વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અવિરત ધબક્યા કરજે

 

ગીત – માય હાર્ટ વિલ ગો ઑન (ટાઇટેનિક - 1997)

ગીતકાર - વિલ જેનિંગ્સ

 

પ્રત્યેક રાત્રિના પ્રત્યેક સ્વપ્નમાં

મારી નજરમાં તું ઝળકે છે

મારી અનુભૂતિમાં તું પ્રગટે છે

આપણાં પરિચયનો આ અતીત છે.

તું અવિરત ધબક્યા કરજે…

અંતર જે આપણી વચ્ચે રહ્યું

ખાલીપો જે આપણી વચ્ચે વસ્યો

એને તરી તારે આવવું પડશે.

તું અવિરત ધબક્યા કરજે…

સમિપે કે દૂર, તું હશે જ્યાં પણ

મારો વિશ્વાસ અચળ છે.

તારું હૃદય અવિરત ધબક્યા કરશે…

ફરી તારું અંતર ઊઘડ્યું

મારા અંતરમાં આવી ચડ્યો તું.

મારું હૃદય અવિરત ધબક્યા કરશે…

પ્રેમનો એક સ્પર્શ માત્ર

જીવનપર્યન્ત ટકી રહેશે  

જીવશે જ્યાં સુધી રહીશું આપણે.

ગાઢ આલિંગનમાં જકડાઈ

એકબીજાંને ચાહ્યાં ત્યારે પ્રેમ સર્જાયો.

તું સન્મુખ છે એટલે કશાનો ડર નથી.

સૃષ્ટિના અંત સુધી આપણો સંગાથ

તારું સ્મરણ હૃદયમાં અકબંધ રહેશે.

મારું હૃદય અવિરત ધબક્યા કરશે…

 

(અનુવાદ – સ્પર્શ હાર્દિક)

* * *

 

ટાઇટેનિક વિશે લગભગ તો કશો પરિચય ના આપવો પડે, છતાં કહેવું જોઈએ એવું લાગતાં કહીએ કે ઈ.સ. ૧૯૧૨માં એ સમયનું સૌથી મોટું વહાણ નામે ટાઇટેનિક ડૂબી જવાની જે દુર્ઘટના ઘટેલી, એને કેન્દ્રમાં રાખી આકાર લેતી એક યાદગાર પ્રેમકથા, અલબત્ત કાલ્પનિક, એટલે ૧૯૯૭નું મૂવિ ટાઇટેનિક. અંગ્રેજી ફિલ્મો કે ગીતો સાથે જેને ખાસ સંબંધ ન હોય એણે પણ જીવનમાં કદી આ સર્વાધિક લોકપ્રિય ગીતોની યાદીમાં સ્થાન પામતું ‘માય હાર્ટ વિલ ગો ઑન’ ક્યાંક કાને પડતાં સાંભળ્યું હોય એવી સંભાવના પ્રબળ હોવાની. ના સાંભળ્યું હોય તો પણ યુટ્યૂબ હાથવગું જ છે.

આ ગીતને ગાયિકા સૅલિન ડિઓને જે ઉત્તેજના, આવેશ અને લાગણીની ઊંચાઈને અડકીને ગાયું છે, એ અદ્ભુત છે. વિલ જેનિંગ્સના શબ્દો અવ્યક્ત લાગણીને વાચા આપે છે અને જૅમ્સ હૉર્નરનું સંગીત એ ધસમસતી ભાવનાઓને વહેવા માટે માર્ગ ખુલ્લો કરે છે. ટાઇટેનિક પ્રેમકથા સરળ છે. ભદ્ર વર્ગની, અનિચ્છાએ કોઈની સાથે સગાઈ કરી બેઠેલી રૉઝ અને કામદાર વર્ગનો એક સંઘર્ષ કરતો, છેલબટાઉ ચિત્રકાર જૅક સંસારની એ સમયની અજાયબી જેવા ટાઇટેનિક પર વિચિત્ર સંજોગોમાં મળે છે, પ્રેમમાં પડે છે અને અંતે ટાઇટેનિક ડૂબી જાય છે… આ રૉઝની જૅક પ્રત્યેની લાગણીઓનું એક પ્રકારે વિલાપગીત પણ છે.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ