વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભેટ

------------------------------------------। ભેટ ।------------------------------------------------

                                                ---અર્જુંસિંહ.કે.રાઉલજી

        દિવાળી આવી રહી હતી એટલે ઘરમાં બધાં માટે એક પછી એક નવી નવાઇની ભેટો આવી રહી હતી ,બધાં હોંશે હોંશે પોતાના માટે આવેલી ભેટો જોતાં હતાં , અને ખુશ થતાં હતાં... વિભા તો આ વરસે જ પરણીને નવી નવી આવી હતી –તે પણ પોતાના માટે પોતાનાં સાસુ સસરા , દિયર જેઠ અને દુષ્યંત –તેનો પતિ તેના માટે શી ભેટ લાવે છે તે જોવા ઉત્સુક હતી .દિવાળીના દિવસો નજીક આવતા જતા હતા , તેમ તેમ ઘરમાં આવતી ભેટો વધતી જતી હતી- પણ અફસોસ તેના માટે ઘરનું કોઇ સભ્ય કોઇ ભેટ લાવતું નહોતું , લાવવાનું છે કે નહીં –તેની પણ કોઇ ચર્ચા થતી નહોતી ..! ભલે જે હોય તે , કોઇ ભેટ લાવે કે ના લાવે તેની તેને કંઇ જ પડી નહોતી ..! એ બધાં કરતાં તો વધારે તેને તેની મમ્મી રમાની  ચિંતા હતી ..!

        તેનું લગ્ન થયું , તેના ત્રીજા જ મહિને તેના પપ્પા એક એક્સીડંટમા મ્રુત્યુ પામ્યા –અને તેની મમ્મી એકલી પડી ગઈ . દિવાળી જેવા સપરમા દિવસે તે શું કરશે ? તેની હાલત તો દયનીય જ થઈ જશે –તેની મમ્મીને તેના પપ્પા યાદ આવશે . તે યાદ કરી કરીને રડ્યા જ કરશે ..! તેના પપ્પા જીવતા હતા ત્યારે તો તેને અને તેની મમ્મીને કેટકેટલા લાડ લડાવતા હતા ..?! ગઈ દિવાળી ઉપર તો એક હવાઈ છોડ્યા પછી તે કેટલા બધા ખુશ થઈ ગયા હતા ? શેરી વચ્ચે જ કોઇપણ પ્રકારની શરમ રાખ્યા વિના તેની મમ્મીને ઉંચકીને ગોળ ગોળ ફેરવી હતી ..! તેની મમ્મી બૂમો પાડતી જ રહી –છોડો..છોડો... કોઇ જોઇ જશે તો ? આ શેરી છે ? તમને તો કંઇ લાજ શરમ છે કે નહીં..? ! તો તેના પપ્પા હસતા હસતા બોલ્યા હતા, “ તને પરણીને લાવ્યો છું ?! ભગાડીને નથી લાવ્યો –પછી શરમ શાની ..?!

        તેની મા આ વખતે એકલી જ પડી જશે .કશું નવું બનાવશે નહીં , ને ખાશે પણ નહીં... એકલી એકલી હીંચકે બેઠી બેઠી આવતાં જતાં માણસોને જોશે ને તેના પપ્પાને અને તેને યાદ કરી કરીને બસ આંસુ જ સાર્યા કરશે ..?!

        બીજા પણ બે ત્રણ દિવસ વીતી ગયા , વિભાએ બીતાં બીતાં દુષ્યંતને કહ્યું ,” જરા તમારાં મમ્મી  પપ્પાને કહીને આ દિવાળી ઉપર મને મારી મમ્મી પાસે મૂકી જાઓને ..પ્લીઝ .. તમે જાણો છો કે મારી મમ્મી આજે એકલી પડી ગઈ છે , મારી અને મારી મમ્મીની પપ્પા વિનાની આ પહેલી દિવાળી છે –અમે બંને સાથે હોઇશું તો પપ્પાને યાદ કરી કરીને એકબીજાની હૂંફમાં તહેવાર ઉજવી નાખીશું... નહીંતર મારી મમ્મી કશું બનાવે તો નહીંજ ..પણ ઉપરથી એટલી સ્વમાની છે કે પોતાનું દર્દ અને આંસું પણ છૂપાવશે , કોઇના દેખતાં રડશે પણ નહીં અને એકલી એકલી શોરાયા કરશે .. મારા ખાતર , મારી મમ્મીનું દુ:ખ ઓછું કરવા મને જવા દો ..” લગભગ કરગરતા અવાજે જ તેણે પોતાના પતિને વિનંતી કરી હતી . દુષ્યંતે તેને હૈયાધારણ આપી હતી કે –સારું હું મમ્મીને વાત કરી જોઇશ ..પણ કોઇ ગેરંટી નહીં..”

        બીજા દિવસે દુષ્યંતે ઘરમાં આ વાત કરી કે , “ વિભાના પપ્પા એક્સીડંટમાં માર્યા ગયા છે અને દિવાળી જેવા સપરમા દિવસે ઘરમાં તેની મમ્મી એકલી જ છે , તો આ વખતે દિવાળી ઉપર વિભાને તેની મમ્મી પાસે જવા દો ..” એ સાથે જ જાણે કે ઘરમાં તોફાન આવી ગયું.. વિભાની નણંદ નિશા જે હજુ કુંવારી છે તરત જ બોલી ઉઠી ,” ના..ભાઇ ..ના.. આપણા સમાજમાં લગ્ન પછી વહુઓએ સાસરીમાંજ દિવાળી કરવાનો રિવાજ છે ..તેમાંય જો પહેલી દિવાળી હોય અને વહુ પિયર જાય તો વાતો થાય કે સાસરીમાં વહુને દિવાળી કરાવવાની ત્રેવડ નહીં હોય એટલે જ પિયર મોકલી દીધી ..! “ દુષ્યંત તો તાકી જ રહ્યો નાની બેન તરફ..!

        અધૂરામાં પૂરું તેની મમ્મી બોલી ,” બેટા , તારી ઇચ્છા હતી એટલે અમે આ લગન કરાવી આપ્યું..બાકી ગામ આખું જાણે છે કે તારી પત્ની વિભાએ એ ઘરમાં જન્મ જ નથી લીધો –વેવાણ એ કંઇ વિભાની જન્મ આપનારી મા નથી કે વિભાને એમનું આટલું બધું લાગે ..વિભાને તો દત્તક લીધી’તી –વેવાઇ અને વેવાણે ..” આ સાંભળીને જ વિભા પોતાના રૂમમાં દોડી ગઈ અને ઓશિકામાં મોં છુપાવી ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી .

        તેની સાસુની વાત તો સાચી જ હતી –પણ તેનાં મમ્મી પપ્પાએ ક્યારેય તેને એવું લાગવા નથી દીધું કે વિભાને દત્તક લીધેલી છે – ઉપરથી તેને પોતાની સગી દિકરી કરતાં પણ વધારે વહાલ કર્યું છે અને પ્રેમ આપ્યો છે , તેને લાડ લડાવ્યા છે , તેની બધીજ ડિમાંડો પૂરી કરી છે .અરે ! ક્યારેય મોંઢામાંથી હરફ સુધ્ધાં નથી કાઢ્યો કે તું અમારી દિકરી નથી ...! હા.. તેની મમ્મી રમા અને પપ્પા પ્રવિણભાઇના લગ્ન પછી બાર બાર વરસનાં વહાણાં વાઇ ગયાં હતાં , તો પણ તેમના ઘેર પારણું બંધાયું નહોતું.. અને તેમને સંતાન થાય એવી કોઇ આશા પણ નહોતી –એટલે તેને દત્તક લઇ તેમણે પોતાની સંતાનેચ્છા પૂરી કરી હતી –એ વાત સાચી હતી . વાસ્તવમાં તે અનાથ જ હતી , તેની જનેતા મા તો તેના જન્મ વખતે જ આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી , તેના પપ્પા મિલટરીમાં સરહદ ઉપર હતા અને તે રમાબાને ત્યાંજ રહેતી હતી – રમાબાને કોઇ સંતાન નહોતું એટલે માનો બધો જ પ્રેમ તેને મળતો હતો તેવામાં પાકિસ્તાન સાથેના યુધ્ધમાં તેના પપ્પા શહિદ થયા એટલે પ્રવિણભાઇએ કાયદેસર કાર્યવાહી કરી તેને દત્તક લીધી હતી –બાકી આમ તો તે રમાબાના કુટુંબી ભાઇની જ દિકરી હતી ..! પણ ... અત્યાર સુધી તેને ક્યારેય એવું લાગ્યું નથી કે રમાબા  તેની જનેતા નથી ..! સગી જનેતા કરતાં પણ વધારે લાડ લડાવ્યા હતા રમાબાએ અને પ્રવિણભાઇએ ..!

        તેને હજુ યાદ છે .તે બારમું પાસ કરી કોલેજમાં આવી હતી , તેની બધી જ બહેનપણીઓ કોઇને કોઇ વ્હીકલ લઈ કોલેજ આવતી હતી .. તેના પપ્પા તો મિલમાં નોકરી કરતા હતા –તેમની સ્થિતિ તાત્કાલિક ટુ વ્હીલર ખરીદવાની નહોતી –તેના પપ્પાએ તેને સમજાવી , પણ તે વખતે તો ચડતું લોહી હતું ... તે ક્શુંજ સમજવા તૈયાર નહોતી ..ચાર દિવસ તોબરો ચઢાવીને ફરી હતી –ત્યારે પાંચમા દિવસે તેના પપ્પા તેના માટે સ્કુટી લઈ આવ્યા હતા –તે ખુશ થઈ ગઈ હતી , પણ પાછળથી તેને ખબર પડી હતી કે તેનું નવું સ્કુટી લાવવા માટે રમાબાએ પોતાની સોનાની બંગડીઓ વેચી દીધી હતી ..! આવી માની તે દત્તક દિકરી છે –એવું કેવી રીતે તેના ગળે ઉતરે ?

        એ તો ઠીક પણ .. એક વખત તે કોલેજના છેલ્લા વરસમાં હતી અને સખત બિમાર પડી હતી ...તાવ ઉતરવાનું નામ જ નહોતો લેતો –ડોક્ટરે જો તાવ ના ઉતરે તો માથે મીઠાનાં પાણીનાં પોતાં મૂકવા કહ્યું હતું , તેમ જ પગનાં તળિયે દિવેલ ઘસવા કહ્યું હતું- એ સમયે પણ તેના પપ્પા અને મમ્મી આખી રાત જાગતાં બેસી રહ્યાં હતાં , તેના માથે પોતાં મૂકતાં રહ્યાં હતાં અને તળિયે દિવેલ ઘસતાં રહ્યાં હતાં..! તે કેવી રીતે સ્વીકારે કે એ લોકો એનાં સાચાં માબાપ નહોતાં..! તેણે તો એવું અનુભવ્યું હતું કે ઘા તેને પડે અને દર્દ તેની રમા મમ્મીને થાય ..?!

        --અને હવે આ લોકો કહેતાં હતાં કે તે અનાથ હતી –રમા મમ્મી તેની જન્મદાતા મમ્મી નથી –પછી તેણે દિવાળીમાં તેની ફિકર કરવાની જરૂર નથી ..! તેનું કલેજું ફાટી જાય છે –તે લોહીનાં આંસું સારે છે –પોતાની મા રમાને યાદ કરી કરીને ..! કેમે કરી તે માને ભૂલી શકતી જ નથી ..દિવાળીનો કોઇ ઉત્સાહ તેને જણાતો નથી –ભલે ઘરનાં તેના માટે કોઇ ભેટ ના લાવે , તેની તેને કંઇ જ પડી નથી –બસ , માત્ર તેની મમ્મી પાસે જવા દે તો પણ ઘણું..દિવાળીમાં તેની માની આંખમાં આવતાં આંસું તે લૂછી શકે તો પણ ઘણું..! પણ કોઇ તેની વાત સાંભળવા કે સમજવા જ તૈયાર નથી –બધાંજ પોતાની મસ્તીમાં મસ્ત છે , કોઇને વિભાની કંઇ જ પડી નથી . બીજાં બધાં તો ઠીક પણ તેનો પતિ દુષ્યંત પણ આ વાતથી જાણે કે અનભિજ્ઞ છે ..! શું કરવું અને પોતાનું દુ:ખ કોને કહેવું –એજ વિભાને સમજાતું નથી ..?! બધાંજ ચૂપ છે –કોઇ વિભાની આ વાત માનવા તૈયાર નથી ..!જાણે કે વિભા સાચે જ અનાથ બની ગઈ છે –આ દુનિયામાં તેનું કોઇજ નથી , તેનાં આંસું લુછનાર કોઇ નથી –માતાની યાદમાં દુ:ખી થતી વિભાને સાંત્વના આપનાર પણ કોઇ નથી ., બાકી તો એમ કહેવાય છે કે લગ્ન પછી સાસુ એજ મા કહેવાય , અને તેણે માની ફરજ પૂરી કરવાની હોય ..! જ્યારે અહીં તો સાસુની વાત તો બાજુ ઉપર રહી પણ પરણ્યો પણ તેનો નથી –પોતાના દિલની વાત તે કોને કરે ?

        હરતાં-ફરતાં , ઉઠતાં-બેસતાં તેની નજર સામે તેની રમા મમ્મીનો ઓશિયાળો રોતલ ચહેરો જ ઘુમ્યા કરે છે ..! રડતી રમા મમ્મીને કોણ સાંત્વના આપશે ? કોણ એનાં આંસું લૂછશે ? તે બહાર હીંચકે બેઠી બેઠી  કદાચ પક્ષીઓ સાથે , શેરીમાં ભટકતાં કૂતરાં-બિલાડાં સાથે મનોમન વાતો કરતી રહેશે ..?! આમેય તેની મમ્મી રમા ખૂબ જ લાગણીશીલ છે –ક્યારેય એકલી રહી નથી , પપ્પા તો કાયમ સાથે ને સાથે જ હોય ..?! તેનું પોચું હૈયું આ એકલતા કેમ કરીને સહન કરી શકશે ? ક્યાંક તેને એટેક ના આવી જાય ..?!

        દિવાળીની આગલી રાતે તે દુષ્યંત પાસે પોતાની આ શંકા રજૂ કરવા માંગતી હતી , પણ દુષ્યંત ક્યાં ? તે ઘરમાં નહોતો ...તે ક્યાં ગયો તેની તેને કોઇ ખબર નહોતી –અને સાસુ , સસરા કે નણંદ પાસે આ આશંકા વ્યકત કરવાનો કોઇ જ અર્થ નહોતો .. તે માત્ર મન મનાવીને બેસી રહી –મનમાંને મનમાં ગુંગળામણ અનુભવતી રહી . ..પણ જે બની રહ્યું હતું-તે તેના હાથમાં ક્યાં હતું ?

        તે આખી રાત પલંગમાં પડખાં ઘસતી રહી , માની ચિંતા કરતી રહી , પણ તેને સાંત્વનાના બે બોલ કહેનાર તેનો પતિ દુષ્યંત પણ હાજર નહોતો ..! સાસુ , સસરા કે નણંદને તો જાણે તેની કંઇ પડી જ નહોતી ..મોડે સુધી તેને ઉંઘ પણ ના આવી .. મોડાં મોડાં તેની આંખો મીંચાઇ કે સવાર પડી ગઈ અને ડોરબેલ વાગી .. તેને ઉઠવાનું મન પણ નહોતું થતું , આખું શરીર ઉજાગરાના કારણે કળતું હતું કે ફરીથી ડોરબેલ વાગ્યો ..સવાર સવારમાં કોણ આવ્યું હશે ? –તે વિચારતી હતી કે સાસુનો અવાજ આવ્યો ,” વિભા , જો તો બારણું ખોલ ..કોણ આવ્યું છે ? “ તે માંડ માંડ નાછૂટકે ઉભી થઈ અને બારણું ખોલ્યું એ સાથે જ ... સામે રમા મમ્મીને ઉભેલી જોતાંજ તેની આંખો પહોળી થઈ ગઈ ,” મમ્મી , તું..? “ કહેતી તે માને બાઝી પડી , તો પાછળ ઉભેલો દુષ્યંત બોલ્યો ,” હા , વિભા.. મમ્મી-આ છે તારી ભેટ ...” તે દુષ્યંતને પણ કોઇપણ પ્રકારની શરમ રાખ્યા વિના બાઝી પડી અને તેની આંખોમાંથી શ્રાવણ –ભાદરવો વહેવા માંડ્યો .

                                                --42 , ક્રુષ્ણશાંતિ સોસાયટી-2 , મુજમહુડા , અકોટા રોડ ,

                                                વડોદરા-390020. (મો) 9974064991

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ