વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તુ...તુ.. મેં...મેં..!


"ગુડ મોર્નિંગ પતિ..!" ( રોશની જ્યારે ખુશ હોય કે દિમાગમાં અજીબોગરીબ વિચારો કબ્બડ્ડી રમતાં હોય ત્યારે ધરમને પતિ કહીને બોલાવતી અને એનો ભોળો ધરમ, પતિ શબ્દનાં સૂરમય વાવાઝોડાંમાં વંટોળ બની ભમ્યા કરતો.)


બારીના પડદા ખોલીને રોશની ધરમને પ્રેમથી ઊઠાડવાની કોશિશ કરે છે પરંતુ આળસુને પણ શરમાવે એવો ધરમ ઓશીકાથી કાન દબાવીને પત્નીના મધુર સ્વરકંપનોને કર્ણ પ્રદેશમાં જતાં અટકાવવાનો નાકામ પ્રયાસ કરે છે.


રોશની ઓશીકું ચીલઝડપે આંચકી લે છે અને કહે છે "આજે તો વહેલો ઉઠ, યાર!"


"યાર સુવા દેને..પ્લીઝ યાર, રવિવાર છે!"


"ના હવે ઊઠને... જો, આજે તો તારો જન્મદિવસ છે તો હું વિચારું છું કે તારું મનપસંદ તુરીયા પાત્રાંનું શાક બનાવું. પહેલી વખત ખાસ તારા માટે જ બનાવું છું પણ તું ચિંતા ન કરતો. સંજીવ કપૂરની રેસીપીનો વિડીયો જોતાં-જોતાં બનાવીશ એટલે મસ્ત ટેસ્ટી જ બનશે. તું આંગળીઓ ચાટતો ના રહી જાય તો કહેજે!"


"માર્યા ઠાર..!". આશ્ચર્ય અને ડરથી પહોળી થયેલી ધરમની આંખો જોઈ નિંદર અને આળસ હાલ પૂરતાં છૂમંતર થઈ ગયા. "રોશુ દાર્લિંગ... તારી તબિયત તો સારી છે ને?  તું.... અને તુરીયા પાત્રાંનું શાક બનાવીશ?"


થોડાં ગુસ્સા અને છણકા સાથે ઓશીકું ધરમના મોઢા પર ફેંકતા થોડી નારાજગી સાથે રોશની કહે છે, "કેમ..? ના બનાવી શકું?"


"એટલે એમ નઈ... બનાવી જ શકે પણ મારે તને એક ખાસ જગ્યાએ લંચ માટે લઈ જવી છે અને એ બહાને તારા આ કોમળ હાથોને એક દિવસ પૂરતો આરામ મળી જશે (અને મારા પેટને તુરીયા પાત્રાંને પચાવવાની કસરતથી છુટકારો...)


"જરાય નહીં.... આજે તો હું તારું ફેવરીટ શાક બનાવીને તને ટ્રીટ આપીશ. "


"એ બધી ઝંઝટ છોડ, લેટ્સ હેવ ફન...એક મસ્ત મૂવી જોઈએ અને ત્યાર પછી એક નવીજ ખુલેલી રેસ્ટોરન્ટમાં જઈને ગુજરાતી થાળી જમી લઈએ તો કેવું..?..અને હા રોશુ, તારી ઈચ્છા મુજબ આપણે મારા મનપસંદ તુરીયા પાત્રાંનો જ ઓર્ડર આપીશું."(હે ભગવાન આને સદબુદ્ધિ આપ કે મારી વાત માને અને અખતરાં ના કરે... મારું નહિ તો બિચારાં મારાં પેટનું તો વિચારો..! બચાવી લ્યો મને!)


"હાઉ સ્વીટ..!પણ તારું ફેવરીટ શાક તો હું જ બનાવીને જમાડીશ". ચલ હવે ઊભો થા અને બજાર જઈને તુરીયા લઈ આવ એટલે હું ફટાફટ શાક બનાવી દઉં."


"ના.. ના.. આપણે કોઈ જલ્દી નથી તું તારે નિરાંતે બનાવ, આપણે સ્વર્ગલોકની સફરની કોઈ ઉતાવળ નથી". એકેય દાવપેચ કામે ન લાગતાં હારેલા ખેલાડીની જેમ ધરમ બજાર જવા ઊભો થયો.


"એ શું બોલ્યાં? સ્વર્ગલોક જેવું કંઈક..!"


"અરે કંઈ નઈ બાપા તું તારે કામે વળગને હું બજારથી તુરીયા લઈ આવું છું."


"એ હા,લઈ આવો એટલે હું ફટાફટ શાક બનાવી દઉં."


"ફટાફટ નઈ શાંતિથી બકા શાં..તિ..... થી...(નહિ તો ઉતાવળમાં ખબર નહિ કંઈ ભળતાં જ મસાલા નાંખશે.)


"હા હવે જાવ છો બજાર કે પછી..!"


"ભોગ લાગ્યાં, છૂટકો છે." મનમાં બબડતો ધરમ કમને બજાર જવા નીકળે છે.


કલાક થયો તોય હજી નથી આવ્યો,એક તુરીયા લેતાં કેટલી વાર લાગે! નક્કી કોઈ દોસ્ત ભટકાયો હોવો જોઈએ ને બંને વાતોના વડા કરતાં હશે એવા વિચારોમાં અટવાયેલી રોશનીની વિચાર તંદ્રા એના મોબાઈલની રીંગ સાંભળી તૂટે છે.


સામે છેડેથી એની દોસ્ત લલિતા બોલે છે,"અલી રોશની આ તારો વર ભર બજારે કોઈ સુંદર સ્ત્રીનો હાથ પકડી ઊભો છે. થોડું ધ્યાન રાખતી હોય તો..! ધરમ જેવા હેન્ડસમ પતિને તો ઘરમાં જ રખાય નહીં તો નજર લાગી જાય."


"બસ બસ ચિબાવલી તારી જીભને બ્રેક લગાવ, મને તો ડર છે કે તારી જ નજર ના લાગી જાય અને આ શું એલફેલ બોલે છે. મારો ધરમ આવું કરે જ નહીં નક્કી તારી ભૂલ થાય છે."


"વિશ્વાસ ના આવતો હોય તો અહીં બજારમાં આવીને જોઈલે તારા કાનુડાની રાસલીલા..!હું ત્યાં જ નજીકમાં ઊભી છું. મને તો તારી દયા આવે છે. જોને કેવા હસીહસીને બંને વાત કરી રહ્યાં છે જાણે તોતા-મેનાની જોડી!"


રોશની ગુસ્સામાં ધુવાપુવા થતી બજાર પહોંચે છે. ધરમને કોઈ સ્ત્રીનો હાથ પકડીને ઊભેલો જોઈ એની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગે છે જાણે જ્વાળામુખીમાંથી વહેતો લાવારસ..!


દિમાગ પર હાવી થયેલી ચુગલીખોર લલિતાની વાતોએ રોશનીની સમજ પર ઈર્ષાનો કાટ ચઢાવી દીધો હતો. એ તો સીધી તે સ્ત્રીને ન બોલવાના શબ્દો બોલવા માંડે છે.ધરમ સમજાવવાની કોશિશ કરે છે પણ પેલો ચૂગલીખોર ઈર્ષાનો કાટ એમ કંઈ રોશનીનો પીછો થોડો  છોડવાનો હતો?


"બેશરમ સ્ત્રી..ભર બજારે આમ મારા રણબીર કપૂર જેવા પતિનો હાથ પકડી ઊભી રહેતા શરમાતી નથી?"


"હા તો મારો વર પણ કંઈ રણવીરસિંહથી કમ નથી કે આ તારા ડોબા રણબીર કપૂરનો હાથ પકડું. એને શાક લેતાં ન આવડતું હોય તો શું કામ આમ રખડવા મોકલી આપે છે? તારા આ રણબીરને ઘરમાં જ રાખતી હોય તો તુરીયા ને ગલકાના ફરકની સમજ તો પડતી નથી ને મોકલી દીધા શાક લેવા. દિવસ આખો બગાડ્યો મારો તારા આ ડોબાએ તો..!".


બે સ્ત્રીને ઝઘડતી જોવાની મજા કોને ન આવે? એટલે વગર નોતર્યે  આપોઆપ ટોળું એકઠું થઈ ગયું. ટોળામાંથી એક કાકા બોલ્યાં, " અલ્યા આ રણધીર કપૂરની શું વાતો ચાલે છે, એય રિશીની જેમ લૉકડાઉન માં ટપકી ગ્યો કે શું?


 "ઓ કાકા આ સાંભળવાનું મશીન તો કાનમાં સરખું નાંખો... ક્યાં બિચારાં રણધીરને ય મારી નાંખો છો."


બીજી બાજુ રોશની રડતાં-રડતાં ધરમનો ઉધડો લે છે, "જોયું આ મને ટોણો મારે છે કે તને શાક લેતાં નથી આવડતું. તને ડોબો કહ્યો ને તું ચૂપચાપ સાંભળ્યા કરે છે તે મોઢામાં માવો ઓર્યો છે? મારી તો બધી મહેનત પર પાણી ફેરવી દીધું. બધા શાક લેતાં શીખવાડ્યું તોય તું ભૂલી ગયો આ છમ્મક છલ્લોને જોઈને."


"ના ..ના, એવું નથી રોશુ દાર્લિંગ." ત્યાં તો ટોળાં માંથી એક આધેડ જેવાં સન્નારી બોલ્યાં, "બહેનો જરાય ડરતા નહિ હું  આ બેઠી બાર વરસની. હું મહિલા સમિતિની પ્રતિનિધિ છું આવા રોમિયોને તો પાઠ ભણાવવો જ જોઈએ."


 "અને તોય ના સુધરે તો આ રાખો મારો કાર્ડ ડિવોર્સ સ્પેશિયાલિસ્ટ છું. ફટાફટ છૂટાછેડા કરાવી દઈશ." ટોળામાંથી કોઈક વકીલે પણ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતા ટહુકો કર્યો.


હવે ધરમનું દિમાગ હટે છે, "ઓ... ડિવોર્સવાળી, એક ઊંધા હાથની પડશે ને તો આ બત્રીસી બહાર આવી જશે."


ટોળામાં ઊભેલ એક ડેંટિસ્ટ તરત મોકે પે ચોકાની જેમ એ વકીલને કહે છે, "ભાઈ વકીલ નજીકમાં જ મારું દવાખાનું છે તને કદાચ જરૂર પડે!" વકીલ ગુસ્સામાં ડૉક્ટરનું કાર્ડ ફેંકીને જતો રહ્યો.


થોડે દૂર ઊભેલો ઇન્સ્પેકટર નથ્થુલાલ ક્યારનો આ તમાશો જોઈ રહ્યો હતો. એને એમ કે મામલો થોડી વારમાં સમેટાઈ જશે પણ આતો વધુ બિચકયો એટલે મૂછો પર વળ દેતો અને મૂછે હો તો નથ્થુલાલ જેસી વરના ના હો કહેતો ટોળાં વચ્ચેથી પોતાના ગોળમટોળ તોંદને બચાવતો જગ્યા કરી ધરમ, રોશની અને પેલી સ્ત્રી પાસે પહોંચે છે. "બોલ બેન ક્યારની રડારોળ શાની કરે છે હમણાં જ મામલો સુલઝાવી દઈશ ના કોર્ટ, ના કચેરી,ના વકીલ સીધો ચુકાદો, આ મૂછોની કસમ."


"એમાં એવું છેને મુચ્છડભાઈ ..! અરે, સોરી સોરી ઇન્સ્પેક્ટર ભાઈ, આ નખરાળી ભર બજારમાં મારા વરનો હાથ પકડીને ઊભી છે. જુઓ તો કેવી શરમ નેવે મૂકી દીધી છે બંનેએ, હજુ હાથ પકડીને ઊભા છે. ભગવાન મારું શું થશે, સાત જનમનાં સાથની વાતો કરનારા મારા પતિને કેવો ફસાવ્યો છે."


"અરે રોશની આમ અસભ્ય વાતો ના કર. આ બેન એકદમ શરીફ છે."


"રેવા દે ધરમ, તુંય કંઈ ઓછો નથી બસ સુંદર સ્ત્રી જોઈ નથી કે સાહેબ લટ્ટુ બન્યાં નથી."


"ઓ બેન .... મૂછો ની કસમ.... કહું છું બિચારાં તારા વરને સફાઈનો મોકો તો આપ શું આમ રાજધાની એક્સપ્રેસની જેમ  નોન સ્ટોપ બોલ્યા કરે છે. થોડી જીભને બ્રેક માર.બોલ ભાઈ શું કહેતો હતો."


ધરમે રાહતનો શ્વાસ લીધો અને બોલ્યો,"હવાલદાર ભાઈ વાત એમ છે કે ..."


"તારી ભલી થાય, સુવરની ઓલાદ..! ઇન્સ્પેક્ટરને હવાલદાર કહે છે? આઈ એમ ઇન્સ્પેક્ટર નથ્થુલાલ". કહી જોરથી દંડો ધરમના કુલાંને શણગારવા ઉગામે છે પરંતુ ધરમ સમયસૂચકતા વાપરીને નીચે બેસીને નથ્થુલાલના પગ પકડી માફી માંગવા લાગ્યો.


"સોરી સોરી ઇન્સ્પેક્ટર સાહેબ, તમે તો મારા રક્ષક બનીને આવ્યા છો મને બચાવો નહિ તો બજારમાં જ મારો જન્મદિવસ ઉજવાઈ જશે."


"હા, તો સાહેબ બન્યું એવું કે..... કહી ધરમ પોતાની આપવીતી રજૂ કરે છે." હું તુરીયા લેવા આવ્યો હતો અને આ બેન ગલકા લેવા. ભૂલથી હું આ બેનની ગલકાની થેલી લઈ ચાલવા માંડ્યો.આ બેનને ખબર પડી કે થેલી બદલાઈ ગઈ છે એટલે એ મને અહીં આપવા આવ્યાં અને થેલીની આપલેમાં મારી ઘડિયાળની ચેઇનમાં એમના બ્રેસ્લેટની કડી ભરાઈ ગઈ. બહુ કોશિશ કરી પણ એ પણ મારી દાર્લીંગ જેવી જીદ્દી છે તે નીકળવાનું નામ જ નથી લેતી ને અમને બંને શરીફ ભાઈ બહેનની ઈજ્જતની પથારી ફેરવી દીધી.બોલો આમાં અમારો કોઈ વાંક?".


“ઓહ્ પતિ..! પહેલાં ન કહેવાય? બેન મારી, મને માફ કર. મારે તમારી વાત સાંભળવી જોઈતી હતી. આતો પેલી લલિતા ચિબાવલીની વાતોમાં આવી મારાં સરસ્વતીચંદ્ર જેવાં વર પર શક કર્યો.”રોશની બ્રેસ્લેટની કડીને ઘડિયાળની ચેઇનમાંથી આઝાદ કરાવે છે અને ખુબજ દિલગીરી સાથે ફરીથી એ બેનની માફી માંગે છે.


"તો બહેનો ફેંસલો થઈ ગયો.  તું તારાં ગલકાને લઈને ઘરે જા". અને રોશની તરફ જોઈ કહ્યું, "તું તારા તુરીયાને લઈને..અરે સોરી.. મતલબ તારા પતિ અને તુરીયાને લઈને ઘરે જા."


"ફેંસલા હો તો નથ્થુલાલ જેસા વરના ના હો" કહેતાં ઇન્સ્પેક્ટર મૂછો અમળાવતા એમનાં રસ્તે ચાલતા થયાં. અને "ખોદા પહાડ નીકલા ચૂહા...." કહી ટોળું પણ વિખેરાઈ ગયું.


રોશની ઘરે જઈને ધરમની ફરી માફી માંગે છે અને કહે છે, "પતિ... આ બધી રામાયણમાં બાર તો વાગી ગયા હવે હું ક્યારે તુરીયા પાત્રાનું શાક બનાવીશ ને ક્યારે આપણે જમીશું.....એના કરતાં હોટેલમાં જ જમી આવીએ તો.."


ધરમ મનમાં (હાશ બચ્યાં....) ખુશ થતો કહે છે,"તું પહેલાં જ માની ગઈ હોત તો આ બીજુ મહાભારત ના રચાત, જોરુ કા હુકમ ઈસ ગુલામ કે સર આંખો પર."


પછી તો દરેક સ્ટોરીના ખુશહાલ અંતની જેમ રાજા રાણીએ ખાધું પીધું ને રાજ કર્યું.



   ©️   છાયા ચૌહાણ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ