વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સરનામા વગરની ટપાલ...

 

ગાડી સમયસર હતી. રિઝર્વેશન હતું, આથી ટીકીટ લેવાની ઝંઝટ ન હતી. મારો ડબ્બો અને બેઠક શોધી, બેસી ગયો.

 

રિઝર્વેશનનો કોચ હતો, આથી ભીડભાડ કે કશા  કોલાહલ  જેવું ન હતું. એકદંરે શાંતિ હતી. મુસાફરો એમનામાં વ્યસ્ત હતા. કોઇ સાથેનાની સાથે વાતોમાં હતા, કોઇ વાંચતા હતા. કેટલાક યુવાનો એમના મોબાઇલમાં ખૂંપ્યા હતા. ટ્રેઇન એની ગતિએ દોડતી હતી. ‘તમે માનો કે, ના માનો પણ મુસાફરી માટે  આ કર્ણાવતી ટ્રેઇન સારામાં સારી.’ બાજુમાં બેઠેલા મુસાફરે કહ્યું ‘હા હોં! ચોખ્ખાઇ અને સમયની દ્ષ્ટિએ આ ટ્રેઇનની જોટે બીજી એકેય ના  આવે.’ હું  એમની  સાથે સંમત થયો, આથી રાજી થઇ, એમણે ઝોળામાંથી પાણીની બોટલ કાઢી, મારા તરફ લંબાવી. મેં પાણીની ના પાડી. આથી એમને ખોટું લાગ્યું હોય, એવું એમના મોં ભાવ પરથી લાગ્યું. મેં ચોખવટ કરતાં કહ્યું ‘જુઓ મારે નજીકમાં ઊતરવાનું છે,તમારે આગળ જવાનું છે,તમારે પાણીની જરૂર પડશે. વળી હું પાણી પીને નીકળ્યો..’ હું આગળ કંઇ કહું એ પહેલાં અમારા ડબ્બાના બીજા ભાગમાંથી મોટેથી  બરાડો પાડ્યાનો અવાજ  આવ્યો. અવાજ એટલો  મોટો હતો કે, આખો ડબ્બો ધ્રુજી ગયો. મારી સામે ગોદમાં નાનું બાળક લઇ બેઠેલી સ્ત્રીએ બાળકને ખોળામાં વધારે દબાવતાં પૂછ્યું ‘શું થયું કોણે બુમ પાડી, ઝગડો થયો?’

 

‘ખબર ન..ઇ..!’ બોલતાં ઊભો થયો.અને  અવાજ આવ્યો હતો, ત્યાં જઇને ઊભો રહ્યો. હું જ્યાં ઊભો હતો,એ સીટ પર એક છોકરી બેઠી હતી, મારી સામે જોઇ,છોકરી હસી.મેં ઇશારાથી ‘બુમ કોણે પાડી?’ પૂછ્યું. એણે સામે બારી પાસે બેઠેલા એક પુરૂષ તરફ ઇશારો કર્યો. પુરૂષ બારી બહાર જેઇ રહ્યો હતો,એની પીઠ અમારી તરફ હતી. છોકરીની બાજુમાં  જગ્યા હતી, બેઠો,એટલે   સીંગલ સીટ પર બેઠેલા એક છોકરા તરફ ઇશારો કરી ખુબ ધીમા અવાજે છોકરીએ  કહ્યું ‘એણે એ અન્કલને પૂછ્યું ‘અન્કલ કેટલા વાગ્યા?’ ત્યાં તો બોઇલર ફાટ્યું કાકા મોટેથી બરાડ્યા ‘હું તમારા જેવા મુસલિફોને સમય કહેવા ઘડીઆળ નથી બાંધતો. સમય જાણવાની જરૂર લાગતી હોય તો રાખોને ઘડીયાળ!’ પછી એ પુરૂષની સામે બેઠેલી એક છેકરીને બતાવતાં છોકરી બોલી ‘એણે  એમને પૂછ્યું ‘અન્કલ ક્યાં જવાના?’  અને પહેલા કરતાં પણ મોટેથી કાકા ગર્જ્યા ‘જહન્નમમાં! તારે આવવું છે,ચાલ ટીકીટ હું કઢાવીશ.’

 

આટલી સામાન્ય વાતમાં આટલો ઉકળાટ કરનાર વ્યક્તિ માટે કુતૂહલ જાગ્યું. જઇને એ પુરૂષની બાજુમાં ઊભડક બેઠો. પણ બેસવાના સળવળાટથી એ પુરુષે ડોકી ફેરવી,કાળઝાળ મારી સામે જોયું,અમારી નજર મળી, એ સાથે એમનામાં ગજબનો ફરક પડી ગયો,ચહેરા પર નરમાસ આવી ગઇ,કાળઝાળ આંખો હસી ઊઠી, હું એકદમ ઊભો થઇ ગયો.સહસા મોંમાંથી નીકળી ગયું ‘સાહે..આનં..દ સ..ર તમેએએ..ક ક્યાંથી?!’ અને એ પણ અપલક મને તાકી રહ્યા. ફણા વળી પછી બોલ્યા ‘તુ..તું ક્યાં જાય છે,ક્યાંથી આવ્યો?’ પછી મારો હાથ પકડી મને એમની બાજુમાં બેસાડ્યો.હું  એમને જોઇ રહ્યો.

 

એ આનંદ સાહેબ હતા. એક સમયના અમારી કંપનીના મેનેજર. એમના હાથ નીચે મે ખાસાં વરસ કામ કર્યું હતું.  એમના  હાથ નીચે બીજા પણ ખાસા કર્મચારી હતા, પણ અમારા બે વચ્ચે મનમેળ હતો. અમે રિસેસમાં કે,રજાના દિવસે અચુક મળતા. સાહેબ સ્વભાવના નિખાલસ,મળતાવડા હતા. બધા સાથે હસીને વાત કરતા. આટલાં લાંબાં વર્ષો મેં એમની સાથે કામ કર્યું હતું,પણ કદી એમને અમથાય કોઇ સાથે ગુસ્સે જોયા ન હતા.અને ‘આજે  સામાન્ય વાતમાં આટલા ઊકળી કેમ ઊઠ્યા હશે?’ પ્રશ્ન મનમાં ગુંચવાતો હતો.વળી એ વખતના આનંદ સાહેબ,અને આજના આનંદ સાહેબમાં ખુબ ફરક લાગતો  હતો. મેનેજરથી એ વખતના આનંદ સાહેબ,સૂટ,બૂટ,ટાઇમાં સજ્જ રહેતા હતા. અને આજે કોથળા  જેવું પેન્ટ, સામાન્ય  બુશર્ટ, લઘરવઘર લેબાસ જોઇ,માનવામાં આવતું ન હતું એ અમારા એક વખતના મેનેજર આનંદ સાહેબ હશે.

 

એમને ત્રણ દીકરીઓ હતી. છોકરીઓની વાત નીકળ‌તી ત્યારે આનંદ સાહેબ,હસતા હસીને કહેતા ‘છોકરાની આશાએ અમે ત્રણ દીકરીઓ ભેગી નથી કરી, પણ ઇશ્વરે આપ્યું એ કશા વસવસા વગર સ્વીકારી લીધું. અને અમે તો,માનીએ છીએ કે, નસીબવાળાના ત્યાં દીકરી જન્મ લે છે.’ હું ભોઠો પડી જતો,મારે એક માત્ર પુત્ર હતો. નિવૃત થયો એ પછી મારી પત્નીનું અવસાન થઇ ગયું, દીકરો વહુ પાસેના શહેરમાં રહેતાં હતાં. બંનેને  નોકરી હતી,એમને બે વરસનો દીકરો હતો. દીકરો અને વહુ આવ્યાં ‘પપ્પા હવે તમે એકલા પડ્યા,કશું થઇ જાય તો,અમને કોણ જણાવે, અમે પાસે હોઇએ  તો,સારવાર પણ થઇ શકે.’ કહી મને એમની પાસે  લઇ જવા આગ્રહ કર્યો, મારૂં જે કંઇ હતું,ઘર અને બીજું બધું વેચી સાટી, દીકરા-વહુના ચરણે ધરી દીધું,અને એમની સાથે રહેવા જતો રહ્યો.એમના નાના રોહિત સાથે મારે જબ્બરની દોસ્તી થઇ ગઇ, એની સાથે હાલ મારો સમય પસાર કરતો હતો. પણ ‘છોકરીવાળો બાપ નસીબવાળો’  હોવાની આનંદ સાહેબની વાતથી એ સમયે મેં ભોઠપ અનુભવી હતી.

 

આનંદ સાહેબની ત્રણે છોકરીઓ સુદર,અને ભણવામાં હોંશિયાર હતી. એમને ભણવું હતું,ત્યાં સુધી ભણાવી, પછી સારાં ઘર,વર  મળ્યાં એટલે વારા ફરતી પરણાવી દીધી. મને સહપરિવાર આમંત્રણ મળ્યું હતું.એ પછી થોડા થોડા અંતરે અમે નિવૃત થઇ ગયા, અને અમારો સંપર્ક તૂટી ગયો. એમની પત્ની ઇલા ભાભી વિષે પૂછ્યું,અને મે જાણે એમની દુ:ખતી નસ દબાવી હોય, એમ દર્દમાં કણસી ઊઠ્યા,આંખના ખૂણા ભીના થઇ ગયા, તરડાયેલા અવાજે બોલ્યા ‘હવે નથી રહી, તારી ભાભી.’ મન પર સન્નાટો વ્યાપી ગયો. ઇલા એમની પત્ની એમના જેવી જ નિખાલશ અને ખુલ્લા દિલની હતી. મારી સાથે મનથી વાતો કરતી. એને કશાનું લેશ માત્ર અભિમાન ન હતું. આમ અણધાર્યા એના મોતના સમાચારથી, લાબા સમય પછી આનંદ સર મળ્યાનો રોમાંચ ઓસરી ગયો. ચાની કીટલીથી ચા ખરીદી,ચા પુરી કરી આનંદ સર એમનો અને મારો કપ બારી બહાર ફેંકતાં બોલ્યા ‘ઘણા સમય પછી મળ્યા,બોલ શું છે તારા હાલ?’ અવાચક્  એમને તાકી રહ્યો. ઇલા ભાભીના મોતના સમાચારે  ભીતરમાં હું ખળભળી ઊઠ્યો હતો.કદાચ એમને મારી હાલતની ખબર પડી ગઇ હશે,આથી બોલ્યા ‘નિવૃત થયા પછી,દિવસના ભાગ્યેજ મારી હાજરી ઘરમાં રહેતી. સવારમાં ચા-નાસ્તા પછી તરત નીકળી જતો,પણ જવાનું કશું ઠેકાણું ન હતું,આથી ઘરમાં કશું કહ્યા વગર જતો.તે દિવસે સવારમાં ઘેરથી નીકળ્યો ત્યારે ઇલા સુઇ રહી હતી,છોકરીઓને વળાવી પછી,એમની જુદાઇનો સદમો એને વધારે દાખવી ગયો હતો, એમાં અમારી સૌથી નાની પ્રથા, ખુબ વહાલી હતી. એને પરણાવી, એના ઝુરાપામાં  ઇલાએ ખાટલો ઢાળ્યો, ખાવાપીવાનું અને હરવા ફરવાનું ઓછું થઇ ગયું,દિવસનો મોટો ભાગ પથારીમાં પડી રહેતી. ડોેકટરને બોલાવ્યા ડોકટરે તપાસી ‘કંઇ નથી. થોડું ટેંપરેચર છે, આ ઉમરે આ સામાન્ય છે,કશી ચિતા જેવું નથી.’ કહ્યું દવા-ગોળી આપી. પણ કશો ફરક ના પડ્યો. એ દિવસે  કામવાળી ઉષાબાઇને ઇલાની ભાળવણી સોંપી, નીકળી ગયો,પાછો આવ્યો ત્યારે ઉષાએ રડતાં રડતા મને ઇલાના મોતના સમાચાર આપ્યા.ઇલા મને છેતરી ગઇ. અમારી ઘર ઘરની રમતમાં ઇલાએ  રમત વહેલી આટોપી લીધી,અને...’ બોલતાં આનંદ સરનું ગળું ભરાઇ આવ્યું,આંખના ખૂણા ભીના થઇ ગયા.એમના બરડે હાથ પસારી મેં સાંત્વન  આપવા પ્રયત્ન કર્યો.

 

શહેરના ધનાઢ્ય વિસ્તારમાં આનંદ સરનો બે માળનો સુંદર બંગલો હતો. મોટી મોટી  જાણીતી કંપનીમાં એમનું શેરમાં રોકાણ હતું. એમની અને ઇલાભાભીની મોટી રકમની પૉલિસી હતી,  બેકમાં મોટી રકમનું બેલેન્સ હતું.એ મારી સાથે પેટછુટી વાત કરતા, અને એમની ખાનગી કે સામાન્ય વાતો કરતા,મને આર્થિક મદદ પણ કરતા. હું એમને મારી સમસ્યા જણાવતો,મારા માટે એમને સાચી સહાનુંભૂતિ હતી. આશ્વાસન આપી મને હિમત આપતા.

 

‘ઇલાનો વિરહ કોઠે પડી ગયો.’ આનંદ સર બોલ્યા. ઉષાબાઇ સારી બાઇ હતી,વિશ્વાસુ,અને કામગરી. સમયે મને ચા-નાસ્તો,જમવાનું આપતી. વર્ષોથી અમારે ત્યાં કામ કરતી હતી. એને અમારાથી અને અમને એના કામથી પુરો સંતોષ હતો. સાંજે મને થાળી પીરસી ઉષા એના ઘેર ચાલી જતી. મને કશી અગવડ ન હતી. ક્યારેક મનમાં કશી શૂળ ઉપડે ત્યારે ઇલાના આમકદ ફોટો સામે બબડાટના રૂપમાં  એને ફરિયાદ કરતો. મજા અાવતી,એની સાથે બેઘડી  વાતો કરવાની. મન હળવું થયાનું લાગતું. ઇલાના મોત પછી,જમાઇઓ અને સગાંએ મને બીજું કરી લેવાની સલાહ આપી હતી,પણ ઇલા પ્રત્યેની  ચાહતે મને બીજું કરતાં રોક્યો હતો.

 

એ દિવસે રાતે સુવાની તૈયારીમાં હતો,અને ડોર બેલ રણક્યો,કોઇ દિવસ આ સમયે મારા ત્યાં કોઇ આવતું નથી, અને આ..જે..! વિચારતો ઝડપથી દરવાજે ગયો,બહાર ત્રણે જમાઇઓ  ઊભા હતા. આ સમયે અને ત્રણેને સાથે જોઇ ચમકી ગયો,કશા અશુભ સમાચાર લઇને આવ્યા કે.. વિચારમાં મે એમને અંદર લીધા. બેઠા,નાના જમાઇ પરેશને ફ્રીઝમાંથી ઠંડુ કાઢી પીવાનું કહ્યુ, પણ વચેટ જમાઇ કહે ‘જમીને આવ્યા છીએ,કશાની જરૂર નથી.’ પછી અટકીને બધા પર વારાફરતી નજર નાખી આગળ બોલ્યા ‘આતો ઘણા સમયથી તમારા કશા સમાચાર ન હતા,આથી મહેશ કહે, ચાલોને આજે પપ્પાજીને મળીને ખબર કાઢી આવીએ.’ મહેશ મારા સૌથી મોટા જમાઇ. પછી મારી સામે જોઇ  પૂછ્યું ‘કેમ છે,પપ્પાજી,તબિયત સારી છે? અહીં એકલા રહો છો,ક્યારે શું થાય એ,કહેવાય નહીં,વળી ઘણા સમયથી તમારો ફોન-બોન નથી.. એક એક  અઠવાડિયું વારાફરતી અમારા ત્યાં રહી જતા હો તો? આ ઉંમરે હવે છોડો આ બધી ઝંઝટ. આવી જાવ અમારા ત્યાં.’ વચેટ જમાઇએ કહ્યું. હું કંઇ બોલ્યો નહીં. એટલે મહેશે  પૂછ્યું ‘કામવાળી બાઇ હજુ આવે છે?’ એમના બેહુદા સવાલથી આશ્ચર્યથી એમની સામે જોઇ રહ્યો,એમણે નજર ફેરવી લીધી.‘કામવાળી બાઇને ખોટો પગાર આપવો એના કરતાં આવી જાવ,અમારા ત્યાં. તમને કશી તકલીફ નહીં પડે.’ વચેટ બોલ્યા પછી અટકીને બોલ્યા ‘શેરમાં કેટલું રોકાણ છે,બેક બેલેન્સ કેટલું છે,તમારો કેટલાનો વીમો છે, ચાલુ છે કે, બંધ કરાવી દીધો?’  ‘મમ્મીનો વીમો હતો ને? મળી ગયા એના પૈસા?’ મોટા જમાઇ મહેશે પૂછ્યું.

 

એ સા.. ત્રણે પર ,ગુસ્સો ઘણો આવતો હતો,પણ મારી છોકરીઓના કારણે સયંમ રાખીને બેઠો હતો. ‘તમારૂં કશું નક્કી નહીં. કાલે શું થાય, કોણ જાણે છે?’ વચેટે કહ્યું ‘એક કામ કરો,આ બંગલો વેચી દો,બધા શેર કાઢી નાખો, અને તમારી દીકરીઓને સરખે ભાગે વહેંચી આપો. વીમા પોલિસીમાં તમારી દીકરીઓની સરખે હિસ્સે વારસાઇ કરાવી દો.’ હું ચમકી ગયેો,જમાઇઓ મારી  નહીં,મારી મિલ્કતની ખબર કાઢવા આવ્યા હતા.નાના જમાઇ કશું બોલતા ન હતા. ચુપચાપ બેસી રહ્યા હતા. પ્રથા,મને વહાલી હતી,આથી આ જમાઇ માટે પણ મને વહાલ હતું. મેં એમની સામે જોયું. એ હસ્યા ‘પ્રથાએજ મને મોકલ્યો છે. કહેતી હતી પેલી કામવાળી લાલચી,અને લુચ્ચી છે,પપ્પાને ભોળવી ,બધું એના નામે કરી લેશે. એવું થાય એ પહેલાં જાવ,આપણા ભાગે પડતું  માગી લો.’ ‘પ્રથાએ કહયું?!’ મેં ઊંચા અવાજે પૂછયું પરેશ કંઇ બોલ્યા નહીં.

 

મને જમાઇઓની દાનતનો  ખ્યાલ આવી ગયો,કંઇ પણ બોલ્યા વગર એમને વિદાય કર્યા, જતાં જતાં મોટા જમાઇ  બોલ્યા ‘એક મહિનામાં આ બધું પતાવી દો,નહીં તો તમારી ત્રણે છોકરીઓ અહીં તમારી પાસે હશે.’ મગજ સૂન્ન થઇ ગયું.એ આખી રાત મેં પડખાં ઘસીને પસાર કરી.બીજા દિવસે  મકાન લેવેચનો ધંધો કરનાર દલાલને બોલાવ્યો. તરત બંગલો વેચી નાખ્યો,શેર દલાલને મારી પાસે હતા,એ બધા શેર કાઢી નાખવાની સુચના આપી,બેંકમાં બેંલેસ હતું એ બધું, ત્રણે છોકરીઓને સરખે હિસ્સે વહેચી આપ્યું.એ રીતે બંગલાના વેચાણની રકમ પણ વહેચી દીધી.વીમા પેલિસીમાં ત્રણે છોકરીઓની સરખે ભાગે વારસાઇ કરાવી. અને આ ઝોળો લઇ હું નીકળી ગયો’ બાજુમાં મૂકેલો ઝોળો બતાવતાં આનંદ સર બોલ્યા.

 

 એમની વાત સાંભળી મન ખિન્ન થઇ ગયું. હળવેકથી પૂછ્યું ‘હવે ક્યાં રહો છો? ભાડે ઘર રાખ્યું, દીકરીના...’ ‘નથી ભાડાના ઘરમાં રહેતો,નથી કોઇ દીકરીને ત્યાં.’ મને અટકાવી એ બોલ્યા.‘ રખડતો ફરૂં છું. સરનામા વગરની ટપાલની જેમ,દીવસો સુધી ટ્રેઇનમાં ફરૂં છું,ટ્રેઇનથી કંટાળું એટલે હોટલમાં થોડા દિવસ કાઢું,હોટલથી ધરાવો આવી જાય, એટલે કોઇ ધર્મશાળા,તીર્થધામને સહારે થોડા દિવસ ખેંચી કાઢું છું. સરનામા વગરની ટપાલ,એક સ્થળેથી બીજા સ્થળે ફંગોળાય એમ હું અહીંતહીં રઝળું છું.

 

‘હમણાં બુમ તમે પાડી હતી?’ મેં પૂછ્યું. ક્ષણ મારી સામે જોઇ રહ્યા ‘હાઆઆ..!’ દબાતા અવાજે એ બોલ્યા ‘હવે મને કોઇની પર ભરસો નથી રહ્યો. મારાંએ મને ઘરબાર વગરનો કરી નાખ્યો,પછી પરાયાંનો શો વિશ્વાસ? સમય પૂછીને કે,મારા જવાના સ્થળ વિષે પૂછીને શી ખાત્રી મને લુટી લેવાની  એમની સાજીશ ના હોય?’

 

મને ઇચ્છા થઇ, સાહેબને કહેવાની ‘ચાલો મારા ઘેર.’ પણ પછી મને મારી સ્થિતિનું ભાન થયું હું પોતે હાલ દીકરાના સરનામે  હતો, મારૂં પોતાનું સરનામું ખોઇ બેઠો હતો. કાલે  દીકરા-વહુને મારી સાથે કશું વાંકું પડે તો,મારી હાલત પણ આનંદ સાહેબ જેવી,સરનામા વગરની ટપાલ થઇ જાય.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ