વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આકાશી ડાકણ

સમય પાકી રહ્યો છે. હું ચેતવું છું તને લિઆમ. લડવું પડશે. લડીશ કે નહીં? તારી પાસે અન્ય કોઈ વિકલ્પ નહીં હોય છોકરા. લડીશ કે નહીં? બોલ શું કરીશ તું?

લિઆમ… લિઆમ… જલ્દી જવાબ આપ. મારે તારો જવાબ જોઈએ છે. લિઆમ… જલ્દી કર. મારો શ્વાસ છૂટી રહ્યો છે. જલ્દી બોલ. લિઆમ…. લિઆમ…..

"મારી પાસે કોઈ જવાબ નથી…."

ચીસ પાડી લિઆમ બેબાકળો બની પથારીમાંથી ઉભો થઇ ગયો. તે ચારેબાજું અંધકારથી ઘેરાયેલો હતો.  તેની છાતીમાં થડકારો ઉપડી ગયો હતો. તેનાં મસ્તિષ્કમાં અસહ્ય વેદના થઈ રહી હતી. એક-એક શ્વાસ તેને બોજમય લાગતો. તે પરસેવાથી લથબથ થઈ ચુક્યો હતો.

તેની આંખોમાં અસહ્ય બળતરા થઈ રહી હતી. તેને આંખો ચોળી પરંતુ તેનાથી તો આંખો ઉલટાની વધુ બળવા લાગી. સતત થતાં આવા અત્યાચારોથી થાકીને  તેને પોતાનો ચહેરો હથેળીઓમાં છુપાવી લીધો. છેલ્લાં ઘણાં સમયથી આ દુઃસ્વપ્નો તેને પજવી રહ્યાં હતાં. શરૂઆતમાં અઠવાડિયામાં એકાદવાર આવતા આવા સ્વપ્નો, છેલ્લાં પખવાડિયાથી તો દરરોજ તેને પરેશાન કરી મૂકતા. આ સ્વપ્નો ક્યારેક તેનાં દાદા હેન્રી દ્વારા મરણપથારીએ આપવામાં આવેલ આ છેલ્લી સાવચેતીનાં રહેતાં અથવા તો પેલી આકાશી ડાકણનાં કે જેણે તેનાં શહેર પર ઘેરો નાંખ્યો હતો.

તેનાં દાદાની ધારણા સાચી પડી તેવું વિચારતા લિઆમનું મન વિચલિત થઇ જતું. તેને અચરજ થતી કે તેમને કઈ રીતે એટલી જલ્દી આ સંજોગોનો અંદાજો આવ્યો હશે! એ કંઈક વીસેક વર્ષો પહેલાંની વાત હશે. ત્યારે લિઆમની જિંદગી એકદમ સામાન્ય હતી. આમ જોઈએ તો પાછલાં વર્ષ સુધી તેની જિંદગી સામાન્ય જ હતી. ફક્ત તેની જ નહીં પણ તે શહેરમાં રહેતા લગભગ બધાની જિંદગી સામાન્ય જ હતી. ક્યારેક ક્યારેક તે બહારની સૂમસામ ગલીઓ પર ડોકાચિયું કરી પોતાની જાતને સવાલ પૂછતો કે હું હજું કેમ જીવું છું? એ ડાકણે એક પછી એક બધાને મારી નાખ્યાં હતાં. સિવાય કે એક… લિઆમ!

શરૂઆતમાં લિઆમે આકાશમાં ઊડતી ડાકણની અફવાઓ પર વધુ ધ્યાન નહોતું આપ્યું. અફવાઓ તો એમ પણ કહેતી કે એ ડાકણ લોકોને જીવતા ખાઈ જતી. આવું તે કાંઈ હોતું હશે? લોકોની અંધશ્રદ્ધા પર લિઆમને હસવું આવતું. પણ પછી જ્યોર્જ ગુમ થયો. જ્યોર્જ લિઆમનો સૌથી પ્રિય મિત્ર હતો અને તેના ગુમ થવાના સમાચારથી લિઆમ બેહદ પરેશાન થયેલો. ક્રૂર નસીબે એવાં સંજોગો ઉભા કર્યા કે તે દિવસે જ લિઆમે પહેલીવાર ડાકણને આકાશમાં ઊડતી જોઈ. અફવા એવી હતી કે જ્યારે પણ કોઈ તે ડાકણને રૂબરૂ મળતું ત્યારે તે તેનો શિકાર થયાં વગર બચી શકતું નહીં. લિઆમે ધારી લીધું હતું કે ખૂબ નજીકનાં સમયમાં તેની પણ ડાકણ સાથે રૂબરૂ મુલાકાત થશે. એ મુલાકાતના વિચારમાત્રથી લિઆમની કંપારીઓ છૂટી જતી. પણ એમ ન બન્યું.

જ્યોર્જ ન તો તેનો પ્રથમ શિકાર હતો કે ન તો આખરી. પ્રથમ કોણ હતું તે કોઈ કહી શકે તેમ નહોતું અને અંતિમ કોણ હશે તે કહેવા કોઈ જીવિત નહીં હોય. જ્યોર્જ પછી લિઆમનાં મકાન-માલકીન શ્રીમતી કેમ્પબેલનો વારો આવ્યો. ત્યારબાદ શિકારની હરોળ લાગી. એક બાદ એક એમ અંતે ફક્ત બે જ લોકો આખા શહેરમાં જીવિત રહેલા. લિઆમ અને બેન. લિઆમ બેનને સારી રીતે ઓળખતો નહોતો. આમ છતાં, અનાયસે જ તે બન્નેને એકબીજાનો સથવારો મળી ગયેલો. તેમની પાસે ખોરાકની કમી નહોતી. આખા શહેરમાં લોકો દ્વારા છોડેલું કે છૂટી ગયેલું સર્વસ્વ હવે તેમનું જ હતું. અને એટલે જ તેઓ અંધકારની ચાદરમાં ગમે તે ઘરમાં સરકી જતાં અને જે મળે તે લઈ લેતાં.

તે ડાકણ હંમેશા આકાશમાં ઊડતી રહેતી. ક્યારેય પણ ઊંઘ લીધા વગર તે કઈ રીતે જીવિત રહેતી હતી એ પણ એક રહસ્ય જ હતું! લિઆમને સૌથી વધુ ડર પણ એ વાતનો જ હતો. ક્યારેક જ્યારે તે ગાઢ નિંદ્રામાં પોઢી ગયો હશે ત્યારે એ ડાકણ દરવાજો તોડીને અંદર ઘુસી જશે તો? બેનનાં ગયાં પછી આ પ્રશ્ન લિઆમને વધુ સતાવવા લાગેલો. એક ભયાનક રાતે જ્યારે તેઓ ખોરાકની શોધમાં નીકળેલાં ત્યારે એ ડાકણ બેનને ઉપાડી ગયેલી. બન્ને પર એકસાથે ખતરો ન આવે એટલા માટે તે બન્ને અલગ અલગ ઘરની પસંદગી કરતાં. તે રાત્રે એક છાપરાં વગરનાં ઘરમાં લિઆમે ચારે બાજું ખોરાક વિખરાયેલો પડેલો જોયો. તેને તેમાં કંઈક ખોટું રંધાઈ રહ્યું હોવાની શંકા જતાં તેને એ તરફ જવાનું ટાળેલું. લિઆમે બેનને પણ એ તરફ ન જવા માટે ઇશારાથી ઘણો ચેતવેલો. પણ બેન તો બેન હતો. તે લિઆમનું ન માન્યો અને એ જ ઘરમાં જઈ ચડ્યો. આસમાનને ધ્રુજાવતી એક તીણી ચિસે આખું વાતાવરણ કબજામાં લઈ લીધું. ક્ષણના દસમાં ભાગમાં હવાને ચીરતી પાંખોનો ફફડાટ થયો અને લિઆમની નજર સામે તે બેનને ઉંચકીને લઈ ગઈ. ત્યારબાદ એ રાત્રે સાંભળેલી દર્દનાક ચીસો બેનની હતી કે તે નરભક્ષણીની એ લિઆમને ખબર નથી. 

એ વાતને આશરે મહિનો વીતી ગયો. ત્યારથી એ સૂમસામ શહેરમાં કોઈ પ્રેતાત્માની જેમ લિઆમ રાત્રે એકલો ભટકતો. તેનું દરેક પગલું સચેત રહેતું. ડગલે અને પગલે તે પોતાની જાતને એક જ સવાલ પૂછતો કે હું હજું પણ કેમ જીવું છું? ડાકણ બીજા શહેર તરફ આગળ વધી શકી હોત, પણ તે ના ગઈ. તેનો ચોખ્ખો અર્થ હતો કે તે જાણતી હતી કે એ શહેરમાં હજું એક વ્યક્તિ જીવિત હતો. આમ છતાં બેનનાં મૃત્યુને એક મહિનો થઈ ગયો હોવા છતાં તેણીએ લિઆમને પકડવા કોઈ વિશેષ પ્રયાસ કર્યો નહોતો. લિઆમ પણ અવારનવાર શહેર છોડીને જવાનું વિચારતો. પણ કેવી રીતે? શહેરનાં મધ્યમાંથી કદાચ છેવાડા સુધી તો તે પહોંચી શકત પણ એ પછીનાં ખુલ્લા રસ્તામાં શું તે ડાકણની નજરોથી બચી શકત?

ડાકણની એક વેધક ચિસે લિઆમને હથેળીઓમાંથી મોં બહાર કાઢવા ફરજ પાડી. તે ઉભો થઈને બારી તરફ ગયો. પડદાની બહાર સમગ્ર શહેરે રાત્રિનાં ઘેરાનું સમર્પણ સ્વીકારેલું. ચંદ્રમા થોડો વધુ પ્રજ્વલ્લિત હતો. ચાંદનીના સહારે લિઆમે ગલીમાં નજર નાંખી. એ ચાંદનીમાં લિઆમને ગલીમાં ભમતો એ કુખ્યાત પડછાયો દેખાયો. આકાશી ડાકણનો પડછાયો. તેણી ભલે આકાશમાં ઉંચે ઊડતી હોય પણ ભય ફેલાવવા તેનો પડછાયો હંમેશા જમીન પર ફેલાયેલો રહેતો. એ પડછાયાને જોવામાત્રથી લિઆમનાં શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું.

આમ તો એ ડાકણને લિઆમ ઘણીવાર માત આપી ચૂક્યો હતો. પરંતુ હવે સઘળી પરિસ્થિતિઓ તેની વિરુદ્ધ થઈ ગયેલ. આગલી બપોરે જ તેની પાસે રહેલો ખોરાકનો જથ્થો ખતમ થઈ ગયો હતો. આ કારણે જ તેને ભૂખ્યા સૂવું પડેલું. જો સત્વરે તે ખોરાકની શોધમાં ન નીકળે તો ફરી આખો દિવસ તેનો ભૂખ્યા કાઢવાનો વારો આવત. ઉપરાંત પીવાલાયક પાણીની પણ હવે તેને સમસ્યા હતી. અસ્તિત્વ ટકાવી રાખવાં તેને ખોરાકની શોધમાં નીકળ્યાં સિવાય છૂટકો જ નહોતો. તો સામે અસ્તિત્વનો સવાલ તો એ ડાકણ માટે પણ એટલો જ વેધક હતો.

બસ! બહું થઇ આ કાયરતા! પોતાની જાતને લિઆમે ઠપકો આપ્યો. બહાદુર થવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. આમ ય ડાકણની ઉડાનની ઊંચાઈ જોતાં તે ખૂબ નાનું લક્ષ્ય બની રહશે તેવો દિલાસો તેને ખુદને આપ્યો. આમ છતાં જોખમ ઓછું નહોતું. બેનના સથવારે આસપાસનાં એકાદ કિલોમીટરના અંતરમાં રહેલ લગભગ બધાં ઘરોને તેને ફંફોળી નાખેલા. હવે ખોરાકની શોધમાં ડાકણની નજર ચૂકવી આટલું લાંબુ અંતર કાપવું ખૂબ કઠિન કાર્ય હતું. તેનો ડર પણ એ ડાકણનાં પક્ષે હોય તેને ધીમે જ ચાલવું પડે. જો નસીબ સાથ આપે તો સૂર્યોદય સુધીમાં તે ખોરાક મેળવી શકે તેમ હતો. નહીં તો ભૂખથી પીડાવા માટે પણ તેને કોઈ છાપરું તો શોધવું જ પડત. જો કે તેને એ વાતની રાહત હતી કે ગમે તે ઘરમાં તેને ઘુસતાં રોકવા કોઈ નહોતું! 

જીવ બચાવીને દોડવાની અગમચેતીરૂપે સ્નાયુઓને છૂટા પાડવા તેને થોડું 'સ્ટ્રેચિંગ' કર્યું. અગાઉ ઘણીવાર તેને આ રીતે ભાગવું પડેલું. તેને ફરી એકવાર બારી બહાર નજર ફેરવી. પડછાયો હજુ પણ રસ્તાઓ પર ભમી રહ્યો હતો. એક રીતે જોતાં એ સારો સંકેત હતો. મતલબ કે ડાકણ હજુ પણ ઉંચે આકાશમાં જ હતી. જો ક્યાંક પડછાયો ગુમ થઈ જાય તો તેણી અંધકારના લપેટામાં કોઈ ખૂણામાં વાટ જોઈને બેસી રહી હોય તેવું પણ બને. તેને ધીમેથી દરવાજો ખોલ્યો પણ એ ખખડધજ્જ દરવાજામાંથી એ ડાકણની તીણી ચીસો જેવો જ કડડ… અવાજ આવ્યો. અત્યાર સુધી રહેલ ખોફમય સન્નાટો અચાનક દરવાજાના અવાજથી ભંગ થયો અને ડાકણે પોતાની અસહ્ય છતાં દર્દમય તીણી ચીસથી જાણે પ્રત્યુત્તર આપ્યો. લિઆમનાં રુંવાડા ઉભા થઇ ગયાં.

બહાર પગ મૂકતા પહેલાં તેને પરિસ્થિત ફરી સામાન્ય થાય તેની રાહ જોઈ. થોડી જ ક્ષણોમાં ડાકણની ભૂખની ચીસો અને બારણાનાં કરડાઈભર્યા અવાજને સન્નાટો ગળી ગયો. ડાકણનો પડછાયો હજું પણ કોઈ પણ પ્રકારનાં બદલાવ વિના રસ્તા પર ઘૂમી રહ્યો હતો. આમ છતાં લિઆમે મનમાં કોઈ પણ પ્રકારની શંકા ન રહે તે માટે એકવાર આકાશમાં નજર ફેરવી. તે ત્યાં જ હતી. ચંદ્રમાની એકદમ આગળ. પોતાની પાંખો ફેલાવી હવામાં સ્થિર થઈ તે કંઈક શોધી રહી હતી. કંઈક નહીં… લિઆમને જ શોધી રહી હતી. તેનાં અનુભવો પરથી તે એટલું તો અનુમાન લગાવી જ શકેલો કે તે ડાકણ અંધારામાં ખૂબ ઓછું દેખી શકતી. આથી જો લિઆમ ચાંદનીથી પ્રકાશિત રસ્તાને સાવચેતીપૂર્વક ઓળંગી લે તો ફરી સામેની ગલીઓમાં અંધકારમાં લપેટાઈ સુરક્ષિત થઈ શકે તેમ હતો. પણ આ કામ એટલું આસાન નહોતું. એકાદ વર્ષથી રઝળી પડેલાં શહેરમાં જ્યાં ને ત્યાં વૃક્ષોએ થડ જમાવી દીધેલાં. રસ્તાઓ પર સુકાયેલા પાંદડાઓ અને સાંઠીકડાઓનાં થર જામ્યા હતાં. જમીન પર પથરાયેલી લેન્ડ માઇન્સથી બચીને જાણે તેને ચાલવાનું હતું. એક ભૂલભર્યું પગલું અને ડાકણની દૃશ્યક્ષતિને પૂરક એવી તેની શ્રવણશક્તિ લિઆમને તેની જઠરાગ્નિમાં હોમી દેત!

મગજને આ બધા વિચારોથી પાછું લાવી લિઆમે પહેલું ડગલું માંડ્યું. ઘરની બરાબર બહાર ઉગી નીકળેલ જંગલી ઘાંસમાં તેને ધીરેથી પગ મૂક્યો. એ કુમળાં ઘાસે તેનાં પગલાના આવજને દબાવી દીધો. તેનાં પગ નીચે રહેલ જમીનને ખૂબ સાવચેતીથી નિહાળતા તેને બિલ્લી પગે આગળ વધવાનું શરૂ કર્યું. તૂટેલા કાંચના ટૂંકડાની માફક સાંઠીકડાઓ વેરાયેલા હતાં. તેમને અવગણીને આગળ વધવાની કોઈ ચોક્કસ ઢબ નહોતી.

એક સમયે એક ડગલું. ઉપર જોવાની જરૂર નથી. ધીમે… ધીમે… 

પોતાની જાતને મનોમન સૂચનાઓ આપતો લિઆમ આગળ વધ્યો. ક્યાંક કોઈ સડેલાં પાંદડા પર તેનો પગ પડ્યો. ત્યાં કદાચ બે-ત્રણ કીડીઓ તેનાં પગના બોજ હેઠળ દબાઈ ગઈ હતી. તેનો બદલો લેવા તેમની સાથી કીડીઓએ લિઆમનાં પગ પર ડંખ મારવાના ચાલુ કર્યાં. ઉતાવળમાં તેને એક પગલું આગળની બાજુ ભર્યું અને બીજો પગ હવામાં જ ખંખેર્યો. એ સાથે જ તેનું એક ચપ્પલ અલવિદા કહી ચાલ્યું. હવે તેને પાછું મેળવવા નાહક સમય વ્યર્થ કરવાનો કોઈ મતલબ નહોતો. આથી બીજા પગના ચપ્પલને કાઢવા તેને પગ ઊંચો કર્યો અને ત્યારે જ તેના પરથી એ ભયાનક પડછાયો પસાર થયો. તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. ભયનાં માર્યો પૂતળાની માફક તે ત્યાં ને ત્યાં જ ખોડાઈ રહ્યો. કોઈ પણ પ્રકારનાં અવાજ વિના તેનાં પગમાંથી લટકી રહેલું ચપ્પલ ઘાંસના ઢગલામાં પડ્યું. પડછાયો તેનાં પરથી પસાર થઈ આગળ નીકળી ચૂક્યો હતો. લિઆમે રાહતનો શ્વાસ લીધો. હાલ પૂરતી બલા ટળી હતી. પરંતુ હવે તે ઘાંસના પટ્ટાને વટાવી ચુક્યો હતો. હવે તેની સામે તૂટેલો-ફુટેલો છતાં કોન્ક્રીટનો પાકો રસ્તો હતો. કોઈ પણ પ્રકારની ભૂલ અને આ સન્નાટાને વીંધી નાંખતો અવાજ તેનો જીવ લઈ લેત.

લિઆમે ફરી ધીમી ગતિએ તેનો પ્રવાસ ચાલુ કર્યો. એક એક કદમ ભરતો તે માંડ માંડ અડધા રસ્તે પહોંચ્યો. પણ ત્યાંથી આગળ ડગ માંડવા ખૂબ અઘરા હતાં. રસ્તાની પેલે પાર રહેલા વૃક્ષનાં મૂળિયાઓએ રસ્તો તોડી વચ્ચે ડેરો જમાવી દીધેલો. તેની તૂટેલી ડાળીઓ આમ-તેમ લટકી રહી હતી. સૂકાયેલા પર્ણો અને સૂકાં સાંઠીકડાઓના થરથી રસ્તો ઢંકાયેલો હતો. પૂરા પગલાઓ ભરવાનું માંડી વાળી લિઆમે આંગળીઓના ટેરવાં પર ચાલવાનું શરૂ કર્યું. સંતુલન જાળવી રાખવાની કઠણાઈ સાથે સાથે મગજને શાંત કરવું પણ ખૂબ કઠિન નીવડી રહ્યું હતું. જેમ તેમ કરી તે ડગલાંઓ ભરતો રહ્યો.

તેટલામાં જ એ ડાકણે ફરી કાન ફાંડી નાંખતી ચીસ પાડી. લિઆમ ત્યાં જ થોભી ગયો. ફરીવાર વાતાવરણમાં ઘોર સન્નાટો છવાયો. ફક્ત ડાકણની પાંખોનો ફફડાટ સંભળાતો હતો. એકવાર ઉપર નજર નાંખી પરિસ્થિતનો તાળ મેળવી લેવું લિઆમને યોગ્ય લાગ્યું. પરંતુ જેવું તેને ઉપર જોયું કે તેનાં પગની આંગળીઓના ટેરવાઓ જવાબ આપી ગયાં અને સંતુલન જાળવવા મથતો તે એક ગણતરી વિનાનું પગલું ભરી ગયો.

તેનો પગ પડ્યો એક સૂકાં સાંઠીકડા પર અને એ સાંઠીકડાનાં તૂટવાથી થયેલા વિસ્ફોટે સમગ્ર વાતાવરણને હચમચાવી મૂક્યું. ક્ષણભરમાં પાંખોનો ફફડાટ બંધ થયો. હવાને ચીરતી તે સીધી લિઆમ તરફ ધસી આવી. બેબાકળો બની લિઆમ આગળની બાજુ દોડવા લાગ્યો. રસ્તો પૂરો થાય એ પહેલાં જ તેની સામેની બાજુનાં અંધકાર તરફ તેને છલાંગ લગાવી. ડાકણ લિઆમની પીઠને ઘસીને નીકળી અને બીજી જ ક્ષણે ધડામ દઈ રસ્તા પર પછડાઈ.

સમય વેડફયા વગર લિઆમ અંધાકારમાં ધસ્યો. રસ્તા તરફ પાછા ફરીને તેને જોયું તો ધૂળની ડમરી વચ્ચે એક સ્ત્રીનો પડછાયો ઉભો થયો. થોડીવાર આમ તેમ ડાફેરા માર્યા બાદ તેને પોતાની પાંખો પોહળી કરી. એક દર્દનાક ભયાનક ચીસ પાડી ફરી તે હવામાં ઊંચકાઈ અને લિઆમે નિરાંતનો શ્વાસ લીધો.

આ પહેલા ઘણીવાર લિઆમ તે ડાકણથી બચ્યો હતો. પણ પ્રથમ વાર મામલો આટલો નજદીકી બન્યો હતો. લિઆમનું હૃદય લગભગ ધબકતું બંધ જ થઈ ગયું હતું. ધીમે ધીમે તેનાં શ્વાસ નિયંત્રણમાં આવ્યાં. જ્યારે તેની બધી ઇન્દ્રિયો ફરી તેનાં કાબુમાં આવી ત્યારે છેક લિઆમને પોતાની પીઠમાં થતાં દુઃખવાનું ભાન થયું. તેને પોતાનો હાથ પીઠ પર ફેરવ્યો અને કંઈક ચીકણા પ્રવાહીથી તેની આંગળીઓ ખરડાઈ ગઇ. આંગળીઓનાં સ્પર્શથી થયેલ બળતરાના લીધે તેને તુરંત હાથ પાછો ખેંચ્યો અને જોયું કે તેની પીઠમાંથી લોહી વહી રહ્યું હતું. ડાકણના પંજાએ તેની પીઠ પરની ચામડી ચીરી નાંખી હતી.

અચાનક જ લિઆમની જરૂરીયાતોમાં હવે દવા પણ ઉમેરાઈ હતી. ક્ષણભર પહેલાં બનેલ ઘટનાનાં વિચારમાત્રથી તેને કમકમિયું આવી ગયું. હવે એ વિસ્તાર ડાકણનાં ધ્યાનમાં આવી ગયો હતો. લિઆમને બને તેટલી ઝડપથી એ વિસ્તારથી દૂર નીકળવું પડે તેમ હતું. તે ધીરેથી ઉભો થયો. તેની પીઠમાં ભયાનક દર્દ હતું. વધારામાં તેને પોતાની પીઠ ખરબચડી દીવાલ પર ટેકવી અને ઘા પર મીઠું ભભરાવ્યું હોય તેવી વેદના સામે ચાલી નોતરી. તેને હતું કે તરત જ એ ડાકણ ફરી તેનાં પર હુમલો કરશે અને તેથી જ તેને આકાશ તરફ નજર ફેંકી. મુસીબત! આકાશમાં ડાકણની ક્યાંય હાજરી નહોતી. ખબર નહીં કયાં ખૂણામાં તે લીપાઈને મારી રાહ જોઈ બેઠી હશે. લિઆમને ધ્રાસકો પડ્યો. કોઈપણ છાપરાં પર કે કોઈ અંધારી ગલીમાં તે હોય શકે. જો કે એ વાત નિશ્ચિત હતી કે હવે તે બન્નેની પરિસ્થિત સમાન હતી. બન્ને એકબીજાનાં ઠેકાણાંથી સાવ અજાણ હતાં. આ રહસ્ય લિઆમ માટે મારક સાબિત થાય તેમ હતું. છેલ્લાં એક વર્ષથી તે કોઈને કોઈ રીતે બચી નીકળતો હતો પણ હવે ગમે ત્યારે આંખનાં પલકારામાં તે ડાકણનો શિકાર થઈ શકે તેમ હતો. પણ તેની પાસે બેસીને વિચારવા જેટલો સમય નહોતો. સૂર્યોદયની પળો નજીક હતી અને ત્યારબાદ તેનાં માટે ખુલ્લામાં છુપાવાની કોઈ જગ્યા રહેત નહીં. છુપાઈ શકાય તેવી કોઈ જગ્યા તેને ઝડપથી શોધવાની હતી. એ પણ તે ડાકણ તેને શોધી લે એ પહેલાં. 

અંધારામાં કૂદતો અથડાતો લિઆમ ધીમે ધીમે આગળ વધ્યો. ક્ષણે ક્ષણે અંધારું આછું થતું હતું. જેમ તેમ કરી તે બે-ત્રણ ઘર વટાવી ગયો. તેમાંથી એકમાં પણ પાણી મળવાની શક્યતા જણાઈ નહીં. ખોરાક વગર તો લિઆમ ગમે તેમ દિવસ કાઢી લેત પણ પાણી અનિવાર્ય જરૂરિયાત હતી. સદનસીબે પાણીની ટાંકી ધરાવતું એક ઘર તેની બરાબર સામે હતું. એ ઘરમાં તે અગાઉ ક્યારેય પ્રવેશ્યો નહોતો એટલે ત્યાં પાણીની સાથેસાથે ખોરાક અને દવા કે મલમ હોવાની પણ શકયતા હતી. પણ ત્યાં પહોંચવા માટે લિઆમને હજું પણ બે ઘર અને એક અંધારી ગલી પસાર કરવાની હતી.

લિઆમે ફરી આકાશ તરફ નજર દોડાવી. ડાકણ દેખાઈ નહીં. ત્યાં સુધી કે તેની પાંખોનો ફફડાટ પણ ગાયબ હતો. તે હજું પણ ક્યાંક છુપાઈને લિઆમની રાહ જોઈ બેઠેલી. પ્રથમ દ્રષ્ટિએ તો તેની સામે રહેલાં એકેય છાપરાં પર લિઆમને કોઈ આકાર દેખાયો નહીં. આમ છતાં એ અંધારી ગલીમાં શું હશે અને શું નહીં એ તો નસીબ પર જ છોડવુ પડેલું. લિઆમને હજું પણ આશા હતી કે તે બચી નિકળીશ અને ડાકણને પણ આશા હતી જ કે તે લિઆમને પકડી પાડશે. લિઆમનાં શરીર પરની ઈજાઓ હવે તેને પરેશાન કરતી હતી. થોડા જ અંતરે રહેલું એ ઘર હવે તેને જોજનો દૂર ભાસતું હતું. તેનાં પગ પણ જવાબ આપી ગયાં હતાં.

ધીમે ધીમે લિઆમે ફરી એક ઘર પસાર કર્યું. આસપાસ નજર ફેરવતાં તેને કંઈ અજુગતું લાગ્યું નહીં. એ જ રીતે તે બીજા ઘર પાસે પહોંચ્યો અને એ જાણીને તેને અત્યંત રાહત અનુભવી કે ત્યાં પણ કોઈ ખતરો તેની વાટ જોઈ બેઠો નહોતો. પ્રારંભિક સફળતાથી લિઆમનાં હૃદયમાં ફરી ઉમળકો આવ્યો. જો કે લિઆમની ખુશી લાંબુ ટકી નહીં. પળભરમાં જ ફરી પાંખોનો ફફડાટ સંભળાયો. તે મને જોઈ ગઈ! વિચારમાત્રથી લિઆમનાં પગ કાંપવા લાગ્યાં. સંતાઈને રહેવાનાં વિકલ્પો હવે ખતમ થઈ ગયેલાં. એક ઊંડો શ્વાસ લઈ લિઆમે તેની સમગ્ર તાકાત એકઠી કરી. ત્યારબાદ તેને જીવ બચાવવા દોટ મૂકી. એ અંધારી ગલી લિઆમ ક્યારે વટાવી ગયો એ ખબર નથી. તેનાં દોડતાં પગલાઓ અને તેજ ધડકનોએ તેને આસપાસનાં દરેક અવાજથી બહેરો બનાવી દીધેલો. દરવાજાથી થોડે દુર જ તેને હેન્ડલ પકડવા હાથ લંબાવ્યો. હાથવેંતમાં રહેલ દરવાજાના હેન્ડલને તે પકડવા જ જતો હતો કે…

લિઆમ ઉપરની તરફ હવામાં ખેંચાયો. તેની પીઠમાં જાણે છરાં ખુપાઈ ગયા હોય તેવી અસહ્ય વેદના થવા લાગી. દરેક પળે એ દરવાજો તેનાંથી દૂર જઈ રહ્યો હતો. જમીનથી તેનું અંતર ખૂબ ઝડપથી વધવા માંડયું. તેની તેજ ધડકનો સાથે ખૂબ નજીકથી આવતાં પાંખોના ગગનભેદી ફફડાટથી તેનાં કાનમાં કોઈ ભયાનક સૂર રેલાયા. પરિસ્થિતિને વિવશ થઈ તેને જોરથી આંખો મીંચી દીધી. તેમાંથી અશ્રુઓની ધાર થઈ જમીન પર પછડાઈ રહી હતી કે પછી એ તેનો ભ્રમ હતો તે લિઆમ નક્કી કરી શકયો નહીં. તેનાં પીઠમાંથી વહી રહેલા લોહીએ તેનાં સમગ્ર ખમીશને લાલ રંગમાં તરબોળી દીધું. અસહ્ય વેદનાનાં લીધે તે ગમે ત્યારે બેભાન થઈ જાત. વિચારોની આ હારમાળા તૂટે એ પહેલાં જ તે ફરી હવામાં ફંગોળાયો. પરિસ્થિતિનો કોઈ તાળો મેળવી શકે એ પહેલાં જ એક કઠણ સપાટી પર તે પછડાયો. તે બહું લાંબો સમય હવામાં રહ્યો નહોતો એટલે જરૂર કોઈ અવાવરું મકાનની છત પર પડ્યો હતો. તેની નજર સામે જ તે ડાકણ ઊડતી ઊડતી છતથી આગળ નીકળી ગઈ.

લિઆમનાં શરીરમાં થતાં અસહ્ય દુઃખાવાએ તેને થોડી વાર સુધી સ્તબ્ધ કરી મુક્યો. છત પર પછડાતી વખતે તેનાં ડાબા પગનાં ઘૂંટણ પર ભારે ઈજા થઇ હતી. તે ડાકણ આગળ જઈ ફરી પાછી વળી રહી હતી.

અંત નજદીક હતો. ફક્ત લિઆમનો નહીં પણ સમગ્ર શહેરનો. હવે આ ડાકણના ચંગુલમાંથી બચવું અશક્ય હતું. 

ના… હું… હું હારીશ નહીં. મારે મારા દાદાને ત્યારે જ કહેવાની જરૂર હતી કે હું નહીં હારું. જીવું છું ત્યાં સુધી તો નહીં જ. હું આ છત પરથી કૂદી જઈશ. ભલે મારા મૃતદેહને એ ફાડી ખાતી. પણ જીવતાજીવત તો હું એનો શિકાર નહીં જ બનું.

તેનાં દેહમાં બચેલી સમગ્ર શક્તિને પુકારી તે ઉભો થયો. પારાવાર વેદનાથી તેનું મગજ સુન્ન થઈ ગયેલું. એ ડાકણ ઝડપથી તેની તરફ આવી રહી હતી. ડાબા પગને બળજબરીપૂર્વક ખેંચી ઢસડાતા તેને એક પગલું ભર્યું. પાંખોનાં ફફડાટનો અવાજ સતત વધી રહ્યો હતો. પાછળ જોવાની તસ્દી લીધા વિના તે એ જ રીતે આગળ વધ્યો. ગોકળગાયની ગતિએ સમય પસાર થતો હતો. જેમ-તેમ કરીને તે છતની પાળી સુધી પહોંચ્યો. ડાબા પગને મહામહેનતે પાળી પર ચડાવી બંને હાથના ટેકે પાળી કૂદી જવાનો પ્રયાસ કરતાં કરતાં તેને પાછળ વળીને જોયું. બરાબર એ જ સમયે ઉતાવળથી છત પર ઉતરવા જતી એ ડાકણ ફંગોળાઈને નીચે પડી. 

"નહીં…" એક તીણી ચીસ તે ડાકણનાં મોંમાંથી સરી પડી.

લિઆમ સ્તબ્ધ થઈ ગયો. તે ડાકણ માણસની માફક બોલી શકતી હતી. પોતાનું સંતુલન જાળવતા તે ઉભી થઈ. તેની લાલઘૂમ આંખો લિઆમ પર સ્થિર થઈ. હવામાં ઉડતા તેનાં વિખરાયેલા કાળા વાળ અંધારામાં લગભગ અદ્રશ્ય બરાબર જ હતા. તેની આંગળીઓના તીક્ષ્ણ નખમાંથી લોહી ટપકી રહ્યું હતું. લિઆમનું જ લોહી! તેની પાંખો એકદમ કાળી, મોટી અને ચામાચીડિયાની પાંખો જેવી હતી. તેણે કાળા રંગનું ગાઉન પહેર્યું હતું જે લોહીનાં ડાઘથી ખરડાયેલું, મેલુંઘેલું અને ચીંથરેહાલ હતું. તેની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. 

તેનો ચહેરો જોઈ લિઆમનાં શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. એટલાં માટે નહીં કે તેનો ચહેરો બહુ ભયાનક હતો. પણ એટલા માટે કે તેનો ચહેરો કંઈક અંશે લિઆમને ઓળખીતો લાગ્યો. તેની અણિયાળી આંખોમાં રહેલી લીલાશ પડતી કીકીઓએ લિઆમને તેની મરહુમ પત્નિ મેરીની યાદ અપાવી. તેનાં ઉપરનાં હોઠ પરથી નીચેનાં હોઠ તરફ ત્રાંસો એક ચીરો હતો. આ એવો જ ચીરો હતો જે લિઆમની પ્રથમ પ્રેમિકા એન્જલિનાનાં હોઠ પર હતો જ્યારે તે એક ગોઝારા અકસ્માત બાદ લિઆમનાં આલિંગનમાં જ દેહ છોડી ચાલી ગયેલી. અને તેની ડોક પર રહેલું તે છૂંદણું લિલી જેવું હતું. લિલી કે જેની સાથે લિઆમ કયારેક નોકરી કરતો. તેનાં કપાળ પર એક મોટો તારો ચિતરેલો. પેલી બાળકોની આયા કે જે પોતાને 'યાયા - ધી મોર્નિંગ સ્ટાર' તરીકે ઓળખાવતી એ પણ આવો જ તારો રાખતી પોતાના કપાળ પર.

"નહીં.. થોભી જા.." તેણે ફરીથી કહ્યું. "કૂદતો નહીં. મને છોડાવ આમાંથી… હું તને હાથ જોડું છું તું છોડાવી દે મને." તેની આંખોમાં ઘોડાપુર આવ્યાં. તે પોતાના ઘૂંટણો પર પડી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. કોણ જાણે કેમ પણ લિઆમને તેની પરિસ્થિતિ પર દયા આવી.

"તને છોડાવું?" લિઆમ બબડયો. તે કંઈ સમજી નહોતો શકતો. શેમાંથી છોડવું હું તેને? ભૂખમાંથી?

"હા… છોડાવ મને. તું શા માટે આમ કરે છે?" આવેગમાં આવી તે ઉભી થઇ ગઇ. લિઆમ અજાણતાં જ થોડો પાછો ખસ્યો એટલે તે ત્યાં જ ઉભી રહી. "કેમ? હું તો તારી મદદ કરવા માટે અહીં આવી હતી. પણ તે તો મને પણ તારી સાથે કેદ કરાવી દીધી. કેમ લ્યુસિફર કેમ?"

લ્યુસિફર? તે મને અન્ય કોઈ વ્યક્તિ સમજતી લાગે છે. ના… ના… મને લાગે છે કે આ તેની ચાલ છે. જેવું મારુ ધ્યાન ભટકશે કે તરત એ કુદશે મારા પર. મારે સાચવવું પડશે.

"હું લિઆમ છું," લિઆમે મક્કમતાથી કહ્યું. "અને ખરેખર તો મારે તારી પાસે ભીખ માંગવાની જરૂર છે. પણ અહીં તો બધો ઉલટો જ ખેલ છે. મને કંઈ સમજાતું નથી. શું છે આ બધું?"

"તને હું યાદ નથી?" તેનાં આંસુઓ રોકાઈ ગયાં. તેને સીધું જ લિઆમની આંખોમાં જોયું. તેની આંખો વેધક સવાલોનો મારો ચલાવી રહી હતી.

"તું ડાકણ છે. તે આખા શહેરનો વિનાશ વેર્યો છે. અલબત્ત તું યાદ છે મને." લિઆમને ડાકણના આવાં વર્તન પાછળ કોઈ ગાઢ રમતની ગંધ આવી.

"નહીં… આ બધું ફરી એકવાર એમનું એમ જ થઈ રહ્યું છે," ડાકણે એક ડગલું આગળ ભર્યું. લિઆમ ઇચ્છીને પણ પાછળ ડગલું ભરી શકે તેમ નહોતો. બહુ જ ખરાબ સંતુલન જાળવી તે છતની ધાર પર ઉભેલો. 

"હજારો વાર આ ઘટનાઓ ફરી ફરીને ઘટી ગઈ છે અને તને કઈ યાદ નથી?"

"શું?" જો તે લિઆમને મૂંઝવણમાં મુકવા ઇચ્છતી હતી તો તેની યોજના બરાબર કામ કરી રહી હતી. તો ય તે જીવતા તો તેનો શિકાર ન જ બનત. એક ડગલું વધારે અને તે કૂદી પડશે એવું લિઆમે મનોમન નક્કી કરી લીધું હતું.

"તું લ્યુસિફર છે," ડાકણે ત્રાડ પાડી. "શેતાન પોતે! તું કેવી રીતે ભૂલી શકે મને? હું… હું તને બચાવવા આવી હતી અહીંયા."

"હું ફરીથી કહું છું તને. લિઆમ છું હું," લિઆમનાં અવાજમાં અજાણતા જ કંપારી આવી ગઈ. તેને ક્યારેય ન અનુભવ્યો હોય તેવો ગુસ્સો તેનું માથું ફાડી રહ્યો હતો. "તને શું મારા માથા પર શિંગડા કે મારી પીઠ પર પાંખો દેખાય છે? દેખાવમાં તો તું લાગે છે… સ્ત્રી-શેતાન…"

"કારણ કે હું છું સ્ત્રી-શેતાન," તે ડાકણ ભાંગી પડી. "હું કોઈ ડાકણ નથી લ્યુસિફર. તે બનાવી છે મને આ ડાકણ. આ મારો દેખાવ… ખબર નહીં કેટલી સ્ત્રીઓની હત્યા કરી છે તે. એ દરેક સ્ત્રીમાંથી કોઈને કોઈ વસ્તુ તે થોપી દીધી છે મારા પર…"

લિઆમને સપને પણ ખ્યાલ નહોતો કે જે ડાકણથી તે આટલા સમયથી ડરી રહ્યો હતો તે આમ તેની સામે ભાંગી પડશે. દયાની અરજી કરશે.

ના… ના… આ તેનું છળ છે. હું ફસાઈશ નહીં. હું આજે હારવાનો નથી.

"હેન્રી… હા. હેન્રી નામ આપ્યું હતું માનવીઓએ તને. ના પાડી હતી મેં તને મનુષ્ય અવતાર લેવાની. પણ મારું ક્યારેય સાંભળે છે તું? જો શું હાલત કરી નાંખી છે આ માનવીઓએ તારી. શું હાલત કરી નાંખી છે આપણી!" ડાકણ આગળ બોલી.

હેન્રી! શું એ મારા દાદાની વાત કરે છે? કે પછી કોઈ બીજો અજાણ્યો જ હેન્રી છે? મારા દાદા પર પણ આવી જ કોઈ હત્યાઓનો આરોપ હતો. પણ તેને આ ડાકણથી શું લેવા-દેવા?

"તે ન સાંભળ્યું મારું. આવ્યો તું અહીં. મધ્યયુગમાં જેમ તે તારી ડાકણોની સેના બનાવી હતી, તેવી જ રીતે ડાકણોનું ચયન કરવા માંડ્યું. જેણે તારો વિરોધ કર્યો એ બધાને તે મોતને ઘાટ ઉતારી દીધા. આમ છતાં તારા પરનાં આરોપો ક્યારેય સાબિત ન થયાં. પણ અંતે તું મૃત્યુ પામ્યો, લ્યુસિફર… તું મૃત્યુ પામ્યો."

"ના… તું ખોટું બોલે છે.. ના.." લિઆમે પ્રતિકાર કર્યો. પરંતુ આછી પાતળી યાદોએ તેનાં મસ્તિષ્ક પર ઘેરો ઘાલ્યો હતો. લિઆમને એ બધી હત્યાઓ યાદ આવી. તેની પત્નિ, મેરી. તેની પ્રથમ પ્રેમિકા… એન્જલિના. પેલી બે છોકરીઓ લિલી અને યાયા. અને અઢળક બીજી સ્ત્રીઓ કે જેમને લિઆમે રહેંસી નાંખેલી. તેનાં દિમાગમાં વિચારોનાં ચક્રવાતો ફાંટી નીકળ્યાં. તેને કંઈ સમજાતું નહોતું. એ બધી હત્યાઓ તેને યાદ આવી. પણ એ પહેલાનું કઈ યાદ નહોતું તેને.

ના… ના… મેં નહીં તેણે રહેંસી નાંખી હશે તે સ્ત્રીઓને. એ રમત રમે છે મારી સાથે. 

"બકવાસ બંધ કર…," લિઆમ તાડુક્યો. "કોઈ લ્યુસિફર-બ્યુસિફર નથી હું. હું લિઆમ છું. લિઆમ… તારી જાળમાં નથી ફસાવાનો હું. ક્યારેય નહીં."

"લિઆમ એ તારા મનુષ્ય અવતારનાં પૌત્રનું નામ હતું, લ્યુસિફર. તારા મૃત્યુ પછી તે તારો માનવ દેહ તો ત્યજી દીધો પણ આ કોઈ ગૂઢ અવસ્થામાં ફસાયો છે તું. તું સમજતો કેમ નથી… તારાથી છૂટકારો મેળવવા સર્વપિતાએ તને આ ચક્રમાં કેદ કરી દીધો છે. અહીં તને કોઈ વસ્તુનું ભાન નથી. તું જાણતો નથી કે તું હેન્રી છે કે લિઆમ કે લ્યુસિફર. જે વાર્તાલાપ તારા સ્વપ્નમાં આકાર લે છે એ તે તારા પૌત્રને તારી મરણપથારીએ કરેલ ચર્ચાઓનો અંશ છે. તું ઈચ્છતો હતો કે માનવ અવતારમાં બાકી રહેલું તારું અધૂરું કામ લિઆમ પૂરું કરે. તને હતું કે માનવ દેહમાંથી છૂટ્યા બાદ તું તેને આડકતરી રીતે મદદ કરીશ. પણ તારા પાસાઓ ઉલટા પડ્યાં છે લ્યુસિફર. તું પોતે ફસાઈ ગયો છે આ અભેદ ચક્રવ્યૂહમાં. તને બચાવવા હું આવેલી. કેટલાય વિઘ્નો ઓળંગી, અસંખ્ય પજવણીઓ વેઠી અહીં હું પહોચેલી. એવી આશાએ કે મને જોઈને તને બધું યાદ આવી જશે. આ ચક્રવ્યૂહ ભેદી આપણે બન્ને અહીંથી આઝાદ થઈ, જતાં રહીશું આપણાં વિશ્વમાં. ફરી આપણે આપણું સામ્રાજ્ય રચીશું પૃથ્વી પર. પણ નહીં લ્યુસિફર… આ સમગ્ર ચક્રવ્યૂહ તારી ચેતનામાં રચાયેલો છે. અહીં તારું જ રાજ ચાલે છે. હું બેબસ છું અહીં કઈ પણ બદલવા. અને તારી યાદો સાથે ખીલવાડ થયો છે. આ પહેલાં અસંખ્ય વાર આપણે આ ભ્રમિત વિશ્વમાં રૂબરૂ મળ્યા છીએ. પણ આપણો વાર્તાલાપ શરૂ થાય એ પહેલાં જ તે સર્વપિતા કોઈ ખલેલ ઉભી કરે છે અને સમયચક્ર ફરી શરૂ થાય છે. તું ભૂલી જાય છે બધું પણ મને ક્ષણેક્ષણ યાદ રહે છે. દરેક વખતે મને આશા હોય છે કે તને હું યાદ આવીશ. આ આપણો અત્યાર સુધીનો સૌથી લાંબો વાર્તાલાપ છે લ્યુસિફર. યાદ કરવાનો પ્રયત્ન કર. આપણને આનાથી સારી તક નહીં મળે."

"સાચું બોલ… કોણ છે તું?" તેની વાત લિઆમને હૃદયદ્રાવક લાગી. 

શું ખરેખર હું શેતાન છું? શું ખરેખર આ ડાકણ તકલીફો વેઠી મને છોડાવવા આવી છે? શું ખરેખર તે મને આટલો પ્રેમ કરે છે?

"હું લીલીથ છું. તારી લીલીથ," તે ડાકણ બોલી.

લીલીથ? ખ્રિસ્તી દંતકથાઓ મુજબ એડમની પહેલી પત્નીનું નામ લીલીથ હતું. એવું કહેવાય છે કે તેને કોઈ બાબતે એડમનો વિરોધ કરેલો અને ત્યારબાદ તેનો રસ્તો બદલાઈ ગયેલો. તો પણ… લીલીથ દેખાવમાં એક પરી જેવી હશે કોઈ ડાકણ જેવી તો નહીં જ.

લિઆમનાં વિચારોને જાણે તેને વાંચી લીધા હોય તેમ તે આગળ વધી. કોઈ અજાણ્યા બંધનથી બંધાયેલો લિઆમ ડગી પણ ન શક્યો. તે ડાકણે પોતાનો હાથ લિઆમ તરફ લંબાવી તેનાં જમણાં હાથની આંગળીનો નખ લિઆમનાં કપાળનાં મધ્યબિંદુ પર ટેકવ્યો. 

સ્પર્શમાત્રથી લિઆમનાં મગજમાં વમળો છવાયા. શરૂઆતમાં બધું ધૂંધળું થયું અને પછી જ્યારે તે વલયો આથમવા લાગ્યા ત્યારે લિઆમની નજર સમક્ષનું દ્રશ્ય સ્પષ્ટ થતું ગયું. ઇતિહાસની શરૂઆત પહેલાં તે સ્વર્ગનો રાજકુમાર હતો. એક ફરિશ્તો હતો. ફરિશ્તાઓનો આગેવાન હતો તે. પણ ત્યારબાદ તેને સર્વપિતાની ના-ફરમાની કરી. ત્યારથી તેને સ્વર્ગમાંથી તરછોડી મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ તે શેતાન તરીકે ઓળખાયો. અમર આત્માઓ પૈકીનો એક હોવાથી એ જીવી ગયો. તેને સર્વપિતાની વિરુદ્ધ એક નવું સામ્રાજ્ય ઉભું કર્યું. ત્યારે તેને મળી લીલીથ. તેની જ જેમ તરછોડાયેલી એક દૈવી સ્ત્રી જેને પાછળથી દેવદૂતોએ બદનામ કરી હતી.

લોકોને હકીકતનો અહેસાસ કરાવવાં તે બન્ને વારંવાર પૃથ્વી પર આવતાં. સદીઓથી તે બન્નેનાં અથાગ પ્રયત્નોથી શેતાનનાં અનુયાયીઓ વધતાં ગયાં. આમ છતાં શેતાનને સમર્થન આપતાં લોકો કરતાં તેને નફરત કરતાં લોકોનો વર્ગ ખૂબ વિશાળ હતો. આથી તેને પણ સર્વપિતા તથા તેમનાં અનુયાયીઓની માફક મનુષ્ય અવતાર લઈ પોતાનું સામ્રાજ્ય ફેલાવવાનો તખ્તો ઘડેલો. હેન્રી તરીકે જન્મ લઈ તેને પોતાનાં સિદ્ધાંતોનો ફેલાવો કર્યો અને જેને પણ તેનો વિરોધ કર્યો એ બધાનો સફાયો બોલાવી દીધો. પણ અંતે મૃત્યુ તેનાં પર હાવી થયું. આમ છતાં તેને ખાતરી હતી કે તેનો પૌત્ર લિઆમ તેનું અધૂરું કામ આગળ જરૂર વધારશે. મરણપથારીએ તેને પોતાના સામ્રાજ્યની ધૂરાઓ લિઆમનાં હાથમાં સોંપી નક્કી કર્યું હતું કે હવેથી એક અમર આત્મા તરીકે તે ડગલે અને પગલે તેનો સાથ આપતો રહેશે. તેને વિશ્વાસ હતો કે એક દિવસ તેનાં સમર્થકોની સંખ્યા સર્વપિતાનાં સમર્થકોથી પણ વધી જશે. તે સર્વશક્તિમાન બની જશે. 

લિઆમનાં ચહેરા પરનાં હાવભાવ બદલાયાં. તેને બધું સ્પષ્ટ સમજાવા લાગ્યું. તેનાં હોઠ પર ક્ષણભર માટે લુચ્ચું સ્મિત આવી અલિપ્ત થઈ ગયું.

હા… મને યાદ છે કોણ છું હું! લ્યુસિફર… શેતાન.

"લીલીથ… મારી લીલીથ… આ શું હાલત થઈ ગઈ છે તારી?" 

લીલીથે એક ઊંડો શ્વાસ લીધો. 

"ઓ લ્યુસિફર," તેની આંખોમાં આંસુ હોવા છતાં અવાજમાં આનંદ હતો. "આ જો તારી કલ્પનાએ કેવી બનાવી મૂકી છે મને. મને મારા સાચા રૂપમાં લાવી દે, લ્યુસિફર. મારા પર થોડો રહેમ કર."

શેતાનને લીલીથ પર દયા આવી. તેને પોતાના મનમાં રહેલ લીલીથની છબીને યાદ કરી અને તે સાથે જ લીલીથનું રૂપ બદલાવા લાગ્યું. તેની ડોક પર રહેલ છૂંદણા અને તેનાં કપાળ પર રહેલ તારો ગાયબ થઈ ગયા. તેના હોઠ ફરી સાજા થવા લાગ્યા. તેની આંખોની  લીલાશ પડતી કીકીઓ ફરી ઘેરાં કાળા રંગની થવા લાગી. તેનાં લોહીથી ખદબદતાં તીક્ષ્ણ નખ ગાયબ થઈ ગયા. તેની ચામાચીડિયાં જેવી પાંખો બદલાઈને સફેદ પીંછાવાળી થઈ ગઈ. તેનાં મેલાઘેલા ગાઉનનો રંગ બદલાઈ તેજસ્વી સુવર્ણ થયો. આંખો આંજી દે તેવું આભામંડળ તેની આસપાસ રચાયું. તેના આ રૂપને જોઈ શેતાન સંમોહિત થયો. તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. તે ખરેખર લીલીથ હતી. તેની લીલીથ.

"હવે?" શેતાને માથું ધુણાવી તેનું ધ્યાન તેની સમક્ષ રહેલ સમસ્યાઓ પર કેન્દ્રિત કર્યું. તે હજું પણ હેન્રીનાં રૂપમાં જ હતો. મનોમન તેને ખુદને પોતાનાં મૂળ રૂપમાં કલ્પી જોયો પણ તેનું રૂપ બદલાયું નહીં. "કઈ રીતે આ કેદખાનામાંથી બહાર નિકળીશું આપણે?"

"આટલા દૂર સુધી હું પણ પહેલી વાર જ પહોંચી છું, લ્યુસિફર," લીલીથના મોં પર સ્મિત વેરાયું. વિજયનું સ્મિત. "દરેક વખતે હું તને મળું ત્યારે તું કોઈ રીતે મૃત્યુ પામે છે અને સમયનું ચકરડું ફરી ફરવા લાગે છે. હું અચાનક જ એક દિવસ આકાશમાં ઉડવા લાગુ છું. આ શહેર લોકોથી ઉભરાઈ જાય છે અને તને શોધવાની ઘણી ઈચ્છા હોવા છતાં મારું મન ગુલામ થઈ જાય છે. જ્યાં સુધી આ શહેરનાં એક-એક શખ્સનો હું શિકાર નથી કરતી ત્યાં સુધી હું મુક્ત મને વિચારવા પણ અક્ષમ રહું છું. અંતે જ્યારે તું એકલો જીવિત બચે છે ત્યારે મારા મન પરનો પડદો ખસે છે અને તને હકીકત સમજાવવા હું ઘણાં પ્રયત્નો કરું છું. આ પહેલાં ઘણીબધી વખત આપણો વાર્તાલાપ થઈ ચૂક્યો છે. પણ આ પ્રથમ જ વખત તું મારા પર વિશ્વાસ કરે એટલા સમય સુધી જીવિત રહ્યો છે. આગળ શું એ મને નથી ખબર. પણ પહેલાં તું એ પાળી પરથી દૂર થઈ અહીં મારી પાસે આવી જા. જો ત્યાંથી પડીને તું ફરી મૃત્યુ પામીશ તો આ સમયચક્ર ફરી ચાલુ થશે. ફરી તું સ્મૃતિ ગુમાવી દઈશ અને ફરી હું ગુલામ થઈશ. ના… હું એવું નથી ઇચ્છતી. જરાય નથી ઇચ્છતી."

લીલીથની વાતમાં તથ્ય હતું. સર્વપિતાએ કરેલી તેની આવી દશાથી શેતાનને ક્રોધ ચડ્યો. ગુસ્સાથી તેના માથાની નસો ફાટતી હતી. આમ છતાં સર્વપિતાને હરાવવા તેને જીવિત રહેવું જરૂરી હતું. લીલીથની વાત માની તે પાળીથી દૂર થઈ તેનાં તરફ જવા પોતાનાં ડાબા પગને ખેંચી જ રહ્યો હતો કે આકાશમાં કાળા વાદળો છવાયા. ચંદ્ર પણ તે વાદળોની પાછળ છુપાઈ ગયો. ચાંદનીથી પ્રજ્વલ્લિત એ રાતને અંધકાર ગળી ગયો. પ્રથમ વખત અંધકારનાં એ બે પ્રાણીઓ અંધકારથી ફફડી ઉઠ્યાં. વાદળોનો ગડગડાટ થયો. લીલીથની આંખો પોહળી થઈ. "નહીં…" ની કર્ણભેદી ચીસ પાડી તેને શેતાન તરફ દોટ મૂકી. બરાબર એ જ સમયે આકાશમાં એક તેજસ્વી લીસોટો થયો. ગગનભેદી અવાજ સાથે શેતાન ઉભો હતો તે જ જગ્યા પર વીજળી પડી. શેતાનની આંખો અંજાઈ ગઈ.

જ્યારે તેની દ્રષ્ટિ પાછી ફરી ત્યારે તે છત પરથી નીચે પડી રહ્યો હતો. લીલીથ પણ તેની પાછળ કૂદી હતી. તેને શેતાન સામે લંબાવેલ જમણાં હાથની આંગળી શેતાને તેની તરફ લંબાવેલા જમણાં હાથની આંગળીને સ્પર્શી. એ સાથે જ શેતાનનું માથું જમીન સાથે અથડાયું. તેનાં મસ્તિષ્કમાં કડાકો બોલ્યો. તેનાં મોં અને કાનમાંથી લોહી વહેવા લાગ્યું. તેની ઘેરાતી આંખોએ લીલીથને પોતાના પર પછડતાં દેખી. તેની આંખનાં પોપચાં બીડાયા અને તેની દ્રષ્ટિ પર શ્વેત પ્રકાશપુંજનો પડદો રચાયો.

*

સમય પાકી રહ્યો છે. હું ચેતવું છું તને લિઆમ. લડવું પડશે. લડીશ કે નહીં? તારી પાસે અન્ય કોઈ વિકલ્પ નહીં હોય છોકરા. લડીશ કે નહીં? બોલ શું કરીશ તું?

લિઆમ… લિઆમ… જલ્દી જવાબ આપ. મારે તારો જવાબ જોઈએ છે. લિઆમ… જલ્દી કર. મારો શ્વાસ છૂટી રહ્યો છે. જલ્દી બોલ. લિઆમ…. લિઆમ…..

"મારી પાસે કોઈ જવાબ નથી…."

***


 

 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ