વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ બોલતી જ નથી

એ કયારેય કશું બોલતી નથી.એ જન્મી ત્યારે પણ ઘણાને નહોતું ગમ્યું.તે છતાં એણે એમના તરફ કયારેય અણગમો વ્યકત ન હોતો કર્યો.

એ મોટી થઈ.એને ઘરમાં એના ભાઈ જેટલી છૂટ ન હોતી.ભાઈ અંધારુ થાય તો પણ રમતો રહેતો.એને અંધારું થાય એના પહેલાં ઘરે આવી જવાનું.એ આવી જતી.કયારેય કશું બોલતી નહી.

ભાઈને ખાનગી શાળામાં બેસાડેલો.એને બસ લેવા આવે અને મૂકવા આવે.એ સરસ મજાનો ગણવેશ પહેરીને શાળાએ જતો.એને સરકારી શાળામાં બેસાડેલી.એને તો ગણવેશ ન હોય તો પણ ચાલે.ભાઈ બૂટ પહેરીને શાળાએ જતો.એ સ્લીપર પહેરીને.તેમ છતાં એણે કયારેય કશું કહ્યું નથી.એ કયારેય બોલતી નહી.

ઘરના કામમાં એને જ મમ્મીને મદદ કરવાની.ભાઈ જમી રહે પછી એણે થાળી લેવાની.ભાઈ પાણી ઢોળે ત્યાં પોતું એને કરવાનું.કોઈ મહેમાન આવે તો ભાઈ અને એ બેઠા હોય તો પપ્પા એની પાસે જ પાણી મંગાવે.એ તરત જ પાણી લાવીને આપતી.પપ્પા મહેમાનો પાસે ભાઈના ભણતરના વખાણ કરતાં.એ પણ પહેલો નંબર જ લાવતી.કોઈ એની વાત ન કરતું.એની મમ્મી એને ઘરના કામકાજમાં હોંશિયાર કરવા માંગતી હતી.એને ભણવું હતું પણ એ કશું બોલતી નહી.

ભાઈ છેલ્લામાં છેલ્લી ફેશનના વાળ કપાવી શકતો.એને નેઈલપૉલિસ પણ મમ્મીને પૂછીને કરવી પડતી.દીકરી તો મર્યાદામાં જ શોભે એવું એ વારંવાર સાંભળતી.એને વિચાર આવતો દીકરો મર્યાદા વગરનો હોય તો પણ શોભે?પણ એ કશું બોલતી નહી.

ઘરમાં એક જ વસ્તુ હોય તો એ ભાઈને મળતી.બે હોય તો એનો નંબર લાગતો.

ભાઈને સુવું હોય તો એણે વાંચવાનું નહી,કારણ કે ભાઈને ચાલું લાઈટમાં ઉંધ ન આવતી.ભાઈને વાંચવું હોય તો એને ચાલું લાઈટમાં માથે ઓઢીને સુઈ જવું પડતું.એને સુવા માટે લાઈટ બંધ ન થતી,તેમ છતાં એ કશું ન બોલતી.એની મમ્મીએ સમજાવેલું કે સ્ત્રી અને ધરતી એકસરખા કહેવાય.સહનશીલતાની મૂર્તિ.

એ બજારમાંથી આવતી જતી હોય તો કોઈના લાડકવાયા દીકરાઓ એને જોઈને સીટી મારતાં,કોઈ ગંદી કૉમેન્ટ કરતો,તો કોઈ ફિલ્મનું રૉમેન્ટિક ગીત ગાવા લાગતો,પણ એને તો ચૂપચાપ એની હરકતો સહન કરી ત્યાંથી ચાલ્યાં જવું પડતું.એ કશું બોલતી નહી.

એ બેઠી બેઠી પગ હલાવે તો મમ્મી કહેતી પગ ન હલાવ બાપનું દેવું વધે.ભાઈ પગ હલાવે તો કંઈ નહી.બુધવારે ભાઈની બહેન માથું ન ધોઈ શકે,પણ  બહેનના ભાઈને આવું કોઈ બંધન નહી.એ વિચારતી કે સ્ત્રીઓ માટે જ કેમ નિયમો?એના પાસે પણ કોઈ જવાબ ન હતો એટલે એ કશું બોલતી નહી.

એ પરણીને સાસરે જતી હતી ત્યારે એના મમ્મીએ કહેલું'તારા પતિને ગમે એ કરજે,તારા પતિને પરમેશ્વર માનજે,અમારા કૂળની આબરુ રાખજે'વગેરે વગેરે

એને ત્યારે પણ થયેલું કે ભાઈના લગ્ન થયાં ત્યારે તો મમ્મીએ એવું ન હોતું કહ્યું,છતાં એ તો ચૂપ જ રહેતી કશું કહેતી નહી.

એ નાની હતી ત્યારે પણ એને ઘણા વ્રત કરવા પડેલાં.સોળ સોમવાર,ફૂલ કાજળી,ગૌરી વ્રત,જયા પાર્વતી વગેરે.લગ્ન પછી પણ  વ્રતે એનો પીછો છોડેલો નહી.વટસાવિત્રી,કડવા ચોથ,જયા પાર્વતી,સામા પાંચમ વગેરે.એને વિચાર આવતો સારો પતિ મળે એ માટે,પતિના આયુષ્ય માટે,બાળકોના લાંબા આયુષ્ય માટે  માત્ર સ્ત્રીએ જ શું કામ વ્રત કરવાનું? પુરુષની પત્ની ટુંકું જીવે તો ચાલે?બાળકો બાબતે પુરુષની કોઈ જવાબદારી નહી? એણે આવા તો ઘણા વિચાર આવતાં પણ એ ચૂપ રહેતી.

ઘણી વખત એણે શિવનું અર્ધનારેશ્વર સ્વરુપ  વ્યર્થ લાગતું.કયારેક એને થતું કે લક્ષ્મી,સરસ્વતી,દુર્ગાની પૂજા કરતાં સમાજમાં દુર્ગા,સરસ્વતી,લક્ષ્મીના અવાજનું કેમ અસ્તિત્વ નથી?સીતા અને દ્રૌપદી જેવી સ્ત્રીને સતી માનતો સમાજ છેવટે કેમ સીતા અને દ્રૌપદી સાથે બનેલી ઘટના કોઈ સ્ત્રી સાથે બને તો એ સ્ત્રીનો સ્વીકાર નથી કરતો?સ્ત્રીને કેમ સપના જોવાનો હક નથી.એને કેમ બીજાના સપનાઓને સાકાર કરવા પોતાના સપનાઓનું બલિદાન આપવાનું છે?આવા પ્રશ્નો તો સતત એને થતાં રહેતાં,તોય કોણ જાણે એ કશું બોલતી નહી.

એની દીકરીને પણ એને આ જ શીખવાડ્યુ,એની મમ્મીએ જે શિખવાડ્યું હતું તે.સહન કરવાનું,ચૂપ રહેવાનું,કશું બોલવાનું નહી.એની દીકરી પણ એ જ શીખી ગઈ છે,સહન કરવાનું,ચૂપ રહેવાનું,કશું બોલવાનું નહી.હવે એની દીકરી પણ બોલતી જ નથી

                                       શરદ ત્રિવેદી


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ