વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સૂતક



"હાય હાય! આ ઉંમરે હવે આય વેઠવાનું? શું કરવું આ વેજાનું? માળા હાળા રોજ સાંજ પડ્યે આવી જાય છે ને ગંદકી ફેલાવી સવારનાં પહોરમાં વયા જાય છે. આ કબૂતરાં ઓછા હતાં તે હવે આ વાંદરાય તે… બસ, આ બધાનીજ સુવાવડો કર્યે રાખવાની છે મારે? જેની કરવી છે ઈ તો સમજતી નથી ને… " 

સૂર્યદેવને પાણી અર્પવા એક હાથમાં કળશ સાથે બીજા હાથે બાલ્કનીનો દરવાજો ખોલતાજ કમળા બા હાયકારો કરી ગયાં. એમનો અવાજ સાંભળીને દીપેન તથા સંધ્યા સાથે રિદ્ધિ અને સિદ્ધિ પણ દોડી આવ્યાં.જોયું તો આખી બાલ્કની લોહીથી ખરડાયેલી હતી. સાત વર્ષની ટ્વીન્સ રિદ્ધિ સિદ્ધિ તો અચરજભરી નજરે બધું જોઈ રહી, પરંતુ સંધ્યા પરિસ્થિતિ સમજી ગઈ. એ લોહી અને એની સાથે પડેલા બીજા અવશેષો - તેની નજર સામે સવારેજ જોયેલું વાંદરીને ચોંટી ગયેલું નવજાત બચ્ચું તરવરી રહ્યું. કમળા બા નો બબડાટ હજુય ચાલું જ હતો ને સંધ્યાએ બાલ્કનીની સફાઈ શરૂ કરી દીધી. રિદ્ધિ સિદ્ધિ પણ મમ્મીને મદદ કરવા માંડી અને કમળા બા ફરી ન્હાવા જતા રહ્યા. 

દીપેન ઘડીક સંધ્યા તરફ તાકી રહ્યો, પછી એ પણ તૈયાર થવા જતો રહ્યો. આવતી કાલે ઉતરાણ હોવાથી તેણે અને સંધ્યાએ ખાસ એક દિવસ અગાઉની રજા લઈ લીધી હતી. ઉતરાણની બધી તૈયારી આજે જ પૂરી કરવાની હતી, એટલે સમય બગાડવો પાલવે તેમ નહોતો. પતંગ-દોરીની સાથે વાઘ સિંહના માસ્ક, ટોપી, પંપૂડા, ફૂગ્ગા ઉપરાંત શેરડી અને બોરની જવાબદારી પણ દીપેન ઉપર જ હતી. જ્યારે સંધ્યાનો આખો દિવસ જુદી જુદી ચીકી બનાવવામાં તથા જલેબી અને ઉંધિયાની તૈયારીમાં જ પૂરો થઈ જવાનો હતો. 

ફટાફટ બાલ્કનીની સફાઈ આટોપી સંધ્યા રસોડામાં પ્રવેશવા ગઈ કે તરત જ કમળા બા બોલ્યા, "પહેલાં શુદ્ધ થઈને આવો. અને આ બેય કાબરોને પણ લેતા જજો. એય હારોહાર જ હતી." સંધ્યા સ્હેજ ખચકાઈ, ને પછી રિદ્ધિ સિદ્ધિને ઈશારો કરી બાથરૂમ તરફ આગળ વધી ગઈ. બેયની ઉપર બે બે ડબલાં પાણી રેડી ફરી બંનેને તૈયાર કરી અને પોતે પણ એક ખંખોળિયું ખાઈ ઝડપથી રસોડામાં પહોંચી ગઈ. તેણે ધારેલા સમય કરતાં તે પૂરો એક કલાક મોડી હતી. 

એક કુશળ કલાકારની જેમ સંધ્યાનાં હાથ જેટ સ્પીડમાં પોતાનું કામ કરી રહ્યા હતાં અને મોં રિદ્ધિ સિદ્ધિનાં પ્રશ્નોનાં જવાબ આપી રહ્યું હતુ. 

"હેં મમ્મી, આપણી બાલ્કની કોણે ગંદી કરી?" 
"આટલું બધું લોહી ક્યાંથી આવ્યું? અને કેટલી બેડ સ્મેલ હતી… છી… " રિદ્ધિની પાછળ સિદ્ધિ તૈયાર જ હતી પૂછવા માટે. એક પછી એક પ્રશ્નોનો મારો શરૂ થઈ ગયો એટલે સંધ્યાએ હાથ ધોઈ બંનેને પ્લેટફોર્મ પર બેસાડી અને શાંતિથી સમજાવી. 

"સવારે ઓલું બેબીમંકી જોયું હતું ને, એકદમ ક્યૂટી ક્યૂટી, એ આપણી બાલ્કનીમાંથી એની મમ્માને મળ્યું."

"પણ મમ્મા, એ તો ડોક્ટર અંકલ પાસેથી મળે ને? આપણી બાલ્કનીમાં ડોક્ટર ક્યારે આવ્યા? મેં તો ન જોયા!"
"મેં પણ." 
પાડોશીને ત્યાં દિકરાના જન્મ વખતે સમજાવેલી થિયરી બંનેનાં મગજમાં બરાબર ફીટ થઇ ગઇ હતી. એકસાથે બંનેનાં સવાલોનો વરસાદ સતત વરસી જ રહ્યો હતો. ઘડીક તો સંધ્યા પણ મુંઝાઇ કે કયા શબ્દોમાં સમજાવે. 

"હવે એ મમ્મીમંકી દેખાય એટલે એને જ પૂછી લેજો. અત્યારે પપ્પા પતંગ લેવા જાય છે. કોણ જશે સાથે?"

કમળા બાએ સંધ્યાને ઉગારી લીધી. પછી બંનેના માથે એકસાથે હળવી ટપલી મારી બંનેનો એક એક હાથ પકડ્યો એટલે બંને ઠેકડો મારીને નીચે ઉતરી ગઈ અને કલબલ કલબલ કરતી દીપેન પાસે દોડી ગઇ. કમળા બા પણ એમની પાછળ દીપેન પાસે ગયાં. 

"બેટા, આજ તને રજા છે તો આ બાલ્કનીમાં લોખંડની જાળી કરાવી દે ને. કબૂતરાંનાં તો કેટલાય ઈંડા ફૂટયાં ને હવે તો વાંદરી પણ… માણસની ડિલીવરીનું સૂતક તો પાળીએ, પણ આ બધાનું શું? કાંઈક રસ્તો કર તો સારું હવે."

"હું આજે જ તપાસ કરૂ છું મા. તમે ચિંતા ન કરો. અને હા, આ વાંદરાની ડિલીવરીનું સૂતક ન રાખતા પાછું."

દીપેન કમળા બાનાં મરજાદી સ્વભાવને બહુ સારી રીતે સમજતો હતો. તે ત્યાંથી નીકળ્યો કે રિદ્ધિ સિદ્ધિ પણ તેની સાથે ગાડીમાં ગોઠવાઈ ગઈ. સાથે પ્રશ્નોનો બોમ્બમારો તો ચાલું જ હતો. 

"હેં પપ્પા, આ સૂતક એટલે શું?"

ઘડીક તો દીપેન વિચારમાં પડી ગયો. કયા શબ્દોમાં સમજાવે તો આ બંનેને સમજ પડે? પછી ગાડીને સેલ મારતા તેણે સમજાવવાનું શરૂ કર્યું. 

"બેટા, આપણા ઘરમાં રોજ દીવા થાય, ભગવાનની પૂજા થાય, બરાબર." 

" બરાબર."
બેય એકસાથે બોલી પડી. 

"તો જ્યારે ઘરમાં કે નજીકના સગામાં કોઈને ત્યાં નાનુ બબુ આવે, તો સવા મહિનાનું સૂતક લાગે. એટલો ટાઈમ ઘરમાં દીવા ન થાય. ભગવાન એવું કહે કે મારી પાછળ જે સમય આપો છો એ સમય નાના બબુ અને એની મમ્મી પાછળ આપો."

"ઓહ,એવુ!" જાણે બધું સમજાઈ ગયું હોય એમ પીઢતા સાથે બંને બોલી. 

જરાક અટકીને આગળ કહેવું કે નહી એ વિચારી દીપેને નક્કી કર્યું કે વાત નીકળી જ છે તો પૂરી વાત સમજાવે. તેણે ફરી કહ્યું, 

"એ જ રીતે કોઈ ભગવાનના ઘરે જતું રહે ત્યારે પણ સૂતક લાગે. ભગવાનના દીવા ન થાય."

"હંમ્."

બંનેની નજર હવે બહાર દેખાતી રંગબેરંગી પતંગો પર સ્થિર થઈ ગઈ હતી. પ્રશ્નો શમી ગયા હતા અને કઇ પતંગ લેવી એની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. દીપેને પણ વાત ત્યાં જ પૂરી કરી અને ખરીદીમાં ધ્યાન પરોવ્યું. વળતા તે ફેબ્રીકેશનવાળા પાસે પણ જતો આવ્યો
અને ઉતરાણ પછી કામ કરાવવાનું નક્કી પણ કરી લીધું. 

***

"છેક ઉતરાણ પછી? એટલા દિવસમાં પાછું કોઈ બગાડી ગયું તો? તમે બંને તો નોકરીએ જતાં રહેશો. છેલ્લે બચી હું. મારાથી આવું કામ નહી થાય."

"અરે મા, આ બે દિવસ કોઈ નહી આવે. ઉતરાણ શુક્ર - શનિ છે ને રવિવારે એ કામ થઈ જશે. ઓફિસ તો સોમવારથી જવાનું છે. એટલે ત્યાં સુધીમાં કંઈ તકલીફ થાય તો સંધ્યા છે જ. હું પણ છું."

દીપેનની વાત સાંભળી કમળા બાને થોડીક હા'શ થઈ. તે ફરી રસોડામાં ગયા કે સંધ્યાને બારીમાંથી રોટલીનો ઘા કરતાં જોઈ. આ તેનો રોજનો ક્રમ હતો. ફરી કમળા બાનો કકળાટ શરૂ થઈ ગયો. 

"બસ, કરો બધાને હેવાયા. ઈ કૂતરો ને એ બિલાડા… બધા આવી આવીને ભાદરી જાય છે. વાંહે વેઠ મારે કરવી પડે છે." 

સંધ્યાએ ફરી સામે જવાબ ન આપ્યો. તેના માટે આ રોજનું થયું હતું. પહેલા ખોળે બે દીકરી અને પછી સાત સાત વર્ષ સુધી કાંઈ જ નહી. કમળા બાની દીકરો પામવાની અધૂરી ઇચ્છા તેમની જીભને વધુ ને વધુ કડવી બનાવતી હતી. પરંતુ સંધ્યા હવે ટેવાઈ ગઈ હતી. 

ઝડપથી રસોડું આટોપી બધા હોલમાં ટોળે વળી બેસી ગયા. હવે વારો હતો કિન્ના બાંધીને બધી પતંગો તૈયાર કરવાનો. સંધ્યા પતંગમાં કાણા પાડી તેમાં ગયા વર્ષની ફીરકીમાંથી દોરી લઈ ડબલ દોરીની ગાંઠ મારવા માંડી. દીપેન એ દોરીને બરાબર મધ્યમાં આવે એ રીતે - ઝીરો ઝીરો સેટ કરીને ગાંઠ મારવા માંડ્યો. રિદ્ધિ સિદ્ધિ પણ એક એક પતંગ લઈ કિન્ના બાંધવાની નાકામ કોશિશ કરતી રહી. બધા પતંગમાં કિન્ના બંધાઈ રહ્યા ત્યાં સુધીમાં બંને બહેનોએ બે બે પતંગો ફાડી નાંખી હતી. જોકે, દાંડી ફરતે કિન્ના ચોક્કસ બંધાઈ ગયા હતા, અને એટલે બંને ખૂબ ખુશ હતી. કમળા બા સોફે બેઠા બેઠા પોતાના પરિવારને કિલ્લોલ કરતાં જોઈ અંતરમાં ખુશ થતા રહ્યા. 

"ચાલો ચકલીઓ, જલ્દી સૂવા ભેગા થાવ. સવારે જે તૈયાર થઈને સૌથી પહેલાં ધાબે જશે એને એક પતંગ વધારે મળશે." 

કમળા બાની નવી સ્કીમ સાંભળી બંને દોડતી પોતાની પથારીમાં જઈ ગોદડા નીચે ઢબુરાઈ ગઈ. સવારે સંધ્યા રસોડામાં વહેલી પરોઢે જ પહોંચી ગઈ. આજે માસીએ પણ રજા લીધી હતી તો બધું કામ જાતે કરવાનું હતું. એમાંય ઉંધીયુ - પુરી, જલેબીની જયાફત હોય એટલે કામ તો પહોંચવાનું જ હતું. વળી, તેનેય પતંગનો શોખ ખરો, એટલે ઝડપથી પરવારે તો ઝડપથી ધાબે જવાય. 

રસોડામાં થતા હળવા ખખડાટે બંને બહેનો જાગી ગઈ અને સીધી દીપેન પાસે. એને ઉઠાડીને જ જંપી. રોજ તૈયાર થવા માટે ગામ ગાંડું કરતી બંને આજે જાતે જ ફટાફટ તૈયાર થઈ ગઈ. આજે તો ધાબું બોલાવતું હતું. સંધ્યાને રસોડામાં અટવાયેલી જોઈ દીપેને એક ખોંખારો ખાધો અને પૂજારૂમમાં બેઠેલા કમળા બાને બૂમ પાડી કહ્યું, "મા, હું ધાબે જાઉં છું. તમે પણ જલ્દી આવજો." 

પોતાની તરફ તકાયેલી દીપેનની નજરમાં નજર મેળવી સંધ્યાએ હળવું સ્મિત આપ્યું અને બંને હાથની બધી આંગળીઓ ભેગી કરી દસ વાગ્યાનો ટાઈમ જણાવ્યો. દીપેન પણ સામુંં સ્મિત આપી રિદ્ધિ અને સિદ્ધિ સાથે ધાબે પહોંચી ગયો. થોડીવારમાં પોતાના પૂજાપાઠ પતાવી કમળા બા પણ ધાબે ગયા. બરાબર પોણાદસ થયા ને આંગણામાં સ્હેજ ખખડાટ સંભળાયો. નક્કી ટીલીયો જ હશે, વિચારતી સંધ્યા પૂરી લઈ રસોડાની બારીએ પહોંચી. ટીલીયો એમની શેરીમાં રહેતો. સાવ નાનો હતો ત્યારથી સંધ્યા તેને રોટલી ખવડાવતી. પછી તો ટીલીયો યે એવો હેવાયો થયો હતો કે રોજ પોણાદસે હાજર થઈ જ ગયો હોય. તેને રોટલી આપીને પછી જ સંધ્યા ઓફિસે જતી. રોજ તો ટીલીયો આંગણામાંજ બેસીને ખાઈ લેતો, પણ હમણાંથી તે રોટલી મોંઢામાં લઈ કશે જતો રહેતો. સંધ્યાને નવાઇ તો લાગી, પરંતુ ઓફિસનો સમય થતો હોઈ તે જતી રહેતી. આજે સંધ્યાએ વિચાર્યું કે ટીલીયો રોટલી લઈ ક્યાં જતો રહે છે એ જુએ એટલે બારીમાંથી નાંખવાને બદલે તે પુરી લઈ બહાર આવી. પરંતુ જે જોયું તેનાથી એ સ્તબ્ધ થઈ ગઈ. 

નીચે અવાજ સંભળાતા કમળા બાએ પણ પાળીએથી ડોક તાણીને જોયું. સાથેજ એમનો બબડાટ શરૂ થઈ ગયો. "લો, આવી ગયો. આનેય ઘડિયાળ જોતા આવડતી હશે! રોજે ટાઇમ સાચવી જ લેવાનો. સપરમા દા'ડા હોય, હજુ ઘરના કોઈ જમ્યા ન હોય, પણ એને પહેલા ધરવી દેવાનો… "

કમળા બાનો બબડાટ સાંભળી બંને છોકરીઓ હાથમાં ચીકી લઈ પાળીએથી ટીંગાણી. ટીલીયો એમનો ફ્રેન્ડ હતો. પરંતુ આજે ટીલીયાનું વર્તન કોઈને સમજાયું નહી. સંધ્યા પાસેથી પુરી લેવાના બદલે તે ક્યારીમાંથી માટી ખોદી રહ્યો હતો. થોડોક ખાડો કરી તે બહાર દોડી ગયો અને થોડીવારે પાછો આવ્યો ત્યારે તેનાં મોંમાં બીલાડીનું મૃત બચ્ચું હતું. તેના ગળામાં વિચિત્ર રીતે દોરી ફસાઈ ગઈ હતી, જેમાંથી છુટવાના હવાતિયાં મારતાં એજ દોરી વધુને વધુ ભીંસાઇ હશે, ને અંતે… 

ટીલીયાએ એ ખાડામાં એ બચ્ચાને મૂકી ઉપર પાછી માટી નાંખી ખાડો પૂરી દીધો. થોડીવાર ત્યાં જ મૌન ઉભો રહી એ ખાડાની જગ્યાને તાકતો રહ્યો. પછી સંધ્યા તરફ નજર કરી ફરી ખાડા તરફ જોયું અને પુરી લીધા વિના જ જતો રહ્યો. ટીલીયાનો ઉદાસ ચહેરો જોઈ સંધ્યાની આંખમાં પણ પાણી આવી ગયા. 

આ આખું અકલ્પનીય દ્રશ્ય ધાબેથી કમળા બા અને દીપેનની સાથે પાળીએથી ટીંગાઈને રિદ્ધિ અને સિદ્ધિએ પણ જોયું. બધા જ અવાક્ હતા. ઘેરી સ્તબ્ધતા વચ્ચે રિદ્ધિનો સ્વર સંભળાયો, "હેં બા, આ બિલાડીનું સૂતક લાગે?" ટીલીયાનું વર્તન જોઈ કમળા બા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા હતાં. રિદ્ધિનો સવાલ સાંભળી તે જાણે તંદ્રામાંથી જાગ્યા હોય એમ બોલ્યા, "હા બેટા, સૂતક રાખશું, પણ થોડું અલગ રીતે. આપણે રોજ એક દીવો આ બચ્ચાંનાં નામનો પણ કરીશું. અને દીપેન, જાળી કેન્સલ કરી દે. એના બદલે બહાર દરવાજા પાસે બે ચાટ કરાવી દે. એક ખોરાક માટે અને એક પાણી માટે." 

ઉતરાણનો ઉર્ધ્વગતિ કરતો સૂર્ય કમળા બાનાં વિચારોમાં થયેલ ઉર્ધ્વગમન જોઈ મલકાઈ રહ્યો હતો. 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ