વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ અકસ્માત

ચહેરા પર જાણે ઉકળતું એસિડ પડ્યું હોય એમ ત્વચા તરફડી ઉઠી. એ જ પીડાના અતિરેકે જાણે મારા મસ્તિષ્કમાં એક કંપન જનમાવ્યું અને મારા ગળામાંથી એક ઉંહકારો નીકળ્યો. એ સાથે જ કાને એક અજાણ્યો અવાજ પડ્યો. 

"શી ઈઝ રિસ્પોન્ડિંગ!" 

 

મેં આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ જાણે મારી આંખો પર કશુંક બાંધ્યું હોય એવું લાગ્યું. મગજમાં છવાયેલા ઘોર અંધકાર વચ્ચે એક ભયાનક વિચાર ઝબકયો. ' ક્યાંક મારી આંખો તો-'

હું આગળ વિચારી નહીં શકી અને મારા શરીરે ત્વરિત પ્રતિક્રિયા દર્શાવી. મારા બંને હાથ આસપાસ ફંફોસી હું ક્યાં છું એ જાણવાની કોશિશ કરી. એ જ સમયે ફરી એ અવાજ મને સંભળાયો. 

"અં.. અં.. મિસિસ ભારદ્વાજ! ડોન્ટ ટ્રાય ટુ મુવ પ્લીઝ. યુ વર ઈન ક્રિટિકલ કન્ડિશન. યોર હોલ ફેસ ઈઝ ડેમેજડ! યોર ક્વિક મુવમેન્ટ વિલ હાર્શ યુ." 

 

હું મહામહેનતે એટલું જ પૂછી શકી, "યુ?" 

આટલું બોલતા તો મારા ચહેરાની દરેક નસ જાણે રબરની જેમ ખેંચાઈ ગઈ હોય એવી પીડા ઉઠી. 

 

"આયમ યોર ડોકટર. ડૉ. અવસ્થી. સ્કિન સર્જન. ડોન્ટ વરી મિસિસ ભારદ્વાજ. યુ આર સેફ નાવ!" 

 

ડૉ. અવસ્થીની વાતોએ મને એ ભયંકર અકસ્માતના ફ્લેશબેકમાં ધકેલી દીધી. 

હું અને વિરાટ એમની ઓફિસ પાર્ટીમાંથી પરત આવી રહ્યા હતા. અચાનક મળેલા પ્રમોશને વિરાટને અત્યંત ઉત્સાહિત કરી દીધો હતો. એ એકધારું બોલી રહ્યો હતો. જ્યારે પણ વિરાટ અત્યંત ખુશ હોય ત્યારે એ સતત બોલતો રહેતો. એ માનતો કે શબ્દો દ્વારા જ મનની ભાવનાઓને વ્યક્ત કરી શકાય. ચૂપ રહીએ, તો આવેલ ખુશીઓનું અપમાન કહેવાય. 

 

કારમાં વાગતા ગીતો પણ એને બોલતા નહોતા અટકાવી શક્યા. જ્યારે બોલવા માટે કશું નહીં બચ્યું, ત્યારે એણે પણ રેડીયોમાં વાગતા ગીત સાથે ગાવાનું ચાલુ કર્યું. એના ગીતમાં એનો ઉત્સાહ સ્પષ્ટ છલકાતો હતો. ખુલ્લા રસ્તા પર દોડી રહેલી કાર જાણે મને હવામાં ઉડાવતી હતી. મને લાગ્યું કે આ જ શ્રેષ્ઠ સમય હતો, જ્યારે હું એને અમારા જીવનમાં આવનારી બીજી ખુશી વિશે જણાવું. 

 

મેં હળવેથી વોલ્યુમ ડાઉન કર્યું અને શરારતી નજરે વિરાટ સામે જોયું. એ આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યો હતો. મેં હળવેથી ખોંખારો ખાઈ કહ્યું, "વિરાટ, આઈ લવ યુ!" 

 

વિરાટે પણ ચાલુ કારે મારા તરફ ઝૂકી મને કિસ કરતા કહ્યું, "આઈ નો બેબી. આઈ લવ યુ મોર." 

 

"બટ યુ ડોન્ટ નો વન થીંગ." ચહેરા પર બનાવટી ગંભીરતા ધારણ કરતા મેં કહ્યું. 

 

"વોટ હેપન ન્યાસા?" એના ચહેરા પર પણ ચિંતાની આછી લકીર ખેંચાઈ ગઈ. 

 

મને મનમાં હસવું આવતું હતું, છતાં ગંભીર સ્વરે કહ્યું, "બટ આઈ લવ સમવન એલ્સ, મોર ધેન યુ!" 

 

પહેલા તો વિરાટ બાઘો બની મારી સામે જોવા લાગ્યો. એનો ચહેરો જોઈ મારું હસવું છૂટી ગયું. 

"બુદ્ધુ, તને એકસાથે બે પ્રમોશન મળ્યા. યુ આર ગોઈંગ ટુ બી અ ફાધર!" 

 

આ સાંભળી વિરાટ ઉછળી પડ્યો. એણે ચાલુ કારે જ મને એની પાસે ખેંચી એક પ્રગાઢ ચુંબન કરી દીધું. હું પણ એના રિસ્પોન્સથી ઉત્તેજિત થઈ ઉઠી. અમારા બંનેની આંખોમાં આંસુ ઝળકી ઉઠ્યા. હજીપણ વિરાટે મને એના બાહુપાશમાંથી મુક્ત નહોતી કરી. 

 

ખુશીના અતિરેક વચ્ચે એકાએક મારી નજર સામેના દૃશ્યથી ફાટી ગઈ. મારી ચીસ ગળામાં જ રૂંધાઇ ગઈ. હું વિરાટને ચેતવું એ પહેલાં જ 160ની સ્પીડે જતી અમારી કાર બેકાબુ થઈ સામેથી આવી રહેલા ડમ્પર સામે ધસી ગઈ. 

 

ડમ્પર ચાલકે તુરંત બ્રેક મારી પરંતુ નહીં બાંધેલા સીટ બેલ્ટએ અમને દગો આપ્યો. વિરાટના હાથમાંથી ઉછળી હું સીધી આગળ તરફ ધકેલાઈ ગઈ અને ફ્રન્ટ ગ્લાસ તોડી સીધી બહાર ફેંકાઈ ગઈ. મારા આખા ચહેરા પર ગ્લાસની બારીક કરચ ખૂંપી ગઈ. મારું માથું ડમ્પર સાથે અફળાયું અને મારી આંખોમાં લોહી ઉતરી આવ્યું. 

 

બેહોશીની ઊંડી ગર્તામાં ધકેલાતા પહેલા મારા કાને જે શબ્દો પડ્યા એ હતા, "અરે આગ લગ ગઈ હૈ! કોઈ-" 

 

વિરાટ વિશે વિચારતા જ હું ગભરાઈને બેઠી થવા ગઈ. હજીપણ મારી આંખો સામે તો અંધારું જ છવાયેલું હતું. એ જ સમયે મારા કાને એક પરિચિત અવાજ પડ્યો. 

"નહીં ભાભી! પ્લીઝ આવું નહીં કરો. હમણાં તમારી હાલત એવી નથી કે તમે બેસી શકો." અને એક વ્હાલભર્યો સ્પર્શ મારી હથેળીએ અનુભવાયો. 

 

'શીપ્રા' મારી લાડકી નાની નણંદ. પરંતુ નણંદ કરતા અધિક વ્હાલી સખી. વિરાટ સાથેના લવમેરેજ પછી શીપ્રાના સતત સપોર્ટને કારણે જ હું બહુ ઝડપથી સાસરે એડજેસ્ટ થઈ શકી હતી. ત્રણ વર્ષ તો જાણે હસતા રમતા પાસ થઈ ગયા હતા. 

 

શીપ્રાને મારી પાસે અનુભવી મનમાં થોડી શાતા વળી. હું એને વિરાટ વિશે પૂછવા ગઈ પરંતુ કશું બોલું એ પહેલાં જ મારા ચહેરાની નસો ખેંચાવા લાગી. 

 

"ભાભી કશું નહીં બોલો. ડૉકટરે તમને કશું પણ બોલવાની ના પાડી છે. આવતી કાલે તમારા ફેસ રિકન્સ્ટ્રક્શનનું પહેલું ઓપરેશન છે. ત્યારબાદ તમારી આંખો ખુલી શકશે. બહુ ઝડપથી તમે રિકવર થઈ જશો." શીપ્રા અવાજમાં સ્વસ્થતા ભેળવી વાત કરવાનો પ્રયત્ન કરી રહી હતી. 

 

મારા મનમાં વિરાટની હાલત વિશે અનેક શંકા ઉદ્ભવવા લાગી. મેં એનો હાથ પકડી વિરાટ વિશે પૂછવાનો પ્રયત્ન કર્યો. મને નહીં ખબર પડી કે શીપ્રા મારી વાત સમજી કે નહીં. મેં ફરી એની હથેળીમાં V લખ્યો. 

 

શીપ્રા મારી વાત સમજી ગઈ. એણે મારો હાથ દબાવી કહ્યું, "ભાભી, વિરાટભાઈને મલ્ટીપલ ફ્રેક્ચર્સ આવ્યા છે. એમને બીજી હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. ચિંતા નહીં કરો એ પણ બહુ ઝડપથી સારા થઈ જશે. ડૉક્ટરે કહ્યું છે કે એમને પણ કમ્પ્લીટ રિકવર થતા ત્રણેક મહિના તો થઈ જશે. હમણાં તમે આરામ કરો." 

 

વિરાટ સલામત છે એ સાંભળી મને શાંતિ થઈ. હું બંધ આંખોએ જ જાગ્યા બાદ ફરી ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગી. 

 

*** 

દૂર લહેરાતા સમુદ્રના વિશાળ મોજાનો ઘૂઘવાટ અમારા તોફાની હૈયાને શાંતિ પ્રદાન કરી રહ્યો હતો. તોફાને ચઢેલા અમારા શરીર થાકીને એકમેકની આગોશમાં સરકી ખુલ્લી આંખે સ્વપ્નો માણી રહ્યા હતા. લગ્ન પછી આઠ મહિના બાદ અમે કહેવાતું હનીમૂન માણવા ગોઆ પહોંચ્યા હતા. જોકે હનીમૂન તો ફક્ત એક બહાનું હતું. જે દર મહિને ત્રણ ચાર દિવસ માટે રૂટીન લાઈફમાંથી મળતી મુક્તિ હતી. દર વખતે કુદરતના અલગ અલગ સ્વરૂપને માણવા અમે નવી નવી જગ્યાએ ફરતા રહેતા હતા. 

 

"તને ખબર છે ન્યાસા, હું નાનો હતો ત્યારે એકવાર દરિયાના પાણીમાં ડૂબતા બચ્યો હતો." વિરાટની વાત સાંભળી હું થડકી ઉઠી. 

 

"હું નવ વર્ષનો હતો ત્યારે દરિયામાં નહાતી વખતે એક વિશાળ મોજામાં ખેંચાઈ ગયો હતો. એ ક્ષણે મને લાગેલું કે હું હવે નહીં બચું. ખારા પાણીની અંદર જે થોડી ક્ષણો ગાળેલી, એ સમયે મારા કાનમાં કોઈ જ અવાજ નહોતો પ્રવેશી રહ્યો હતો. મારી આંખો પણ બંધ હતી. એ થોડીક્ષણમાં જે નીરવ શાંતિ અનુભવી હતી, એ ખરેખર અદભુત હતી. જાણે મારા અસ્તિત્વનો દરેક અણુ પાણીની અંદર શ્વાસ લેવા તરફડીયા મારતો હતો, છતાં મને કોઈપણ જાતની પીડા નહોતી થઈ રહી.  હું દરેક બંધનોને છૂટતા અનુભવી રહ્યો હતો. એક અજબ શાંતિ મને એના આગોશમાં ભરી રહી હતી. જાણે સૃષ્ટિનું અંતિમ સત્ય મારા મનોચક્ષુ સમક્ષ ઉઘડી રહ્યું હતું. મેં પણ દરેક ચિંતાને પાછળ છોડી મારી જાતને પ્રકૃતિના ખોળામાં વહેતી મૂકી દીધી હતી." 

 

એકધારું બોલી વિરાટ જાણે એ ક્ષણોમાં ખોવાઈ ગયો હોય એમ આંખો બંધ કરી શાંત થઈ ગયો હતો. પરંતુ એ ઘટનાની કલ્પના કરતા હું ફફડી ગઈ. મેં આવેગથી એનો હાથ પકડી લીધો. મારા વિરાટ સાથે કોઈ અનહોની બને એવી કલ્પના પણ હું નહોતી કરી શકતી. મારું હૃદય એ પણ વિસરી ગયેલું કે હમણાં વિરાટ મારી સામે સલામત બેઠો હતો. 

 

મારી મનોસ્થિતિ સમજી જતા વિરાટ મને ટપલી મારી બોલ્યો, "પગલી, હું તારી સામે જ છું. એ મારો ભૂતકાળ હતો. એક વિચિત્ર ઘટના. જેને હું દુર્ઘટના નથી માનતો. કારણકે એ ઘટનાએ મારી અંદરના સ્વને પહેલીવાર અનુભવ્યો હતો. એ જ ક્ષણથી મેં ઈશ્વર સમક્ષ એક મનોકામના કરી હતી. જ્યારે પણ મારું મૃત્યુ આવે, ત્યારે હું આવી જ શાંતિ અને આનંદ અનુભવું." 

 

વિરાટના ચહેરા પર હથેળી દાબી મેં એને આગળ બોલતા અટકાવી દીધો હતો. "આજ પછી ક્યારેય મરવાની વાત નહીં કરતો. પ્લીઝ મને મૃત્યુ નથી પસંદ." 

 

વિરાટ મારી વાત સાંભળી ખડખડાટ હસી પડ્યો હતો. પણ મારા મનમાં એક અજાણ્યો ભય પેસી ગયેલો કે વિરાટને કશું થઈ જાય, તો મારું શું થાય?

*** 

 

આ ઘટના યાદ આવતા જ મારા ચહેરા પર ચિંતાની રેખાઓ ફરી વળી. એટલે ફરી મારી નસો ખેંચાતા અસહ્ય પીડા ઉંહકારા દ્વારા વ્યક્ત થઈ જ ગઈ. આ વખતે મારા હાથ પર ફરી એક સ્પર્શ અનુભવાયો. એ હથેળી હાથમાં લેતા જ હું ઓળખી ગઈ. એક અનોખી શાતા હૃદયમાં વ્યાપી ગઈ. જેણે મને જન્મ આપ્યો, જેણે હાથ પકડી એક એક ડગલું માંડતા શીખવ્યું, જેણે જીવનના દરેક પડાવ પર મને યોગ્ય માર્ગદર્શન આપ્યું, એ સ્પર્શને તો હું ઊંઘમાં પણ ઓળખી શકું. 

 

ત્યાં જ મારા કાને મમ્મીનું ડૂસકું સંભળાયું. જાણે પ્રયત્ન કરીને રડવું ખાળી રહી હોય એમ! હું વિહ્વળ થઈ ઉઠી.  એક તો આંખે બાંધેલી પટ્ટીઓ અને બોલવાને કારણે ખેંચાઈ ઉઠતી ચહેરાની નસો. મને મારી પરિસ્થિતિ પર ભયંકર અફસોસ થઈ રહ્યો હતો. મેં દાબીને મમ્મીનો હાથ પકડી લીધો અને જોરથી થપથપાવવા લાગી. 

 

"અરે શું મમ્મી તું પણ દીદીને ગભરાવે છે? દીદી આટલા ભયાનક અકસ્માતમાંથી ઉગરી ગઈ એ જ આપણા માટે અગત્યની વાત છે. દીદી, તારી હાલત જોઈને મમ્મીને વારંવાર રડવું આવે છે. તું તો જાણે જ છે કે આપણને જરા પણ કશું થાય એટલે મમ્મીનો જીવ ઉપરતળે થઈ જાય." તર્પણ, મારા નાના ભાઈનો ખુલાસો સાંભળી મારું મન હળવું થયું. મેં પણ પ્રેમથી મમ્મીનો હાથ પંપાળતા થમ્સ અપની સાઈન કરી બધું બરાબર થઈ જશે એવી સાંત્વના આપી. 

 

પરંતુ મમ્મીના મૌને ફરી એકવાર મારા હૃદયને અજંપ કરી મૂક્યું. મને નહોતું સમજાતું કે હું શું કરું? મારા શરીરના દરેક અંગોમાં પીડા થતી હતી. પરંતુ એ સહન કર્યે જ છૂટકો હતો. મને સૌથી વધારે અકળામણ મારા અંધાપાને કારણે થતી હતી.  મારું મન એ વિચારી સતત ચિંતિત થઈ રહ્યું હતું કે ક્યાંક મારી આંખોને વધુ નુકશાન તો નહીં પહોંચ્યું હોય! ક્યાંક આ અંધારું કાયમ માટે તો મારા જીવનમાં સ્થાન નહીં જમાવી દે! 

 

મનમાં સવાલ અનેક હતા અને એ દરેક અનુત્તર હતા. ફક્ત સમય જ એ તમામનો ઉત્તર આપી શકે એમ હતો. મને વિરાટની પણ ચિંતા થઈ રહી હતી. કારણકે એક્સિડન્ટ બાદ વિરાટની શું હાલત હતી, એ મને ખબર નહોતી. મને એ પણ નહોતી ખબર કે મારી બેહોશીને કેટલો સમય વીત્યો હતો. મારે હવે ઝડપથી સાજા થવું હતું. મારા વિરાટ પાસે જવું હતું. અમારા જીવનને ફરી એકવાર માણવું હતું. અમારા પ્રેમની નિશાનીને- 

 

અચાનક જ મારા વિચારોને બ્રેક લાગી ગઈ. મારો હાથ ઝાડપથી મારા ઉદર પર ફરી વળ્યો. મને સઘળું પથ્થરનું બન્યું હોય એવું લાગ્યું. હું વિહ્વળ થઈ ઉઠી. ફરી એકવાર જોર કરી મેં બેઠા થવાનો પ્રયત્ન કર્યો. 

 

તરત જ તર્પણે મારો ખભો પકડી અટકાવી દીધી. મેં એનો હાથ કસીને પકડી લીધો. મને નહીં સમજાયું કે હું એને કેવીરીતે પૂછું. મારા ગર્ભમાં એક જીવ પાંગરી રહ્યો હતો એ વાત હજુ કોઈને જણાવી નહોતી. ફક્ત હું અને વિરાટ જ જાણતા હતા. મને મારી અસહાય સ્થિતિ પર રડવું આવવા લાગ્યું. અને ફરી એકવાર પીડાની પરાકાષ્ઠાએ હું તરફડી ઉઠી. 

 

મેં હવામાં હાથ ફંફોસી કશું શોધવાનો પ્રયત્ન કરવા માંડ્યો. તરત જ મમ્મીએ મારો હાથ ઝાલી લીધો. મેં તરત જ એનો હાથ પકડી મારા પેટ પર મુક્યો. અને હવામાં હાથ લહેરાવી ઈશારો કરવા લાગી. 

 

થોડીવાર સુધી મારી આસપાસ સન્નાટો છવાઈ ગયો. મને આ શાંતિ કોઈક ભયંકર પરિસ્થિતિ વિશે ઈશારો કરી રહી હતી. મેં ફરી મમ્મીનો હાથ પકડી પેટ પર મુક્યો અને પછી જોરથી હચમચાવી દીધો. એ સાથે જ મમ્મીનું રોકાયેલું ડૂસકું છૂટી ગયું અને મમ્મી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. 

 

મને જાણે કોઈએ ધક્કો મારી ઊંડી ખીણમાં ધકેલી દીધી હોય એવું લાગ્યું. મારા મગજમાં અંધકાર છવાઈ ગયો. મને લાગ્યું કે મારા શરીરમાં જે પીડા થઈ રહી હતી, એના કરતાં અનેક ગણી પીડા મારા હૃદયમાં થઈ રહી હતી. અને કરુણતા તો જુઓ! ઈશ્વરે એ પીડા વ્યક્ત કરવાની સ્વતંત્રતા પણ મારી પાસેથી છીનવી લીધી હતી. 

 

હું બસ નિશ્ચેત હાલતમાં દરેક પીડાને અવગણવાનો પ્રયત્ન કરતી પડી રહી. 

*** 

બીજા દિવસે મારું ઓપરેશન કરવામાં આવ્યું. મારો ચહેરો રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યો હતો. મારું મન એ હદે ઉદાસ હતું કે મને મારા નવા ચહેરા વિશે જરાપણ ઉત્સુકતા નહોતી. બસ મારું હૃદય એ જ વિચારીને રડી રહ્યું હતું કે જ્યારે વિરાટને મળીશ, ત્યારે એને શું કહીશ! અકસ્માત પહેલા અમારી વચ્ચે અમારા બાળકના આગમન વિશે જ વાત થઈ હતી. અને હવે હું એને એવું કહી શકીશ કે હું તારા બાળકને નહીં જાળવી શકી? 

 

મારા ચહેરાની પટ્ટીઓ નીકળી રહી હતી. મને સખત લ્હાય બળી રહી હતી. ધીરેધીરે દરેક પટ્ટીઓ નીકળી ગઈ પરંતુ મારી આંખોએ બાંધેલી પટ્ટીઓ હજી યથાવત હતી. ડૉક્ટરના કહેવા મુજબ મારી રેટીનામાં પણ કાચ ઘુસી ગયા હતા. આંખોના અલગ અલગ ત્રણ ઓપરેશન બાદ જ મારી દ્રષ્ટિ પાછી આવી શકે એમ હતી. હજી મારે કેટલો સમય રાહ જોવાની હતી એ ફક્ત ઈશ્વર જ જાણતો હતો. 

 

ફક્ત એટલો ફર્ક પડ્યો હતો કે હવે હું થોડું થોડું બોલી શકતી હતી. એકાદ બે શબ્દો! જાણે રણમાં ખોવાઈ ગયેલા પ્રવાસીને દૂર મૃગજળ મળ્યું હતું. 

 

આ સમય દરમિયાન મને એક વાતનું આશ્ચર્ય થતું હતું કે મારી મમ્મી અને તર્પણ સતત મારી સાથે રહેતા હતા. શીપ્રા પણ દિવસમાં એકવાર મારી પાસે આવીને ઘણો સમય ગાળતી હતી. પરંતુ મારા સાસુ હજીસુધી મને મળવા નહોતા આવ્યા. એવું નહોતું કે હું એમની અળખામણી વહુ હતી કે એ મારા પ્રિય સાસુમા હતા. અમારા સંબંધો પણ અન્ય સાસુ વહુના સંબંધો જેવા જ ખાટામીઠા હતા. અમારી વચ્ચે ઝગડા પણ થતા અને મનામણા પણ થતા. 

 

એકવાર મેં શીપ્રાને એમના વિશે પૂછ્યું પણ ખરું. ત્યારે શીપ્રાએ એમ કહીને વાત વાળી લીધી કે સાસુમા વિરાટ સાથે હોસ્પિટલમાં રહેતા હતા. મને આ વાત બરાબર લાગી. મારો વિરાટ પણ એકલો નહીં પડવો જોઈએ. 

 

મારું મન હવે વિરાટને મળવા બેકાબુ થતું જતું હતું. મારે એની સાથે વાત કરવી હતી. એની પાસે જઈ એને સ્પર્શવો હતો. એના પરસેવાની સુગંધ મારા ફેફસામાં ભરવી હતી. ભલે હું એને જોઈ નહીં શકું પણ એ મારી સાથે છે એ રાહત તો અનુભવી શકું! 

 

મેં તર્પણ અને શીપ્રાને વિરાટ સાથે મારી વાત કરાવવા કહ્યું. એ બંનેએ એમ કહીને મને ના પાડી કે વિરાટનું જડબું ભાંગી ગયું હતું. જેને કારણે એ બોલી શકે એમ નહોતો. પરંતુ હું એમ આસાનીથી માનું એમ નહોતી. મારી જીદ સામે ઝૂકીને શીપ્રાએ મારા સાસુને વીડિયો કોલ કરી વિરાટને મારી હાલત બતાવી હતી. 

 

કુદરતે કેવો સંયોગ રચ્યો હતો કે હું વિરાટને જોઈ નહોતી શકતી અને વિરાટ મને સાંભળી નહોતો શકતો. હજીપણ બોલતી વખતે મારા ચહેરાની નસો ખેંચાતી હતી. પરંતુ હવે પીડાની માત્રા થોડી ઓછી થઈ હતી. જોકે ડૉક્ટરે મને ચહેરા પર કોઈપણ હાવભાવ પ્રગટ કરવાની મનાઈ કરી હતી. 

 

મને ICU માં રાખવામાં આવી હતી, જેને કારણે અન્ય કોઈ મુલાકાતીઓને મને મળવાની પરમિશન નહોતી. ધીરેધીરે સમય પસાર થઈ રહ્યો હતો. મારા ચહેરા પર બીજા બે ઓપરેશન થઈ ચૂક્યા હતા અને આંખોમાં એક! મને અત્યંત ધૂંધળું દેખાવાનું ચાલુ થયું હતું. 

 

આવતી કાલે ચહેરાનું અંતિમ ઓપરેશન હતું. ત્યારબાદ મને અહીંથી રજા મળવાની હતી. એક્સિડન્ટને દોઢ મહિનો વીતી ચુક્યો હતો. ફાઈનલી હવે હું મારા વિરાટને મળી શકવાની હતી. એ હજી હોસ્પિટલમાં જ હતો. 

 

આખરે એ ઓપરેશન થઈ ગયું. એ ઘડી આવી ગઈ કે જ્યારે મારા ચહેરા પરની દરેક પટ્ટીઓ દૂર કરવામાં આવી. મારી આંખે તો ધૂંધળું દેખાતું હતું પણ હવે હું સ્પર્શીને અનુભવતા શીખી ગઈ હતી. મેં મારા આખા ચહેરા પર હાથ ફેરવ્યો. પહેલા કરતા ઘણો બદલાઈ ગયો હતો. એક વિચિત્ર લાગણી સમગ્ર અસ્તિત્વમાં ફરી વળી. 

 

મારા કાન ડૉકટરની સૂચના સાંભળી રહ્યા હતા. "મિસિસ ભારદ્વાજ, તમે નસીબદાર છો કે આજે એક નવો ચહેરો મેળવી રહ્યા છો. ઓપરેશન સફળ રહ્યું છે. થોડા દિવસોમાં તમે નવી ત્વચા સાથે કમ્ફર્ટેબલ થઈ જશો. પરંતુ ત્યાં સુધી તમારે એક બાબતની ખાસ કાળજી રાખવાની છે. કોઈપણ બાબત પર તમારે કોઈ રીએક્શન નથી આપવાનું. ના તો ખુશી વ્યક્ત કરવાની, ના તો દુઃખ! આઈ નો આ સિચ્યુએશન ઘણી મુશ્કેલ છે. પરંતુ એ જરૂરી છે. નહીંતો તમારા ચહેરાના રિકન્સ્ટ્રક્ટ થયેલા સ્નાયુઓ ફાટી જશે. બીજી એક ખાસ વાત. કોઈપણ બાબતમાં તમારી આંખોમાં આંસુ નહીં આવવા જોઈએ. તમારી આંખોની હાલત હજી ઘણી નાજુક છે. આઈ સ્પેશિયાલિસ્ટે બીજા બે ઓપરેશન સજેસ્ટ કર્યા છે, જે તમારો ચહેરો સ્ટેબલ થશે, પછી જ શક્ય બનશે. તો ત્યાં સુધી,બી કેરફુલ!" 

 

આટલું કહી ડોક્ટર જતા રહ્યા. હમણાં સુધી શાંત રહેલી શીપ્રાએ મને ખભેથી પકડી. એના ચહેરા પર અનેક હાવભાવોની સંતાકૂકડી ચાલી રહી હતી. એના હોઠ ફફળીને શાંત થઈ જતા હતા. મને લાગ્યું એ કશીક મૂંઝવણમાં છે. 

 

મને મારા સાસુમા વિશે પણ ચિંતા થઈ રહી હતી. એ અસ્થમાના દર્દી હતા. વિરાટ માટે હોસ્પિટલની દોડધામમાં એમની તબિયત ના લથડી હોય! મેં શીપ્રાનો હાથ પકડી ઈશારાથી જ પૂછ્યું. 

 

શીપ્રાએ મારી આંખોમાં આંખ પરોવી કહ્યું, "ભાભી, ડોક્ટરની વાત ધ્યાનમાં રાખજો. હવે અમે તમને એક વાત જણાવવા જઈ રહ્યા છીએ, જે હમણાં સુધી તમને નહોતી જણાવી.  તમારી નાજુક કન્ડિશનને જોતા અમે આ ડીસીઝન લીધું હતું. પ્લીઝ તમે તમારી લાગણીઓ પર કાબુ રાખજો. અમારે તમને નથી ગુમાવવા. એ દિવસે એક્સિડન્ટમાં-" 

 

આટલું બોલતા શીપ્રાને ગળે ડૂમો બાઝી ગયો. મારું હૃદય થડકી ઉઠ્યું. મેં કસીને એનો હાથ પકડી લીધો. 

 

ત્યાં જ મારા રૂમમાં કોઈ પ્રવેશ્યું. ધૂંધળી આંખે જોયું તો મારા આશ્ચર્ય વચ્ચે મારા સાસુ મને મળવા આવ્યા હતા. પરંતુ એમનો પહેરવેશ જોઈ હું સ્તબ્ધ થઈ ગઈ. સફેદ સાડલો પહેરી એ મારી તરફ આગળ વધી રહ્યા હતા. 

 

એમના વધતા કદમ મારા ધબકારા વધારી રહ્યા હતા. મારી પાસે આવી એમણે પ્રેમથી મારા કપાળે હાથ ફેરાવ્યો. હું કશું સમજુ એ પહેલાં જ તેઓ ભોંય પર કલ્પાંત કરતા ફસડાઈ પડ્યા. એમના તૂટક અવાજો વચ્ચે મારા કાનમાં જે શબ્દ પ્રવેશ્યો એ હતો, "વિરાટ!" 

અને મારી ધૂંધળી દ્રષ્ટિ સમક્ષ અંધારું છવાવા લાગ્યું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ