વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભૂંસાયેલાં પગલાંની છાપ

            'હું...વાર્તાકાર' વાર્તાસ્પર્ધા અંતર્ગત

 

            શીર્ષક : 'ભૂંસાયેલાં પગલાંની છાપ'

 

 

મેં એ પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો ને બીજી જ ક્ષણે સૂર્યાસ્ત થયો. ક્ષિતિજ પર જે રતુમડો સૂરજ થોડીવાર પહેલાં આભની શોભા વધારતો હતો એ જ સૂરજે ક્ષિતિજમાં વિલિન થઈને વાતવરણને અંધકારમય કરી નાખ્યું! 

 

દુનિયા તો જાણતી હતી કાલે ફરી આ સૂરજ ઊગશે. ફરી નવું પ્રભાત, નવી આશા ને દિવસ પૂર્ણ થતાં ફરી આ સાંજ ઢળી પડશે. ઢળી પડેલી સાંજ આળસ ખંખેરીને બીજે દિવસે ફરી વેશ બદલીને સવારના રૂપમાં હાજર થશે. આમ આ સવાર-સાંજનું ચક્ર ફર્યા જ કરશે. પણ હું જાણતો હતો. મારી સંધ્યા કાયમ માટે આથમી ચૂકી હતી. એટલે મારું આ ચક્ર પણ આજથી અટકી જ ગયું માનો! હવે મારા માટે સવાર ને રાત બધું એકસરખું; અંધકારમય... 

 

ભડભડ બળતી એ ચિતાને હું દૂરથી અપલક નજરે તાકતો હતો. એનો દેહ ધીમે ધીમે પંચમહાભૂતમાં વિલિન થઈ રહ્યો હતો. મને હજુ પણ મનોમન થતું હતું, 'એ ઊઠશે... હમણાં ઊઠશે…'  ને પછી ઘરે જ્યારે ગરોળી કે વંદાને જોઈને ચીસ પાડી ઊઠતી એમ જ એની ચારેતરફ લપાયેલી આગ જોઈને એ જોરથી મારા નામની ચીસ પાડશે, "વ્યોમેશ… વ્યોમેશ…" પરંતુ સેંકડો, મિનિટો ને કલાકો વીતી ગઈ પણ એના મુખેથી મધુર સ્વરમાં વ્યોમેશ નામનો ટહુકો સાંભળવા ન મળ્યો. અને હવે પછી ક્યારેય આ ટહુકો ગુંજવાનો પણ ન હતો! 

 

અજવાળું ધીમે ધીમે ઊંચી ટેકરીઓને પાર કરીને વધુ ને વધુ દૂર જતું જણાતું હતું ને અંધારું વધુ ને વધુ પાસે આવતું દેખાતું હતું. મારી બંને બાજુ મારા આધારસ્તંભની જેમ ઊભેલા મારા બંને મિત્રોએ મને કહ્યું, "ચાલ વ્યોમેશ હવે ઘરે પરત ફરવાનું છે." દિવસ આથમ્યા પછી સ્મશાનગૃહમાં ન રહેવાય. એની વાત સાંભળી હું ડઘાઈ ગયો. મનોમન બબડયો, આ દિવસ આથમવાની વાત કરે છે! અહીં મારું તો જીવન જ અસ્ત થઈ ગયું છે.

 

હું પ્રત્યક્ષ રીતે એને કશું પ્રતિક્રિયા આપી ન શક્યો. પણ મનમાં એક ધ્રાસકો પડ્યો. સૂમસામ રાતમાં આવી અસુરક્ષિત જગ્યાએ મારી સંધ્યા એકલી કેમ રહેશે? અહીં તો ચોમેર અંધકાર જ વ્યાપેલો રહેશે.એતો અંધારાના નામ માત્રથી કેવી ડરે છે. ઘરે અચાનક પાવર કટ થઈ જતો તો એ તરત જ મને ભેટી પડતી. પણ આ ક્ષણે હું કોને કહું કે મારા મનમાં હજુયે ઊંડે ઊંડે એવી આશા જાગે છે કે મારા ગયા પછી કોઈ ચમત્કાર થશે ને સંધ્યા આ ચિતામાંથી ફરી પ્રગટ થશે તો? એ સ્મશાનમાં છવાયેલ સૂનકાર ને અંધકારથી ડરી જશે. માટે મારે રાતભર અહીં જ પડ્યું રહેવું હતું. પણ મારા જીગરી દોસ્તો આજે જાણે મારા જાની દુશ્મન બની ગયા હતા. એટલે હું મારા હૃદયની વાત આજે એની સાથે વહેંચી ન શક્યો. અને એ લોકો નાના બાળકની માફક ફોસલાવીને મને ઘર ભણી દોરી ગયા.

 

 

ઈચ્છા-અનિચ્છાએ મારે ઘરે આવવું જ પડ્યું. આજે પહેલી વાર ઘરના દરવાજા સુધી પહોંચ્યા પછી મને ત્યાંથી ભાગી છૂટવાનું મન થયું. આ એ જ દરવાજો છે જેને ઓળંગીને હું મારી સંધ્યાથી દૂર જતો ત્યારે હંમેશા જલ્દી પરત ફરવાનો રઘવાટ મારા મનમાં રહેતો. અને હું ક્યાંય પણ બહાર જતો તો અહીં ઊભી રહીને મારી સંધ્યા મને પ્રેમથી બાય બોલતી અને પરત ફરું ત્યારે બમણા ઉત્સાહથી વેલકમ કરવા ઊભી રહી જતી. ઑફિસથી નીકળ્યા બાદ ટ્રાફિકમાં ફસાઈ જતા ઘરે પહોંચવામાં મોડું થઈ જાય તો એ વ્યાકુળ થઈ આ દરવાજે ઊભી રહી બહાર તાક્યા કરતી. દૂરથી હું આવતો જણાવું ત્યારે એના મનમાં શાંતિ થતી. આમ હું ન હોઉં ત્યારે સંધ્યાનો એક સાથીદાર આ દરવાજો પણ રહ્યો હતો. 

 

હજુ દિલોદિમાગ પર એ દિવસ તો તરોતાજા જ હતો. જ્યારે લગ્ન બાદ સંધ્યાએ પહેલીવાર આ દરવાજેથી ઘરમાં આગમન કર્યું હતું. ત્યારે ગૃહપ્રવેશ કરી તેણીએ પહેલીવાર આ ઘરમાં  પગલાં પાડ્યા હતા. અત્યારે સંધ્યાએ પાડેલાં પગલાં તો ભૂંસાય ગયા છે પરંતુ એની છાપ હજુય હૃદયસ્થ છે! આજે એ ગેરહાજર હતી છતાંય હાજર હોય એવું લાગી રહ્યું છે.

 

મારે થોડો સમય એકલું રહેવું હતું. લોકોની ભીડ વચ્ચેથી દૂર, એકાંતમાં, મારી પોતાની જાત સાથે, સંધ્યાની યાદોથી દૂર... એટલે હું બેડરૂમમાં પ્રવેશ્યો. પરંતુ ત્યાં પ્રવેશ્યો ત્યારે પરિચિત સુગંધે ચારેતરફથી મને જાણે ઘેરી લીધો હતો. ક્યારેક ગુલાબજળની સુગંધ તો ક્યારેક અત્તરની. મઘમઘતા મોગરાની સુગંધ તો જાણે શ્વાસમાં ઓળઘોળ થઈ ગયેલી. આ સુગંધથી સંધ્યા મારી તદ્દન નજીક હોય એવી અનુભૂતિ થતી હતી. પણ નજર એને શોધવા ફાંફા મારે ત્યારે આ અનુભૂતિ ઓગળી જતી હતી! અને ગળું સૂકાવા લાગતું હતું.

 

પાણી પીવા માટે કિચનમાં ગયો તો ત્યાં હાથમાં પહેરેલી બંગડીઓનો ખનકાર, પગના પાયલનો રણકાર કરતી ને માથા પરના લાંબા કાળા ભમ્મર વાળનો અંબોળો વાળીને; સાડીના પાલવને કમરમાં ખોસીને અહીં-તહીં ફરતી એક ભરાવદાર સ્ત્રી નજર સમક્ષ ખોડાઈ ગઈ. એની અણિયાળી આંખો જાણે મને જ તાકતી હતી. મારું ગળું વધુ ને વધુ સુકાય રહ્યું હતું. પણ આ સ્ત્રીએ જાણે મારી તરસ છીપાવી દીધી!

 

એ કોઈ પરસ્ત્રી હોય અને મારે એનાથી છૂટકારો મેળવવાનો હોય એમ હું પાણી પીધા વિના જ ત્યાંથી બહાર નીકળી ગયો. બહાર હોલમાં સુખડનો હાર લટકાવેલી સાદી ચાર કિનારી વાળી ફ્રેમમાં ફરી એ જ સ્ત્રી દેખાણી. હવાના બે અણુઓ પરસ્પર અથડાય એ માફક જ હું ઘરના કોઈ ખૂણે જાઉં તો મારી સાથે આ સ્ત્રી અથડાતી હતી. 

 

આજે મને સમજાઈ રહ્યું હતું કે સ્ત્રીઓને ઘરનો આટલો મોહ કેમ હોય છે! પોતાનું આખું જીવન ચાર દીવાલોની વચ્ચે વિતાવવી સ્ત્રીની સુગંધ ઘરની દીવાલોમાં ભળી જતી હશે. એના પડછાયા સતત ખાલી ઘરમાં ફર્યા કરતાં હશે. એના પગલાંઓ ભોંયતળિયામાં છાપ છોડી જતા હશે. એના સગા-સંબંધીઓ કરતા પણ પોતાના વધુ દુઃખો સ્ત્રીઓએ પોતાના રસોડા સાથે વહેંચીને ભાર હળવો કર્યો હશે. અને એટલે જ આજે સંધ્યા નથી તો પણ આખા ઘરમાં એ મૂકીને ગઈ છે એ અનુભૂતિ હું અનુભવી રહ્યો છું.

 

થાકેલો, વિચારમગ્ન ને સૂન મગજે હું સૂવા માટે પલંગ પર આડો પડ્યો પણ મને સખત ભાર વર્તાય રહ્યો હતો. મગજ પર ને હૃદય પર પણ… જીવનમાં નજીકથી જોયેલું આ બીજું મૃત્યુ હતું. કોઈ વધુ સ્વજનોને મેં જીવનમાંથી અલવિદા નથી કર્યા. પણ આજનો આ દિવસ મને દસ વર્ષ પહેલાંના સમયમાં ફંગોળી ગયો.

 

ત્યારે મારી ઉંમર સોળ વર્ષની હતી. એચ.એસ.સી. બોર્ડનું છેલ્લું પેપર આપીને ઘરે પરત ફર્યો ત્યારે આખું ગામ જાણે મારું સ્વાગત કરવા ઊમટ્યું હોય એમ મારા ઘર આગળ લોકોની ભીડ જામેલી હતી. લોકો વચ્ચેથી રસ્તો કરી કરીને હું અમારા ઘર સુધી પહોંચ્યો હતો.

 

અંદર જઈને જોયું તો સફેદ રંગનું કપડું ઓઢાડીને પપ્પાને ફળિયામાં વચ્ચોવચ સુવડાવ્યા હતા. આસપાસ પરિવારના સભ્યો ગોઠવાયેલા હતા. મમ્મી ત્યાં બાજુમાં બેસીને પોક મૂકીને રડતી હતી. હંમેશા હાથમાં કાચની રંગબેરંગી બંગડીઓ પહેરવાની શોખીન મારી મમ્મીએ તે દિવસે હાથમાં પહેરેલી બંગડીઓ ફોડી નાખેલી એ મેં નજરોનજર જોયેલું. આ દિવસ પછી મમ્મીએ લોકોને મળવાનું ટાળ્યું હતું.

 

ત્યાર પછીના દિવસોમાં તો મમ્મીએ કપાળે સેથો પૂરવાનું અને ચાંદલાના લગાવવાનું પણ બંધ જ કરી દીધું હતું. હંમેશાથી ગુલાબી, લાલ, કેસરી જેવા ચટાકેદાર રંગોની સાડી પહેરવાનું પસંદ કરતી મારી મમ્મી પપ્પાના ગયા પછી તો સાવ આછા રંગોની સાડીમાં જ જોવા મળતી. મોટાભાગે તો શ્વેત ને શ્યામ આ બંને રંગ જ એના દેહ પર જોવા મળતો. મારી કલરફુલ મમ્મી જાણે અચાનક બ્લેક ઍન્ડ વ્હાઇટ બની ગઈ હતી! 

 

આ દિવસને યાદ કરતાં કરતાં મને ચાર- પાંચ કલાક પહેલાં જ મારી સાથે ઘટેલી ઘટના તાજી થઈ. હું ઑફિસમાં મારા કામમાં ડૂબેલો હતો. અચાનક ફોનની ઘંટડી રણકી. તુરંત જ ઘરે જવાનું ઍલાન મળતાં હું ઘરે જવા નીકળ્યો. ઘરના પોર્ચમાં પડેલી ઍમ્બ્યુલન્સને જોઈને મેં ઘર તરફ લગભગ દોટ જ મૂકી. 

 

જઈને જોયું ત્યાં તો હૉલની મધ્યમાં મારી સંધ્યા આંખો મીંચીને ત્યાં સૂતેલી હતી. 'ઍક્સિડન્ટ' શબ્દને પહેલીવાર મેં આટલી નજીકથી વાંચ્યો! હું સમજી ગયો એ ગાઢ નિદ્રામાં પોઢી ચૂકી હતી. હવે મારા કહેવા છતાં પણ એ ઊભી થવાની ન હતી. મેં મારી જીવનસાથીનો સાથ ગુમાવી દીધો હતો! પણ જેમ દસ વર્ષ પૂર્વે મારી મમ્મીએ એમના જીવનસાથીને વિદાય આપી હતી ત્યારે એ બેવડ વળી વળીને રડી હતી એમ હું રડી શક્યો ન હતો. 

 

હું માત્ર ચૂપચાપ કોઈ પૂતળાની માફક ત્યાં ઊભો હતો. ન તો મારા હાથમાં કોઈ બંગડીઓ હતી જેને હું ફોડી નાખું. ન તો સંધ્યાના નામનું કોઈ શૃંગાર મારા શરીર પર હતું કે જેને હું મિટાવી શકું...

 

‌… ને અત્યારે એટલે જ મારી જીવનસાથીને ગુમાવ્યા બાદ મને થાય છે કે કાશ… હું પણ મારી મમ્મી જેમ કોઈ સ્ત્રી હોત!

 

(સમાપ્ત)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ