વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દુઃખી દિનુની દિવાળી

નીચેની તરફ જવા માટે હું લીફ્ટમાં પ્રવેશ્યો. અંદર ઉભા રહેવા માટે બહુ ઓછી જગ્યા હતી. મેં ધ્યાનપૂર્વક જોયું તો અંદરની જગ્યા ફક્ત એક વ્યક્તિએ ઘેરી રાખી હતી. હું તેમને સારી રીતે ઓળખતો હતો. તે મારા ઉપરના માળે રહેતા દિનેશ દંડાધિકારી હતા. તે અમારી સોસાયટીના સેક્રેટરી હતા. તેમના શરીરનો આકાર નાના હાથી જેવો હતો. તેમને જો સૂંઢ હોત તો અદ્દલ હાથ જેવા દેખાત. તેમના વિશાળ ચહેરા નીચે ગરદનનું અસ્તિત્વ જણાતું ન હતું. તેમના ખભાથી લઈને છાતી સુધીનો ઘેરાવો સમાન હતો, પણ તેનાથી નીચેનો ઘેરાવો બમણો હતો. મને ઘણીવાર આશ્ચર્ય થતું કે તેમના પગ તેમના શરીરનું વજન કેવી રીતે ઉપાડતા હશે અને તેમનું આ વજન ઉપાડવા છતાં તેમને ઓલોમ્પિકમાં ગોલ્ડ મેડલ કેમ નથી અપાતો.

        તેમનો ભાલપ્રદેશ છેક માથાના અડધા ભાગ સુધી ફેલાયેલો હતો. બંને કાનની વચ્ચે ઉગેલા વાળની ખેતી પણ સુકાઈ રહી હોય તેમ આછી થઇ રહી હતી. તેમની આંખોની આજુબાજુ ચરબીના થર જામ્યા હતા અને તે છતાં તે દરેક દ્રશ્ય આસાનીથી જોઈ શક્તા હતા તે માટે તેમની આંખો અભિનંદનને પાત્ર હતી. તેમનું નાક પણ તેમના ભાલપ્રદેશની જેમ મોટો ઘેરાવો લીધેલું હતું. બંને તરફ તેમણે વિસ્તાર વધારેલો હતો. આમ અટક દંડાધિકારી હતી, પણ કર્મે બેંક મેનેજર હતા.

        તેમના ચહેરા ઉપર તેમના ભાલ કરતાં પણ વધુ પ્રખારતાથી જણાતી બાબત હોય તો તે હતી તેમના ચહેરાની ઉદાસી. તેમના ચહેરા ઉપર બારેમાસ ઉદાસી છવાયેલી રહેતી. કદાચ વધુ ઉદાસ રહેવાને લીધે જ તેમના માથાના વાળોએ રાજીનામું આપી દીધું હતું. તેમને હસતાં જોનાર વ્યક્તિ કદાચ અમારી સોસાયટીમાં હયાત ન હતી. આ કારણને લીધે જ લોકો તેમની પાછળ તેમને દુઃખી દિનુ કહેતા.

        મેં લીફ્ટમાં પ્રવેશીને તેમની સામે સ્મિત કર્યું. સામે તેમણે એવો કોઈ પ્રયાસ ન કર્યો. તેમણે હોઠને બદલે ફક્ત માથું હલાવીને કામ ચલાવ્યું. તેમનો ચહેરો તે સમયે પણ ઉદાસ હતો. અઠવાડિયા પહેલાં જ નવરાત્રી પૂર્ણ થઇ હતી અને દિવાળી આવું આવું કહી રહી હતી. આજે રવિવાર હતો અને હું પગ છૂટો કરવા માટે જ નીચે જઈ રહ્યો હતો. મારે અમદાવાદની આ આવિષ્કાર સોસાયટીમાં આવીને છ જ મહિના થયા હતા એટલે ઓળખાણ ઉપરછલ્લી હતી. મેં ઓળખાણ વધારવા માટે અને મારી પત્ની ડિમ્પલ રસોઈ તૈયાર કરે ત્યાં સુધીનો સમય પસાર કરવા માટે દિનેશભાઈને પૂછ્યું, “આ વખતે નવરાત્રીનો પ્રોગ્રામ સરસ થયો નહિ?”

        તેમણે સામેથી ફક્ત હમમ કહ્યું. તેમના હમમ કહેવા સાથે જ લીફ્ટ રોકાઈ ગઈ હતી અને તેનું સ્વયંસંચાલિત દ્વાર ખુલી ચુક્યું હતું. દિનેશભાઈ મને કચડીને આગળ વધે તે પહેલાં હું બહાર નીકળ્યો અને નીકળતાં પહેલાં ફરી સ્મિત આપ્યું. મારા સ્મિત સાથે જ તેમના ચહેરાની ઉદાસી ગહેરી થઇ ગઈ. હમણાં જ રોવા માંડશે એવી ભાવના મારા મનમાં ઉગી નીકળી, પણ એવું ન થયું અને અમે બંને સોસાયટીના ગેટ તરફ અગ્રસર થયા.

        થોડો ઘરરર ઘરરર એવો અવાજ આવ્યો અને પાછળથી શબ્દો સંભળાયા, “તમે બસો ત્રણમાં રહો છો ને?”

        “હા દિનેશભાઈ. હું જ્યોતિન્દ્ર મહેતા. હમણાં થોડા સમય પહેલાં જ અહીં રહેવા આવ્યો છું.” મેં ચર્ચા આગળ વધે તે માટે લાંબો જવાબ આપ્યો, પણ સામે તેમણે ફક્ત હમમમ કહ્યું.

        તેમણે સાદું પેન્ટ અને ટીશર્ટ પહેર્યું હતું, જે દર્શાવતું હતું કે તે પણ રવિવારે પગ છુટ્ટો કરવા માટે નીકળ્યા છે, જો કે અંદરખાને તેમના પગની મને દયા આવી રહી હતી.

        “બજાર તરફ આંટો મારવા જઈ રહ્યા છો?” મેં વાત આગળ વધારવા માટે પૂછ્યું.

        “ના ના, બજારમાં જઈને શું કરવાનું? સોસાયટીના બહાર જે પાનનો ગલ્લો છે ત્યાં થોડીવાર બેસીશ.

        હું પણ તેમની પાછળ તે દુકાનમાં દોરવાયો. તેમને જોઇને પાનવાળા રસીકે કુરકુરેનું એક પડીકું તેમને આપ્યું. નાના બાળકની જેમ તેમણે પડીકું તોડીને કુરકુરે મોઢામાં ઓરવાનું શરુ કર્યું.

        મેં રસિકને મીઠું પાન આપવા કહ્યું. પાન મોઢામાં ઓરીને થોડીવાર પછી છુટેલા લાલ રસને મોઢાની બહારનો રસ્તો દેખાડ્યા પછી ત્યાં મુકેલી પાટલી ઉપર ગોઠવાયો અને બાજુની ખુરસીમાં તન્મયતાથી કુરકુરેનું ત્રીજું પડીકું પેટમાં પધરાવી રહેલ દિનેશભાઈને પૂછ્યું, “દિનેશભાઈ, તમે નોકરી ક્યાં કરો છો?”

        કોઈ યોગીની યોગસાધનામાં વિક્ષેપ પાડ્યો હોય અને તે ક્રોધિત થાય તેમ ક્રોધ ભરેલી આંખોથી મારી તરફ જોયું અને પછી કુરકુરે ચાવતાં કહ્યું, “એન્કમાં.”

        મારા ચહેરા ઉપર પ્રશ્નાર્થ ચિન્હ જોઇને તે સમજી ગયા કે ઈચ્છિત શબ્દ કુરકુરે સાથે અંદરની તરફ હોમાઈ ગયો છે. તેમણે ઇશારાથી પાણીની બોટલ માગી અને પાણી પીને કહ્યું, “બેંકમાં મેનેજર છું. તમે શું કરો છો?”

        મને હાશ થઇ કે વાતચીતની શરૂઆત થઇ. અમે એકબીજા વિષે જાણકારીનું આદાનપ્રદાન આગલા એક કલાક સુધી કરતા રહ્યા. તેમનો સ્વભાવ મને ગમી ગયો હતો.

        ઉપર જતી વખતે મારા મનમાં ઘણા સમયથી સળગી રહેલ પ્રશ્ન પૂછી લીધો, “તમે ઉદાસ કેમ દેખાઓ છો?”

        “દિવાળી આવી રહી છે ને!” તેમના જવાબ સાથે જ લીફ્ટનો દરવાજો ખુલી ગયો હતો અને મારે બહાર નીકળવાનું હતું. હું આશ્ચર્યના ઉભરા સાથે બહાર આવ્યો. સાલું, દિવાળી ઉદાસીનું કારણ કઈ રીતે હોઈ શકે !

        ઘરે આવીને ડિમ્પલને તેમની વાત કરી ત્યારે ડિમ્પલે કહ્યું, “તેમની પત્ની અમારી મહિલામંડળની સદસ્ય છે. તેમનું જીવન સરસ ચાલે છે. દિનેશભાઈ વગર કારણે દુઃખી રહે છે. તેમની પત્ની કહેતી હતી કે અમદાવાદમાં કોઈ ઘટના બની હોય તો પણ ચિંતા કરવા લાગે કે કાલે ઓફિસમાં જતી વખતે મારી સાથે આવી ઘટના તો નહિ થાય ને?”

        હું સમજી ગયો કે તેમની ઉદાસી માનસિક છે. મને વ્યક્તિ તરીકે તે ગમી ગયા હતા એટલે તેમની કાલ્પનિક ઉદાસી દૂર કરવાનું મિશન મેં મનોમન ઉપાડી લીધું અને ડિમ્પલને પૂછ્યું, “જમવામાં શું બનાવ્યું છે? મારે જમીને તારા બહાર જવાનું છે.”

        “આ દિવાળીની સાફસફાઈ કરી રહી હતી. તમે તો મદદ કરાવતા નથી. હવે કહો શું ખાવું છે? ઢોકળી બનાવવામાં વાર થશે. દાળભાત એકલા નહિ ફાવે. રોટલી માટે અત્યારે લોટ બાંધવાનો મૂડ નથી. શાક ઘરમાં પડ્યું નથી. ખીચડી રાત્રે કરવાની છે એટલે અત્યારે ફાવશે નહિ.” ડિમ્પલે પોતાની આગવી શૈલીમાં શરુ કર્યું.

        મને મારા ખિસ્સા ઉપર આવેલી મુસીબત દેખાઈ, પણ મારું મન નવા મિશનમાં પરોવાયેલું હતું એટલે તે પૈસા બચાવવાનું પડતું મુકીને કહ્યું, “ચાલ, હું બહારથી કંઈક પાર્સલ લઈને આવું છું.”

        ડિમ્પલે કપાળ ઉપર હાથ મારીને કહ્યું, “તમે પણ જૂના જમાનાના છો, મેં ઝોમેટો ઉપર પહેલેથી જ ઓર્ડર આપી દીધો છે. થોડી જ વારમાં જમવાનું આવી જશે.”

        સાલું, ઓર્ડર આપી જ દીધો હતો તો પછી મારી સાથે ચર્ચા શું કામ કરી રહી હતી. મોટી નોટ મારા ખીસામાંથી ગઈ ત્યારે મારા પેટને અને ડિમ્પલના મનને સંતોષ થયો.

        જમ્યા પછી આડા પડવાને બદલે હું નીચે ઉતર્યો અને મેં પહેલેથી પવલા ટોપી ઉર્ફ પ્રવીણ પટેલને ફોન કરીને સોસાયટીની બહાર મળવાનું કહી દીધું હતું. બધો પ્લાન તેની સાથે ચર્ચા કરીને તૈયાર કરવાનો હતો.

        મેં તેને મળીને દિનેશભાઈ વિષે વાત કરી અને કહ્યું, “જો પ્રવીણ, એ માણસ તરીકે બહુ સારો છે એટલે તેની આ દુઃખી થવાની આદત છોડાવવી રહી. તારા મગજમાં કોઈ પ્લાન હોય તો બોલ, જો લાંબો ખર્ચો કરવાની વાત તેમાં હોય તો વિચારતો પણ નહિ.”

        “કાકા, યાર તમે ચિંતા ના કરો. હું બેઠો છું ને. આપણે એવો પ્લાન બનાવીશ કે દિનુકાકા દુઃખી થવાનું બંધ કરી દેશે.”

        અમે ચર્ચાવિચારણા કરીને પ્લાન નક્કી કર્યો. કાંટાથી જ કાંટો નીકળશે એવો જડબેસલાક પ્લાન અમે બનાવ્યો હતો. અમલમાં મુકવા માટે હજી સમય હતો. તે દરમ્યાન વધુ એક રવિવાર આવવાનો હતો.

        હું નિયત સમયે રસિકના ગલ્લે પહોંચી ગયો. ઉદાસ ચહેરા સાથે દિનેશભાઈ પહેલેથી એક વેફરનું પેકેટ લઈને દુકાનની બહાર ખુરસીમાં બેઠા હતા. મેં તેમની સામે જોઇને સ્મિત કર્યું અને પછી પૂછ્યું, “દિનેશભાઈ, પાછલા રવિવારે આપણી વાત અધુરી રહી ગઈ હતી. દિવાળી આવી રહી છે તો શું થયું જે તમે ઉદાસ થઇ ગયા?”

        “જવા દો ને યાર, કંઈ કહેવા જેવું નથી. દિવાળી એટલે પૈસાનો ધુમાડો (આ વાતથી હું અંદરખાને સહમત હતો.) કેટલું પોલ્યુશન અને કેટલા બધા એક્સીડેન્ટ થાય છે દિવાળીમાં. પાછલી દિવાળીમાં એક સોસાયટીના ફ્લેટમાં રોકેટ પેસી ગયું અને આખું ઘર સળગી ગયું. મને બીક એ વાતની લાગે છે કે આપણી સોસાયટીના છોકરાઓ અળવીતરા છે. મારો ફ્લેટ છોકરાંઓ જ્યાં ફટાકડા ફોડે છે તેની સીધમાં છે. જો કોઈ રોકેટ મારા ઘરમાં ઘુસી જાય તો મારું શું થશે!”

        “જે વસ્તુ થઇ નથી તેના વિષે કેવી રીતે વિચારી શકો?” મેં થોડો વાદ કરવાનો પ્રયત્ન કર્યો.

        “થઇ નથી એનો મતલબ શક્ય નથી એવું તો ન કહેવાય નહિ ને?”  દુઃખી દિનુએ પ્રતિવાદ કર્યો.

        અમારી વાત પછી બીજી દિશામાં વળી.

*****

        ધનતેરસના દિવસે અમારે પ્લાન અમલમાં મુકવાનો હતો. મેં મિશનમાં ડિમ્પલને પણ સામેલ કરી હતી. ધનતેરસના દિવસે સવારે દુઃખી દિનુ ઉર્ફ દિનેશભાઈ દંડાધિકારીની પત્ની શિલ્પા અને તેમની દીકરી અનિતા કાર લઈને બજારમાં ગયા.

        તેમના ગયા પછી અડધા કલાકમાં પવલો સોસાયટીના ગેટ પાસે આવ્યો અને બૂમો પાડવા લાગ્યો. થોડી જ વારમાં ત્યાં ટોળું ભેગું થઇ ગયું. પ્લાન પ્રમાણે હું ટોળાનો ભાગ રહેવાનો હતો. મેં શાંતિથી તેની પૃચ્છા કરી. તેણે કહ્યું, “હમણાં જ મારા એક મિત્રનો ફોન હતો, ડી. માર્ટ આગળ એક કાર સળગી ગઈ છે અને તેમાં ગાડી ચલાવી રહેલ દીકરી અને તેની સાથે બેસેલ મા બંને સળગી ગયા. ટોળામાં પાછળની બાજુ ઉભા રહેલ દિનેશભાઈને ધ્રાસ્કો પડ્યો.

        તેમણે તરત પોતાની દીકરી અનિતાને ફોન લગાવ્યો. તેનો ફોન સ્વીચ ઓફ હતો. તેમની પત્ની શિલ્પાનો ફોન પણ બંધ હતો. તેમના ચહેરા ઉપર સાચી ચિંતાના વાદળો ઘેરાયાં. તેમની આંખો ભરાઈ આવી. હું તેમની નજીક ગયો અને કહ્યું, “શું થયું દિનેશભાઈ?” તેમણે પોતાની શંકા કહી.

        મેં તરત પવલાને ગાડી કાઢવા કહ્યું અને અમે ત્રણેય ડી. માર્ટ પહોંચ્યા. ત્યાં એક ગાર્ડ ઉભો હતો તેને દિનેશભાઈ સામે જ પવલાએ એક્સીડેન્ટ વિષે પૂછ્યું.

        તેણે કહ્યું, “હા ભઈ, એક એસ્કીડેંટ તો થ્યો સ. કો સોડી હતી ન એક બાયડી હતી. ઈમન ચ્યો લઇ જ્યા એ નહિ ખબર. આવા તો દહ એસ્કીડેંટ થતા હોય સ, ચેટલાનું ધોન રાખીએ.” ગાર્ડે જવાબ આપ્યા પછી પવલાએ તેની તરફ આંખ મીચકારી. હું સમજી ગયો કે પવલાએ બરાબર સેટિંગ કર્યું છે.

        ગાર્ડની વાત સાંભળીને દુઃખી દિનેશભાઈ વધુ દુઃખી થઇ ગયા. પવલાએ તેમને સધિયારો આપતા કહ્યું, “કાકા, તમે લોકો ઘરે પાછા જાઓ. બાકીની તપાસ હું કરું છું. શક્ય છે એક્સીડેન્ટ બીજા કોઈનો થયો હોય. હું હોસ્પિટલોમાં ચેક કરું છું.” એટલું કહીને તેણે પોતાના એક મિત્રને ફોન કર્યો અને અમે હું દિનેશભાઈ સાથે પાછો ફર્યો.

        સમાચાર મળતાં જ બિલ્ડીંગના ઘરે હાજર પુરુષો દિનેશભાઈ ઘરે ભેગા થઇ ગયા હતા. દુઃખી દિનુની આંખમાં આંસુ હતાં. તે બોલી રહ્યા હતા, “એ બંનેને સુખ આપી શક્યો નથી. સવારે તેઓ નીકળી રહ્યા હતા, ત્યારે કહ્યું હતું કે બહાર ન નીકળતા હો તો! કેટલા બધા એક્સીડેન્ટ થતા હોય છે. મારી અવળવાણી આજે સાચી પડી. હું કોઈ દિવસ તેમની સાથે હસીને વાત કરી શક્યો નથી.” આમ પોતાની દુઃખી થવાની આદતનો ઉલ્લેખ કરીને દુઃખી થતા રહ્યા.

        વચ્ચે પવલાનો મને પરિસ્થિતિ વિષે જાણકારી મેળવવા માટે ત્રણ ચાર વાર ફોન આવ્યો. સાંજે પાંચ વાગે શિલ્પાભાભી અને અનિતા ઘરના દરવાજે પ્રગટ થયા અને સૂજેલી આંખે દિનેશભાઈને તરત તે લોકો દેખાયા નહિ. મેં તેમને કહ્યું, “દિનેશભાઈ, ભાભી અને અનિતા તો આ રહ્યાં. એક્સીડેન્ટ કોઈ બીજાનો થયો હશે.”

        સોસાયટીના લોકોએ પહેલીવાર દિનેશભાઈને હસતા જોયા. તેમણે કહ્યું, “તમે લોકો ક્યાં ગયા હતા? એક્સીડેન્ટના સમાચાર સાંભળીને જીવ અદ્ધર થઇ ગયો હતો.”

        “અમે તો ડિમ્પલભાભી સાથે લાલ દરવાજા ગયા હતા.” તેમના હાથ દસ જેટલી થેલીઓ જોઇને સમજી ગયો કે ડિમ્પલે પોતાનો ભાગ બરાબર ભજવ્યો છે.  

        મેં તેમની તરફ જોયું અને કહ્યું, “દિનેશભાઈ, દરેકના જીવનમાં સુખ અને દુઃખ તો લખાયેલું છે અને દરેક વ્યક્તિ તે ભોગવે છે. સુખ સને દુઃખના ફેરામાંથી કોઈ છૂટ્યું નથી. મારી ફક્ત એટલી વિનંતી છે કે જેના ભાગમાં જે આવે તે તેને ભોગવવા દો. તેના વિષે વિચાર કરીને તમે ફક્ત કાલ્પનિક દુઃખ પોતાના માટે ઉભું કરવાના છો. તમારા ચિંતા કરવાથી સામેવાળાનું દુઃખ ઓછું નથી થવાનું. તમારી ઈચ્છા હોય તો તમે તેને મળીને અને મદદ કરીને દુઃખ ઓછું કરી શકો, પણ જો ઘરે બેસીને તમે ફક્ત ચિંતા કરશો તો તેનો ફાયદો કોઈને નહિ થાય. નવરાત્રીમાં કોઈની દીકરી ઘરેથી ભાગી ગઈ હોય તો જરૂરી નથી કે તમારી દીકરી પણ ભાગી જશે.”

        દિનેશભાઈ મારી સામે એમ જોઈ રહ્યો જાણે હું કૃષ્ણ હોઉં અને તે કુરુક્ષેત્રમાં હથિયાર નાખી દીધેલ અર્જુન હોય. તે હજી સુધી સોફા ઉપરથી ઉભા થઇ શક્યા નહોતા. તે મહામહેનતે ઉભા થયા અને ઉભા થઈને દીકરીને ગળે વળગાડી. હવે તેમની આંખમાં દુઃખનાં આંસુને બદલે ખુશીનાં આંસુ હતા.

        થોડીવાર પછી તેમના ચેહરા ઉપર અલભ્ય સ્મિત હતું. આજે અમે કાંટાથી કાંટો કાઢ્યો હતો.

 

સમાપ્ત

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ