વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ એટલે પ્રેમ

તમે કોલેજકાળમાં જે છોકરા ને પ્રેમ કરતા હતા તે જ આજે તમારો જીવન સાથી છે,સુચિતા.તમે તમારા બંને બાળકો સાથે સુખપૂર્ણ જીવન જીવી રહ્યા છો.મધ્યમવર્ગીય પરિવારનું જીવન જીવતા તમને પણ ઘણી વખત બે છેડા ભેગા કરવામાં તકલીફ પડે છે, પણ 'તેરા સાથ હૈ તો મુજે ક્યા કમી હૈ.'એટલે મધ્યમવર્ગીય પરિવારની મુશ્કેલીઓ તમારી સામે પડકાર ઊભો કરી શકતી નથી,સુચિતા.તમારો પતિ એક પ્રેમાળ પતિ બની રહ્યો છે,સાથે સાથે એનો તમારા પરનો વિશ્વાસ-શ્રધ્ધા એક શ્રદ્ધાવાન પુરુષના ઈશ્વર પરના વિશ્વાસથી કમ નથી એનો તમને આનંદ છે. તમારી સામે ભૂતકાળના સુંદર લાગણીસભર સંસ્મરણો છે તો ભવિષ્યની અમર આશાઓ પણ છે.ચાલો,આજે તમારા સંવેદન સભર ભૂતકાળમાં ડોકિયું કરીએ.

એ તમારી યુવાનીના દિવસો હતાં.તમે સહેજ ભીનેવાન હતા પણ હતાં નાજુક-નમણાં. કોલેજમાં તમે આકર્ષણનું કેન્દ્ર ન હતાં પણ ધવલની નજરમાં વસી ગયેલાં.એણે તમને કૉલેજના બીજા વર્ષની શરૂઆતમાં જ પ્રેમ પત્ર પાઠવીને એના પ્રેમનો સંદેશો તમને મોકલેલો.તમે પણ ધવલની પ્રેમિકા બનવાનું કબૂલ મંજુર રાખેલું.પછી તો બન્નેનો પ્રેમ પ્રગાઢ થયેલો.તમે બંન્નેએ સાથે સાથે જીવન વિતાવવાનું નક્કી કરેલું.એકબીજા પ્રત્યેનો તમારો પ્રેમ કોઈ પણને ઈર્ષા આવે તેવો હતો,પણ આપણી દરેક ઈચ્છા ઈશ્વરનું મંજૂર નથી હોતી.

                એ અરસામાં ધવલના પિતાને કૅન્સર લાગુ પડી ગયેલું અને તમારા પિતાજીની બીજા શહેરમાં બદલી થઈ ગયેલી.એ વખતે તમે બંન્ને બગીચા મળેલાં ત્યારે બંન્નેની આંખોમાં આંસુ સિવાય કશું નહોતું.તમે બંનેએ આ પરિસ્થિતિમાં પણ જીવન સાથે જ જીવવાનું એકબીજાને આપેલું વચન દોહરાવેલું.

બીજા શહેરમાં જઈ તમે તમારો અભ્યાસ ચાલુ રાખેલો. ધવલને તેના પિતાની કેન્સરની બીમારીને કારણે ગ્રેજ્યુએશન પછી અભ્યાસ છોડી દેવો પડેલો.તમારા અને ધવલ વચ્ચે પત્ર દ્વારા પ્રેમની આપ-લે થતી રહેતી.તમારા શહેરમાં તમને અવારનવાર એ મળવા પણ આવતો. તમારો સાચો પ્રેમ અને એકબીજા પ્રત્યેનો સમર્પણ ભાવ એકબીજાથી દૂર હોવા છતાં તમને એકબીજાની અત્યંત નજીક રાખતાં.

બીજા શહેરની નવી કોલેજમાં તમે અનુસ્નાતકનો  અભ્યાસ કરતા હતાં ત્યારે તમારા સાથે એક કેતન નામનો છોકરો પણ અભ્યાસ કરતો હતો. કેતનના મનમાં તમે વસી ગયેલા એ મનોમન તમને ચાહવા લાગ્યો હતો.જો કે એણે ક્યારે તમારી નજીક આવીને તમને એનો પ્રેમ જાહેર કરવાની  કોશિશ કરી ન હતી.એ તમને ચાહે છે એવી શંકા પણ તમારા મનમાં ક્યારેય ઉદ્ભવેલી નહીં.તમારા માટે તો ધવલ જ તમારું સર્વસ્વ હતો એટલે  બીજા પુરુષ પ્રત્યે તમારી દ્રષ્ટિમાં પ્રેમનો કોઈ વિચાર જ ન હતો.

                         એ વખતે અચાનક તમારી મમ્મીનું હ્દય રોગના હુમલાથી અવસાન થઈ ગયેલું. તમારા પિતાજી પર ઘરની સંપૂર્ણ જવાબદારી આવી પડેલી.તમારી મમ્મીના મૃત્યુ પછી તેમણે તરત જ તમારા લગ્ન કરવાનું નક્કી કર્યું.પેલી બાજુ ધવલના પિતાજી કેન્સર સામે ઝઝૂમતાં હતાં,એટલે હાલ એ તમારી સાથે લગ્ન કરી શકવાની સ્થિતિમાં ન હતો.

તમે તમારા પિતાજીને વધુ રાહ જોવડાવવાની સ્થિતિમાં ન હતા,સુચિતા.તમે તમારા પ્રેમની વાત પિતાને કરો અને એનું રીએકશન શું આવશે એની જાણકારી તમને ન હોતી.તમે કોઈ જોખમ ઉઠાવવા માંગતાં ન હતાં.તમે ધવલને તમને ભૂલી જવાનું કહી તમારાં પિતા જયાં કહે ત્યાં લગ્ન કરવા તૈયાર થઈ ગયાં.અલબત્ત તમારા દિલોદિમાગ પર તો ધવલ જ છવાયેલો હતો.

આખરે તમે તમારા પિતાજીના પસંદ કરેલ છોકરાં સાથે લગ્ન કરી લીધા.એ છોકરો બીજો કોઈ નહી પણ પેલો કેતન જ હતો જે તમને ચાહતો હતો પણ એની ચાહતનો એકરાર તમારા આગળ કરી શકેલો નહી.એની ખુશીનો પાર ન હતો.એ જેને ચાહતો હતો એ જ છોકરી એની જીવન સંગિની તરીકે ઈશ્વરે એની સમક્ષ મૂકી હતી.

               લગ્નની પ્રથમ રાતે જ તમને  કેતને તમારા તરફના એના એક તરફી પ્રેમથી વાકેફ કરેલ.તમે પણ ધવલ સાથેના તમારાં પ્રેમ પ્રકરણ વિશે કેતનને અથથી ઈતિ સુધી જણાવેલ.કેતન તો આ સાંભળી એકદમ હતાશ થઈ ગયેલો તમને જણાયેલો.એને થયું કે એ જેને પ્રેમ કરતો હતો એ સ્ત્રી તો ઈશ્વરે મને આપી પણ એ ખરેખર મારી નથી.મન અને વચનથી એ બીજાની છે.આજે એ એનું શરીર મારા હવાલે કરશે પણ એ માત્ર શરીર જ હશે.માત્ર શરીર મારે નથી જોઈતું.મેં એને પ્રેમ કર્યો છે એટલે મારે એની ખુશી જોઈએ છે.હું એને એના પ્રેમ સાથે મેળવી આપીશ.એ રાતે કેતને તમને હાથ પણ લગાડેલો નહી,સુચિતા. સુહાગરાતે પણ તમારું કૌમાર્ય અંકબંધ રહેલું.

                 બીજા દિવસે કેતને ધવલનો સંપર્ક કરેલો.ધવલ અને કેતન એકબીજાને મળેલાં.કેતને ધવલને કહેલું,'ધવલ,હું સુચિતાને ચાહું છું પણ મારો પ્રેમ એકતરફી છે.સુચિતા તને ચાહે છે અને તું સુચિતાને.હું તમને બંનેને એક જોવા ઈચ્છું છું.તારી પરિસ્થિતિ અંગે સુચિતાએ મને બધી વાત કરી છે.જ્યાં સુધી તું સુચિતાને લઈ નહી જાય ત્યાં સુધી એને હું તારી અમાનત તરીકે સાચવીશ.મારા પર વિશ્વાસ રાખજે.સુચિતા તારી છે અને તારી રહેશે.'ધવલે થોડી આનાકાની કરેલી પણ એ પછી કેતને એને મનાવી લીધેલો.

            ત્યારબાદ કેતને તમને ઘરે આવીને ધવલ સાથે થયેલી વાતચીત વિશે જણાવેલું અને તમને કહેલું,'સુચિતા,હવે તું મારી પત્ની નથી,ધવલની અમાનત છે.ધવલ તને લઈ જાય ત્યાં સુધી હું તને સાચવીશ.હું તને ચાહું છું એટલે તારી ખુશી ઈચ્છું છું.'તમે મનોમન પ્રેમના આ દેવતાને વંદન કરેલાં.

               કેતન સાથે તમારે પછી ઔપચારિકતા નિભાવવા હનીમૂન પર પણ જવાનું થયેલું,પણ એ દરમિયાન પણ કેતને તમારાથી અંતર જાળવી રાખેલું.તમે બંને કાયદેસરના પતિ-પત્ની હોવા છતાં એક છત નીચે અલગ-અલગ પથારી પર  સૂતા.તમને ક્યારેક વિચાર પણ આવતો કે કેતન નાહકની સજા ભોગવી રહ્યો છે.તમે થોડા સમય બાદ ધવલને મેળવશો,ધવલ તમારા રુપમાં એનો પ્રેમ પ્રાપ્ત કરશે,પણ કેતન શું મેળવશે?તમે એ બાબતે કેતનને વાત પણ કરેલ અને કેતનની ખુશી માટે પોતાના પ્રેમનું બલિદાન આપવા પણ તૈયાર થઈ ગયેલ પરંતુ કેતનને એ મંજૂર ન હતું.કેતને તમને કહેલું 'સુચિતા, મારો તારા પ્રત્યેનો પ્રેમ એકતરફી છે, જ્યારે તમે અને કેતન એકબીજાને ચાહો છો. તમે બંને મળશો તો બંને સુખી થશો,જ્યારે તું મારી સાથે જોડાયેલ રહીશ તો તમને બંનેને અલગ કર્યાના દુઃખે હું દુઃખી થઈશ અને તમે બન્ને એકબીજાને ન મેળવી શકવા બદલ જીવનભર દુઃખી થશો એટલે કે આપણે ત્રણે દુઃખી થઈશું.'

          કેન્સરના દર્દથી પીડાતા ધવલના પિતાજી અંતિમ શ્વાસ લીધાં. છેલ્લા ચારેક વર્ષથી પોતાના પિતાની સેવા પાછળ સમય અને પૈસાની દ્રષ્ટિએ ધવલ સાવ આવી રહેલો. પિતાના અવસાન પછી એને પોતાની પરંપરાગત કંદોઈની દુકાન યોગ્ય રીતે સંભાળી લીધી. કેતને ધવલને બોલાવીને હવે તેની અમાનત એટલે કે તમને લઇ જવા  માટે જણાવ્યું.ધવલ પણ એ માટે તૈયાર હતો. તમે અને કેતને રાજીખુશીથી છુટાછેડા લીધાં.ધવલ અને તમારા કોર્ટ મેરેજમાં સાક્ષી તરીકે ખુદ કેતને સહી કરેલી.તમે અને ધવલે પ્રેમના  આ દેવતાને પગે લાગી તમારા નવા જીવનની શરૂઆત કરેલી.તમે પણ કાયમ માટે તમારા જીવનમાં કેતનને  સ્થાન આપવા તમારા પ્રથમ સંતાન નામ પણ કેતન રાખેલું છે,સુચિતા.












ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ