વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શરત

"અરે ભૂત એવાં નવરાં થોડી છે કે એમ ફટાક દઈને સામે આઈ જાય?" કાર્તિક હંમેશા કંઈક એવી રીતે બધાંને બંધ કરી દેતો. 


"અરે યાર પણ ભૂત હોય છે. તું ભલે ના માનતો હોય. પણ ભૂત થાય છે ખરાં." નલીન બોલ્યો. 


"જો ભાઈ... હું માનું છું કે ભૂત હોય છે કારણ કે હું માનું છું કે ભગવાન પણ છે. બસ, મારું કહેવું એમ છે કે જો કોઈ દાવો કરતું હોય કે મેં ભૂત જોયું છે તો નક્કી ચેક કરવું પડે. એ એનો એક વહેમ માત્ર જ હોય." કાર્તિક પોતાની વાત પર મક્કમ રહ્યો. 


"જો આની સાથે આમ લવરી કરીશું તો એ માનવાનો નહીં. હાલ, એક શરત લગાવીએ. જો તને વિશ્વાસ હોય તો...!" હાસિમ વચ્ચે પડતાં બોલ્યો. 


નવેમ્બરની ગાત્રો ગાળી નાંખતી રાત હતી. આ ત્રણેય ભાઈબંધો રોજની જેમ રાતની સેર કરવા નીકળ્યા હતાં. રાતની ચ્હા એક બહાનું હતું... સાત સાથીઓની ટોળકીને રાત્રે બાર વાગ્યા સુધી રખડ્યા વગર ચેન ન્હોતું પડતું. 


પણ આજે બાકીના ચાર મિત્રો મોડાં પડેલા. ત્યાં નલીન બોલ્યો,

"બે યાર આ લોકો ટાઇમસર આવતાં નથી અને પછી ભાઈ બીજા દહાડે મારી ફરિયાદ કરી દે છે ઘરમાં." 


"તે તું તારાં પપ્પાથી વધારે ડરે છે કે ભાઈથી...?" હાસિમે નલીનની મજાક કરતાં કહ્યું,

"બેમાંથી એકોય નહીં. હું તો પેલાં મારાં રૂમની બારીમાંથી દેખાતા સ્મશાનના ભૂતથી બીનું છું." અને ઉપરની વાત શરુ થઈ.


એટલામાં જ એક એલ એમ એલ સ્કૂટર ત્યાં આવીને સ્ટેન્ડ થયું અને પછી બંધ થયું.


"તે ક્યાં આજે નસીર

ને પ્રફુલ્લ કાં નથ દેખાતા?" થઈ ગયેલી વાતથી બેખબર અજય બોલ્યો. 


"એ બધું ય છોડ તું.. હવે તું કેહ.. આ કાર્તિકનું કહેવું છે કે ભૂત ભૂત કાય હોતું નથી. એટલે ... " હાસિમ હજુ વાત પૂરી કરે એ પહેલાં જ જાય બોલ્યો,


"હા તો બરાબર છે. આપણેય નથી માનતાં.તે હવે એનું હું કરવું છે?"


"લ્યા હાથી, પહેલાં હાભળ તો ખરો.... માનતો તો હું ય નથી... ફટ્ટુ તો એકલો આ નલીનયો છે. પણ કાર્તિકનું કહેવું છે કે એ ભૂત જોઈને ડરે નહીં." હાસિમે વાત પૂરી કરી. 


"ઓહ..... તો ચાલો એને આજે સ્મશાન મોકલીએ.." અજય બોલ્યો.


"એય છોકરાંવ... આ કંઈ રમવાની વાત નથી.. સાચ્ચે સ્મશાનમાં ભૂત થાય છે. ઝેરનાં પારખાં ના કરવાનાં હોય." ચ્હાના ગલ્લાવાળાથી ના રહેવાયું. 


"હું તૈયાર છું... આજે જ રાત્રે આ ઝેરને પારખવું કે એ ઝેર છે કે નહીં?" કાર્તિકને હવે ચાનક ચડી. 


"જો હું તારાં ઘેર કહી દઈશ. જો કંઈ થઈ જશે તો એકબીજાને મોં બતાવવા લાયક નહીં રહો." પેલાં ચા વાળાએ ફરી ટોક્યા.. 


"ભલે કાકા... કાલે સવારે ઘેર કહી દેજો. બસ..... અત્યારે અમે નીકળીએ." કાર્તિકેય ચાનો ખાલી કપ ગલ્લાવાળાનાં ગલ્લાની ધાર પર મૂકતા કહ્યું. 


ઓગણીસો સિત્યોતેરની સાલમાં બાવીસની ઉંમરે જુવાન લોહીનો જોશ જ કંઈક અલગ હતો.

એ રાત કંઈક અલગ જ હતી. ચારે બાજુ જાણે સોપો પડેલો હતો. પોરબંદરની ભૂમિ એક તરફ દરિયાકાંઠાથી જોડાયેલી હતી. કીર્તિમંદિરથી નલીનનું ઘર કંઈ બહુ દૂર હતું નહીં. અને એનાં ઘર પહેલાંની ગલીના અંતે દરિયાની લહેરોનાં સંગીતમાં મસ્ત એવી સ્મશાનની ભેંકાર શાંતિ પણ ભયંકર લાગતી હતી. અજવાળા રહિત સ્મશાન સુધીનો રસ્તો આજે વધુ અંધારિયો લાગતો હતો. 


"જો અમે સ્મશાનની સામેની સાઈડ આવેલી ચાની કીટલી પાસે બેઠાં હોઈશું. જરૂર પડે તો અવાજ લગાવજે. તું આવાજ દઈશ એટલે તું હારી ગયો એમ સ્વીકારી લેવામાં આવશે અને તો કાલનાં દિવસનો ખર્ચો તારાં માથે. જો તું જીતી જઈશ તો સવારની‌ પહેલી ચા પી અહીંથી નીકળશું... બરાબર..?" 


બધાંએ રસ્તામાં જ એક આયોજન કર્યું. 


"હા નક્કી.." કાર્તિક બોલ્યો. 


અજય અને હાસિમ બંને કાર્તિકને હરાવવાની મનોમન યોજના ઘડી રહ્યા હતા. 


બંનેએ એકબીજા સામે મોઘમ સ્મિત વેર્યું. 


રસ્તો વધુ અંધારો હતો. અને સ્મશાનના દરવાજેથી છેલ્લા દેવાયેલા અગ્નિદાહની જ્વાળાઓ હજુ શાંત થઈ નહોતી. 


"બહુ મોડો અગ્નિદાહ દેવાયો લાગે છે. પણ સાડાસાત પછી તો અગ્નિદાહ ન દેવાય ને?" કાર્તિક બોલ્યો... 


"એય... યાર તું નાટક ના કરીશ. તારે સ્વીકારી લેવું હોય તો સ્વીકારી લે કે તું હારી ગયો." અજય અકળાઈને બોલ્યો. 


"ના... હારતા તો મને આવડતું જ નથી." કાર્તિકે કાતિલ સ્મિત આપ્યું. 


કાર્તિકને જતાં જોઈ નલીનને ફાળ પડી અને એ બોલ્યો,


"યાર, મજાક મજાકમાં કંઈ ખોટું ન થઈ જાય. એને રોકી લઈએ?" 


"અબે ના... કહેવું એક વાત છે અને કરવું બીજી વાત... એ જ હમણાં ડરીને બહાર આવી જશે... શાંતિ રાખ... આને આપણે અહીં જ ઊભાં છીએ તો એને કંઈ નહીં થવા દઈએ... હમણાં એને ડરાવી દઈશું." હાસિમ બોલ્યો.

કહી એ ત્રણેય જણા બંધ ચાની કીટલી તરફ ગયાં. 


આ તરફ કાર્તિક ધીરાં પણ મક્કમ પગલે સ્મશાનમાં પ્રવેશ્યો. એણે જેવો સ્મશાનમાં પગ મૂક્યો કે તરત જાણે અંધારું વધારે ગાઢું થઈ ગયું. ચારે તરફ ઠંડક વધી ગઈ. સળગતાં અગ્નિની જ્વાળાઓ જાણે ઝાંખી થઈ ગઈ. 


કાર્તિકનાં શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. ચારે તરફ ધુમાડો અને ધુમ્મસ વધુ ઘેરો થયો. સ્મશાનમાં ચીબરીનો અવાજ સંભળાયો. બળતી લાશનો તતડાટનો અવાજ સંભળાતો હતો. 


કાર્તિકે ચારે‌ તરફ નજર ફેરવી. કશું જ દેખાતું નહોતું. ત્યાં એને કોઈનું ગળું ખંખેરવાનો આવાજ આવ્યો. 


"કોણ? કોઈ છે? કોઈ હોય તો સામે આવો.. મારે તમને જોવાં છે. મને આ ધુમાડા અને ધુમ્મસનાં લીધે કશું દેખાતું નથી." એ થોડીવાર ત્યાં જ ઊભો રહ્યો. એને ખબર નહોતી પડતી કે એ ચોક્કસપણે કઈ જગ્યાએ ઊભો છે અને‌ કઈ દિશામાં જઈ રહ્યો છે? 


એને કોઈ જવાબ ન મળ્યો. ફ્ક્ત લેવાતા શ્વાસના અવાજો સંભળાઈ રહ્યા હતા. એ નાકની દાંડીએ આગળ વધ્યો. એને પોતાનાં પગ નીચે કચડાતા સૂકાં પાંદડાંનો અવાજ આવી રહ્યો હતો. એ આવાજ સનસનાટીભર્યા સંગીત જેવો લાગતો હતો.


થોડી વારમાં એનાં પગલાં નીચે દબાતા પાંદડાંનો અવાજ જાણે અચાનક બેવડાઈ ગયો.. અને એ અવાજથી કાર્તિકને પણ કમકમાટી ઉદ્ભવતી હતી. હવે એ વધુ ગભરાયો. એ સળગતી આગની દિશા તરફ આગળ વધી રહ્યો હતો. 


પાંદડાંનો અવાજ બેવડાઈ જવાથી કાર્તિકને પણ ડર લાગી રહ્યો હતો. 


થોડુંક આગળ જતાં જ એનાં પગે ઠોકર વાગી અને એ પડી ગયો. એ જેવો પડ્યો કે તરત એની નીચે કંઈક સળવળ્યું. એ સહેજ વધુ ગભરાઈ આઘો ખસ્યો અને થોડી જ વારમાં એણે એક કાળો ઓળો  ઊભો થઈ એની તરફ આવતો દેખાયો. 


એણે પોતાનામાં હતું એટલું જોર લગાવી બૂમ પાડી.

એની બૂમો સાંભળી બહાર ઊભેલા હાસિમ‌ અને અજયના મોં પર સ્મિત રેલાયું. એમણે એ ચીસના જવાબમાં સવાલ કર્યો,


"કાર્તિક, જરૂર છે? મદદ જોઇએ છે? અમે આવીએ? " 


બંનેએ વારાફરતી પૂછેલા સવાલનો કોઈ જવાબ ન મળ્યો. 


"મેં કીધું હતું ને? આપણે એને રોકી લેવા જેવો હતો." નલીન ગભરાવા‌ લાગ્યો. 


"અરે યાર... ટેન્શન ન આપ... થોડી રાહ જો.એ હમણાં બહાર આવી જશે.." હાસિમ બોલ્યો. 


હાસિમે અજય સામે જોયું. બંનેનાં મોં પર ચિંતાની રેખાઓ ઊપસી આવી.

થોડીવાર સુધી કોઈ અવાજ ન આવતાં અજય અને હાસિમ બંને સ્મશાન તરફ આગળ વધ્યા. પણ સ્મશાનના દરવાજે તાળુ લટકતું હતું. 


"અલ્યા, અહીં તાળું કોણે માર્યું?" હાસિમ તાળું જોઈ બોલ્યો. 


હવે એ બંનેને પણ ભયનાં લખલખાની અસર થઈ. 


"કાર્તિક..... કાર્તિક... જવાબ આપ... " અજયે બૂમ પાડી.. 


દરવાજાની જાળીમાંથી જોવાની નાકામ કોશિશ પછી હાસિમે કહ્યું, 


"યાર... કંઈ ખોટું તો નથી થઈ ગયું ને? આ નલીન્યો કહેતો હતો કે પછી પેલા ચા વાળાએ કીધું હતું એવું?" હાસિમે પૂછ્યું.


"હા યાર... જો એવું થઈ ગયું તો કાકા આપણને મારી નાંખશે અને માસીની સામે નજર કેમની મિલાવીશું?" અજય બોલ્યો. 


બધાં ઉદાસ હતાં. કારણ કે એમણે એમનો જીગરજાન મિત્ર ગુમાવ્યો હતો. તેઓ આવું બિલકુલ નહોતાં ઈચ્છતા. પણ સંજોગોએ કંઈક એ ઈ રમત રમી હતી કે કદાચ... આ જ થવાનું નિશ્ચિત હતું. 


આ સાતેય ભાઈબંધ કોલેજ પૂરી કરીને હજુ માંડ ધંધામાં સક્રિય થયા હતા. પણ હજુ એમની છોકરમત બંધ થઈ નહોતી. બધાં ગભરાઈ ગયા. આમ કબ્રસ્તાનનાં દરવાજે તાળુ કોણે માર્યું હશે એ સવાલ એમને પરેશાન કરી રહ્યો હતો ત્યાં કાર્તિકનો પણ આવાજ આવી રહ્યો નહોતો. 


બેમાંથી એકેય આ સવાલનો જવાબ ન આપી શક્યા. બંને નલીન સાથે એ જગ્યા છોડી નલીનના ઘર તરફ ચાલવા માંડ્યા.


કાર્તિકને બીક પોતાની ચીસની સામે પડવાની જેમ આવેલી ચીસની લાગી હતી. કાર્તિકે બંધ કરેલી આંખો ખોલી તો પેલો ઓળો સામે કોઈ ઓટલાને અઢેલીને બેઠો હતો. 


પણ એને એ સમજાઈ ગયું હતું કે સામે કોઈ ભૂત નહીં પણ જીવતો જાગતો માણસ છે. 


" આ ખાલી ઓળો નહીં નક્કર છે. એટલે આ ભૂત નહીં જ હોય." ધીરેથી બબડેલા કાર્તિકને 'શિવ શિવ' નો જાપ સંભળાતો હોય એવું લાગ્યું. 


"અરે ભાઈ ગભરાઈશ નહીં. હું પણ તારી જેમ જ એક મનુષ્ય છું. કોઈ ભૂત નહીં. સિગારેટ પીશ?" કહી કાર્તિકે પોતાનાં ખિસ્સામાં હાથ નાખ્યો.

નવાં લીધેલા સિગારેટના પેકેટનું પેક તોડી ખોલ્યું તો અંદરથી માત્ર બે જ સિગારેટ નીકળી. એમાંથી એક એણે પેલાં બીજાં વ્યક્તિને ધરી.


કાર્તિકે પોતાનાં ખિસ્સાં ફંફોસ્યા. એને લાઇટર ન જડ્યું. 


સામે રહેલા માણસે માચિસ સળગાવી. એ માચિસનાં અજવાળામાં બંનેએ એકબીજાના ચહેરા જોયા અને સામ સામે બેસી સિગારેટ પીતાં પીતાં વાતોએ વળગ્યાં. 


કાર્તિક એક એવો છોકરો હતો કે જે આંખો દેખી પર જ ભરોસો કરતો હતો. અને એટલાં માટે જ એને આ અનુભવ કરવો હતો. પણ આ અનુભવમાં એક ક્ષણ એ સખત ડરી પણ ગયો હતો. એને સમજાતું નહોતું કે આખરે આટલું બધું ડરી જવાનું કારણ એ આસપાસનું વાતાવરણ હતું કે પછી આ માણસની ચીસ.  


જાતજાતની વાતો કરતાં કરતાં સમય પસાર થઈ ગયાંનો  ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે ધીરે ધીરે ‌અંધારુ ઓસર્યુ અને‌ અજવાળું ફેલાયું. 


"ચાલો મારી શરત પૂરી થઈ. લાગે છે પાંચ વાગી ગયાં હશે." કાર્તિક આમ બોલી ઊભો થયો. 


એ સ્મશાનના દરવાજા તરફ આગળ વધ્યો. કોઈ માણસ એ દરવાજાને ખોલી રહ્યો હતો. કાર્તિકને જોઈ એ ડઘાઈ ગયો. અને એનાં મોંમાંથી દબાયેલી ચીસ નીકળી ગઈ. 


"ભૂ.... ત" એની ચીસ સાંભળી સ્મશાન પર પાછાં ફરેલા હાસિમ અને અજય એ તરફ આવ્યાં. 


કાર્તિકને જોઈ એમનાં જીવમાં જીવ આવ્યો. 


એમણે પેલાને ખખડાવી દરવાજો ખોલાવડાવ્યો. 


"સાલાઓ... હદ છે... આમ દરવાજો બંધ કરી મને બીવડાવવાનો પ્લાન હતો ને તમારો? ચાલો હું શરત જીતી ગયો છું." 


ડરી ગયેલા હાસિમ અને અજય સ્પષ્ટતા ન કરી શક્યા. 


"સાહેબ આ લાઇટર તમારું છે?" કાર્તિકને અવાજ સંભળાયો. પેલાં સ્મશાનવાળા સાથીને ત્યાં જોઈ એ હસ્યો


"હા મારું જ છે. ક્યાંથી મળ્યું?" કાર્તિકે પૂછ્યું. 


"એ તો તમે બેઠાં હતાં ત્યાંથી. બાકી આવજો. " પેલાએ જવાબ સાથે લાઇટર પણ આપ્યું. એ સમયે એનો હાથ કાર્તિકને આડી ગયો. એ ખૂબ જ ઠંડો હતો. 


હાસિમ અને અજય કાર્તિકની હલચલ જોઈ રહ્યા હતાં. "ખિસ્સામાંથી લાઇટર કાઢી કેમ પૂછે છે કે ક્યાંથી મળ્યું?" અજય બબડ્યો. 


"ચાલો કાકા , ચા બનાવો. આને તમે પણ પીશો ને? આમની પણ બનાવજો એક..." કાર્તિક ચા વાળા સામે જોઈ બોલ્યો.


"પણ કોની સાહેબ?" ચાવાળાએ પૂછ્યું. 


બરાબર એ જ સમયે સિગારેટના પેકેટને ખોલતાં અંદરથી બીજી આઠ સિગારેટ નીકળી. અને પેલા માણસ સામે જોઈ રહેલા કાર્તિકને એ ઓળો ધુમ્મસની જેમ હવામાં ઓગળતો દેખાયો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ