વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બાય બાય ૨૦૨૨

સમયની ધારા નિરંતર એક જ પ્રવાહમાં વહેતી રહે છે. તે છતાં માનસિક અવસ્થા પ્રમાણે તે કોઈકના માટે ઝડપી અને કોઈકના માટે તે ધીમો વહે છે. દરેક વસ્તુને માપવી એ મનુષ્યનો સ્વભાવ છે અને સમયને પણ માપવાનું શરૂ કર્યું. સમય ઘડિયાળ અને કેલેન્ડરમાં ફેરવાઈ ગયો. સમયમાપનમાં ગ્રેગ્રેરિયન કેલેન્ડર એ હવે  શિરમોર અને સર્વવ્યાપી છે અને તેના અનુસાર આજે ઈસુનું ૨૦૨૨ વર્ષ વિદાય લઈ રહ્યું છે. 

આજે ૨૦૨૩ ની પૂર્વસંધ્યાએ જ્યારે વિતેલા વર્ષ વિષે વિચારી રહ્યો છું કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું? મુંબઈ કે મુંબઈની નજીક રહેનાર વ્યક્તિઓ માટે સમય બહુ ઝડપથી વહે છે અથવા કહો તો કોઈના પણ હાથમાં ઝાલ્યો રહેતો નથી. ત્યાંની કોઈ વ્યક્તિને સમય માટે પૂછો તો એક જ જવાબ મળશે, બીજું કંઈ માગો તો મળશે, પણ સમય નહીં મળે (એની પકડમાં આવે તો આપે ને!)

 મારી પણ અકળામણ એ જ છે. ૨૦૨૨ નું વર્ષ તો જાણે પાંખો લગાવીને ઝડપથી ઊડી ગયું અને હું જોતો રહી ગયો. આખું વર્ષ ફાર્મા કંપનીના (અમારા માનનીય ગ્રાહક અથવા અન્નદાતા કહી શકો) ઈન્જિનિયરિંગ  ડિપાર્ટમેન્ટ, ક્વોલિટી ડિપાર્ટમેન્ટ, અમારી કંપનીના માલિકો, મારા હાથ નીચેના ઈન્જિનિયરો વચ્ચે બરાબર પિસાતો રહ્યો. (નિચોવાઈ ગયો બરાબરનો!) તે છતાં ક્યાંક ઊંડે કંઈક કર્યાનો સંતોષ મળ્યો ખરો!

લેખને ચાર વર્ષ પૂર્ણ કરીને પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો. લેખન સુદ્રઢ બન્યું, પણ હજી આહ્લાદક બનવાને વાર છે એ સત્ય હંમેશની જેમ સ્વીકાર્યું છે. પોતાને લેખક કહી શકું એની સાબિતી રૂપ પુસ્તકો શોપિઝન દ્વારા પ્રગટ થયાં અને તે માટે ઉમંગભાઈ ચાવડાનો હંમેશાં આભારી રહીશ. શોપિઝનની નવલકથા સ્પર્ધામાં મારી નવલકથા 'એજન્ટ કોલંબસ' દ્વિતીય ક્રમે વિજેતા રહી. લેખનનો પ્રવાહ ધીમો પડ્યો, પણ પરિપકવ થયો. 

       શોપિઝનની 'ધ ટ્રેન સ્ટોરી સ્પર્ધા' માં મેં લખેલ લઘુનવલકથા 'ટ્રેન ઓફ હોપ' હંમેશની જેમ દ્વિતીય ક્રમે રહી અને 'ધ ટ્રેન સ્ટોરી' પુસ્તકમાં સ્થાન પામી. શોપિઝનની જ 'હું... વાર્તાકાર' સ્પર્ધામાં મારી હોરર વાર્તા 'અઘોર સમાધિ' એ ઉત્તેજનાર્થ બક્ષીસ મેળવ્યું.

       વર્ષ યાદગાર એ માટે પણ રહેશે કે મારી વાર્તા 'સમાધિ' એ મમતા મેગેઝીનમાં સ્થાન મેળવ્યું. 'ગુજરાત ગાર્ડિયન' ની બુધવાર અને શુક્રવારની પુર્તિઓમાં મારી લખેલ વાર્તાઓ અને ફિલ્મોના રિવ્યૂ છપાવા લાગ્યા. તે ઉપરાંત 'કલમના કસબી' વોટ્સએપ ગ્રુપની અઠવાડિક સ્પર્ધાઓમાં ભાગ લઈને ટુંકી વાર્તાઓ લખતો રહ્યો અને મારાં ગુરૂ એવા જયશ્રીબેન પટેલનાં માર્ગદર્શનમાં પોતાનું વ્યાકરણ સુધારતો રહ્યો. 

       આ વર્ષના મધ્યભાગ પછીનો સમય મારા માટે સારો અને સંતોષજનક રહ્યો કારણ શનિ મહારાજે મારી રાશિમાંથી નીકળીને કુંભ રાશિ તરફ પ્રયાણ કર્યું (જ્યોતિષમાં રસ હશે તે સારી રીતે જાણી શકશે.) જો કે આગલાં અઢી વર્ષ મારે સાચવવું જોઈએ અને બને એટલા વિનમ્ર બનવું જોઈએ એવું મને લાગે છે.(સાલું, સાડાસાતી હોય ત્યારે જ વિનમ્ર બનવાનું હોય! આખી જિંદગી રહો ને શનિ મહારાજ ક્યાં ના પાડે છે?)

      મારી વધતી ઉંમરે મારા જીવનમાં આવેલ મારી મીઠી વીરડી એટલે કે મારો દ્વિતીય પુત્ર રેવંત શાળાએ જવા લાગ્યો. ગુજરાતી મિડિયમમાં (અથવા મરાઠી મિડિયમમાં) એડમિશન લેવું કે અંગ્રેજી મિડિયમમાં એડમિશન લેવું એ સ્પર્ધામાં પત્ની સામે હાર્યો અને અંગ્રેજી સ્કુલમાં દાખલ કર્યો. ઘરે ગયા પછી એની સાથે અને 'મહારાષ્ટ્રાચી હાસ્યજત્રા' કાર્યક્રમ સાથે જ સમય વિતાવવો ગમે છે. તેને રાત્રે બગીચામાં રમતો જોઈને હું ફરી બાળક બની જાઉં છું. 

     રેવંત સાથે હોય એટલે જગતમાં શું થઈ રહ્યું છે તેની જરા પણ પરવા નથી કરતો. ભલે ને રશિયા અને યુક્રેન બાખડતા રહે અને ચીનમાં કોરોના માથું ઊંચકતો રહે. સમાચાર ચેનલ ઉપર મુખ્ય સમાચાર જોઈને બદલી દેવી એ ખાસ વાત આ વર્ષે અમલમાં મૂકી. ચર્ચાઓનો આનંદ ચર્ચાનંદોને લેવા દેવો અને કોઈની સાથે વાદવિવાદમાં ઊતરવું નહીં એનું ખાસ ધ્યાન રાખ્યું. હમ તો ગાર્ડન મેં બેઠ કે રેવંત કો દેખેંગે. 

    બાકી નેટફ્લિકસ અને ડિઝનીના નેજાતળે જોયેલ વેબસિરીઝો અને ફિલ્મોની યાદિ બહુ લાંબી છે. લુસિફર તેમાં ઉલ્લેખનીય છે.(છ સિઝન એક પછી એક જોઈ નાખી બોલો!) કેટલીક સારી ફિલ્મો પૂર્ણ જોઈ અને બકવાસ હતી તે અડધેથી છોડી દીધી. 

     અડધેથી છોડવામાં પુસ્તકોનાં પણ નામ છે. અમિષની રાવણ અને કેવિન મિસાલની કલ્કી. આ નવલકથાઓ સાથે કનેક્ટ ન થતાં કબાટભેગી કરી. ઉમંગભાઈ ચાવડાએ ભેટ કરેલ પુસ્તક મોહનલાલ અગ્રવાલ લિખિત ' અઘોર નગારાં વાગે' બહુ રસપ્રદ રહ્યું. પુસ્તકમાં સાધુઓના અને અઘોરીઓના જીવન અને ક્રિયાકર્મ ઉપર સરસ પ્રકાશ પાડવામાં આવ્યો છે.

      વર્ષાન્તે સંપૂર્ણ પરિવારે કરેલ પિતૃતર્પણ અને માતૃતર્પણે મન ઉપરનો બધો જ ભાર ઉતારી દીધો. પિતૃતર્પણ અને માતૃતર્પણ એ હિંદુ કર્મકાંડનું મહત્વનું અંગ છે. 

      સમયની ગતિ અવિરત છે. તે હંમેશાં વહેતો રહેશે. અત્યારે તેની સાથે કદમતાલ મિલાવી રહ્યો છું આવતું વર્ષ આ ધરા ઉપરના દરેક સજીવ અને નિર્જીવ માટે સારું નીવડે એવી અજન્મા ભગવાન શિવને પ્રાર્થના કરીને વિરમું છું. 

શુભં ભવતુ


જ્યોતિન્દ્ર મહેતા, પાલઘર 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ