણે સુમેરને જોઇને કહ્યું, “એક કામ કરીએ, આપણે સાથે જ ત્યાં જઈએ. મારી આમ પણ ઈચ્છા છે, ત્યાં જવાની અને તે અસલ ગુફા શોધવાની.”

            સુમેરે આભારવશ નજરે જયદેવ તરફ જોયું અને જયદેવ ઉભો થઇ ગયો અને કહ્યું, “હું ગોઠવણ કરીને તને જણાવીશ, પણ તું પ્રવાસ કરી શકીશ ને?”

            સુમેર ફકત પ્રેમથી તેની તરફ જોઈ રહ્યો.

****

            જયદેવ ઘરમાં પ્રવેશ્યો, ત્યારે એક કાળો પડછાયો તેણે પોતાની બારીમાં જોયો. જયદેવ દોડીને બારી પાસે ગયો અને બારીની બહાર નજર કરી, પણ નીચે કોઈ ન હતું. કદાચ તેને ભાસ થયો હશે એમ વિચારીને તે ફરી હોલમાં આવ્યો. તેને સુમેર માટે બહુ દુઃખ થયું. તે હંમેશાં વિચારતો કે ઈશ્વરે તેની સાથે અન્યાય કર્યો છે, પણ સુમેરની તકલીફ જોઇને થયું કે તેને સુમેર જેવી  કોઈ વ્યાધી નથી, જે પળેપળે મારી રહી છે.

            તે નાનપણથી પિતાની અવહેલનાનો શિકાર બન્યો હતો. તેને પાવૈયાઓના મઠમાં સોંપી દેવામાં આવ્યો હતો, પણ તે એક રાત્રે ત્યાંથી ભાગવામાં સફળ થયો અને મુંબઈ આવી ગયો. તે વધુ ભણ્યો નહોતો, પણ તેની પાસે વાર્તા કહેવાની કલા હતી. તેણે જીવનમાં જોયેલાં અનુભવો અને ઘટનાઓથી પ્રેરિત થઈને સામાજિક વાર્તાઓ અને નવલકથાઓ લખવાનું શરુ કર્યું અને તેની કઠોર સત્ય કહેતી વાર્તાઓ લોકોને બહુ ગમી અને તેની ગણના સફળ લેખકોમાં થવા લાગી. સફળતા છતાં તેની અધુરપની ભાવના તેને ક્યારેક બહુ દુઃખી કરી દેતી.

            તેણે બાકી ચિંતા મુકીને પોતાના માટે રસોઈ બનવવાનું શરુ કર્યું.

            અડધી રાત્રે અચાનક તેની આંખ ખુલી, તેને લાગ્યું કે કોઈ તેને જગાડી રહ્યું છે. તેણે ઉભા થઈને નાઈટ બલ્બના ઝાંખા પ્રકાશમાં ચારે તરફ જોયું, પણ કોઈ દેખાયું નહીં. હવે તેને તરત ઊંઘ આવવાની નહોતી, તેથી સિગારેટ સળગાવી અને લેપટોપની સામે ગોઠવાયો. તે જોયેલું સ્વપ્ન યાદ કરવા લાગ્યો, પણ કંઇ યાદ ન આવ્યું. તે લેપટોપની ધારીને જોવા લાગ્યો, જાણે તેમાંથી તેના સ્વપ્નની યાદ બહાર આવવાની હોય. અચાનક તેની પાછળ એક હાથ પ્રગટ થયો, જેમાંથી એક લહેર નીકળી અને તેના મસ્તિષ્કમાં સમાઈ ગઈ, તે સાથે જ તેની આંગળીઓ લેપટોપ ઉપર નર્તન કરવા લાગી. એક કલાક પછી તેણે લેપટોપ બંધ કર્યું અને પથારીમાં જઈને સુઈ ગયો.

            સવારે ઉઠીને તેણે આગલી રાત્રે શું થયું, તે યાદ કરવાનો પ્રયત્ન કર્યો. તેને ફક્ત એટલું યાદ આવ્યું કે તે જમીને સુઈ ગયો હતો. તેણે પોતાનું લેપટોપ તપાસ્યું તો ફરી આશ્ચર્યમાં પડી ગયો. મુચુકુંદ મહારાજની વાર્તા પૂર્ણ લખાયેલી હતી. તેણે પાછલાં ત્રણ વર્ષમાં જેટલી સામાજિક વાર્તાઓ લખી હતી, તેનાથી વધુ પૌરાણિક વાર્તાઓ છેલ્લા છ મહિનામાં લખી હતી. વાર્તા તેની જાણ બહાર અડધી રાત્રે લખાઈ જાય છે, એવું કોઈને કહે તો પણ કોઈ વિશ્વાસ કરવાનું નહોતું, તેથી જ તેણે આજ દિન સુધી આ વાત કોઈને જણાવી ન હતી.

***

            તે હસમુખભાઈને મળવા માટે તૈયાર થઈને ઘરેથી નીકળ્યો અને રોજની જેમ તેણે સ્કુટરને બદલે પગપાળા જવાનું નક્કી કર્યું. તેને ઓફીસ પહોંચતા અડધો કલાક લાગવાનો હતો. ચાલતાં ચાલતાં તેને આભાસ થયો કે કોઈ તેની સાથે ચાલી રહ્યું છે. તેણે આજુબાજુ નજર કરી, પણ કોઈ ન હતું. તે ફરી આગળ વધ્યો. રસ્તામાં તેણે ટ્રાવેલ્સવાળાને મળીને ટ્રેનની બે ટીકીટો બૂક કરાવી અને હસમુખભાઈને મળીને પાછો ફર્યો. હમણાથી થતાં આભાસોને લીધે જયદેવ વિમાસણમાં મુકાયો હતો, તેને ખબર નહોતી પડતી કે તેની સાથે શું થઇ રહ્યું છે. કંઇક તો હતું જે તેના જીવનમાં બદલાઈ રહ્યું હતું. સંપૂર્ણ સામાજિક કથાઓ અને પ્રેમ કથાઓ લખતા તેના માથે પૌરાણિક વાર્તા લખનાર લેખકનું છોગું લાગી ગયું હતું, જે તે ક્યારે લખતો તે પણ યાદ નહોતું.

            ઘરે પહોંચીને તેણે સુમેરને જણાવ્યું કે અઠવાડિયા પછી તેઓ ગિરનાર તરફ જવાના હતા. આ સમાચાર સાંભળીને સુમેરના ચહેરા ઉપર સ્મિત આવી ગયું.

***

            મુંબઈથી ટ્રેન નીકળી ગઈ હતી, એક પછી એક સ્ટેશનો પસાર થઇ રહ્યાં હતાં. સુમેરે જયદેવ સામે જોઇને કહ્યું, “લેખક સાહેબ, એક વાર્તા હું તમને કહું.”

            સ્મિત સાથે જયદેવે કહ્યું, “હા હા, કેમ નહિ! મને વાર્તાઓ કહેવાનો જ નહિ સાંભળવાનો પણ શોખ છે.”

            સુમેરે પોતાની વાત શરુ કરી

****

            ઘણા સમય પહેલાંની વાત છે કદાચ બસો કે ત્રણસો વર્ષ પહેલાંની. એક નાનું ગામ હતું, જેમાં એક યુવક રહેતો હતો. તેના પિતા વૈદ્ય હોવાથી, તેનું નામ સુષેણ પાડ્યું હતું. સુષેણના પિતા વૈદ્ય યુગાંધરની ઈચ્છા હતી કે તેમનો પુત્ર તેમનાથી મોટો વૈદ્ય બને, પણ તેને જડીબુટી કે રસાયણને બદલે અગમનિગમ અને અઘોરતંત્રમાં વધુ રસ હતો. એવું નહોતું કે તે પિતા પાસે બેસીને શીખવાનો પ્રયત્ન કરતો નહોતો, પણ તે જડીબુટીનાં નામ ભૂલી જતો. કઈ બીમારીમાં કઈ ઔષધી અપાય તે યાદ ન રહેતું. તેમના ગામથી થોડે દુર એક અઘોરીનો મઠ હતો, જ્યાં તે જઈને તેમની પાસે મંત્રતંત્ર શીખવાનો પ્રયત્ન કરતો.

            તેની વિનવણી સાંભળીને મઠના મહંત પીગળી ગયા, પણ અઘોરી બન્યા સિવાય કોઈને વિદ્યા આપી ન શકાય તેથી સુષેણને કહ્યું, “તારે અઘોરી બનવું હોય તો ઘરબાર છોડીને અમારી પાસે કાયમ માટે આવવું પડશે. તું કાયમ માટે અમારામાં ભળી જવા માંગતો હોય તો જ હું તને વિદ્યા શીખવાડીશ. બાકી તો તું અન્ય લોકોની જેમ અમારી પાસે આવ અને તારું કોઈ કામ હોય તો કરાવી જા.”

            સુષેણને ખબર ન પડી કે શું કરવું જોઈએ. તેને પિતા પ્રત્યે બહુ પ્રેમ હતો. આ રીતે તેમને એકલા છોડવાની હિંમત થતી ન હતી. જેમ જેમ સમય વધતો ગયો, સુષેણના અંતરાત્માનો વિદ્રોહ વધતો ગયો અને એક રાત્રે તેણે પોતાનું ઘર છોડી દીધું અને કાયમ માટે અઘોરીઓના મઠમાં રહેવા આવી ગયો. મઠના ગાદીપતિએ તેને દુર પ્રદેશના એક મઠમાં મોકલી દીધો. એક વર્ષની કઠણ સાધના પછી તેને દીક્ષા આપવામાં આવી અને તેના મંત્રતંત્રની શિક્ષા શરુ થઇ. તે અન્ય અઘોરીઓ કરતાં વધુ હોશિયાર પુરવાર થયો અને થોડાં જ સમયમાં અન્ય અઘોરીઓ કરતાં આગળ નીકળી ગયો.

            એક રાત્રે તેના કાનમાં કોઈ અવાજ પડ્યો. તે અવાજ તેને જાણીતો અને પોતીકો લાગ્યો. થોડી જ વારમાં તેને યાદ આવ્યું કે તે અવાજ તેના પિતાનો હતો. તેના પિતા તેને પોકારી રહ્યા હતા. તેણે ફરી પોતાની આંખો બંધ કરી અને અવાજ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. “દીકરા સુષેણ, મારી પાસે ઓછો સમય છે, તું જલ્દી આવ. ઘણા રહસ્યો છે, જે મારે તને કહેવાનાં છે.”

            સુષેણ તરત ઉભો થઇ ગયો અને પોતાના અઘોર વેશમાં જ ઘર તરફ જવા નીકળી પડ્યો. પાછલાં ચાર વર્ષમાં તેના માથાના વાળ અને દાઢી વધી ગઈ હતી. માથાના વાળનો અંબોડો વાળ્યો હતો અને વિભૂતિથી ખરડાયેલી દાઢી હંમેશની જેમ અસ્તવ્યસ્ત હતી. તેના ચહેરા ઉપર હળદર, ચંદન, વિભૂતિ અને અન્ય પદાર્થોનો લેપ હતો, જેને લીધે તેનો ચહેરો ભયંકર લાગી રહ્યો હતો. તેના હાથમાં એક દંડ હતો, જેની ટોચ ઉપર એક ખોપડી લટકેલી હતી. તેણે પાણી કે આસવ તે ખોપડીમાં જ ગ્રહણ કરવાનો હતો. અમાસની રાત્રે તેણે એ જ ખોપડીમાં રક્ત પણ ગ્રહણ કર્યું હતું. તેની કમર ઉપર ફક્ત એક વસ્ત્ર વીંટાળેલું હતું અને બાકીનું શરીર ઉઘાડું હતું. ચાલતી વખતે તેના ચહેરા ઉપર વ્યગ્રતા હતી અને પિતા સાથે ન રહેવાનો અફસોસ. તેણે પોતાની ઝડપ વધારી. ચાર વર્ષમાં તેણે પોતાની ક્ષમતાઓને વિકસાવી લીધી હતી, પણ પોતાની અધુરપ પૂરી થઇ ન હતી, જેના માટે તે તંત્ર-મંત્ર તરફ આકર્ષાયો હતો.

            બે દિવસના પ્રવાસને અંતે તે પોતાના ગામની નજીક પહોંચી ગયો હતો. તે ગામની સીમમાં પ્રવેશે ત્યાં જ તેનો રસ્તો તેના ગામની નજીકના મઠના ગાદીપતિ અરણ્યકે રોકે રોક્યો અને કહ્યું, “એકવાર દીક્ષા લીધા પછી કોઈ સગપણ રહેતું નથી, તેથી તું પાછો વળી જા.”

            “હું સારી રીતે જાણું છું કે મારે કોઈ પિતા કે કોઈ અન્ય સંબંધી નથી, પણ હૃદયમાં ઉઠેલા પોકારને હું કઈ રીતે અવગણી શકું. મારું તેમને મળવું જરૂરી છે.”

            “યુગાંધરની એ જ નિયતિ છે કે તે મરતી વખતે તારું મુખ જોઈ ન શકે. તેનાં કર્મોની આ સજા છે. તું પાછો વળી જા.”

            સુષણે અરણ્યકની આંખોમાં જોયું અને કહ્યું, “મહાગુરુ, હું આપના શિષ્યનો પણ શિષ્ય છું અને આપનો આદેશ મારા માટે અંતિમ હોવો જોઈએ, પણ મારી અંતરાત્મા કહે છે મારે એકવાર તેમને મળવું જોઈએ. હું આપની પાસે આ એક જ આજ્ઞા માગું છું. આપ મને મરણપથારીએ પડેલા પિતાને મળવા દો.”

            અરણ્યકે આકાશ તરફ જોયું અને કહ્યું, “ભલે, કદાચ તું તેને મળે એ ઈશ્વરની મરજી છે, પણ તું તેની કોઈ ઈચ્છા પૂર્ણ કરવાનો પ્રયાસ ન કરતો. એવું કરવા જઈશ તો તારા ઉપર પ્રહાર કરનાર હું સૌથી પહેલો હોઈશ.”

            સુષેણને જતાં અરણ્યક જોઈ રહ્યો. તેણે છેક ગિરનારમાંથી પોતાનો ડેરો ઉપાડી આ ગામ નજીક પોતાનો મઠ ઉભો કર્યો, તે કારણ અને સંઘર્ષનો હવે અંત આવવાનો હતો. તેણે પોતાના પ્રયાસો વડે જ સુષેણને તેના પિતા યુગાંધરની વિદ્યા શીખવા નહોતી દીધી અને તે માટે બાળપણમાં જ સુષેણને કાપુરુષ બનાવી દીધો હતો અને તેનો ઉપચાર ફક્ત મંત્રતંત્રમાં છે એ તેના મગજમાં ઠસાવી દીધું હતું. તેણે વિચાર્યું કે હવે ઇન્દ્રમુહુર્ત આડે ફક્ત દસ દિવસ બચ્યા છે, મારે ગિરનાર પહોંચવું પડશે અને સુષેણને રોકવાની તૈયારી કરવી પડશે. આ વિચાર સાથે તે એક દિશામાં આગળ વધી ગયો.

            સુષેણ પોતાના ઘરે પહોંચ્યો અને તેણે જોયું કે આજીવન જેમને જરામુક્ત જોયા હતાં તે પિતા અનેક વ્યાધિઓથી ઘેરાયેલા હતા. યુગાંધરે સુષેણને પોતાની નજીક બોલાવ્યો અને કહ્યું, “પુત્ર, હું નથી જાણતો કે હું કેટલો લાયક વૈદ્ય છું, કદાચ બહુ સારો પણ નહોતો. જો એવું હોત તો હું તારી અધુરપ પૂર્ણ કરી શક્યો હોત. મારી અંદર તે ગ્લાની હંમેશાં રહી, પણ કદાચ મારો અંતિમ સમય આવી ગયો છે, તેથી જ હું તને આપણા પરિવારમાં ચાલતું આવેલું રહસ્ય કહેવા માંગુ છું.”

            સુષેણ દિગ્મૂઢ થઈને તેમને જોઈ રહ્યો. યુગાંધરે આગળ કહ્યું, “તું આઠ ચિરંજીવીઓ વિષે જાણે છે?”

            સુષેણે પોતાનું મસ્તક હલાવ્યું અને કહ્યું, “હા બાબા, પુરાણો અનુસાર આ ધરા ઉપર આઠ ચિરંજીવી છે. વેદ વ્યાસ, હનુમાન, પરશુરામ, વિભીષણ, બળી રાજા, કૃપાચાર્ય, માર્કંડેય અને અશ્વત્થામા. એ વાયકા છે કે વાસ્તવિકતા એ હું નથી જાણતો.”

            યુગાંધરે માથું હલાવ્યું અને કહ્યું, “એ બધાં જ હકીકતમાં જીવે છે અને તે અમર છે એ પણ એટલું જ સત્ય છે.”

            સુષેણે હા કે ના કહી તેમની વાતમાં વ્યધાન નાખવું યોગ્ય ન માન્યું અને ફક્ત મસ્તક હલાવ્યું.

            “તેઓ અમર છે, પણ અજર નથી. તે છતાં હજારો વર્ષોથી વ્યાધીમુક્ત રહ્યા છે અને તે કેવી રીતે તે માટે મારે તને એક કથા કહેવી પડશે. આ કથા છે મુચુકુંદ મહારાજની.”

            “મહારાજ મુચુકુંદ એ સુર્યવંશી રાજા માંધાતાના પુત્ર હતા. પરમપ્રતાપી એવા મહારાજ મુચુકુંદને દેવસેના તરફથી દેવાસુર સંગ્રામમાં સેનાપતિ બનવાનું આમંત્રણ મળ્યું, જે તેમણે સહર્ષ સ્વીકાર્યું. અનેક વર્ષો સુધી આ યુદ્ધ અવિરત ચાલતું રહ્યું અને એક ક્ષણની પણ નિંદ્રા વગર મહારાજ મુચુકુંદ દેવસેના તરફથી લડતા રહ્યા. કાર્તિકેયના આગમન પછી ઇન્દ્રે મહારાજ મુચુકુંદને પાછા ફરવાની રજા આપી, પણ સાથે જ કહ્યું કે અહીંની સમયગણના અને ધરતીની સમયગણનામાં ફેર છે, તેથી અત્યારે  કદાચ તમારા પ્રપૌત્રોના પ્રપૌત્રો રાજ કરી રહ્યા છે. હવે આપ કહો આપની  ઈચ્છા શું છે? ત્યારે મુચુકુંદ મહારાજે કહ્યું કે મેં ઘણા સમયથી નિંદ્રા નથી લીધી તો આપ મને નિંદ્રા આપો.”

            “ઇન્દ્રે તથાસ્તુ કહ્યું અને તેમને રેવતક પર્વતની ટોચ નજીક આવેલી એક ગુફામાં મોકલી દીધા. તે ઉપરાંત એવા પણ આશીર્વાદ આપ્યા કે જે કોઈ તેમની નિંદ્રા ભંગ કરશે તેને મુચુકુંદ મહારાજ જોશે એટલે તે બળીને ભસ્મ થઇ જશે. તે છતાં એક પ્રશ્ન રહેતો હતો કે ધરતી ઉપર ઘણાબધાં સુક્ષ્મ જીવો હોય છે, જે મનુષ્યના શરીરને જરાયુક્ત કરે છે. મુચુકુંદ મહારાજ જરામુક્ત અને અજર રહે તે માટે તેમણે ગુફામાં એક અજબ ગોઠવણ કરી. દર ત્રીસ વર્ષે ઇન્દ્રમુહુર્ત આવે છે, તે ઇન્દ્ર મુહુર્તમાં ત્યાં સ્વર્ગની ગંગા ઉત્પન્ન થાય અને તે નિંદ્રાધીન મુચુકુંદ મહારાજના પગની પાનીને સ્પર્શ કરે એટલે તેમના શરીરને લાગેલી દરેક વ્યાધી દુર થઇ જાય. આ રીતે યુગો સુધી મુચુકુંદ મહરાજ તે ગુફામાં નિંદ્રાધીન રહ્યા, પણ દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ ભગવાન કાલયવન સાથે તે ગુફામાં પ્રવેશ્યા અને કાલયવને મુચુકુંદ મહારાજની નિંદ્રાનો ભંગ કર્યો. મુચુકુંદ મહારાજની દ્રષ્ટિ કાલયવન ઉપર પડતાં તે બળીને ભસ્મ થઇ ગયો. ત્યારબાદ ગુફામાં સંતાયેલા શ્રીકૃષ્ણ ભગવાન બહાર આવ્યા અને મહારાજ મુચુકુંદને પોતાના વિષ્ણુરૂપનાં દર્શન આપ્યાં. ત્યારબાદ શ્રીકૃષ્ણની સલાહ પ્રમાણે તે ગંધમાદન પર્વત અને ત્યારબાદ બદ્રિકા આશ્રમમાં ગયા અને મોક્ષ મેળવ્યો. મુચુકુંદ મહારાજ તો રેવતક પર્વતની ગુફામાંથી જતાં રહ્યા, પણ તેમાં પ્રગટ થતી ગંગા ઇન્દ્રમુહુર્ત ઉપર દર ત્રીસ વર્ષે પ્રગટ થતી રહી. શ્રીકૃષ્ણ ભગવાને ચિરંજીવીઓને દર ત્રીસ વર્ષે યોગ્ય સમયે જવાની સલાહ આપી, જેથી તેઓ હંમેશાં વ્યાધી મુક્ત રહે. તે પહેલાં બધાં ચિરંજીવીઓને જરામુક્ત થવા માટે સ્વર્ગ સુધી જવું પડતું. જો કે ચિરંજીવીઓમાં ફક્ત શ્રીહનુમાનને તેની જરૂર નહોતી કારણ તે એકલા જ અજરામર છે.”

            યુગાંધર શ્વાસ લેવા રોકાયો એટલે સુષેણે પૂછ્યું, “આ રહસ્ય આપણા પરિવાર સુધી કેવી રીતે પહોંચ્યું?”

            “આપણા એક પૂર્વજ એક વખત ગિરનાર પર્વત ઉપર જડીબુટીની શોધમાં ગયા હતા. તે સમયે જ કદાચ ઇન્દ્રમુહુર્ત હતું અને તેમણે સાત વિશાળકાય અને સાધુ જેવાં વસ્ત્ર પહેરેલા વ્યક્તિઓને એક ગુફામાં પ્રવેશતાં જોયાં એટલે તે તેમની પાછળ ગયા. તેમને જોઇને આશ્ચર્ય થયું કે બધાં કુંડાળું વાળીને બેસી ગયાં અને થોડીવાર પછી તેમની વચ્ચેથી એક ઝરણું ઉત્પન્ન થયું. સાતેય વ્યક્તિઓએ તેને અંજલીમાં ઝીલી તેનું પ્રાશન કર્યું. તે લોકો બહાર નીકળે તે પહેલાં આપણા પૂર્વજ બહાર આવ્યા અને એક વૃક્ષ પાછળ સંતાઈ ગયા. તેમણે કાન દઈને તેમની વાત સાંભળવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનાં નામ અને ઇન્દ્ર એટલા જ શબ્દો સમજી શકયા. તેમના નામ સાંભળીને તે સમજી ગયા કે તેઓ ચિરજીવીઓ છે. આપણા પૂર્વજ ઘણા સમય સુધી આંખ મીંચીને ત્યાં સંતાઈ રહ્યા અને તેમની હિંમત ન થઇ કે તેઓ બહાર નીકળે. એક હાથ અચાનક તેમના ખભા ઉપર પડ્યો અને તે બેભાન થતાં બચ્યા. ફાટેલી ખોપરી સાથે અશ્વત્થામા તેમની તરફ જોઈ રહ્યા હતા. આપણા પૂર્વજ ડરી ગયા કે હવે અશ્વત્થામા મારી નાખશે, પણ એને બદલે તેમણે તેમને સાંત્વના આપી અને ન ડરવાનું કહ્યું અને તે ગુફામાં પ્રગટેલા ઝરણાનું રહસ્ય કહ્યું, પણ સાથે જ ચેતવણી આપી કે તે ગંગાનું પાણી કોઈ પણ સાધારણ મનુષ્ય ગ્રહણ કરી ન શકે અને જો ગ્રહણ કરે તો મુસીબતમાં મુકાઈ જાય. ગિરનાર પર્વત ઉપરથી પાછા આવ્યા પછી તેમણે આ વાત કોઈને તરત કરી નહિ, પણ જે સમયે તે પર્વત ઉપર ગયા હતા, તે તિથી નોંધી રાખી હતી. મૃત્યુ સમયે તેમણે આ રહસ્ય પોતાના પુત્રને કહ્યું અને તેમણે વચન માગ્યું કે વાત ફક્ત કુટુંબના જ્યેષ્ઠ પુત્રને કહેશે. જો ધીમે ધીમે આ રહસ્યને વાયકા જ સમજી લેવામાં આવ્યું. મને જયારે મારા પિતાએ આ વાત કરી, ત્યારે મેં ગણના કરીને ત્યાં જવાનું નક્કી કર્યું. હું યોગ્ય સમયે ત્યાં પહોંચ્યો, પણ મારી ઉપર અચાનક કોઈ અઘોરીએ હુમલો કર્યો અને હું બે દિવસ સુધી ત્યાં બેભાન રહ્યો.”

            સુષેણ આ રહસ્યોદ્ઘાટનથી આશ્ચર્યમાં હતો. યુગાંધરે કહ્યું, “મેં બેભાન થતાં પહેલાં એક આઠથી નવ ફૂટ ઉંચી વ્યક્તિને જોઈ હતી. મારા ખ્યાલથી તે કોઈ ચિરંજીવી જ હશે. હવે તે મુહુર્તને ફક્ત દસ દિવસ જ બાકી છે અને મારી ઈચ્છા છે કે તું ત્યાં જઈને એકવાર તેમનાં દર્શન કરે અને બની શકે તો તે સ્વર્ગની ગંગાનું જળ ગ્રહણ કરે.”

            સુષેણે કહ્યું, “કથા પ્રમાણે તો કોઈ સામાન્ય વ્યક્તિ તે ગંગાનો પ્રસાદ ગ્રહણ કરી ન શકે.”

            “મને લાગે છે કે તે વાત ફક્ત આપણને ડરાવવા માટે અશ્વત્થામાએ કહી હશે. મને ઊંડે સુધી ખાતરી છે, તે જળ ગ્રહણ કર્યા પછી અજર જરૂર થઇ જશે અને બની શકે તો થોડું ગંગાજળ સાથે પણ લેતો આવજે, જેથી લોકસેવા થઇ શકે.”

            અઘોરીના વેશમાં રહેલ સુષેણે પોતાનું માથું હલાવ્યું અને કહ્યું, “હું પ્રયત્ન કરીશ.”

            પોતાના પિતાને વચન આપીને સુષેણે ગિરનાર તરફ પ્રયાણ કર્યું. છેક પાંચ દિવસે તે ત્યાં પહોંચ્યો અને તેના પિતાએ કહેલી પહાડીને શોધતાં બીજા ચાર દિવસ નીકળી ગયા. તે જ્યારે  ગુફાથી થોડો દુર હતો, ત્યારે સુષેણને તેની છઠ્ઠી ઇન્દ્રિયે કોઈ મુસીબત આવવાની છે, એવો સંકેત આપ્યો. તેણે તરફ પોતાની આજુબાજુ સુરક્ષાચક્ર રચી દીધું અને હજી એક દિવસ બાકી હોવાથી એક નાની ગુફામાં સંતાઈ ગયો. તેને ખબર નહોતી કે કોણ તેની ઉપર હુમલો કરવાનું છે, પણ તે એટલું તો સમજી ગયો કે હુમલો કરનાર અઘોરતંત્રનો જાણકાર છે. બીજે દિવસે પણ નિયત સમય સુધી તે લપાયેલો રહ્યો અને જયારે તે બહાર નીકળ્યો ત્યારે તેણે દુરથી જોયું એક વિશાળકાય વ્યક્તિ તે ગુફામાં પ્રવેશી રહી છે. તેમને જોઇને તે સમજી ગયો કે તે ચિરંજીવી છે. તે થોડીવાર સુધી તે ગુફા તરફ જ જોતો રહ્યો. એકાદ કલાક પછી બધા ચિરંજીવીઓ નીકળ્યા અને એક દિશામાં જતાં રહ્યાં. સુષેણ પોતાની જગ્યાએથી નીકળ્યો અને પોતાના સુરક્ષાચક્ર સાથે જ તે ગુફામાં પ્રવેશી ગયો. ગુફામાં હજી તેને ભીનાશ વર્તાઈ રહી હતી. તે થોડો આગળ વધ્યો અને પાણીનો સ્રોત શોધવા લાગ્યો. એક જગ્યાએથી તેણે જોયું કે જમીનની અંદરથી પાણી બહાર આવી રહ્યું છે. તેણે પોતાના હાથની અંજલી ભરી અને તે પાણી પી ગયો. તે પાણી જેવું તેના ગળાને સ્પર્શ્યું, તેના આખા શરીરે દાહ થવા લાગ્યો. તે નીચે પડીને તડપવા લાગ્યો. થોડીવાર પછી તેના શરીરનો દાહ ઓછો થયો, તેનું ધ્યાન ગુફાની અંદર પ્રવેશેલી વ્યક્તિ તરફ ગયું. વલ્કલ પહેરેલા તે વ્યક્તિના માથા ઉપર મોટી ઝખમ હતી. તે સમજી ગયો કે તે જ અશ્વત્થામા છે. સુષેણે તેમને પ્રણામ કર્યા પણ તે વધુ સમય તેમની તરફ જોઈ શક્યો નહિ કારણ તેમની આંખમાં રહેલ ક્રોધ તે જીરવી શક્યો નહિ.

            દાહક આંખ સાથે અશ્વત્થામાએ કહ્યું, “તારા પૂર્વજને મેં ચેતવણી આપી હતી કે આ જળ પવિત્ર છે અને કોઈ પણ સાધારણ વ્યક્તિ માટે વર્જ્ય છે. આ જળ ગ્રહણ કરીને તેં ભૂલ કરી છે અને તેનો ઉચિત દંડ તારે ભોગાવવો પડશે. તેં જે લાલચથી આ જળ ગ્રહણ કર્યું છે, તેનાથી તારી ઉપર વિપરીત અસર થશે અને તું મારી જેમ જરાયુક્ત અવસ્થામાં મૃત્યુને શોધતો ફરીશ, પણ તને મૃત્યુ પણ નહિ મળે. હવે આ ગુફા તું કયારેય શોધી નહિ શકે.”

            સુષેણની આંખમાં આંસુ આવી ગયાં. તે અશ્વત્થામા સામે દંડવત નમી પડ્યો અને તેની પ્રાર્થના કરતાં કહ્યું, “હે મહાવીર, મારી નાદાનીની મને આટલી મોટી સજા ન આપો. પિતાને આપેલા વચનનું પાલન કરવા માટે જ મેં આ જળ ગ્રહણ કર્યું. હું એક અઘોરી છું અને દીક્ષિત છું, પણ મરણપથારીએ પડેલા પિતાનું વચન નિભાવવા માટે અહીં આવ્યો છું. મારી ન તો અજર રહેવાની ઈચ્છા છે, ન તો અમર થવાની. આપ મને શ્રાપમાંથી મુક્ત કરો.”

            તેની વિનવણીએ તેને તે ક્ષણની યાદ દેવડાવી, જયારે તે ભગવાન શ્રીકૃષ્ણના પગમાં પડીને શ્રાપમુક્ત કરવા યાચના કરી રહ્યો હતો. શ્રાપ આપીને તેણે હજી એક અશ્વત્થામા પેદા કર્યો હતો, જે તેની જેમ મૃત્યુ માટે દર દર ભટકવાનો હતો. સુષેણની યાચનાએ અશ્વત્થામાના મનને દયાથી ભરી દીધું અને તેણે કહ્યું, “મારું વચન તો મિથ્યા નહિ થાય, પણ તને અસાધારણ સંજોગોમાં જન્મેલ તારા જેવી વ્યક્તિ મળશે અને તે તને અહીં સુધી લઇ આવશે. તે ઇન્દ્રમુહુર્ત સંપૂર્ણ થયા પછી તું મારી પાસે આવીશ ત્યારે જ તારો શ્રાપ ટળશે.”

            તે પછી એક દિશામાં જોઇને અશ્વત્થામાએ કહ્યું, “અરણ્યક, તું ગુફાની રક્ષા કરી શક્યો નહિ, તેથી તને પણ આ શ્રાપ લાગુ પડે છે. તું તારી વિદ્યા ભૂલી જઈશ અને દર દર ભટકીશ.”

            એટલું કહીને અશ્વત્થામા ગુફાની બહાર ઝડપથી નીકળી ગયા. ઉદાસ મન અને ઉધરસ ખાતાં સુષેણ નમેલા ખભા સાથે ગુફાની બહાર નીકળ્યો. હવે તેના આ જીવનનો કોઈ અર્થ નહોતો. તે હવે ન તો કોઈ વિદ્યા શીખવા માગતો હતો ન તો જીવવા માંગતો હતો તેથી તેણે પહાડી ઉપરથી પડતું મુક્યું, પણ તે શ્રાપિત હતો. તે મરવાને બદલે ફક્ત તેના હાથ પગ ભાંગ્યા અને તે પોતાનું જીવન ઘસડતો રહ્યો. તેની સાથે જ શ્રાપ મેળવેલ તેના ગુરુનો ગુરુ અરણ્યક પણ ક્યાંય ગાયબ હતા.

            સુષેણ હજી પણ તેના તારણહારને શોધી રહ્યો છે.

****

            જયદેવ અને સુમેર જુનાગઢની હોટેલમાં પહોંચી ગયા હતા. જયદેવે સુમેર તરફ જોઇને કહ્યું, “તું તો વાર્તા રચવામાં મારા કરતાં પણ વધુ કલ્પનાશીલ છે. આ વાર્તા તારે જરૂર લખવી જોઈએ.”

            ચહેરા ઉપર ગ્લાની સાથે સુમેરે કહ્યું, “મેં જે વાર્તા કોઈ કલ્પના નથી, પણ હકીકતમાં બનેલી ઘટના છે અને હું જ તે સુષેણ છું, જે વર્ષોથી પોતાના તારણહારને શોધી રહ્યો છું. મારો તારણહાર અન્ય કોઈ નહિ પણ તમે છો. તમે સ્વપ્નમાં તે ગુફા જોઈ છે અને મને અશ્વત્થામાએ વચન આપ્યું હતું કે જે વ્યક્તિ સ્વપ્નમાં તે ગુફા જોઈ શકશે તે જ મારો તારણહાર હશે.”

                જયદેવ તેની વાતથી અચંબિત હતો. તેણે કહ્યું, “એટલે તું, તમે વર્ષોથી આ બીમારી સાથે જીવી રહ્યા છો?”

            સુમેર ઉર્ફ સુષેણે પોતાનું માથું હકારમાં હલાવ્યું. તે સમયે બંનેને અંદાજો નહોતો કે તેમની વાત હોટેલની બારીમાંથી કોઈ સાંભળી રહ્યું હતું. સુષેણના દરેક શબ્દ સાથે તે વ્યક્તિની આંખો લાલ થઇ રહી હતી. તેના અંદરના ક્રોધે જ્વાળામુખીની રૂપ ધારણ કર્યું હતું, જે કોઈ પણ ક્ષણે ફૂટી શકે તેમ હતો. મહામહેનતે તેણે પોતાને શાંત કર્યો. તે વ્યક્તિ અન્ય કોઈ નહિ પણ અઘોરી અરણ્યક હતો. તેણે પોતાનો અઘોરીનો વેશ તો વર્ષો પહેલાં જ ત્યજી દીધો હતો અને વર્ષોથી તેની આજ્ઞાનું પાલન ન કરનાર અને તેના જ્ઞાનથી તેને માત આપનાર સુષેણને શોધી રહ્યો હતો. ખીણમાં કુદી પડનાર સુષેણ વર્ષો સુધી તેનાથી અદ્રશ્ય રહ્યો હતો. અરણ્યક પોતાની દરેક વિદ્યા ભૂલી ચુક્યો હતો, પણ તેનું નસીબ ખુલ્યું અને એક સ્થળે તેણે સુષેણને જોયો અને ત્યારથી તેનો પીછો કરી રહ્યો હતો, જેથી તેને ઉચિત સમયે દંડ આપી શકાય. તેણે દંડ વિષે પણ વિચારી લીધું હતું. હવે તેની પાસે વિદ્યા ન હતી, પણ આટલાં વર્ષમાં તેણે પોતાનું શરીર વ્યાયામ વડે એકદમ મજબુત અને ચપળ બનાવી દીધું હતું. તેણે ચાલતાં ચાલતાં પોતાના ખિસ્સામાંથી ગોગલ કાઢ્યા અને આંખ ઉપર ચઢાવીને તેની લાલાશ છુપાવી અને એક દિશામાં સીટી મારતો આગળ વધ્યો.

                અરણ્યક જુનાગઢની એક સામાન્ય લોજમાં ઉતર્યો હતો. તેને ખબર હતી કે બીજા દિવસ સવાર સુધી તે બંને ક્યાંય જવાના ન હતા. સવારે વહેલા ઊઠવાનું હોવાથી તેણે થોડું ખાઈને પથારીમાં લંબાવ્યું. સદીઓથી તે ધૂંધવાઈ રહ્યો હતો. તેનું મન તે ક્ષણને કોસતું હતું, જયારે તેની પાસે અવસર હતો, પણ તે સુષેણ ઉપર વાર કરી ન શક્યો. સુષેણ ગુફામાં પ્રવેશી રહ્યો હતો, ત્યારે તેની સુરક્ષા થોડી શીથીલ થઇ ગઈ હતી, પણ તે અવસર ચૂકી ગયો, તે તેના કર્મથી ચૂકી ગયો હતો. તે ગુફામાં કોઈ સામાન્ય વ્યક્તિ પ્રવેશી ન શકે તે માટેની જવાબદારી તેના શિરે હતી. સુષેણના પિતા યુગાંધરને તો તેણે રોકી દીધા હતા, પણ તેની અંદર જન્મેલી ગ્લાનીને લીધે તે સુષેણ ઉપર પ્રહાર કરી શક્યો નહિ અને તે શ્રાપિત થઈને અર્જિત કરેલ સન્માન અને વિદ્યા ગુમાવી ચુક્યો હતો. “હવે બસ! તેને હું શ્રાપમુક્ત થવા નહિ દઉં, ભલે મારે તે માટે શ્રાપિત રહેવું પડે. તેણે મેં આપેલા આદેશને અવગણ્યો, તેનો દંડ તો ભોગવવો પડશે.”

****

             બીજે દિવસે સવારે એક ગાઈડને લઈને જયદેવ અને સુષેણ ગિરનાર તરફ રવાના થયા. અડધે રસ્તે પહોંચ્યા પછી જયદેવે ગાઈડને પાછા વળવા કહ્યું અને તે બંને એકલા જ આગળ વધ્યા. જયદેવને હજી પણ સુમેર ઉર્ફ સુષેણની વાત ઉપર પૂર્ણ વિશ્વાસ નહોતો, પણ તેણે સ્વપ્નમાં જોયેલ ગુફાનું આકર્ષણ તેને ખેંચી લાવ્યું હતું. લીલોતરીથી તરબતર ગિરની પહાડીઓ તેને સ્વર્ગ જેવી ભાસી રહી હતી. ન જાણે તેને લાગી રહ્યું હતું કે તે અહીં આવી ચુક્યો છે અને ત્યાંનો દરેક રસ્તો તેને અને તે દરેક રસ્તાને જાણે છે. તે સુષેણ સાથે વાત કરતાં આગળ વધી રહ્યો હતો અને તેમનાથી સુરક્ષિત અંતર રાખીને અરણ્યક તેમનો પીછો કરી રહ્યો હતો. મુહુર્તને હજી એક દિવસની વાર હતી.

            અંતે તેઓ ગુફાની નજીક પહોંચી ગયા. સુષેણે જયદેવને પોતે જે ગુફામાં સંતાયો હતો, તે ગુફા બતાવી અને બંને તે ગુફાની અંદર સમાઈ ગયા. જગ્યા ઓછી હોવાથી બંને અગવડ ભોગવી રહ્યા હતા, પણ સુષેણનો મુક્તિ મળશે એ વિચારથી જ આનંદિત હતો. કોઈ અગમ્ય કારણસર તે પહાડી ઉપર ક્યારેય કોઈ પ્રાણી આવતું ન હતું. ન તો માંસાહારી, ન તો શાકાહારી કે ન તો સરીસૃપ. તેથી સુષેણના મનમાં એવો કોઈ ભય ન હતો, પણ કોઈ અઘોરી તેમના ઉપર હુમલો કરી શકે, તે વિચારથી તેણે ગુફાની આજુબાજુ સુરક્ષાકવચની રચના કરી દીધી.

            બંનેની આંખ ખુલી ત્યારે સૂર્ય ક્ષિતિજથી ડોકું બહાર કાઢી ચુક્યો હતો અને પોતાનો ઉજાસ ફેલાવીને તિમિરને ભગાવી રહ્યો હતો. દુર ક્યાંકથી પંખીડાઓનો મધુર કલરવ જયદેવના કાનમાં અમૃત રેડી રહ્યો હતો. સુષેણે પોતાની ઘડિયાળમાં જોયું અને કહ્યું, “હવે થોડો જ સમય બાકી છે.”

            સુષેણ ઘણા સમયથી આ ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યો હતો અને જયદેવ અસમંજસમાં હતો. એટલામાં સુષેણે કહ્યું, “જુઓ તેઓ અંદર જઈ રહ્યા છે.” એટલું કહીને પોતાના હાથ જોડ્યા.

            જયદેવે સુષેણે ચીંધેલી દિશા તરફ જોયું, પણ તેને કોઈ જોવા ન મળ્યું. તેણે સુષેણને કહ્યું, “મને તો કોઈ દેખાઈ નથી રહ્યું.”

            સુષેણ આશ્ચર્યથી જયદેવ તરફ જોવા લાગ્યો. તે જે જોઈ રહ્યો હતો, તે જયદેવને કેમ દેખાઈ રહ્યું નહોતું! સુષેણ ફક્ત હાથ જોડીને બધાં જાય તેની રાહ જોવા લાગ્યો.

            આ વખતે પાછલી વખતથી વધુ સમય રાહ જોવી પડી. જ્યારે તેણે જોયું કે બધાં મહાવીર ચિરંજીવી જતાં રહ્યાં, સુષેણે જયદેવને ઉભા થવા ઈશારો કર્યો અને તેઓ ગુફા તરફ આગળ વધ્યા. તેઓ ગુફામાં પ્રવેશે તે પહેલાં જ કોઈએ તેમનો રસ્તો રોકી દીધો. સુષેણ તરત ઓળખી શક્યો નહિ, પણ ધ્યાનથી જોતાં યાદ આવ્યું કે મહાગુરુ અરણ્યક છે. સુષેણે તરત તેમને દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, “મહાગુરુ, આપનાં દર્શન પામીને હું ધન્ય થઇ ગયો.”

            તેના કાન તેમના આશીર્વાદ સંભાળવા આતુર હતાં, પણ તેને બદલે તેના કાનમાં વિચિત્ર સ્વર પડ્યો, “હું તને અહીં આશીર્વાદ આપવા નહિ, તને દંડ આપવા આવ્યો છું. મારા આદેશની અવગણના કરવાનો દંડ.”

            “હવે કેટલો દંડિત કરશો, હું વર્ષોથી દંડ ભોગવી રહ્યો છું, હવે તો ફક્ત મુક્તિની ઈચ્છા છે.”

            “તે દંડ તો પવિત્ર જળ પીવાનો હતો, હજી તારે મારા આદેશની અવહેલનાનો દંડ ભોગવવાનો છે, તે ઉપરાંત એક સામાન્ય વ્યક્તિને અહીં લાવીને છૂપું રહસ્ય જાહેર કરવાનો દંડ તને અલગથી મળશે અને તારો દંડ એ છે કે તારી વ્યાધીને તો હજી લાંબા સમય સુધી ભોગવ.”

            જયદેવને ખબર નહોતી પડી રહી કે શું થઇ રહ્યું છે, પણ એટલું તો એ સમજી ગયો હતો કે સુષેણે કહેલી વાર્તા કાલ્પનિક નહોતી. તેના મહાગુરુ અરણ્યક તેની સામે ઉભા હતા. અરણ્યકે પોતાના હાથમાંની સાત ફૂટ ઉંચી લાકડીથી સુષેણ ઉપર પ્રહાર કર્યો, જેનાથી તે ગુફાની અંદર ધકેલાયો અને બીજો પ્રહાર જયદેવ ઉપર થયો, જેનાથી તે ખીણની એકદમ નજીક પહોંચી ગયો. સુષેણ ઉભો થયો ત્યાં જ બીજો પ્રહાર તેના માથા ઉપર થયો અને અરણ્યક જયદેવ તરફ આગળ વધ્યો. નીચે પડી ગયેલા જયદેવને ખબર નહોતી પડી રહી કે તે મુસીબતનો સામનો કેવી રીતે કરવો. તે ઉભો થાય તે પહેલાં જ તેની છાતી ઉપર એક લાત વાગી અને તે ખીણમાં પડી ગયો. સુષેણે ચીસ પાડી ઉઠ્યો અને પોતાના ગુરુના ગુરુ ઉપર વાર કરવા ઉભો થયો. તે જ સમયે તેની નજર હવામાં તરી રહેલા જયદેવ ઉપર પડી. જયદેવ ચીસો પાડી રહ્યો હતો અને તેની આંખો બંધ હતી. તે કોઈ દોરીથી બંધાયેલ પતંગની જેમ ઉડી રહ્યો હતો.

            જયદેવે ધીમેથી આંખો ખોલી દીધી, તેને હતું કે નીચે ખીણમાં પડી રહ્યો છે. તેણે જોયું કે તે હવામાં તરી રહ્યો છે એટલે તે વધુ જોરથી ચીસો પાડવા લાગ્યો.

            “શાંત થઇ જા.” એક મોટો અવાજ હવામાં ગુંજ્યો અને જયદેવ શાંત થઇ ગયો. ત્રણેય જણાએ અવાજની દિશામાં જોયું તો એક મહાકાય વ્યક્તિ ત્યાં ઉભો હતી. અરણ્યક અને સુષેણ બંને તેમને ઓળખી ગયા. તે અશ્વત્થામા હતા. અશ્વત્થામાએ આંગળીથી ઈશારો કર્યો અને એટલે જયદેવ ફરીથી ગુફાની નજીક ઉભા રહેલા સુષેણ પાસે પહોંચી ગયો.

            અશ્વત્થામાએ અરણ્યક સામે જોઇને કહ્યું, “ક્રોધ ત્યજી દે પુત્ર! ક્રોધ મનુષ્યને આંધળો કરી દે છે અને તેનાથી મતિ ભ્રષ્ટ થઇ જાય છે. હું તેનું ફળ આજ સુધી ભોગવી રહ્યો છું. અત્યાર સુધી જે થયું, તે તમારી નિયતિનો ભાગ હતો. હવે પણ જે થશે તે તમારી નિયતિ પ્રમાણે થશે.” એટલું કહીને હાથ આગળ કર્યો એટલે તેમના હાથમાં એક સુવર્ણનું પાત્ર પ્રગટ થયું.

            તેમાંથી થોડું થોડું જળ તે ત્રણેયને પીવડાવ્યું અને કહ્યું, “સુષેણ અને અરણ્યક તમને બંનેને થોડા જ સમયમાં મોક્ષ મળશે અને જયદેવ તને તારી અધુરપમાંથી મોક્ષ મળશે. હવે તું આ જગ્યા કોઈ દિવસ નહિ શોધી શકે, પણ પુરાણોની મહાન ગાથાઓને કલમબદ્ધ કરીને બધાં સુધી પહોંચાડ.” એટલું કહીને તેમણે પોતાનો હાથ ઉંચો કર્યો અને આગળ કહ્યું, “જયદેવ, આ ગુફાનું રહસ્ય તું કોઈને નહિ કહી શકે અને કહેવાનો પ્રયાસ પણ ન કરતો. એવું કરીશ તો ફરી બધું યથાવત થઇ જશે.”

            એટલું કહીને તે એક દિશામાં આગળ વધી ગયા અને જયદેવ, સુષેણ અને અરણ્યક પોતાના હાથ જોડીને ત્યાં ઉભા રહ્યા.

 

સમાપ્ત.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ