વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફ્રી…ફ્રી… જેડી ફિર સે

“પ્રણામ મહોદય, સલિમભ્રાત આપને સ્મરણ કરી રહ્યા છે અને આપને મળવા ઈચ્છુક છે. હું આપના માટે દ્વિચક્રી વાહન લઈને આવ્યો છું, તો જો આપ વ્યસ્ત ન હો તો મારી સાથે આવવાની કૃપા કરશો! આપ જો મારી સાથે આવશો તો સલિમભ્રાત અને મને આનંદ થશે.” આ શબ્દો મારા કાનમાં પડતાં જ હું દિગ્મૂઢ થઇ ગયો કારણ આવું બોલનાર કોઈ અન્ય નહીં, પણ જેડી હતો. ‘સલિમભાઈ બુલા રૈલે, અપન કે સાથ ચલને કા’ જેવી ભાષા વાપરનાર જેડી અચાનક વધારે પડતી શુદ્ધ અથવા કહો કે સંસ્કૃત મિશ્રિત ગુજરાતી બોલવા લાગ્યો હતો.

આજે રવિવાર હોવાથી હું બે વાર ચા પીને સોફામાં પાણીની જેમ પ્રસરેલો હતો. સામે ટીવી શરુ હતું અને દર પાંચ મિનિટમાં તેની ચેનલ બદલાઈ રહી હતી. રવિવારે રજા હોવાથી મારું મગજ રજા ઉપર ઉતરી જતું, મગજ, આંગળીઓ અને આંખ વચ્ચેનું અનુસંધાન ઢીલું પડી જતું. મગજને ગમે તે આંખને ન ગમતું એટલે ચેનલ મારી આંગળીઓ બદલી નાખતી.

“કોઈ એક ચેનલ રાખોને, મને રાંધતા કેટલું ડીસ્ટર્બ થાય છે!” રસોડામાં મેં ઓર્ડર કરેલો (આમ તો વિનંતી કરેલી) ચાનો કપ મારા હાથમાં મુકતાં મારી પત્ની ડિમ્પલ બોલી.

મેં આશ્ચર્ય વ્યક્ત કરવામાં પણ આળસ કરી અને હાથમાં કપ પકડતાં પૂછ્યું, “કેવી રીતે?”

“થોડીવાર પહેલાં તમે ન્યુઝ ચેનલ જોઈ રહ્યા હતા અને તેમાં સમાચાર આવી રહ્યા હતાં કે યુપીમાં ઈલેક્શન છે અને દરેક પાર્ટી પ્રચારસભાઓ ભરી રહી છે. ગોલમાલ હૈ ભઈ સબ ગોલમાલ હૈ. કોરોનાની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં પીક ઉપર હશે, દયા કુછ તો ગડબડ હૈ! પહેલાં લોટ બાંધી લો અને પછી વણીને તેમાં પુરણ ભરો અને ફિર જો નશા હો તૈયાર વો પ્યાર હૈ.”

હું વિચારવા લાગ્યો કે સાલું રવિવારે ડિમ્પલને પણ મારા જેવું થયું. મગજ અને જીભ વચ્ચેનું કનેક્શન કપાઈ ગયું. મેં કહ્યું, “આ શું બોલી રહી છે?”

ડિમ્પલ આંખો મોટી કરીને કમર ઉપર હાથ મુકીને બોલી, “જે રસોડામાંથી સાભળ્યું એ બોલી. સમાચાર, ફિલ્મ, સિરિયલ કે ગીતો જે જોવું હોય તે જુઓ, પણ કોઈ એક ચેનલ જુઓ અને ખબરદાર કે રસોઈ શો જોયો છે તો! રસોઈ શો તમારી જવાબદારી ઉપર જોજો, જે રેસેપી જોશો તે રાંધવી પડશે તમારે!”

મેં ચુપચાપ ટીવી ઓફ કરવાનું બટન દબાવ્યું અને મોબાઈલ હાથમાં લીધો. આ દ્રશ્ય જોતાં જ ડિમ્પલનો પિત્તો ગયો અને તે બોલી, “આ શું હવે એક બે કલાક જુદા જુદા વોટ્સએપ ગ્રુપમાં ટાઈમપાસ કરતાં બેસી રહેશો અને ----“ પોતાની વાત પૂર્ણ કર્યા વગર તે ઝડપથી રસોડામાં પ્રવેશી ગઈ.

મને હાશ થઇ કે ચાલો લેકચરમાંથી છુટકારો મળ્યો, કારણ તે લેકચરના અંતે મારે ઉભા થઈને ઘરકામમાં મદદ કરવી પડી હોત.

“પ્રણામ મહોદય.”

મારી નજર દરવાજા ઉપર પડી અને મારું મગજ આશ્ચર્યના મહાસાગરમાં ડૂબકી લગાવવા લાગ્યું, કારણ આવી શુદ્ધ ભાષા બોલનાર કોઈ અન્ય નહિ, પણ જેડી હતો જે હજી હમણાં સુધી તો બમ્બઈયા હિન્દીમાં વાત કરતો હતો. આજે તે બ્લુ કલરનું જીન્સ અને પોપટી રંગના કુર્તામાં સજ્જ હતો. મને આશ્ચર્ય હતું કે હંમેશાં દૂરથી તેની બુલેટની ફાયરીંગનો અવાજ સંભળાઈ જતો, પણ આજે તો ડિમ્પલની ડાયલોગબાજીમાં ખબર ન પડી.

***** 

હું આગળ વધુ તે પહેલાં વાચકોને પાત્ર પરિચય કરાવી દઉં. સલીમભાઈ એટલે અમારા વિસ્તારના જાહેર જીવન જીવનારા સમાજસેવક અને ભાવી નગરસેવક (પાછલાં પંદર વર્ષથી.) હંમેશાં ઈલેક્શન હારે છે, પણ તેમની હિંમત હારવાનું નામ નથી દેતી. અડધી ટાલ, સોનેરી ફ્રેમનાં ચશ્મા, સફેદ રંગનું પેન્ટ અને શર્ટ. ઈશ્વરે તેમને કુદરતી રીતે ઊંચું વ્યક્તિત્વ અને શારીરિક ઊંચાઈ બક્ષી છે. છ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા સલીમભાઈ શરીરે પણ એટલા જ ભારેખમ. હોઠ હંમેશાં પાનને લીધે લાલ હોય છે. તે મને બહુ પસંદ કરે છે એટલે ઘણીવાર મહત્વની બાબત ઉપર ચર્ચા કરવા કે મારી સલાહ લેવા મને તેમની ઓફિસે બોલાવે છે અને તેમની પાસે ઘણા માણસો હોવા છતાં મને બોલાવવા જેડી જ આવે છે.

જેડી એટલે સલીમભાઈનો જમણો હાથ. ઘણા વર્ષથી તે તેમની સાથે હતો. અન્ય માણસો કરતાં તેમને જેડી ઉપર વધુ વિશ્વાસ હતો. પોણા છ ફૂટ ઊંચો જાડા હોઠ,મોટા નાક અને રંગે ગોરો એવો જેડી પણ હંમેશાં સલીમભાઈનાં કામ અને ગુણગાનમાં વ્યસ્ત રહેતો. જીન્સ, ટીશર્ટ કે જીન્સ અને વિવિધ રંગના કુર્તામાં સજ્જ જેડી ગળામાં જાડી સોનાની ચેન પહેરતો. તે સાચી છે કે ખોટી તે મેં કોઈ દિવસ પૂછ્યું નહોતું.  

મારી પત્ની ડિમ્પલ પરિચયની મોહતાજ નથી. બસ, પત્ની છે એટલું લખ્યું એ જ કાફી છે.

****

“સલીમભાઈ મારા મિત્ર છે અને કોઈ કામસર બોલાવે છે એટલે મળવા જવું પડશે.” ઘરકામ કરવામાંથી બચી ગયા એવા આનંદ સાથે પ્રગટમાં પત્ની સામે કહ્યું અને જેડીની બુલેટ ઉપર સલીમભાઈની ઓફીસ તરફ રવાના થયો.

****

સલીમભાઈ તેમની ઓફિસની બહાર જ પોતાના સદાબહાર પોશાક સફેદ પેન્ટ અને સફેદ શર્ટ પહેરીને ઉભા હતા. આજે ફક્ત એક જ ફરક જણાયો હતો, તેમણે આજે ચપ્પલને બદલે સફેદ રંગના શુઝ પહેર્યાં હતાં. ગળામાં જાડી સોનાની ચેન હંમેશની જેમ અડધી બહારની તરફ ડોકાઈ રહી હતી.

હું જેવો તેમની નજીક પહોંચ્યો, તેમણે કહ્યું, “અરે કેટલું મોડું કર્યું, મહેતાસાહેબ. ચાલો આપણે નીકળીએ.”

આ તેમની હંમેશાંની પદ્ધતિ હતી. પોતાની ગાડીમાં બેઠાં પછી જ કહેતા કે ક્યાં જવાનું છે અને આમ પણ આજે રવિવાર હોવાથી મારે બહુ ચિંતા ન હતી.

તેમની પ્રિય કાર રીનોલ્ટ કંપનીની લોજીમાં અમે ગોઠવાયા. જેડી ડ્રાઈવિંગ સીટ ઉપર ગોઠવાયો, તેમ જ હું અને સલીમભાઈ પાછળની તરફ ગોઠવાયા.

જેડીએ પાછળ તરફ જોયું અને પૂછ્યું, “પ્રયાણ કરીએ?”

સલીમભાઈ મારી તરફ જોવા લાગ્યા અને કહ્યું, “આનું કંઇક કરો યાર, તમે સારા લેખકોનાં પુસ્તકો વાંચવા કહ્યા અને આ ત્યારનો જુદા જુદા લેખકોનાં પુસ્તકો વાંચે છે અને અઘરી ભાષા બોલે છે.”

પછી જેડીની તરફ જોઇને કહ્યું, “બાપલા, હાલ હવે મોડું થાય છે, પંદર મિનિટમાં પહોંચવાનું છે.”

હું તેમની સ્થિતિ ઉપર મનોમન હસી રહ્યો હતો. ચલને કા? માંથી તે પ્રયાણ કરીએ? ઉપર આવી ગયો હતો.

ગાડી આગળ વધ્યા પછી પણ સલીમભાઇએ ક્યાં જઈ રહ્યા છીએ એ જણાવવાનો કોઈ ઉપક્રમ ન કર્યો એટલે કંટાળીને મેં જ પૂછી લીધું, “આપણે ક્યાં જઈ રહ્યા છીએ?”

“આપણે ચિંતામણી સભાગૃહ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. સલીમભાઈના ભ્રમણધ્વનિ દ્વારા મિત્રો સાથે આગમન કરવા માટે આમંત્રણ મળ્યું છે. તેમને કોઈ નિશુલ્ક પારિતોષિક મળવાનું છે અને તે માટે માટે તે સંસ્થાને થોડો સમય આપવાનો છે.”

મારાથી હવે ન રહેવાયું એટલે કહ્યું, “જેડી, તું ગુજરાતીમાં વાત કર ને!”

સલીમભાઈ હસવા લાગ્યા અને કહ્યું, “આપણે ચિંતામણી હોલ તરફ જઈ રહ્યા છીએ. મને એક કોઈ કંપનીનો કોલ આવ્યો હતો કે એક લકી ડ્રોમાં આપને ઇનામ મળ્યું છે અને તે માટે તમે પોતાના મિત્રો સાથે તે લેવા પધારો.”

“શું સલીમભાઈ, તમે પણ!”

“પધારો એટલે આવજો એમ કહ્યું હતું.”

મેં કહ્યું, “હું તમારી ભાષા માટે નહીં, આ કોઈ ફ્રી ગીફ્ટ જાહેર કર્યું એટલે બાકીના લોકોની જેમ કંપની તરફ દોડવા લાગ્યા. ફ્રીમાં કશું જ મળતું નથી. ત્યાં એ લોકો મીઠી વાત કરીને મોટી સ્કીમ પકડાવશે અને ઘણીવખત તો એવી સ્કીમો પકડાવીને કંપની ગાયબ થઇ જતી હોય છે. તમે તો જાણકાર માણસ છો યાર!”

સલીમભાઈ હસવા લાગ્યા અને કહ્યું, “તમને શું લાગે છે! હું ઇનામની લાલચમાં જાઉં છું. મને બધી જ ખબર છે, પણ મને ફોન કરનારના અવાજમાં કંઇક એવું હતું કે મને લાગ્યું કે ભલે ગમે તે હોય મારે જવું જોઈએ. તમને અને જેડીને સાથે એ માટે જ રાખ્યા છે. કોઈ ગોલમાલ દેખાય તો તમે કહી દેજો એટલે જેડી બધું ઠીક કરી દેશે.”

જેડીએ ગાડી ઉભી રાખી અને પાછળ ફરીને કહ્યું, “આપણે ગંતવ્ય સ્થળ સુધી આવી ગયા છીએ અને આપ નિશ્ચિંત રહો, હું શસ્ત્રાસ્તોયુક્ત છું.” એટલું કહીને પોતાનો પોપટી રંગનો કુર્તો ઉંચો કર્યો એટલે એક રામપુરી ચપ્પુ ખોસેલું દ્રશ્યમાન થયું.

હું ધ્રુજી ઉઠ્યો, ભાષા સુધરી હતી, બાકી કામ તો એ જ હતાં.

મેં કહ્યું, “જરૂરી નથી કે આ પ્રકારનું પ્રમોશન કરનાર કંપની છેતરપીંડી કરનારી જ હોય.”

“મહોદય, આપને શું એવી અનુભૂતિ થઇ રહી છે કે હું આ શસ્ત્રનું ઉપયોગ યોગ્ય ઉદ્દેશ વગર કરીશ!”

હું કંઇક બોલવા જતો હતો, પણ સલીમભાઈએ મારા ખભા ઉપર હાથ મુક્યો અને હોલ તરફ જનારી સીડી તરફ ઈશારો કર્યો એટલે અમે ગાડીમાંથી બહાર નીકળ્યા. અમે સીડી તરફ આગળ વધ્યા  અને ગાડીને લોક કરીને જેડી મારી પાછળ પહોંચી ગયો.

ઉપર જઈને જોયું તો બે વ્યક્તિઓ એક ટેબલ ઉપર ગોઠવાયેલી હતી અને એક વ્યક્તિ સામે ઉભી રહીને એક ફોર્મ ભરી રહી હતી. સાત થી આઠ લોકો જુદી જુદી ખુરસીઓમાં બેસેલા હતા, કદાચ કોઈના બોલાવવાની રાહ જોઈ રહ્યા હતા.

સલીમભાઈ તે ટેબલ ઉપર જઈને વાત કરી અને તે વ્યક્તિએ તેમને એક ફોર્મ આપ્યું. સલીમભાઈ એક ખુરસીમાં બેસી ગયા અને મારી તરફ જોઇને તેમની બાજુમાં બેસવાનો ઈશારો કર્યો. સલીમભાઈ ફોર્મ ભરવા લાગ્યા અને અમારી બાજુમાં બેસેલો જેડી હજી ફોર્મ ભરવાનું પૂરું થાય તે પહેલાં ઉભો થયો એટલે મેં ઇશારાથી પૂછ્યું તો જેડીએ કહ્યું, “અતિથીઓના સ્વાગત માટે રાખવામાં આવેલ પેયનો સ્વાદ માણવા જઈ રહ્યો છું, શું આપ પણ તે ગ્રહણ કરવા ઈચ્છિત છો?”

મેં નકારમાં માથું હલાવ્યું, પણ ત્યાં બેસેલ બે ત્રણ વ્યક્તિઓ જેડી તરફ જોવા લાગ્યા. તેમની નજરમાં જ રેન્ચોના પ્રોફેસર જેવો પ્રશ્ન હતો, “અરે ભાઈ! કેહના ક્યા ચાહતે હો!”

જેડી ચુપચાપ ત્યાં મુકેલી નાની સ્ટીલની ટાંકી પાસે ગયો અને એક કપમાં ચા લીધી અને બાજુમાં બેસીને ધીમે ધીમે પીવા લાગ્યો. તે દ્રશ્ય જોઇને એક બે જણ હસવું ખાળી ન શક્યા. જેડીએ આંખો કાઢી એટલે ચુપ થઇ ગયા.

ત્યાં સુધીમાં સલીમભાઈ ફોર્મ ભરીને આપી ચુક્યા હતા. અમે બંને વાતોએ વળગ્યા અને જેડી ઉભો થઈને ગેલેરીમાં આંટાફેરા કરવા લાગ્યો. એક જગ્યાએ શાંતિથી બેસી રહેવું એ તેના સ્વભાવમાં નહોતું. થોડીવાર પછી જેડીએ પોતાનો મોરચો ફોર્મ ભરી રહેલ વ્યક્તિ તરફ ફેરવ્યો અને તેની સાથે વાત કરવા લાગ્યો, પણ પાંચ જ મિનિટમાં તે વ્યક્તિએ જેડીને હાથ જોડીને બેસવા માટે ઈશારો કર્યો,

થોડીવાર પછી જેડી અમારી બાજુમાં આવીને બેસી ગયો. અડધા કલાકની પ્રતિક્ષાને અંતે અમને અંદર બોલાવવામાં આવ્યા. અંદર જતી વખતે જેડી સૌથી વધુ ઉત્સાહિત હતો.

અંદર લગભગ વીસ જેટલાં ટેબલો એકબીજાથી અંતર રાખીને ગોઠવેલા હતા અને દરેકની બાજુમાં ચાર કે પાંચ ખુરસીઓ ગોઠવેલી હતી. અમે અંદર પ્રવેશ્યા તે જ સમયે એક ટેબલ ઉપર સુટબૂટમાં સજ્જ વ્યક્તિ ઉભી થઇ અને જાહેરાત કરી “મિત્રો, સ્વાગત કરો મિસ્ટર શાહનું કિંગ્સબેન  પરિવારમાં. તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે અને ત્રણ વર્ષના માલિકી હક લીધા છે ટુરીઝમના.”

મારી નજર મિસ્ટર શાહની ગજગજ ફુલાઈ રહેલ છાતી અને રોમાંચિત થઇ રહેલ ચહેરા ઉપર પડી. ‘સારો મુંડાયો લાગે છે.’ મેં મનોમન કહ્યું અને સલીમભાઈ પાછળ દોરવાયો. હોલમાં બધાં તાળીઓ વગાડવા લાગ્યા.

અમારું સ્વાગત કરનાર વ્યક્તિ પાછી ફરી અને કહ્યું, “હું છું ભાગવત રેશમિયા અને હું આ કંપનીમાં સીનીયર મેનેજર છું.” અને અમારા ટેબલ નજીક આવેલી યુવતી તરફ ઈશારો કહ્યું, “આ છે રીમા, આ પહેલાં થોડું સર્વે લેશે અને ત્યારબાદ હું તે આ આધારે આપને મારી કંપનીનું પ્રેઝેન્ટેશન આપીશ, પણ હા! જો તમારી ઈચ્છા હશે તો જ. જો આપને રસ ન પડે, તો હું આપનું ફ્રી ગીફ્ટ આપીને આપને છુટ્ટા કરી દઈશ.” ફ્રી ઉપર મુકાયેલો ભાર મને કઠ્યો.

ભાગવતનું પેટ પેટ થોડું બહાર નીકળેલું હતું, પણ સૌથી વધુ ધ્યાન તેના કપાળે ખેંચ્યું. તેનું કપાળ જાણે પેટ સાથે સ્પર્ધા કરી રહ્યું હોય તેમ આગળ આવી રહ્યું હતું અને તેનાથી ગુસ્સે થઈને નાક બે બાજુ વધુ પડતું ફેલાઈ રહ્યું હતું. નાકની અંદરથી એક બે વાળ સ્પર્ધા હોય તેમ બહાર આવી ગયા હતા. કાન રાજીનામું આપવા માગતા હોય અને ચહેરો છોડી જવા માગતા હોય તેમ બહારની તરફ નીકળ્યા હતા. ઉનાળામાં કાન ચહેરાને પવન નાખવા કામ લાગતા હશે એવું વિચારીને હું મનોમન હસ્યો.

મને જો કે સૌથી વધુ આશ્ચર્ય જેડીના હાવભાવ જોઇને થયું. વધુ પડતો ફ્રી ઉપર અપાયેલ ભાર છતાં નિર્વિકાર ચહેરે બેઠો હતો.

રીમા હાથમાં એક કાગળ લઈને અમારી સામે સુંદર સ્મિત સાથે ગોઠવાઈ અને સલીમભાઈ સામે જોઇને કહ્યું, “આપ સલીમ પટેલ છો?”

સલીમભાઈએ હકારમાં માથું હલાવ્યું એટલે તેણે પોતાના કાગળમાં કંઇક ટપકાવ્યું અને પછી મારું અને જેડીનું નામ પૂછીને કાગળમાં નોંધ્યું. સલીમભાઈ રસપૂર્વક તે યુવતીને નિહાળી રહ્યા હતા અને જેડી હોલમાં નજર ફેરવી રહ્યો હતો. મારું મન તો ફ્રી શબ્દ ઉપર સાંભળીને ઉઠી ગયું હતું.

રીમાએ મારા ચહેરા સામે જોઇને પૂછ્યું, “આપ થાકેલા જણાઓ છો, સર?”

“ના, એવી તો કોઈ વાત નથી.”

રીમાએ મારો જવાબ સાંભળીને સુંદર સ્મિત કર્યું અને કહ્યું, “જુઓ સર, હું પાછલાં દસ વર્ષથી આ ક્ષેત્રમાં છું અને ચહેરો જોઇને જ સમજી જાઉં છું. શક્ય છે આપને મારી વાતમાં રસ નથી, પણ થોડા સમય પછી જરૂર રસ પડશે.”

હું થોડો સતર્ક થઇને બેસી ગયો. જો કે નમણા ચહેરાની સ્વામીની તેના મેનેજર ભાગવત કરતાં વધુ રસપ્રદ લાગી. જો કે બંનેમાં એક સામ્ય હતું, ભાગવતનું કપાળ જેમ બગાવત કરીને આગળ વધ્યું હતું તેમ રીમાના ઉપલા દાંતોએ બગાવત કરી હતી અને બહારની તરફ આવી ગયા હતા અને તેને લીધે જ તેનો અવાજ થોડો નાકમાંથી આવતો હોય તેવું લાગતું હોય. કદાચ શબ્દોને બહાર આવવામાં દાંત નડતા હશે એટલે થોડા નાકમાંથી બહાર આવી રહ્યા હતા.

મને છોડીને તેણે પોતાનો મોરચો જેડી તરફ ફેરવ્યો અને તેને કહ્યું, “સર, મારી વિનંતી છે કે જ્યાં સુધી હું કંઇક વાત કરી રહી છું, આપ મારી વાત ઉપર ધ્યાન આપો. આપ કોઈ બીજી જગ્યાએ જોશો કે મોબાઈલ હાથમાં લેશો તો મારા પોઈન્ટ્સ કપાઈ જશે, તો પ્લીઝ!”

જેડીએ ખભા ઉલાળ્યા અને રીમાના ચહેરા તરફ જોવા લાગ્યો. રીમાએ આભારવશ નજરે જેડી તરફ જોયું અને પછી સલીમભાઈ તરફ જોઇને પૂછ્યું, “સર, આપનો વ્યવસાય શું છે?”

સલીમભાઇએ કહ્યું, “મારો કન્સ્ટ્રકશનનો બિઝનેસ છે અને તે ઉપરાંત સમાજસેવા સાથે પણ સંકળાયેલો છું.”

“ઓહ! તો હું ભવિષ્યના કોઈ મંત્રી સાથે વાત કરી રહી છું.” એટલું કહીને ખીલખીલાટ હસી પડી.

તેના શબ્દો સાંભળીને જેડીનો ચહેરો ખીલી ઉઠ્યો અને સાથે જ સલીમભાઈના ચહેરા ઉપર સ્મિત આવી ગયું જાણે તે ઈલેક્શન જીતી ગયા હોય. મારા ચહેરા ઉપર સ્મિત હતું, પણ તે મેં પરાણે ચહેરા ઉપર ચિપકાવી રાખેલું નકલી હતું.

“આપનો વ્યવસાય?” મારી તરફ જોઇને રીમાએ પૂછ્યું.

“હું નોકરી કરું છું.” ટૂંકા જવાબમાં મેં પતાવ્યું.

હજી તેણે જેડી તરફ જોયું અને કંઇ પૂછે તે પહેલાં જ જેડી બોલી ઉઠ્યો, “હું સલીમભાઈનો દક્ષિણહસ્ત છું અથવા એમ કહો કે સચિવ છું.” તેની ભાષા કદાચ અઘરી લાગી એટલે તેને આગળ કંઇ ન પૂછ્યું.

તેણે અમારી તરફ જોયું અને પૂછ્યું, “આપ લોકો હંમેશા વ્યસ્ત હો છો, તો આપ મને જણાવો કે સૌથી છેલ્લે બધા મિત્રો ફરવા માટે ક્યારે ગયા હતા?”

“એક બે વર્ષ પહેલા ગયો હોઈશ, બાકી કામસર હું બહારગામ ફરતો હોઉં છું.” હું રસ લઇ રહ્યો છું એ દેખાડવા માટે મેં દોઢ ડહાપણ કરીને કહ્યું.

સલીમભાઈએ ફક્ત ખભા ઉલાળ્યા અને જેડીએ કહ્યું, “દેવી, અમારા સલીમભાઈ લોકસેવક છે અને તેમની દિનચર્યા અતિવ્યસ્ત હોય છે, છતાં બે ત્રણ મહીને એકાદવાર મિત્રો સાથે મનોરંજનની મહેફિલ ગોઠવે છે, જ્યાં સોમરસ ઉપરાંત કુક્કુટવધૂ પણ રાંધવામાં આવે છે. હા, પણ એક વાત જરૂર કહીશ કે વ્યસ્ત દિનચર્યાને લીધે દૂરપ્રદેશમાં મિત્રો સાથે વિહાર નથી કરતા.”

પોતાની ગરદન લાંબી કરીને જાણે શતુરમૂર્ગ જોઈ રહી હોય તેમ જેડી તરફ જોઈ રહી. જેડીને વધુ પૂછવાનું ટાળીને તેણે સલીમભાઈ સામે જોયું અને પૂછ્યું, “સર, આપના શોખ શું છે?”

“પાન ખાવાનો શોખ છે અને આપત્તિ ન હોય તો હું ખિસ્સામાં રાખેલ પાન મારા મુખમંડળમાં પધરાવું?” સલીમભાઈએ જેડી સામે જોઇને આંખ મીંચકારી.

પાન પોતાના મોઢામાં ઓરીને સલીમભાઇએ કહ્યું, “બાકી તીન પત્તી રમવાનો શોખ પણ ખરો, પણ તે ફક્ત શ્રાવણની સાતમ આઠમ વખતે જ અને હા ફિલ્મો પણ ગમે.”

પાન અને તીન પત્તી જેવા શબ્દો સાંભળીને મુંઝ્વાયેલી રીમાનો ચહેરો ખીલી ઉઠ્યો. તેણે તરત અમને ત્રણેયને મનપસંદ હીરો અને ફિલ્મો વિષે પૂછવાનું શરુ કર્યું.

થોડીવાર પછી અમારો ઈન્ટરવ્યુ પૂરો થયો એવી તેણે જાહેરાત કરી અને ફરી ઉચ્ચ કપાળસ્વામી ભાગવત હાજર થયો. તે સમયે બીજા એક ટેબલ ઉપરથી જાહેરાત થઇ કે મિસ્ટર તિવારી આપણી કંપની કિંગ્સબેન સાથે જોડાઈ ગયા છે, સાથે જ તાળીઓ વાગી.

ભાગવત એક બ્રોશર લઈને અમારી સામે ગોઠવાયો અને રીમાએ આપેલા કાગળ ઉપર ગણતરી કરીને કહ્યું, “અરે વાહ! આપ અમારા લકી દાવેદારોમાંથી એક છો. આપને ઓફર કરવામાં આવે છે, પાંચ વર્ષની અમારી કંપનીની રાજાઓની માલિકી. આપ વર્ષમાં બે વખત રજા માટે અમારા જુદા લોકેશનોની હોટેલમાં રોકાઈ શકશો, જેમાં આપને મળશે અમારી ફાઈવ સ્ટાર હોટેલમાં રહેવાની અને જમવાની સગવડ. સાથે જ ફરવા માટે શોફર ડ્રીવન કાર અને મેડીકલ સુવિધા. જો કે આપને રસ ન હોય તો પંદર મિનિટ રાહ જુઓ હું તમને તમારું ફ્રી ગીફ્ટ આપી દઈશ.”

ફ્રી શબ્દ સાંભળીને મને થોડો ગુસ્સો આવી ગયો.

“અરે વાહ! બહુ સરસ.” સલીમભાઈએ પોતાના ચહેરા ઉપર આનંદના ભાવ લાવીને કહ્યું.

ઉચ્ચ કપાળસ્વામીએ પોતાની પાસેના કાગળ ઉપર તરત ત્રીરાશી માંડવાનું શરુ કર્યું અને કહ્યું, “આપ એક વખત ફરવા જાઓ અને અમે જે સગવડ આપીએ છીએ તેનો ખર્ચ ત્રીસ કે ચાળીસ હજાર આવે અને બે વખત જાઓ એટલે સાઈઠ હજાર એમ પાંચ વર્ષના ત્રણ લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય.”

હજી એ આગળ કહી રહ્યો હતો તે સમયે જેડીએ તેની વાતમાં ભંગ પાડતાં પૂછ્યું, “આપની સંસ્થા કેટલાં વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છે?”

“સોરી?” ન સમજેલા ભાગવતે ફરી પૂછ્યું.

“તમારી કંપની કેટલાં વર્ષથી કામ કરી રહી છે આ ફિલ્ડમાં?” મેં વચ્ચે પડતાં કહ્યું.

સમજી ગયો હોય તેમ ઉચ્ચ કપાળસ્વામીએ કહ્યું, “આમ તો અમે પડદા પાછળ વીસ વર્ષથી કામ કરતા હતા, પણ આ ચાર વર્ષથી અમારી કંપની લોકસેવા માટે પ્રસ્તુત કરી છે.”

જેડીની અસર એના ઉપર પણ થઇ હતી.

“તો આપના રીમાદેવી તો દસ વર્ષના અનુભવનો દાવો કરી રહ્યાં હતાં.” જેડીએ પોતાનો મુદ્દો આગળ કર્યો.

“હે… હે…. હે…” એવું ધીમું હસીને ઉચ્ચ કપાળસ્વામીએ કહ્યું, “એ તો એવું છે ને કે એ બીજે નોકરી કરતી હતી. બાકી આ રહી જુદા જુદા સ્થળે આવેલ હોટેલની લીસ્ટ જેની સાથે અમે ટાઈઅપ કર્યું છે અને આ અમારી કંપનીનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ.” એમ કહીને તે બ્રોશર આગળ કર્યું.

જેડીએ રીતસર સલીમભાઈના હાથમાંથી તે બ્રોશર પોતાની પાસે લઇ લીધું અને હોટેલોનાં નામ જોવા લાગ્યો.પછી બ્રોશર સલીમભાઈના હાથમાં આપીને કહ્યું, “મને એક ફોન આવી રહ્યો છે, હું વાત કરીને તરત આવું.” એમ કહીને બહાર ગયો.

ભાગવતે છુટકારાનો શ્વાસ લીધો અને ફરી કાગળ ઉપર ત્રીરાશી બનાવવા આગળ વધ્યો. બધી વાતના અંતે કહ્યું, “અમારી કંપની પાંચ વર્ષની રજાની માલિકી ફક્ત એક લાખ રૂપિયામાં આપે છે.”

એટલું કહીને અમને ફરી સમજાવવા લાગ્યો. કોઈ અજ્ઞાત કારણસર સલીમભાઈ રસપૂર્વક બધું સાંભળી રહ્યા હતા.

થોડીવાર પછી હોલનો દરવાજો ખુલ્યો અને તેમાંથી જેડી અંદર આવ્યો અને તેની પાછળ ઇન્સ્પેક્ટર પાટીલ પણ હતા.

પાટીલ સલીમભાઈ પાસે આવ્યા અને કહ્યું, “કાય નેતે, કશે આહાત? તુમ્હી બોલાવલે હોતે?” (શું નેતાજી, કેમ છો? તમે બોલવ્યો હતો?)

સલીમભાઈએ કહ્યું, “દસ વર્ષ પહેલાં ફ્રોડ કરીને ગયેલી ટોળકીનો સુત્રધાર સુરજ સક્સેના અંદર બેસેલો છે. તમને ‘લિટિલ વૂડ્સ’ નામની મલ્ટી લેવલ માર્કેટિંગ કરનારી કંપની યાદ હશે?”

ઇન્સ્પેક્ટર પાટીલની આંખો પહોળી થઇ ગઈ. તે ઝડપથી સલીમભાઈએ આંગળી ચિંધેલા દરવાજા તરફ દોડ્યો, પણ અંદર કોઈ ન હતું.

તે જ સમયે નીચે ફરી શોરબકોર થયો એટલે અમે નીચે ગયા તો જેડી અને હવાલદાર કાંબળે સુરજ સક્સેનાને પકડીને ઉભા હતા. ત્યાં હાજર બધાંને પકડી લેવામાં આવ્યા.

ઘરે હતી વખતે જેડીએ ફોડ પાડ્યો, “મહેતાસાહેબ, સલીમભ્રાતને નિશુલ્ક પારિતોષિક મળવાનું છે એ સાંભળીને શંકા ગયેલી, પણ તેઓ ખરેખર કપટી છે કે સાચા છે તે જાણવાનો કોઈ માર્ગ નહોતો. જો કે સલીમભ્રાતના મસ્તિષ્કમાં સુરજ સક્સેનાની છવી સારી રીતે અંકાયેલી હતી એટલે એક બે વખત તે બહાર આવ્યો એટલે ઓળખી ગયા. છતાં ખાતરી કરવા માટે જે વિશ્રામાલયનાં ચિત્રો આપણને દેખાડવામાં આવ્યા ત્યાં ભ્રમણધ્વની દ્વારા સંપર્ક કરીને મેં ખાતરી કરી અને નિરીક્ષક પાટીલ સાહેબને અહીં આવવા કહ્યું. શરૂઆતમાં ફરીને મેં જોઈ લીધું હતું કે અહીંથી પ્રસ્થાન કરવાના માર્ગ કેટલા છે.”

સલીમભાઈ અને હું તેની વાત સાંભળીને હસી પડ્યા અને સલીમભાઇએ કહ્યું, “અંતે ફ્રોડ ટોળકી પકડાઈ ખરી! જેડી વેલ ડન.”

હું પહેલીવાર તે બંનેને અલગ રૂપમાં જોઈ રહ્યો હતો. ઘરે પહોંચતા ત્રણ વાગી ગયા હતા અને હવે ડિમ્પલને શું કહેવું એ વિષે વિચાર કરી રહ્યો હતો.

સમાપ્ત

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ